Readers

Saturday, June 18, 2022

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના - લેખાંક -7 - નીડરતાનો નામગુણી - સત્યકામ જાંબાલા

 

                                                   ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

                                            નીડરતાનો નામગુણી - સત્યકામ જાંબાલા



        પ્રાચીનકાળથી ભારતીય શિક્ષણપ્રણાલીમાં જીવન ઘડતર એ શિક્ષણનો એક અભિન્ન ભાગ રહ્યો છે. દીવાલોમાં બેસીને ભણાવાય છે તે શિક્ષણ બિલકુલ અપૂરતું છે.શિક્ષણની સાથે ચોક્કસ ધ્યેય પૂર્ણ કરવાની નિષ્ઠા,એની વચ્ચે આવતા સંઘર્ષો સામે લડવાની તાકાત કેળવવી અને કશુંક નવું પ્રાપ્ત કરવા અવિરત મંડ્યા રહેવું.-એવી તો અનેક   વાતો શિક્ષણની  આવશ્યક પૂરક કડીઓ કહેવાય.

       શિક્ષણની અનેક વિભાવનાને અભિવ્યક્ત કરતાં વિશાળ છાંદોગ્ય ઉપનિષદ વિવિધ ગુરુ -શિષ્યની કથાઓ ઉત્તમ શિક્ષણની લાક્ષણિકતાઓ લઈને આવે છે.સામવેદની તવલકાર શાખા અંતર્ગત છાંદોગ્ય બ્રાહ્મણના કુલ દસ અધ્યાયમાંથી અંતિમ આઠ અધ્યાયને ઉપનિષદ રૂપ તરીકે લેવાયું છે. ઉપાસના પદ્ધતિઓ,પ્રકૃત્તિ તત્ત્વોના રહસ્યો ના જ્ઞાન પામીને ઉત્તમોત્તમ મનુષ્યત્વ મેળવી લેવાની વાત છે.ત્રણેય લોકમાં દેવ હોય કે દાનવ કે માનવ ,રાજા હોય કે રંક જેને પણ વિદ્યાભ્યાસની તત્પરતા હોય તે સુયોગ્ય ગુરુ પાસે સંકોચ કે પદ ભૂલીને ,નમ્ર બની ઉભે. અને ગુરુ તેની યોગ્યતા અને ઉત્કંઠા ચકાસીને તેને શીખવે.તેની રહી સહી અધુરાશ પૂર્ણ કરે અને ફરી સમાજ સામે તેને મૂકે.અને સમાજ દિવસે ને દિવસે તંદુરસ્ત સમાજ બનતો જાય..ગુરુ આજ્ઞા શિરોમાન્ય.એ પૂર્વ શરત તો હોય જ.

         ભાષામાં જેમ અર્થ વિસ્તાર હોય તેમ અર્થ સંકોચ પણ હોય.એક સમયે રાજા માટે વપરાતો 'મહારાજ' આજે રસોયા માટે વપરાય છે ' છંદ'  શબ્દનું પણ તેવું જ છે. નવરાત્રીમાં ચોકમાં માતાજીના છંદ ગવાય.શાળામાં શિક્ષક અને કવિરાજ પોતાના કાવ્યોમાં ભાષાના છંદ શીખવે .આચાર્ય શ્રી રામશર્માજીના મતે તો ' છંદ' નો વ્યાપક અર્થ છે ' આચ્છાદિત કરનાર.' ઋષિ-કવિ સત્યનો જે સાક્ષાત્કાર કરે તે હૃદયંગમ ભાવો સાથે શબ્દોમાં-પદોમાં આચ્છાદિત થઈને લોકમાનસમાં પહોંચે તે એટલે છંદ.આ સૃષ્ટિના મૂળ સત્યને વિભિન્ન માધ્યમો વ્યક્ત થતાં ,પ્રકૃત્તિ વિભિન્ન ઘટકોથી આચ્છાદિત થયેલાં જુએ છે.અને એ બધાં ને એમણે છંદ અથવા સામ ઉદગીથ રૂપમાં વ્યક્ત કરેલ છે. તે એટલે છાંદોગ્ય ઉપનિષદ.

          ખુબ વિશાળ કલેવર ધરાવતાં છાંદોગ્ય ઉપનિષદમાં,આઠ અધ્યાય ને દરેક અધ્યાયમાં અનેક ખંડો છે. દરેકે દરેક ખંડ કોઈને કોઈ વિદ્યાભ્યાસુ શિષ્ય ગુરુની જોડી બ્રહ્માંડના કોઈ ને અગમ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે મંથન-આચમન કરતા દેખાય છે .દરેક ગુરુ -શિષ્ય માંનવ જીવનના શાશ્વત સંદેશને આપણી સમક્ષ મુકતા જાય છે.

