સહયાત્રીઓ -1 - અડીખમ અશ્વો
તમારી યાત્રાને સરળ ,સફળ અને આનંદદાયક
બનાવવામાં જો કોઈનો મોટો ફાળો હોય તો તે સહયાત્રીઓ નો જ હોઈ શકે.યાત્રા શ્રેણીનો આ નવો વિભાગ સંહયાત્રીઓના સ્મરણનો છે. દાદા વૈજનાથભાઈ લાલજી
માંકડ,કચ્છ રાજ્યના 'એકાઉન્ટન્ટ
જનરલ' હતા. દાદીનું નામ જયાલક્ષ્મી. એ ભનુડીબેન
કહેવાતાં.મારા જન્મ પહેલાં જ એ બંને સ્વર્ગલોક પામેલાં એટલે એમના વારસાઈ ગુણો, તો શબ્દના સથવારે
જ મળ્યા. પિતાશ્રી લક્ષ્મીલાલભાઈ સૌથી મોટા પુત્ર. તેમને અન્ય ત્રણ ભાઇ અને બે બહેન. જશભાઈ ( જયસુખલાલ ) કાકા અને ઈશ્વરલાલકાકા
યુવાન વયે વિદાય લઈ ગયેલા. નાના મણીફઈ પણ
એમના જ માર્ગે ગયેલાં એટલે પિતાશ્રીએ
સ્વપરિવારને સાચવવાની સાથે સાથે અન્ય ભાઈઓ જશભાઈ કાકા ,નાના શુશીલકાકાના
અને બહેન પુષ્પાફઈના પરિવારને
માર્ગદર્શન આપવાનું થતું.
ભાઈએ દાદાનો ભુજના ખુબ પ્રાચીન શિવમંદિર કલ્યાણેશ્વરની નિયમિત પૂજાનો વારસો
અચૂક જાળવી રાખ્યો.ભુજ હોય ત્યારે એક પણ દિવસ ચુક્યા વગર સવારે પાંચેક વાગ્યે ઉઠી
શિવનામી ,પૂજા કમંડળ લઈને પહોંચી જ જવાનું રુદ્રાક્ષ માળા અને શિવનામી સજ્જ .'કલ્યાણેશ્વર ભક્ત
મંડળ ' જયારે પૂજા પછી જયારે આરતી કરતુ હોય ત્યારે નિજમંદિરમાં કોઈ ચમ્મર ઢાળતું હોય તો શંખનાદ કરતુ હોય.આરતી પછી ઘેઘુર અવાજે
સમૂહમાં શિવસ્તોત્ર ગાય .આ દૃશ્ય હજુ આંખ સામે છે ! શ્રાવણમાસમાં અમને ભાઈઓને પણ
એમાં જોડવાનો અદભુત લહાવો મળતો.
.માતા મંજુલબેન જેને અમે ‘મોટીબેન’ કહેતા,અંજારના વિખ્યાત ડોક્ટર હિમતરામ નારાણજી અંતાણી
( બાવાભાઈ ) ના મોટાં પુત્રી.તેમનો જન્મ આફ્રિકામાં થયેલો. ભાઈઓ ઝંડુભાઇમામા (ડોક્ટર ),રુદ્રપ્રસાદમામા ( સરકારી અધિકારી ),નવલભાઈમામા ( પશુ ચિકિત્સક ) અને બહેન શારદામાસી. માતુશ્રીએ સમૃદ્ધ પરિવારમાંથી ઉચ્ચ મધ્યમ પરિવારમાં લગ્ન છતાં સંસ્કાર અને
શ્રદ્ધાના સથવારે પોતાના પરિવારને સમૃદ્ધ કર્યો.
અમે ચાર ભાઈ અને ત્રણ બહેન.. મોટીબેનની પણ શ્રદ્ધા ટોચની જ. સામાન્ય અભ્યાસ છતાં
તત્સમયના નાગર પરિવારના ઘર સંસ્કારને લીધે વિષ્ણુ સહસ્રનામ .શક્રાદય ,મહિમ્ન તો એમના
હોઠે નિયમિત ચાલતું જ હોય.ભાઈની નોકરી પ્રવાસની હોઈ, બધાં બાળકોને
તૈયાર કરી નિયમિત શાળાએ મોકલવાંથી માંડી ને શરૂના વર્ષોમાં ઘરની ગાયની પણ સંભાળ
લેવાની.
