Readers

Saturday, March 19, 2022

યાત્રા 30-- અણધારી વિદાય અતુલ્યભાઈની.

 

યાત્રા 30-- અણધારી વિદાય અતુલ્યભાઈની.

           નામ પ્રમાણે ગુણ ક્યારેક બને.પણ અતુલ્યભાઈ (સાળા) ના કિસ્સામાં ચોક્કસ બન્યું છે. સામાન્યરીતે કોઈપણ પરગજુ વ્યક્તિ પરિવા,જ્ઞાતિ,સંસ્થા અને સમાજને જરૂર ઉપયોગી થાય..કોઈક સૂચન અને સાથ આપીને મનથી તો કોઈક હાથ પગચલાવીને તનથી સેવા કરે તો કોઈક વળી આર્થિક રીતે ઘસાઈને સહાય કરે પણ અતુલભાઈ તો તન,મન અને ધન એકેયમાં પાછા ન પડે.તેમની છઠ્ઠી ઇન્દ્રિય સતત જાગૃત હોય.ક્યાં અને શું ખૂટે છે તેની ખબર વ્યક્તિને પડે તેના પહેલાં તેમને પડે. પછી તે સમસ્યા કોઈપણ પ્રકારની હોય,પાછું વાળીને જોવાનું જ નહિ.લાગી જવાનું ઉકેલની દિશામાં.પોતાને પગની, થોડી મણકાની વગેરે તકલીફ હતી પણ કોઈની સમસ્યા ઉકેલની ચિંતા હોય તો તે આ પીડા ભૂલી જાય.પ્રસંગ કે સમસ્યા ગમે તેટલાં અંતરે હોય ગામમાં કે બસો ચારસો કિલોમીટર દૂર,અતુલભાઈ પહોંચે જ.ઉંમર અને તકલીફો વધવા છતાં તેમની સેવાભાવના ઘટવાને બદલે વધતી ચાલે. ચહેરા પર ન થાક કે ખચકાટ..ન જુએ દિવસ કે રાત. જાતે એકેય વાહન ન ચલાવી શકે તો રીક્ષા અને ટેક્સીવાળાને 24*7 તહેનાતમાં રાખે પણ કોઈનું કામ અટકવું ન જોઈએ.. બેન્ક અધિકારી તરીકેની નિષ્ઠા પણ એટલી જ.નિયમમાં રહીને જેને જેટલું ઉપયોગી થવાય તેટલું થવામાં કદી પછી પાની ન કરે .એની સાક્ષી એમની વિદાય  પછી પણ પુરાઈ. ગ્રામ્ય વિસ્તાર બાંટાઇ હોય કે ખંભાળિયા ,કેશોદ રાજકોટ ,મુન્દ્રા માધાપર -પ્રત્યક્ષ કે પરોક્ષ એમને ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો.

       દ્વારકા બેન્ક અધિકારી હતા ત્યારે તો એમનામાં શામળિયો આવી વસ્યો.બહોળા -બૃહદ પરિવારને દ્વારિકાધીશના એટલી વખત દર્શન કરાવ્યાં કે સહુના હૃદયમાં એ મૂર્તિ સદાયને માટે સ્થાપિત થઇ ગઈ છે.મિત્રો હોય કે મિત્રોના મિત્રો,દૂર દૂરના જાણીતા પણ દ્વારકા આવે તો પોતાના સ્વજન સમજીને પાદુકાપૂજનથી માંડીને અદભુત દર્શન અને બીજી સુવિધા કરાવી આપે..દેશભરમાંથી ઉચ્ચ અધિકારી કે પ્રતિષ્ઠિત સમાજસેવક ,પ્રધાન પણ આવે તો સ્વજનની જેમ છતાં સ્વાર્થરહિત સાથે રહી સુવિધા પુરી પાડે..તેર્મની દ્વારિકાધીશ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા એટલે શ્રદ્ધાના ભાવરૂપે વારંવાર ધજા ચડાવી અને તે પણ બહોળા પરિવારને સાથે રાખીને.એક વાર તો મનમાં વિચાર ઉદ્ભવ્યો કે ભુજના કેટલાય નિકટ સ્નેહીઓ તો ક્યારે આ લાભ મેળવે ? ભુજથી આખી બસ તૈયાર.દ્વારકામાં રૂમો,ભોજન અને અન્ય સુવિધા તૈયાર અને ધ્વજારોહણ ખરું જ..

