Readers

Tuesday, November 29, 2022

સહયાત્રીઓ 4 – ગુરુઓ અને મિત્રો


 

                                              સહયાત્રીઓ 4 – ગુરુઓ અને મિત્રો

          યાત્રાનું વૈવિધ્ય તેના તીર્થસ્થાનોમાં તો હોય પણ સાથે સાથે સહયાત્રીઓની સંગત પણ એટલો જ ભાગ ભજવે.નિકટ પરિવાર ઉપરાંત અનાયાસે જોડાયેલા સહયાત્રીઓનું વિશેષ મહત્ત્વ હોય.એમાંય સહુના જીવનકાળમાં અનિવાર્ય રીતે આવતા ગુરુઓનો સંગાથ જીવન ભાથું બનતો હોય છે.પિતાશ્રીની સરકારી નોકરી અને તે બદલીને પાત્ર. એ વખતે વાહન વ્યવહાર સુવિધા તો સાવ અલ્પતમ એટલે જ્યાં તેમની નોકરી ત્યાં જ મુખ્ય ઘર.એટલે મને તો જીવનમાં અનેક અનેક ગુરુઓ મળ્યા છે.  મારાં પાંચમા વર્ષે અમે ભુજપુર ( તા.મુન્દ્રા ) હતા. શાળામાં નામ લખાવવા ગયા.મારા પ્રથમ ગુરુ તે શ્રી રસિકભાઈ ઓઝા.એમણે એકડો ઘૂંટાવ્યો. ( યોગાનુયોગ એકડો ઘૂંટાવનાર રસિકભાઈ, મારી શિક્ષકની પ્રથમ નોકરીનો-- લુડવા ( તા.માંડવી ) શાળાના આચાર્ય બની ત્યાં પણ નોકરીનો એકડો ઘૂંટાવનાર બન્યા). થોડા સમયમાં તાલુકા મથક મુન્દ્રા રહેવાનું થયું.અહીં મારે માટે ગુરુ સંદભૅ એક મોટી સમસ્યા સર્જાઈ.મનમાં ગ્રંથિ પેઠી.બહેનો પાસે ભણાય જ નહિ ! ત્રીજા ધોરણમાં ઇન્દિરાબહેન આવ્યા.પણ વર્ગમાં બેસે એ બીજા .છેવટે મોટાભાઈ અરુણભાઈના આગળના ધોરણમાં ગંગારામસાહેબના વર્ગમાં બેસવાનું ને જાતે જ તૈયારી કરવાની.તેવું નક્કી થયું. ઘરમાં સંગીતના પ્રાથમિક શોખને લીધે કે પછી અન્ય કારણસર મહંમદ શરીફ ઝેરીયા સાહેબ સાથમાં આવ્યા.ખૂટતું કરતુ કરાવવા એ ઘેર પણ આવે ! એટલે સુધી કે વિજ્ઞાપનવાળા મહાકાય બજાણિયા રસ્તા પરથી નીકળે ને મને ડર લાગે તો શાળા જવા માટે ,મને રોજ ઘેર લેવા આવે.

            ભુજ વાણીયાવાડની પ્રાથમિક શાળામાં બે તબક્કે ભણવાનું થયું.ભૂજંગીલાલભાઈ હાથી અને હસન જમાદાર સાહેબ આચાર્ય.અશ્વિનભાઈ મહેતા,અવિનાશ મહેતા,મહાશંકરભાઈ હાથી ,યજ્ઞેશ્વરીબેન,પ્રફુલ્લભાઈ વૈષ્ણવ,વસંતબેન ( જે મારી સાથે બી.એડ કરવા સહ વિદ્યાર્થી બન્યા !) .ઉષાબેન.,અબ્દુલ ગની સાહેબનો હું પ્રિય વિદ્યાર્થી રહ્યો.અઠવાડિક પરીક્ષામાં મારા ક્યાંય ઓછા ગુણ આવે તો એમને જરાય ન ગમે . વચ્ચે ધોરણ પાચમાં માનકુવા મુ.ધનસુખભાઇ હતા ત્યાં ભણવા જવું પડ્યું.જુવાનસિંહ જાડેજા અને જયંતીભાઈ ચૌહાણ જેવા શિક્ષકો મળ્યા. સાવ થોડો સમય જેમાં ભણવાનું થયું તે માંડવીની નવાપુરાની દરબારી શાળામાં આચાર્ય મોહનલાલભાઈ વોરા ખુબ પ્રેમાળ હતા.વચ્ચે કોઈ સાવ થોડો અંજાર ટીમ્બી કોઠા શાળા અને રાપર પ્રાથમિક શાળામાં ભણવાનું થયું.રાપરમાં આચાર્ય છગનભાઇ ચૌહાણ હસમુખા અને સરળ પ્રકૃત્તિના બરોબર યાદ છે..

