Readers

Friday, March 11, 2022

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના " વિષય વિષે.



 

                                        ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના " વિષય વિષે.

               એ વાત નિર્વિવાદ છે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની સહુથી પ્રાચીન સંસ્કૃતિ છે.આપણી પાસે ભવ્ય વારસો છે. તેમાં સૌથી ગણમાન્ય વારસો તે આપણા વેદ.વિદ્વાનોએ સંહિતા,બ્રાહ્મણ,આરણ્યક અને ઉપનિષદ ,આ ચારેયની મેળવણીને સમગ્ર વેદ કહેલ છે.વેદનો સર્વોચ્ચ ભાગ તે ઉપનિષદ.ઉપનિષદ એ આત્મજ્ઞાન કે બ્રહ્મવિદ્યા તરફ  લઇ જાય છે..પ્રમુખ ઉપનિષદોમાંથી ઘણો જીવનરસ પામી શકાય તેમ છે..

             શિક્ષણ એટલે જીવનને ઉર્ધ્વગતિ તરફ લઇ જવું.’- ઉપનિષદમાં આ જ વાત છે ક્યાંક ગુરુ શિષ્ય સંવાદમાં તો ક્યાંક આદેશ તો ક્યાંક સૂચન કરીને જીવનલક્ષી માર્ગો સૂચવ્યા છે.ખાસ તો વર્તમાન શિક્ષણની માત્ર ' રોટી માટે ના શિક્ષણ' ની ગ્રંથિથી ઉપર જઈને કશુંક પ્રાપ્ત કરવાની દિશા ઉપનિષદોમાં છે.

         ગુરુ -શિષ્ય પરંપરા પ્રાચીન ઉપનિષદ કાળમાં પણ હતી અને આજે પણ છે.પણ બંને કાળની સ્થિતિમાં આસમાન જમીનથી પણ વધારે અંતર દેખાય છે.પ્રાચીન પાસે ગુરુ સંદીપનીના આશ્રમમાં સેવા કરતો બાલકૃષ્ણ છે તો આજે  કોર્ષ ઘટાડવાના બેનર લઈને શાળા દ્વારે ઉભેલો શ્યામલાલ છે  નવ વર્ષના બાળવયથી આશ્રમમાં જ રાખી,પૂર્ણ માનવ બનાવવાં સુધીનું સંગોપન કરી માતા -પિતા અને સમાજને સોંપતા ગુરુઓ તે સમયે હતા તો આજે કમ્મરતોડ શાળા અને ટ્યુશન ફીમાં વાલી નીચોવાઇને આખરે શું મેળવે છે ?  આ એ જ ભારત છે જ્યાં એક સમયે અર્જુન અને દ્રોણઃ હતા ને આજે વિદ્યાર્થી -શિક્ષકમાં પરસ્પર કેટલો નિષ્ઠા અને ત્યાગ ભાવ  હશે ? શિક્ષણ એ માત્ર શાળામાં જ હોય તેવું નથી .એ તો જીવનની આજીવન પ્રક્રિયા છે.શિક્ષણનો અર્થ જ મર્યાદિત થયો છે .તેનો અર્થ સંકોચ થયો છે.ઉપનિષદ એ વાત જ નિર્દેશ કરે છે.કે પોતાનામાં રહેલાં તત્ત્વને ઓળખી ને તેને ઉર્ધ્વ દિશામાં લઇ જાવ. પ્રત્યેક ઉપનિષદ ચોક્કસ સંદેશ લઈને આવે છે.

          આજે સામાન્યજન પાસે તો ઉપનિષદો માટે ફક્ત આદર જ રહ્યો છે.બે ચાર ઉપનિષદના નામ અને કદાચ બે ચાર મંત્રોની ખબર હોય. રાષ્ટ્ર પર અગાઉ થયેલાં પરદેશી આક્રમણો અને પછી પરદેશી પ્રભાવ  છતાં આપણા અમૂલ્ય વારસાને જનસામાન્ય સુધી પહોંચાડવામાં ને તેનું સહજ વિશ્લેષણ કરવામાં ખુબ જ વિદ્વાનોને પ્રદાન કર્યું છે. તેમનું ઋણ યાદ કરવું જ પડે. .

            " પંડની પેટીમાં પડ્યો પારસ ,વાપરી જાણે તે નર બડભાગીયો." એટલે જ વર્તમાન શિક્ષણ વિચારમાં ઉપનિષદના દૃષ્ટિકોણ ઉમેરાય.-ઓળખાય અને જનસામાન્ય સુધી પહોંચે તે ઉદ્દેશ્યથી આ વિષે લખવાનું સાહસ કર્યું છે. શિક્ષણના મૂળભૂત હેતુઓ,શિક્ષણની પાયાની પદ્ધતિઓ ,બાળ જિજ્ઞાસા ,શીખવાની પ્રક્રિયાનું સાચું સ્વરૂપ આદર્શ રીતે સાચા અર્થમાં  કેવું હોવું જોઈએ તે ખંખોળવાનો પ્રયાસ છે.ઉપનિષદ વિચારથી,જીવનલક્ષી શિક્ષણ માટેની જીજીવિષા આત્મવિશ્વાસ ,પહેલવૃત્તિ જેવા દૃષ્ટિકોણ પેદા થાય.ખાસ તો આપણા સહુમાં આપણા જ વારસા  માટે  ચોક્કસ વિશ્વાસ દૃઢીભૂત થાય. શિક્ષણવિદો કશુંક અમલીકરણ કરવાની દિશામાં જાય અને આવનારી પેઢીને શોધનો  એક નવો રસ્તો પણ કદાચ મળે એ મુખ્ય ઉદ્દેશ્ય લખવાનો છે .

            આપણા સદ્નસીબે આદ્યં ગુરુ શંકરાચાર્ય,રાજા રામ મનોહરરાય ,મહર્ષિ અરવિંદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન, શ્રી રામશર્માજી, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી, મેક્સમૂલર જેવા અનેક ચિંતકોએ તેના ભાષ્ય, સમીક્ષા અને અનુવાદ આપણી સામે મુક્યા છે અને તેથી આપણે કશુંક પામી શકીએ છે .આપણી મૂળભૂત અસ્મિતાને જાળવી શકીએ છીએ.છેવટે સ્મરણ કરી  ગૌરવ પણ લઇ શકીએ છીએ. અહીં બે શબ્દો લખીને એમના પ્રત્યેનો  નાનો અહોભાવ પણ પ્રગટ કરવાની તક લઇ લેવી છે.  વિશાળ રત્નાકરમાંથી ભરેલી એકાદ અંજલિ કે ઘેઘુર વનરાજીમાંના લીધેલાં એકાદ તણખલાં જેવો  આ સ્વાંત સુખાય આ પ્રયાસ છે.

દિનેશ લ. માંકડ

M. 9427960979

mankaddinesh1952@gmail.com

No comments:

Post a Comment