માતા વિષે લખવા કરતાં અંગત અનુભૂતિ જ વિશેષ હોય.એના વર્ણન ન હોય. માતા
મોટીબેનના પરિશ્રમની તો વાત જ ન થાય.દર વેકેશનમાં ઘર, પરિવારથી ભરાય,પણ ક્યારેય ન
થાકે.દેવદર્શન અને કથામાં ખુબ નિયમિત. વ્યવહાર
સાચવવામાં ચોક્કસ અને ઉદાર પણ .ઘરમાં કોઈ આવવાનું બાકી
હોય તો વાટ જોઈને જ જમે.હું જયારે જયારે બહારથી આવું ત્યારે અચૂક દરવાજામાં મારી રાહ જોતાં જ બેઠાનું દૃશ્ય આંખ સામે જ
છે.બે ચાર મિનિટ મોડું થાય તો પ્રશ્નોની ઝડી વર્ષે પાછલાં વર્ષોમાં તબિયત બગડી પણ
પોતાના કામ અને મહાલક્ષ્મી મંદિર જવાનો ક્રમ ન જ તૂટે.
પિતાશ્રી, જેને અમે 'ભાઈ' કહેતા,મહેસુલ ખાતાંના
નિષ્ઠાવાન કર્મયોગી. શરૂમાં ધ્રૂ ,તલાટી ,સર્કલ ઇન્સ્પેક્ટર અને પછી સેલટેક્ષ રિકવરી ઓફિસર તરીકેની
દીર્ઘ સરકારી સેવા આપી. મહિનામાં વીસ દિવસ પ્રવાસ રહેતો સવારે ઉઠીએ ત્યારે
ધોતિયાંનો કછોટો મારી, ઉપર પાટલુન પહેરતાં જોઈ અમે સમજી જતા કે 'આજે ભાઈ 'ડીસ્ટ્રીકટ 'માં જાય છે. નોકરીની નિષ્ઠા તો એમની પાસે જ શીખાય.જમીનોની અટપટી
સમસ્યાઓમાં દસ્તાવેજોની અતિશય ચોકસાઈ વખતે કેટલીયે વાર અદાલતી કિસ્સાઓમાં તરફેણ
સરકારની તરફે -સત્યની જ રહે. તેમના પગ ,આખા કચ્છ જિલ્લાની જમીનને ખૂંદી વળેલા છતાં
પોતાના નામે એક પણ જમીન કે મકાન નહિ, એનો અફસોસ નહિ
પણ ગૌરવ છે.સેલટેક્ષ રિકવરી ઓફિસર તરીકેની ફરજ વખતે એકવાર ભુજના ખુબ મોટી વગ વાળા રાજકારણીની મિલકતની જાહેર હરરાજી ,પોલીસ ફોર્સને
સાથે રાખીને કરેલી,એ યાદ છે.
તત્સમયના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઈ ભુજની મુલાકાતે આવ્યા. કલેક્ટર
શ્રી હરિભાઈ છાયા ( IAS ) હતા .યોગાનુયોગ બીજે દિવસે શ્રાવણ સુદ પૂનમ હતી. શ્રી હિતેન્દ્રભાઇએ જનોઈ બદલવાની ઈચ્છા વ્યક્ત કરી.શ્રી
હરિભાઈએ, કલેકટર કચેરીના તમામ નાગરોને બોલાવ્યા.પૂજ્ય ભાઈને પણ આ
લહાવો મળ્યો. મુંબઈ રાજ્ય મેટ્રિકના બોર્ડની પરીક્ષા શરૂમાં અઘરી અને કરાચી,પુના કે રાજકોટ જ
અપાતી પછી માંડ ભુજ કેન્દ્ર થયું હશે.તેમણે 49 વર્ષે મેટ્રિકની પરીક્ષા પસાર
કરેલી.જેના સમાચાર કચ્છમિત્ર દૈનિકમાં ફોટા સાથે આવેલા!