         એકલું આઠમું ધોરણ તો ત્રણ શાળાઓમાં.ઓલ્ફ્રેડ ભુજમાં પણ ખુબ ટૂંકાગાળામાં શિક્ષકો જ યાદ નથી.નળિયા ( અબડાસા ) માં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાયની પ્રયોગ સમી વીરજી લધા હાઈસ્કૂલ .શિક્ષકોને સાહેબ નહિ પણ ભાઈ કહી બોલાવવાના.વસંતભાઈ વર્ગ શિક્ષક ( જે વર્ષો પછી ભાવનિર્ઝર અમદાવાદમાં નિયમિત મળે ) ,ભીમજીભાઈ કારિયા ,લલિતભાઈ ,પરમાનંદભાઈ સુકંદરાજભાઈ દેવજીભાઈ અને આચાર્ય તરીકે કાંતિભાઈ પંડ્યા ( એ પણ ભાવનિર્ઝર મળતા) હવે માંડવી કચ્છની ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ .માનભાઈ ( પદ્મકાન્ત ભાઈ ) વૈષ્ણવ વર્ગશિક્ષક ,જગન્નાથભાઈ જોશી ચમનભાઈ સોની,વ્રજલાલભાઇ શાહ ,લક્ષ્મીશંકરભાઈ મોથારાઈ ,પઠાણવાળા ,બચુભાઈ ધોળકિયા ત્રિભુવનભાઈ વૈષ્ણવ ,મગનભાઈ ભટ્ટ , ઇન્દ્રવદનભાઈ. અંતાણી ( જે ફરીને બી.એડ.માં અધ્યાપક બની ,મારા માટે નવાં ગણિતને અંગત સમય આપી  સુપરિચિત કરાવનારા બની રહ્યા.) આચાર્ય તરીકે ભોગેન્દ્રરાય ભાઈ વૈદ્ય ખુબ પ્રેમાળ હતા,

           દસમા ધોરણમાં મન થયું એટલે જ્યાં મોટાભાઈ મુ.ધનસુખભાઇ હતા ત્યાં ગોધરા ( તા.માંડવી કચ્છ ) ની ભાણજી  કેશવજી વિદ્યાલયમાં.અહીં  નાનું  ગામ એટલે  સતત સંપર્કને  આત્મીયતા વધારે.ચૈતન્યભાઈ વૈદ્યએ ગણિતનો પાયો પાક્કો કરી આપ્યો ઉપરાંત મારા ગુજરાતી ભાષા શુદ્ધિ માટેની અને લેખન સુઝને વિકસાવવામાં ખુબ મોટું યોગદાન આપ્યું.દિનકરભાઇ ઓઝા,રાજેન્દ્રભાઇ માંકડ ,રેવાબેન શાહ ,ભાગ્યવંતીબેન શાહ સોમાભાઈ પટેલ અને આચાર્ય તરીકે ડોલરભાઈ અંતાણી રહ્યા.અગિયારમું ધોરણ ( જૂની SSC ) માં શાળા માં પ્રથમ આવ્યો.         

           હવે માંડવીની શૂરજી વલ્લભદાસ કોલેજ .પ્રો.ગઢીયા સાહેબ લોકગીત ગાતા જાય ને એકાઉન્ટન્સી શીખવતા જાય .પ્રો.મોતા સાહેબએ અર્થશાસ્ત્રને સૌથી સરળ વિષય બનાવી નાખ્યો.પ્રો.ચુડાસમા સાહેબ,પ્રો.એસ.કે ઠક્કર ,પ્રો.મારવાણીયા સાહેબ પ્રો ગજેન્દ્ર સાહેબ,પ્રો.નાનાલાલ દવે સાહેબ અને વ્યાયામમાં પ્રો.કાંતિલાલ શનિષ્ચરા સાહેબ . આચાર્ય તરીકે પ્રિ.તનમણિશંકર શુક્લ તો ભારે ઉગ્ર જ રહેતા.બી.એડ.કરવા મુન્દ્રાની એસ.ડી.કોલેજ માં..અહીં વિદ્યાર્થી શિક્ષકનું અંતર ખુબ ઓછું રહે. ઇન્દ્રવદનભાઈ અંતાણી ( ધો.નવમાં મારા જ ગણિત શિક્ષક ) અહીં ફરી મળ્યા.નવા ગણિતની નવી સંકલ્પનાઓ તેમણે શીખવી.પરશુરામભાઇ ભટ્ટ ,પ્રો.બળવંતભાઈ ત્રિવેદી,પ્રો.સુમનભાઈ વૈદ્ય ,પ્રો.શુંશીલભાઈ પંડ્યા ,પ્રો.રણછોડભાઈ પટેલ અને સરળ પ્રકૃત્તિના આચાર્ય પ્રો.વી.આર. ઠક્કર રહ્યા.