           ચોથા અધ્યાયના ચોથા ખંડથી નવમા ખંડ દરમિયાન સત્યકામ નામક શિષ્ય આવા જ કૈક આદર્શો બતાવી જાય છે.એક નગરમાં માતા જબાલા, એકલે હાથે, બાળક સત્યકામને આર્થિક સંઘર્ષમાં મોટો કરી રહયાં હતાં. છતાં પણ જાગૃત માતાએ પુત્રને ગુરુકુળમાં મોકલવાનો નિર્ણય કર્યો.સત્યકામે બાળ સહજ પ્રશ્ન કર્યો, " માં, મારુ ગોત્ર ક્યુ? ગુરુકુળમાં પૂછે તો કહેવાય.'  विवत्स्यामि किंगोत्रो न्वहमस्मीति  માતા અનુત્તર રહી. બાળકે વારંવાર પૂછ્યું એટલે કશોય ફોડ પડ્યા વગર સત્ય,નિખાલતા અને સહજતાથી કહ્યું, जबाला तु नामाहमस्मि

सत्यकामो नाम त्वमसि स सत्यकाम एव जाबालोब्रवीथा इति ॥ ' બેટા,તારું ગોત્ર તો મને પણ ખબર નથી. હું તારી માતા છું ને તું મારો પુત્ર. .પૂછે તો કહેજે મારી માતાને પણ ખબર નથી.મારુ નામ સત્યકામ જબાલા છે.'

          સત્યકામ ગુરુકુળ ભણી વિદાય થયો. હરિદ્રુમત ગૌતમ ઋષિના આશ્રમે પહોંચીને વિદ્યાભ્યાસ માટે વિનંતી કરી.અને ધારણા હતી તેમજ થયું.ગૌતમ ઋષિએ પૂછ્યું,' બેટા, તારું ગોત્ર ક્યુ? ' તેને સત્ય અને નીડરતાનું  શિક્ષણ માતા પાસેથી ગળથુથીમાંથી મળેલું  સત્યકામે તરત બિલકુલ મૂંઝાયા વગર સત્ય જ બોલવાના નિર્ણય સાથે  ઉત્તર વાળ્યો,' ગુરુજી, આ પ્રશ્ન આવતા પહેલા મારી માતાને પૂછેલો.તેણે  કહેલું કે તેને પણ ખબર નથી.એટલી  વાત ચોક્કસ કે હું જબાલા માતાનો પત્ર સત્યકામ જબાલા છું.' सोऽहसत्यकामो जाबालोऽस्मि भो इति ॥  ઋષિ ગૌતમ,બાળકની સત્ય કહેવાની હિમ્મતને જોઈ જ રહ્યા,' તારી નીડરતા ગમે છે .હું તને ચોક્કસ વિદ્યાભ્યાસ કરાવીશ.' ઋષિ ગૌતમની ઉદારતા અને માનવતા વ્યક્તિ ઓળખની સૂઝ માં એક સાચા શિક્ષકનું  દર્શન છે.

        પ્રવેશ ફી ભરી,સમયપત્રક મુજબ વર્ગ ચાલ્યા ,પરીક્ષા આવી ,પરિણામ આવ્યું.ઉપાધિ મળી ગઈ.-ગંગા નાહયા વાળા આજના શિક્ષણથી વ્યવહારલક્ષી શિક્ષણ સિવાય ઉત્તમ માણસ ,સમાજને પ્રાપ્ત થતો નથી.અને અનેકાનેક સમસ્યાઓ સર્જાય છે.સત્યકામને બોલાવીને ગૌતમ ઋષિએ ઉપનયન સંસ્કાર { પ્રતિબદ્ધતા } કરી ને તેને ચારસો ગાયો આપીને કહ્યું ,' તેને ચરવા લઇ જાવ.' - સત્યકામનો દૃઢ ઉત્તર સાંભળવા જેવો છે,' ગુરુજી ,તેનું તો શ્રેષ્ઠ ભરણપોષણ થાય તેનો ખ્યાલ રાખીશ જ. અને કુલ એક હજાર ગાયો થશે ત્યારે પાછો આવીશ अभिप्रस्थापयन्नुवाच नासहस्रेणावर्तेयेति स ह वर्षगणं प्रोवास ता यदासहस्र सम्पेदुः ..५॥.અહીં શાબ્દિક પ્રસંગ કરતાં ઉદ્દેશ્ય સમજવાની મજા છે. પુસ્તકના જ્ઞાન કરતા પ્રાયોગિક શિક્ષણ જ જીવન ઘડતરમાં પ્રાધાન્ય ધરાવે છે. એમ ભારતીય શિક્ષણ માને છે . ગુરુ દ્વારા મળેલું કાર્ય સંતોષકારક કરવું એ જ સાચી ગુરુ ભક્તિ.