          હાટકેશજન માટે એમને સ્મરણાંજલિ આપવાની વિગતમાં મારાથી લખાયું "શ્રવણ પુત્ર" .મેટર મોકલતા

પહેલાં તંત્રી શ્રી રસેન્દુભાઈને ફોન કર્યો. તેમનો ઉત્તર વાંચવા જેવો છે," પુરાણના શ્રવણની વાત તો વાંચી પણ સાચો શ્રવણ તો અતુલભાઈમાં પ્રત્યક્ષ જોયો છે." તેમની બદલી દ્વારકા થઇ કે તરત માતાપિતા ( મુ.કુમુદભાઈ અને કુંજલતાબહેન ) ને ત્યાં લઇ ગયા.વારંવાર દ્વારિકાધીશના દર્શન કરાવવા અને સતત ધાર્મિક વાતાવરણમાં તેમના ઉત્તમ દિવસો પસાર કરાવ્યા.તેમની બદલી અન્યત્ર થતાં વડીલો કેટલોક સમય ગાંધીનગર રહયાં ને ત્યાંથી વતનની સ્મૃતિ વાગોળવા ભુજ રહયા.અતુલભાઈ રાજ્યના ગમે તે સ્થળે ગમે તેટલા દૂર હોય શનિ રવિ કે એક દિવસ ની રજા હોય તો ભુજ જ હોય.

      .2013 માં નિવૃત્ત થયા.હવે એક જ લક્ષ્ય માબાપની સેવા. એમને દરરોજ ઈચ્છા મુજબ ફેરવવાં.ભુજનો બહોળો પરિવાર, વડીલો પાસે વારંવાર આવે તો સહુની દિલથી આગતા સ્વાગતા ને વડીલો કોઈને કોઈને ઘેર જાય તો સતત તેમની સાથે સાથે.એમાંય માતુશ્રી કુંજલતાબેન તો વધુવાર પડયાં.ફેક્ચર થયાં આખરે ડોક્ટરે તો આ ઉંમરે શસ્ત્રક્રિયા નહિ કરાવવાની સાચી સલાહ આપી.એટલે એ થયા પથારીવશ. સેવા વધી પણ બકુલાબેનનો પૂરો સાથ.ને અતુલભાઈનો માતૃપ્રેમ.પુરા છ થી વધારે વર્ષમાં ક્યાંય ઓછપ ન આવવા દીધી.એટલે સુધી કે બંનેની મંદિર,નાકાબહાર કે સગાં સ્નેહીને ઘેર જવાનું તો ચાલુ  જ રહ્યું.વહીલચેરમાં કુંજલતાબેન,અતુલભાઈ તે ચલાવે  અને બાજુમાં લાકડી ટેકે કુમુદભાઈ સાથે ચાલે.આ ક્રમ એક બે દિવસ નહિ પણ દરરોજનો.અને તે પણ પુરા આદરભાવે અને હસ્તે ચહેરે. કુંજલતાબહેને એમના જ ખોળામાં વિદાય લીધી.અટુલા પડેલા કુમુદભાઈને પણ વિશેષ કાળજીથી સાચવ્યા.એમને પણ વય અનુસાર પગ વગેરેની તકલીફો થાય.અતુલભાઈ કાયમ ખડેપગે.એ પણ સમયાંતરે વિદાય થયા.