          બીજા બધાના અનુભવોની ખબર નથી પણ જીવન યાત્રામાં ગુરુઓ ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ મોટો ફાળો હોય જ છે.અહીં તેમનું સ્મરણ કરીને ઋણ અદા કર્યાનો થોડો આનંદ જરૂર થાય.

              સહુના જીવનમાં મિત્રોની ભૂમિકા અજબની હોય છે.પરિવાર પછી જો કોઈ નિકટ હોય તે મિત્રો જ હોય.મિત્રોની પસંદગીના કેટલાંય ધોરણો હોય.તો ક્યારેક આપોઆપ બની જાય છે.મારુ સ્થળાંતર વધુ હોઈ મિત્રો મળ્યા ઘણા પણ કાયમી અને પાક્કા બહુ ઓછા.છતાં મિત્ર તે મિત્ર જ.પહેલાં,બીજા ધોરણમાં મંગુ ( ગઢવી -પાડોસી) ભુજપુરમાં પહેલો મિત્ર .મુન્દ્રા મિત્રો સ્મરણ ઓછું છે.

          વાણીયાવાડ શાળામાં અનેક મિત્રો.મળ્યા.શશીકાંત કંસારા ,પ્રવીણ શાહ કિશોરભાઈ દવે, દિનેશભાઇ ધોળકિયા ,મુકુલભાઈ ધોળકિયા સર્વદમનભાઈ વોરા, કિરણભાઈ છાયા ( યોગાનુયૉગ 60 વર્ષ પછી એ બંને મિત્રો બોપલ-અમદાવાદમાં ભેગા થયા છીએ) ભરત બુદ્ધભટ્ટી ,કૈલાસભાઈ અંજારિયા,ગિરિનભાઈ શુક્લ ,અનુપમભાઇ શુક્લ,અતુલભાઈ શુક્લ સુભાષ ( ભુજમાં બંગડીની દુકાનના જાણીતા ) ,દિનેશ ( દુગ્ધાલય વાળા ),અશોક ખટાઉ ( ખટાઉ સ્ટોર ) જેવા અનેક નામો સ્મરણે છે.

          રાપરમાં કનૈયો એક ખુબ સારો મિત્ર મળેલો.( જે પછી કોઈ મોટા દરવાજો પડવાથી દબાઈને વિદાય લઇ ગયો તેવા સમાચાર મળેલા ). જે હજુ સુધી પાક્કા ભાઈબંધમાં ગણાય તેવા અનિરુદ્ધભાઈ છાયા પણ રાપરથી મિત્ર બન્યા છે. ત્રિવિધ શાળા વાળા આઠમાં ધોરણના મિત્રો સ્મરણે નથી.હુશેની લાકડાવાળા અને હિમાંશુ ભટ્ટ જી.ટી.ના  મિત્ર ખરા.

            ગોધરા કચ્છના દસમાં અને અગિયારમું ધોરણ ખુબ ઘણા આત્મીય મિત્રો મળ્યા. એટલા બધા મળ્યા કે કોઈ નામ કદાચ ભુલાઈ પણ જાય! અરુણભાઈ ગાવન્ડે .કાંતિભાઈ ગૉસર,પોપટભાઈ છેડા,અર્જુનભાઈ ગઢવી ,ભવાનજીભાઈ વીરા,શામજીભાઈ ,નરસંગરભાઈ ,મુરૂભા ,લક્ષ્મીશંકર,જ્ઞાનચંદભાઈ મારુ ,અરવિંદભાઈ જોશી હરજીભાઇ વિગોરા,વગેરે.,મુલચંદ ભાઈ ગાલા .તો એવા અંગત કે શાળા છૂટ્યા પછી પણ અમે તો ભેગા જ  ભેગા.અમારા સહુના સદનસીબે આજે પચાસ વર્ષ પછી પણ અમારું B.K.BHEDA 1970 વોટ્સએપ ગ્રુપ છે ને રોજ મળીએ છીએ.અનુકૂળતા થાય તો કોઈ કોઈ વખત રૂબરૂ મળવાનું પણ ગોઠવાય 26 જાન્યુઆરી 2018 ( કે 19) ના ભાઈ અરુણ ગાવન્ડેના સૈનિકો માટેના  યોગદાન માટે યોજાયેલા રેતચિત્રોના પ્રદર્શન વખતે ભુજ ખાતે ખુબ ઘણા ભેગા થયેલા.2022 માં તિથલ મુકામે સહુ મળ્યા પણ હું જઈ શક્યો નહોતો.