1968 માં નિવૃત્ત થયા.પણ એમને ઘેર બેસવું ન ગમે .ત્યારે હું
નવમા ધોરણમાં હતો.અમારા અભ્યાસ અને વિકાસ માટે પણ ને સમય પસાર થાય તે માટે પણ નાના
ભાડિયા કચ્છમાં પ્રાથમિક શાળાના આચાર્યની સેવા સ્વીકારી. મારુ મુન્દ્રા
બી.એડ.કરવાનું આવ્યું. હોસ્ટેલ કે ભાડે ઘર રાખીને પાલવે નહિ. તેમણે મુન્દ્રાથી પંદરેક
કી.મી. દૂર પત્રી ગામમાં સામાજિક સંસ્થા 'પત્રી સર્વોદય
સમાજ' ના મેનેજરની સેવા
સ્વીકારી. હું દરરોજ મુન્દ્રા અપડાઉન કરતો.એક વર્ષમાં
મારુ બી.એડ. પૂરું થયું. થોડા સમય પછી માંડવીના પેટ્રોલ પમ્પ પર હિસાબનીશની સેવા
પણ સ્વીકારી.પછી જથ્થાબંધ વેપારી પાસે હિસાબનીશ રહયા.
ઓછામાં ઓછી જરૂરિયાત અને પૂરો સંઘર્ષ ,છતાં સહજતાથી ,આનન્દ થી શ્રદ્ધાથી પરિવાર સંગોપન કરવો એ એમનો જીવન મંત્ર. સ્વભાવ ખુબ સરળ પણ ક્યાંય ખોટું થતું જુએ તો
જરાય સહન ન કરે.મારુ બી.એડ. પૂરું થતા મને જી.ટી.હાઈસ્કૂલમાં નોકરી મળતાં મેં
પ્રાથમિક શાળાની મારી શિક્ષકની સેવા માંથી રાજીનામુ આપ્યું.’
પંચાયત કચેરી માંથી મારા
પ્રોવિડન્ટ ફંડની રકમનો ચેક લેવાનો થયો.હું ગયો.હેડક્લાર્કએ બહાના બતાવ્યાં ને
કહ્યું, ',મહાદેવ પણ ફૂલ ચડાવો તો રીઝે.' મેં ઘેર આવી વાત
કરી.બીજે દિવસે સીધા કચેરીએ.અને તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં .'તમારા
હેડક્લાર્કને બોલાવો.' અધિકારીએ શાંત પાડી ,વાત સાંભળી ને ઉકેલ લાવવા ખાતરી આપી. ચેક મળી
ગયો.
ભુજમાં હતા ત્યારે તેમનો રોજ પાવડી ( હમીરસર ) નો ભુસ્કો તો હોય જ.એને કારણે
અમે આઠ નવ વર્ષની વયે તરતાં શીખી ગયા જે આજે પણ ( 70 વર્ષ ) ભુલાયું નથી. સ્વામી
શિવાનંદગિરી અહનિક અને વેદાંત પાઠશાળા ના
વ્યવસ્થાપક તરીકે સંસ્થા દ્વારા વ્યાસપીઠ
પર અન્ય આધ્યાત્મિક પ્રવચનો નિયમિત ગોઠવતા.ભુજ આવેલ સ્વામીજીઓ સાથે ફરવા જય તેમની
સાથે ધાર્મિક ચર્ચા કરતા. નાના
બાળકોમાં સંસ્કૃત અને સ્તોત્ર,શાસ્ત્ર પ્રત્યે
આદર ભાવ પેદા થાય તે માટે પાઠશાળા દ્વારા
અનુભવીઓ દ્વારા નિયમિત વર્ગો અને સ્પર્ધાઓના ખાસ આયોજન કરતા.જ્ઞાતિ સંસ્થા માં પણ
થોડી સેવા આપ્યાનું સ્મરણ છે.