           ગાયોના શ્રેષ્ઠ ભરણપોષણ અને સારસંભાળ સાથે સત્યકામ વિચરતા રહ્યા. જ્ઞાનને કોઈ સીમાડા નથી અને જ્યાંથી મળે ત્યાંથી ઉત્તમ જ્ઞાન મેળવી લેવાની વૃત્તિ સત્યકામમાં હતી. લખાય છે તેટલું આ વિચરણ સરળ ન હોય.આવનાર સમસ્યાઓ અને નિદર્શનના સતત અનુભવ કરતા જવાનું  પણ જીવન ઘડતરમાં ખુબ મોટું મૂલ્ય છે.સત્યકામ પણ સમયાંતરે કશુંક નવું મેળવતા રહ્યા

           .એક દિવસ વૃષભે તેમને જણાવ્યું કે હવે એક હજાર ગાયો થઇ ગઈ.આચાર્ય પાસે જવાનો સમય થયો. બ્રહ્મ ને જાણવાની સત્યકામની જોર કરતી હતી ત્યાં જ વૃષભે જ કહ્યું ,બ્રહ્મનો પ્રથમ પાદ મારે બતાવવાનો છે.दिक्कला प्रतीची दिक्कलादक्षिणा दिक्कलोदीची दिक्कलैष वै सोम्य चतुष्कलःपादो ब्रह्मणः प्रकाशवान्नाम ॥

'ચારેય દિશાઓની કલામાં પ્રકાશવાનમાં વ્યાપ્ત થાય  એ બ્રહ્મનો પ્રથમ પાદ છે.'

           પોતાની મર્યાદા સ્વીકારીને વૃષભે કહ્યું કે બીજા પાદની સમજણ તો અગ્નિદેવ જ આપી શકે.સત્યકામે અગ્નિ પ્રગટ કરી,ઉપાસના કરી ને તરત જ અગ્નિદેવે તેનો સહર્ષ પ્રતિભાવ આપ્યો, બ્રહ્મના બીજા પાદ વિષે હું તમને જણાવીશ.તેની એક કલા પૃથ્વી,બીજી અંતરિક્ષ,ત્રીજી દ્યુલોક ને ચોથી સમુદ્ર છે.બ્રહ્મનું આ અનંતવાન રૂપ છે.'-  पृथिवी कलान्तरिक्षं कला द्यौः कलासमुद्रः कलैष वै सोम्य चतुष्कलः पादोब्रह्मणोऽनन्तवान्नाम

           અગ્નિદેવે તૃતીય પાદના જ્ઞાન માટે સત્યકામને હંસ પાસે મોકલ્યા. હંસે ત્રીજું પાદ વર્ણવતાં કહ્યું કે અગ્નિ,સૂર્ય ,ચંદ્ર અને વિદ્યુત એ ચાર કલા જ્યોતિષ્યમાન નામ ઓળખાય છે. तस्मै होवाचाग्निः कला सूर्यः कला चन्द्रः कलाविद्युत्कलैष वै सोम्य चतुष्कलः पादो ब्रह्मणोज्योतिष्मान्नाम ॥

         ચોથું ચતુષ્પાદ મદગુ ( જળ પક્ષી ) સમજાવશે એમ હંસે જણાવ્યું.प्राणः कला चक्षुः कला श्रोत्रं कला मनः

कलैष वै सोम्य चतुष्कलः पादो ब्रह्मण आयतनवान्नाम॥ મદગુ એ સત્યવાનને જણાવતાં કહ્યું કે પ્રાણ,ચક્ષુ ,શ્રોત ( કાન ) અને મન એ ચોથું ચાતુષ્પાદ છે અને તેની 'આયતનવાન' સંજ્ઞક  ઉપાસના કરનાર તેવી જ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. પોતાની નિપુણતા અનુસાર પ્રદાન કરીને સહુ વિદ્યાદાતાઓ એ  સત્યકામને સંતુષ્ટ કર્યા.

         આખરે સત્યકામેં ઋષિ ગૌતમના ચરણોમાં વંદન કર્યા. સત્યકામની તેજસ્વી મુદ્રા જોઈને હર્ષમાં આવીને ઋષિ ગૌતમ બોલી ઉઠયા,' ब्रह्मविदिव वै सोम्य भासि-તું બ્રહ્મવેત્તાની જેમ દિપ્તીમાન થઇ રહ્યો છે.'  સત્યકામે નમ્રતા પૂર્વક પોતાને મળેલ જ્ઞાનની વાત કરી પણ છતાં.હજુ એની વિદ્યાજિજ્ઞાસા તો અધૂરી જ હતી. ' ગુરુજી ,અન્ય પાસે લીધેલા જ્ઞાન કરતાં  ઋષિ -ગુરુ પાસે લીધેલું જ્ઞાન જ  શ્રેષ્ઠ હોય છે .' એમ કહી ઋષિવરની સામે બેસી ગયા. સત્યકામને હજી અતૃપ્તિનો જ ઓડકાર છે.'  ' ભગવન ,મેળવ્યું જરૂર છે પણ પૂર્ણતા તો આપે જ કરો.' आचार्याद्धैव विद्या विदिता साधिष्ठं प्रापतीति ઋષિ ગૌતમે તેમને પૂર્ણ જ્ઞાની બનાવ્યા..  

No comments:

Post a Comment