         કોલેજકાળ દરમિયાન પ્રાથમિક શિક્ષકની નોકરી શરુ થઇ.એટલે હવે સંબધોનું મિત્ર વર્તુળ વધ્યું. રજની ત્રિવેદી અને જયંતીભાઈ શાહ ખાસ મિત્રો રહ્યા.વાણિયાવાડ શાળાનો મિત્ર હરેશ જોબનપુત્રા મસ્કા પ્રાથમિક શાળામાં સાથે શિક્ષક તરીકે જોડાયો.( એ હવે નથી રહ્યો.) લેખન સાહિત્યનો શોખ હોવાને લીધે થોડા છુટાછવાયા મિત્રો વધતા ચાલ્યા.જ્ઞાતિગંગાના વહેણમાં પણ સમ વિચારી મિત્રો પણ મળતા રહ્યા.બી,એડ.નો ગાળો થોડા વધારે વર્તુળવાળો રહ્યો.જુના મિત્રો અનિરુદ્ધભાઈ છાયા અને કિશોરભાઈ દવે પણ અહીં ફરી જોડાયા.તો ચંદ્રકાન્તભાઈ પરમાર ,વિજયભાઈ માણેક સાથે મળીને અમારી તોફાની ચોકડી થોડી પ્રચલિત બની હતી.પ્રફુલબભાઇ પંડ્યા,ચમનભાઈ કંસારા રુદ્રેશભાઈ પાઠક ,કિશોરભાઈ ઠક્કર ભરતભાઈ અંજારિયા ,ભરતભાઈ અધિકારી વગેરે પણ સ્મરણીય છે. જુના શેરી મિત્ર અવિનાશભાઈ હાથી જોડાયા અને કોલેજમાં હાથી-માંકડની જોડી સહુનું ધ્યાન ખેંચતી.

           બી.એડ. પૂર્ણ થતાં જી.ટી.હાઈસ્કૂલ અને પછી ખીમજી રામદાસ ઉચ્ચતર માધ્યમિકમાં જોડાવાનું થયું.એટલે નવા સહ કર્મયોગી મિત્રો મળ્યા.અયુબભાઇ મિસ્ત્રી,રોહિતભાઈ વોરા ,રણછોડભાઈ પટેલ જયેશભાઇ ત્રિવેદી,વસંતભાઈ પટેલ રવીલાલભાઈ  ભેદા મળ્યા.હું અને અયુબભાઇ તો જી.ટી.હાઈસ્કૂલની સેવાથી ભેગા હતા. સ્વાધ્યાય વિચારો મળ્યા.એટલે અહીં તો મિત્ર કરતાં દૈવી ભાઈઓ વિશેષ મળે.

           1997 થી અમદાવાદ આવ્યા પછી અહીં પણ સ્વાધ્યાય પરિવાર અને સહ કર્મયોગી મિત્રો મળ્યા. માત્ર માંડવીના પૈતૃક સરનામાથી મિત્ર બનીને મને અમદાવાદ સુધી લાવનાર મિત્ર મહેશભાઈ ત્રિવેદી ( હવે નથી રહ્યા.) કદી ભુલાય નહિ. .શાળા ટ્રસ્ટીઓ પ્રેમજીભાઈ ,દીપકભાઈ અને સૌરભભાઈ પટેલ ટ્રસ્ટી કરતાં મિત્રો વધારે રહયા.

           જીવન યાત્રામાં તો અનેક અનેક વટેમાર્ગુઓ મળે અને છુટા પડતા જાય એટલે જેની સાથે નિકટતા એ મિત્ર .પણ આ પાતળી ભેદરેખા ઘણીવાર ભુલાવે પણ ખરી એટલે કોઈ નામ વિસ્મરિણય પણ હોય. ઓછા કે વધુ સબંધોવાળા  છતાં મિત્રોથી -સહયાત્રીઓથી યાત્રા સરળ,સુગમ અને આનંદદાયક જરૂર બને જ એ હકીકત છે .

દિનેશ લ.માંકડ                                            

ચલિત દુરભાષ 9427960979

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ પર ક્લિક કરો mankaddinesh.blogspot.com

 

Wednesday, November 23, 2022

સહયાત્રીઓ 3 શ્વસુર સંઘ નો સથવારો


 