         બંને દીકરીઓને ખુબ સરસ સાસરાં મળ્યા એટલે પોતાના અને દીકરીઓના શ્વસુર પક્ષે પ્રગાઢ અને પ્રસન્નીય સંબંધો રાખીને રહયા.સહુના આયોજન ને અગવડને પોતાના સમજીને ચાલે. પરિવાર પ્રેમમાં તો એમની તોલે કોઈ ન આવે.પોતે તો સતત સહુ સાથે સંપર્કમાં હોય જ.વડીલો પાસે દરરોજ બધાને ફોન કરાવવાનો- ખબરઅંતર પૂછવાનો નિત્યક્રમ શરુ કરાવ્યો.તે એટલે સુધી કે વડીલોના ગયા પછી પણ પોતે તે અચૂક જાળવી જ રાખ્યો.ફોનમાં પરિવારના બધા સભ્યો સાથે વ્યક્તિગત વાત કરવાની. બે વર્ષની પૌત્રી પરાર્ઘ્યા ને 'જય દ્વારિકાધીશ ' બોલતાં આવડ્યું એટલે વિદાયના આગળ દિવસ સુધી તેની સાથે પણ સંવાદ થયો.એ સ્મૃતિ કેમ ભુલાય? 

          એમનો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો અનહદ પ્રેમ પણ અવર્ણનીય છે.ભુજની મતદાર યાદીમાં નામ.ચૂંટણી વખતે જૂનાગઢ.નોકરી.મતદાન કરવા બંને ચારસો કિલોમીટર સમય, નાણાને અગવડનો વિચાર કર્યા વગર મતદાન કરવાં ભુજ આવ્યાં.નરેન્દ્રભાઈ માટે અનેક માનતા માને ,વિશેષ પ્રાર્થના કરે.કોઈપણ ચેનલ્સ પર જ્યા નરેન્દ્રભાઈ બોલવા આવે કે તે જાતે સભામાં હોય એટલા ઉમંગથી સાંભળે ને મારા જેવા અનેક ને ખાસ ચુકી ન જવાય તેવો આગ્રહ કરીને સાંભળવા ફોન પણ કરે.આ પણ અચૂક અને સતત.નરેન્દ્રભાઈ માટેની એમની શ્રદ્ધા એટલી કે કોઈ મોટી સમસ્યા,બનાવ કે પરિણામ જુએ ત્યારે તેમનો જવાબ એ જ હોય ,' ચિંતા ન કરો .બધું બરોબર થઇ જશે.'

           .અતુલભાઈની ધર્મશ્રદ્ધા અતૂટ .બધાં વર્ષમાં ભાગ્યે જ થોડા દિવસ એવા જતા હશે કે તેમને ચંડીપાઠ ન કર્યો હોય.મુસાફરીમાં હોય કે કોઈ સ્વજનને ઘેર હોય ,વિશેષ શુભેચ્છા સાથે એ પૂર્ણ કરે.કૌટુંબિક રીતે કોઈને પણ ક્યાંક અગવડ હોય તો માં જગદંબાને વિશેષ પ્રાર્થના કરે.જ્ઞાતિ આયોજિત મોટાં અંબાજીની રાત્રિપૂજામાં પણ હવે સામેલ થતા. ગંગાસાગર વગેરેનો પ્રવાસ આયોજન થયો.જોડાયા તો ખરા સાથે સાથે પોતાના ઉદાર અને હસમુખા રમુજી સ્વભાવે અતિ લોકપ્રિય બનાવ્યા. જ્ઞાતિ મિત્રો કાશ્મીર પ્રવાસનું  આયોજન કરતા હતા.પ્રવાસ વિશેષ સારો થાય એટલે વયમર્યાદા સાઈઠ વર્ષ બાંધી.અતુલભાઈ તો હતા 68 વર્ષના.સહુ કહે ,'અતુલભાઈ વગર પ્રવાસ થાય જ કેમ ? ' અને અતુલભાઈ જોડાયા. પ્રવાસને ખુબ માણ્યો.ડિસેમ્બરમાં કાશ્મીર અને અંગે ગરમ કપડાં ન અડાડવા નો કોઠો .એમની તરત સૂઝતી હળવી રમૂજોને લીધે સહુ પ્રવાસીઓ એટલા તો આનંદિત રહેતા કે તેમની આસપાસ જ ગુમ્યા કરે.15 મી ડિસેમ્બરે ( 2021 ) તેમનો જન્મદિવસ.તેમની લોકપ્રિયતામા ઓળગોળ થયેલાં સહુએ તેમને સરપ્રાઈઝ આપી..કેક લાવ્યા અને પ્રવાસ દરમિયાન શ્રીનગરમાં તેમનો જન્મદિવસ ઉજવ્યો.આ તો અતુલભાઈ." મારો આટલો ભવ્ય જન્મદિવસ ઉજવ્યો તેના માનમાં ભુજ જઈને મારા તરફથી ભોજન સમારંભમાં તમારે સહુએ જમાઈઓ સહીત આવવાનું છે." અને ભવ્ય ભોજન સમારંભ થયો પણ ખરો.