બંને ને પાછલાં
વર્ષોમાં શરીરે જયારે સાથ ઓછો આપ્યો ત્યારે પણ બીજાને તકલીફ ઓછી પડે એટલે શક્ય ત્યાં
સુધી કોઈને કહયા વગર તકલીફ વેઠી લેવાની
બંનેની સહનશક્તિની ટોચ હતી.. બધાં જ સંતાનોના લગ્નથી માંડી ને બધા જ પ્રસંગ ખુબ જ
ઉત્સાહ ઉમંગથી અને વ્યવહારસર પાર પડયા. બંનેના ચહેરા પર ક્યારેક સંઘર્ષ કે અગવડ
દર્શાવતી રેખા નજરે નથી પડી કે નથી પડી અસર વાણી વ્યવહારમાં.દરેક વખતે 'હાજરા હજુર ' શબ્દ વાપરીને
કલ્યાણેશ્વર પર પ્રસંગ છોડી દેવાનો.અને હકીકતમા પ્રસંગ સરસ અને સરળ રીતે પાર પડે
જ.
મારો લગ્ન પ્રસંગ પૂર્ણ થયો.હું આબુ ગયો.જાણે મારી રાહ જોતા હોય તેમ આઠમી જૂન
1983 ના સવારે મારુ ઘરની ડેલીમાં પ્રવેશવું ,પૂજ્ય ભાઈનું આવકાર વાક્ય ' આબુ આવ્યું.' -એ એમનું છેલ્લું
વાક્ય હતું.'હરિ ૐ તત્સત ' શબ્દ સાથે
અચાનક જ વિદાય લીધી.અમારે માટે મોટી ખોટ હતી.અવરજવર વચ્ચે શારદામાંસી ,પોતાની મોટીબેન
અને અમારાં ‘મોટીબેન’ ને આશ્વાસન આપવા
રોકાયાં.મોટીબેનનું પૂજ્ય ભાઈ સાથેનું તેમનું ઋણાનુબંધ હજુ તૂટ્યું ન હોય તેમ ,'તમારા બાપને ગરમ
રોટલી આપજો .' -એમ અનાયસે તેમનાથી બોલી જવાતું.અને બંધન એટલું મજબૂત કે 15
મી જૂન 1983 ના મોટીબેનએ પણ અચાનક અમારી વચ્ચેથી વિદાય લીધી.એક જ અઠવાડિયાં એક
સાથે બે વડીલોને ગુમાવતાં અમારા સહુ પર આભ તૂટી પડ્યું. બે બહેનોની લેણાદેવી પણ
જુઓ.મુ.શારદામાસીની હાજરીમાં વિદાય અને મુ.શારદામાસીની હાજરી અમારો એક સધિયારો બની
ચુક્યો.
એમના ગયા પછી અમારા સહુ પર એટલા બધા તો આશીર્વાદ ઉતર્યા કે કલ્પી પણ ન
શકાય.તમામ ભાઈબહેનોની લીલીવાડી તો વિસ્તરી સાથે સાથે સહુના પોતાના સરસ મજાના
પોતાના ઘર અને બધાને ચારચક્રી વાહનો પણ.. બંને વડીલોએ
અમને આપલો સંસ્કાર,ભાવ ,શ્રદ્ધા અને પ્રામાણિકતાનો અમૂલ્ય વારસો અમારા જીવન માટે
અન્ય કોઈ સમૃદ્ધિ કરતાં વિશેષ બની રહ્યો. આજે પણ જીવનમાં કશુંક સુંદર થાય ત્યારે
ઈશ્વરકૃપા સાથે તેમના આશીર્વાદ હોય જ છે એવી અનુભૂતિ અવશ્ય કરીએ છીએ.લાગે છે આજે
પણ તેઓ અમારી સાથે જ છે.
દિનેશ લ.માંકડ
ચલિત દુરભાસ 9427960979
અન્ય લેખ વાંચવા માટે
mankaddinesh.blogspot.com