                                સહયાત્રીઓ 3 શ્વસુર સંઘ નો સથવારો

          કેટલાક સહયાત્રીઓ વચ્ચેથી જોડાય પણ લાગે એવું કે જાણે તેઓ પહેલેથી નિમિત્ત ન હોય! પૂજ્ય ભાઈના દૂરના ભાણેજ સુલોચનાબેન વોરા સહેજે માંડવી આવેલાં એટલે મામા ( પિતાશ્રી ) ને મળવા આવ્યાં.વાત કરી .' ગાંધીનગરમાં કુમુદભાઈ શુક્લની દીકરી રંજના છે.ભણેલીને સારી નોકરીવાળી છે.એ લોકો કચ્છનો સારો છોકરો શોધે છે.' સરનામું લેવાઈ ગયું.અને હવે..નવા સહયાત્રીઓ પણ યાત્રા જોડાયા.અમારા બંનેના સંવાદમાં એક વસ્તુ પહેલા દિવસથી જ આવી અને તે એ ,' આપણા બંનેના માં બાપ અતિ શ્રદ્ધાળુ સંસ્કાર પ્રિય અને ધાર્મિક છે.'-

       કચ્છમાંથી અમદવાદ અને ગાંધીનગર સચિવાલયમાં સેવા આપતા કુમુદભાઈએ શરૂમાં અમદાવાદમાં લાલમીલ કોલોનીના સાંકડાં ઘરમાં રહી રોજની 15 થી વધારે કિ મિ સાયકલ ચલાવી સમયસર સચિવાલય પહોંચવાની નિષ્ઠા તો છેક ગાંધીનગર નાયબ સચિવના હોદ્દા પર પહોંચ્યાં પછી નિવૃત્ત થયા ત્યાં સુધી નિભાવી.કડક નિયમ પાલન છતાં માનવતા અને કોમળ હૃદયના એવા કુમુદભાઈનું શિસ્ત ઘરમાં કે કચેરીમાં રહેતું. પરિવારમાં કોઈની પણ ગમે તેવી સમસ્યાનો સ્વસ્થ અને ધીરજપૂર્વકનો  બતાવવાની તેમની સૂઝ ખુબ અદભુત હતી.' પોતાને ઓળખો. તમે કોણ છો તે જાણો .'  એમનું એ વિધાન હિમ્મત અને સ્વગૌરવ અપાવે. સવાર કે સાંજે નાનકડા પાર્થને હિંચકે બેસાડીને શ્લોકો બોલાવવા તેમનો મનગમતો ક્રમ હતો.

         હું પહેલે દિવસે સાસરે ગયો ને મારો સાહિત્ય રસ જોઈને મને 'ગીતાંજલિ' નો કિલાચંદ દ્વારા થયેલો અનુવાદ હાથમાં આપ્યો.ઘરમાં મેઘાણી અને અન્ય પુસ્તકોનો ખજાનો.શરૂથી આગાથા ક્રિસ્ટી અને બીજા ખુબ અંગ્રેજી લેખકોને વાંચતા રહેતા.નાની વાતમાંથી રમૂજ ઉપાડવી.સામેની વ્યક્તિના શોખને અનુલક્ષીને વાત કરવી.એમની ખાસ લાક્ષણિકતા.મુંબઈ અભ્યાસ સમયે ખુબ જુના ચલચિત્રો જોવાનો આકરો શોખ. પછી પણ 1930 અને આસપાસની ફિલ્મોના ગીત કે ચલચિત્ર મળે તો આખી દુનિયા છોડીને બેસી જાય.કચ્છમાંથી આ બધું  ખણખોદ કરી મેળવી આપવાની શ્વસુર સેવાની તક મને મળી ! શાંતારામ તેમના ખુબ પ્રિય કલાકાર.એ પરથી તેમની કલાસૂઝનો ખ્યાલ આવે.

            વતનપ્રેમ તો એમનો જ.વર્ષે બે કચ્છ મુલાકાત તો ખરી જ.પણ અમદાવાદ ,ગાંધીનગર કોઈ કચ્છી મળે તો ખુબ રાજી થાય. એટલે જ નિવૃત્તિ પછી સતત ખેંચાણ ભુજનું જ રાખ્યું.અને છેલ્લા ઘણા વર્ષ ભુજ જ વિતાવ્યાં પરિવાર પ્રેમ અદભુત.નાની બહેન અને ભાણેજોને અને અન્યોને અચૂક રોજ મળવાનું.નાકા બહાર જવાનું એ એમની ખુબ ગમતી પ્રવૃત્તિ યુવાની અને પછી પણ પાવડીનો 'ભજેડી ' ( આશરે પાણીથી ત્રીસેક  ફૂટ ઉપરની અગાસી ) પરથો ભૂસકો જોવા તેના દર્શકો જોવા ઉભા રહી જાય.સ્વચ્છતા અને ચોકસાઇના અતિ આગ્રહી . ખાવાના શોખીન ખરા પણ ભોજન ,ખોરાક પ્રમાણ અને પદ્ધતિસરના જ. સ્વાવલંબનના આગ્રહી.વયસ્ક થયા પછી પણ માંડ લાકડી હાથમાં લીધી .કોઈ હાથ પકડે કે ટેકો આપે ,એ તો જ રાય ન ગમે.છેક સુધી સ્વસ્થ જીવન અને પુરી લીલીવાડી જોઈને વિદાય લીધી. 