         તાજેતરનો  એક અંગત અનુભવ ટાંકવાનું મન થાય છે.અમારા બંને ( હું અને રંજના ) નું ગોકુલ મથુરા આગરા ઘણા વખતથી બાકી રહેતું હતું. ટિકિટ,હોટલ બુક થઇ એટલે સહેજે રાત્રે ફોનમાં અતુલભાઈને અમારા જવાની જાણ કરી.તેમની એક અઠવાડિયાં પછીની કાશ્મીર ટિકિટ હતી એટલે આગ્રહ કરવાનો સવાલ જ નહોતો.પણ અમારા ફોન મુક્યાની થોડી મિનિટોમાં વળતો ફોન આવ્યો," ટિકિટ મળે તો તમારી સાથે આવીશું."- પાર્થે ટિકિટનો પ્રયત્ન કર્યો ને મળી પણ ગઈ.ત્રણ દિવસનો તેમની સાથે પ્રવાસ અમારા માટે સોનામાં સુગંધ બરાબર બન્યો.( વર્ણન અલગ પ્રવાસ વર્ણનમાં છે )   

          ફેબ્રુઆરી,2022 ની મધ્યમાં ફોન આવ્યો.' થોડા દિવસ અમદાવાદ દોહીત્રીને રમાડવા આવીએ છીએ. સમય મળશે તે રીતે તમારી પાસે પણ આવી જઈશું.'.19 મી એ અમારે એક રિસેપશનમાં મણિનગર જવાનું હતું.તો મોડેથી આવ્યા ને મોડે સુધી રોકાયા.કાશ્મીર પ્રવાસની વાતો થઇ. રવિવારે ગાંધીનગર મુકેશભાઈને ઘેર અને અન્ય દિવસોમાં અન્ય નિકટના સ્નેહીઓને ઘેર જઈ મળ્યા. જાણે જતાં પહેલાં બધાંને મળવા આવ્યા હોય!

        24મી ફેબ્રુઆરીએ રાત્રે ફોનમાં, મેં ફરી એકવાર ઘેર આવવાનો આગ્રહ કર્યો પણ -' હવે એક દિવસ ઘરમાં.'- કહ્યું. 25 મી સવારે પાંચ વાગ્યે મોબાઈલની રિંગ વાગી.,પુત્રી જીજ્ઞાને કહ્યું , પાર્થને આપો ' પાર્થે ફોન લીધો.108ના ડોક્ટરે જ ઉત્તર વાળ્યો, ' હવે તેઓ નથી.'- હતપ્રભ સ્થિતિમાં મુકાયાં.માની ન શકાય તેવું છતાં હકીકત હતી.કલ્પી ન શકાય છતાં હકીકત હતી.ભુજ લઇ ગયા ભુજ પણ સ્તબ્ધ બની ગયું હતું.કોઈ બોલ્યું,'સ્વર્ગધામમાં કોઈની વિદાય વખતે 40 વર્ષ પછી આટલી ભીડ અને આટલી ગમગીની જોઈ.'

         જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ. તિથિ ,સમય ઈશ્વર નક્કી કરે છે .પણ કેમ જીવવું તે આપણે  નક્કી કરવાનું હોય છે.જ્હોન ગંથરએ પોતાના પુસ્તક Death be not Proud ( મૃત્યુંજય ) માં લખ્યું છે ,' કેટલું જીવ્યા તે કરતાં કેવું જીવ્યા ,તે મહત્વનું છે.'- એટલે જ અતુલભાઈની વિદાય વેળા સહુના હોઠે એક જ શબ્દ હતો 'જીવી ગયા.'   

દિનેશ.લ. માંકડ ( 9427960979 )

અન્ય લેખ વાંચવા ક્લિક કરો mankaddinesh.blogspot.com 

No comments:

Post a Comment