            ડોક્ટર પિતાના ચુસ્ત સંસ્કારોનો અમલ કરાવવામાં ચુસ્ત એવાં કુંજલતાબેન ( કુંતાબેન ) સ્વભાવે ખુબ લાગણીવાળા અને અતિ પરિશ્રમી.આરોગ્યના નિયમો પોતે પાલન કરે ને બીજા ને કરાવે.સંતાનોના અભ્યાસ માટે સતત જાગૃત. પાંચેયને નાના ધોરણથી  રખાવી ને સ્નાતક કક્ષાએ ઉચ્ચ ગુણાંક સુધી પહોંચાડવાના તેમનો અથાગ પરિશ્રમ અને સૂઝ . ગાંધીનગરના વાતાવરણમાં બધાં સંતાનોને સ્પધાત્મક પરીક્ષાના તેમના સમય સાચવવા પોતે જાગે-જગાડે. છેક સુધી પૂર્ણ સ્વાવલંબી. ઘરમાં બધાના સમય અને  સગવડ પોતાના શ્રમને ભોગે સાચવે. .એમનો કુટુંબ પ્રેમ પણ અજબનો જે આવે તેનું પૂરેપૂરું સાચવવા જાગૃત રહે  પૂરાં ધાર્મિક સાથે ભજન ગાવાં એમને ખુબ ગમે .પોતાનાં વર્તુળમાં તેમનાં ભજનની માંગ હોય.પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી ના વિચારો ખુબ ગમે એટલે ઘરમાં કોઈની આવજા જય યોગેશ્વરથી શરુ કરાવી.પાર્થ ને ત્રણ વર્ષની વયે વસંતોત્સવમાં મંચ પર ઉભો કર્યો પાર્થના ઉછેરમાં તેમનો  અનન્ય ફાળો ભુલાય તેવી નથી.

         ખુબ સાલસ અને સરળ એવા   સાળા મૃદુલભાઈ ખુબ પરગજુ.હોશિયાર પણ એટલા જ.ફરજનિષ્ઠા એટલી કે અમદાવાદથી ગાંધીનગર આવવા સાંજે 6.10.ની બસ હોય પણ કચેરી સમય 6.15 હતો તો તે બસ જવા દેવાની .તેના પછીની ભલે મોડી હોય. તદ્દન નિખાલસ મૃદુલભાઈને ગાવાનું કહીએ કે તરત નજીક પડેલું ટેબલ કે અન્ય સાધન લઈને મન મૂકીને ગાય.એકાઉંટ એમનો ગમતો વિષય .કચેરી ,શેર બજાર કે દેશના અર્થતંત્ર પર તેમની તાર્કિક વાતો સાંભળવી ગમે.સહુનો શક્ય તેટલો આદર કરવોને સહાયભૂત થવું એ તેમની વિશેષ લાક્ષણિકતા હતી.એસ.ટી.ને એક રૂપિયાનું નુકસાન થતું હોય તો તેઓ તરત નારાજગી વ્યક્ત કરી દે. ક્ષમતા ,નિષ્ઠા અને ગુણવત્તાએ એમને એસ.ટી.માં ડિવિઝન કક્ષાના એકાઉન્ટ્સ ઓફિસરના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડ્યા .બંને પુત્રો સ્નેહલ અને રુચિરને શિક્ષણ અને જીવન સિદ્ધાંતોના પાઠ શીખવવા સતત મગ્ન રહેતા. પરિણામ સ્વરૂપ આજે સ્નેહલ અદાલતમાં ન્યાયમૂર્તિનું અને અને રુચિર અન્ય ન્યાયાલયમાં ઉચ્ચ હોદા પર છે.

         ઘણી વખત ઈશ્વરને કોઈ ભક્ત વધારે વહાલો હોય તો પોતા પાસે  જલ્દી બોલાવે.તેમ મૃદુલભાઈ માત્ર 51 વર્ષની વયે અચાનક જ કોઈ અસાધ્ય બીમારીમાં સપડાયા.તમામ તબીબી સહાય કારગત ન નીવડી અને તેઓ  સહુની સાથેની પોતાની  યાદોને મૂકીને જતા રહયા.-તેમના ગમતાં ગીત ની જેમ.-' ઓ નીલગગનના પંખેરું તું કાં નવ પાછો આવે,મને તારી યાદ સતાવે '

          બીજા સાળા અતુલભાઈ ખરેખર અતુલ્ય જ હતા.લગભગ સરખી ઉંમરના હોઈ મશ્કરી  સમજે અને કરે પણ ખરા.એમનો બૌદ્ધિક માનાંક ખુબ ઊંચો એટલે તેમની હળવી મજાક બધાને ખુબ ગમે.અતુલભાઈ ખુબ શ્રદ્ધાળુ.મન મૂકીને હનુમાન ચાલીસા કે મંગલમૂર્તિ ગાય ત્યારે તેમની લીનતા જોવા જેવી હોય. દરરોજ નો ચંડીપાઠ કરવાનો ક્રમ લગભગ કદી ન ચુકે. પોતાના સમયના ગીતો ,ખાસ કરીને ગાયક મુકેશ અને કલાકાર રાજેશ ખન્નાના ગીતો ગણગણ્યા જ કરે.એમના જેવો ઉત્કટ પારિવારિક પ્રેમ ક્યાંક જ જોવા મળે.દૂર દૂર સુધીના વડીલો, પોતા સરખા અને નાનાને ખુબ લાગણીથી બોલાવે સાચવે.કોઈનો પણ સારો માઠો પ્રસંગ પણ ગમેતેવી અગવડ હોય તો ય સાચવવો એ ધર્મ સમજી અચૂક કરે. અતુલભાઈની ઉદારતા પણ અનેરી જ.એમનો એક હાથ હંમેશ ખિસ્સાંમાં જ હોય.કુટુંબમાં તો પુરેપુરી  જ પણ રસ્તે ચાલતાં કોઈ દેખાય તો તેના પર અતુલભાઈ વરસી પડે.

             સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર અને મર્જિંગ પછી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ગ્રેડ 4 સુધીની અતિ નિષ્ઠાવાન સેવા.એમાંય દ્વારકા મળ્યું ત્યારથી એમની દ્વારિકાધીશ માટેની શ્રદ્ધા અનન્ય બની ગઈ. એમની શ્રદ્ધામાં સોનામાં સુગંધ ભળવાની હોય તેમ માતાપિતા કુમુદભાઈ અને કુંજલતા બેનને પણ ગાંધીનગરથી અહીં સાથે રહેવા માટે લાવ્યા.દ્વારિકાધીશના નિયમિત દર્શન કરવાં અને કરાવવાં એ તેમનો નિત્યક્રમ બની રહ્યો.સાથે સાથે બહોળા પરિવારમાંથી બને તેટલાં ને પુરી સુવિધા સાથે દ્વારકાની યાત્રા તો કરાવતા જ રહ્યા.

          અન્ય સ્થળોએ બદલાયા પછી નિવૃત્તિનો સમય આવ્યો.બંને વડીલોને વતનનું સ્મરણ વધારે રહેતું એટલે પોતે પણ તેમને સાથે રાખીને ભુજ જ સ્થાયી થવાનો નિર્ણય લીધો.વડીલોની શક્ય તેટલી ઈચ્છા,-મળવું,ફરવું - વગેરે પૂર્ણ કરવામાં અતુલભાઈ ક્યારેય કાચા પડે તેવા નહોતા.માતુશ્રી કુંતાબેન પડવાથી કાયમી પથારીવશ થયાં તો કળિયુગના શ્રવણએ એમના દેવ દર્શન અને પરિવાર મિલનને આંચ આવવા જ દીધી.વડીલોની વિદાય પછી પોતાના ગંગાસાગર ,ગોકુળ  વૃંદાવન ,મથુરા,આગરા કાશ્મીર ના ,યાત્રા પ્રવાસ પણ રંગે ચંગે પૂર્ણ  કર્યા.અમારી સાથેનો તેમનો ગોકુળ વૃંદાવન પ્રવાસ અતિ યાદગાર બની રહ્યો. દીકરી ઇશિતા ,જમાઈ ચિરાયુભાઈ સાથે  અંજાર ખાતે અને જીગ્ના ,જમાઈ સુગમભાઇ સાથે અમદાવાદ સરસ રીતે ગોઠવાઈ છે.

      અતુલભાઈ જયારે જયારે અમદાવાદ -ગાંધીનગર આવે સમય થોડો હોય તો પણ ઘેર આવી મળ્યા વગર ન જ જાય.એવી જ રીતે 2021 માં દીકરી જીજ્ઞાને ઘેર આવ્યા. ત્યારે અમારે ઘેર પણ આવ્યા -મોડી  રાત સુધી બેઠા. તેના 36 કલાક પણ નહોતા થયા ને વહેલી સવારે જીજ્ઞાનો ફોન આવ્યો. કોઈ આ વાત સ્વીકારવા તૈયાર નહોતું.સાવ અચાનક ગયા. એવું જીવીને ગયા કે તેમના અંતિમ ગંતવ્ય વખતે સહુના મોં માં એક જ વાક્ય હતું," જીવી ગયા." -મોટી  ખોટ તો સહુને પડી પણ અમે બંનેય નરેન્દ્રભાઈ મોદીના પાક્કા 'ફેન' એટલે જયારે નરેન્દ્રભીઈ ની સિદ્ધિ પ્રગતિની ખુશી વ્યક્ત કરવાની આવે તો મને એમના જેવો બીજો કોઈ  મળતો નથી.

         કુંતાબેનના ત્રીજા પાંડવ તે રંજના.એમના વિષે બીજે લખાઈ ગયું છે એટલે ફરી નહિ,બરોબર ? મુકેશભાઈ ત્રીજા સાળા સદા હસમુખ મુકેશભાઈ,સચિવાલયના કામ ના બોજમાં હોય ત્યારે જ ગંભીર હોય.નાની વયથી જ એક સાથે ઘણી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરીને બીજા વર્ગના અને પ્રથમ વર્ગના અધિકારી ખુબ વહેલા બની ગયેલા તેમની કાર્ય પદ્ધતિ ,નાગરી મુત્સદીગીરી ,પ્રામાણિકતા , ઉત્તમ drafting અને notes ને  લીધે પ્રધાનો તેમને અંગત મદદનીશ  (P. A.) કે અંગત  મંત્રી ( P.S.) તરીકે લેવા પડાપડી કરતા.હળવું સંગીત એમને ખુબ ગમે ઈશ શ્રદ્ધાનો પાક્કો વારસો.સરળ અને પરગજુ પ્રકૃત્તિ તેમની વિશેષ ચાહના નું કારણ હોય.મોટા સાથે મોટા તો નાના સાથે નાના બાળ બની શકે.મશ્કરી સમજે પણ ખરા ને કરે પણ ખરા.   નિવૃત્તિ પછી extention નો મોહ છોડીને પ્રજ્ઞાચક્ષુ બાળકોના સહાયક બનીને તો દિવંગતોના  અંતિમ ગંગા પ્રયાણના નિયમિત સાક્ષી બનીને ઉત્તમ સમય વ્યતીત કરે છે.પુત્રો પરંતપ અને હેરત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને યોગ્ય સ્થાને ગોઠવાયા છે.

           સૌથી નાના સાળી હર્ષાબહેન પહેલેથી ઘરકામના શોખીન એમાંય બાળકો ગમે એટલે નાના પાર્થ માટે બધું જ કર્યા કરે.કુન્તાબહેનને જમણે ખભે રહીને દોડે.સરસ મજાના તારકભાઈ ( મારા સાઢુ ) મળ્યા. દૂરસંચારના નિષ્ઠાવાન અને નીવડેલા નાટ્ય કલાકાર તારકભાઇ દુનિયાની ગમે તે વ્યક્તિ ની મિમિક્રી કરી બતાવે. હર્ષાબહેન  ગાંધીનગર છોડી ભુજ ગયાં તોય પરિવાર અને બહોળા પરિવારમાં ખુબ સહજ ભળી ગયાં.સહુના પ્રિય થઇ ગયા. ઘરમાં વડીલોની સેવા છતાં સંતાન ઉછેર સમાજસેવા અને ગમતી સંગીતની પ્રવ્રત્તિમાં સદા મગ્ન રહે.બંને અભ્યાસ પૂર્ણ દીકરીઓ પોતાના જીવન વ્યવહારમાં સરસ ગોઠવાઈ છે.મોટી ઇરા ગુજરાતી ભાષાની અનુસ્નાતક ભુજ ખાતે અને વાણી અમદાવાદમાં હોમિયોપેથીમાં અનુસ્નાતક પૂર્ણ કરી કોલેજમાં અધ્યાપક.તારકભાઇ અને હર્ષાબહેન ની એક ખાસિયત સહુના જન્મ દિવસ ખાસ યાદ રાખે

દિનેશ .લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979 

અન્ય લેખ વાંચવા mankaddinesh.blogspot.com પર ક્લિક કરો 

Thursday, November 10, 2022

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના ---લેખાંક -24- પ્રખર પ્રજ્ઞાવાન- મહર્ષિ યાજ્ઞવલ્કય


 

                                                             ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

                                                         પ્રખર પ્રજ્ઞાવાન- મહર્ષિ યાજ્ઞવલ્કય

         દરેક ઉપનિષદ તીવ્ર જિજ્ઞાસુ શિષ્યોથી ભરેલાં છે.બ્રહ્મને જાણવા-પામવા માટેની તેઓની તીવ્રત્તમ ઈચ્છા  પણ દરેક ઉપનિષદોમાં દેખાય છે. એ જ તો શિક્ષણની પ્રથમ -પ્રાથમિક વિભાવના છે.જ્યાં ડોકિયું કરીએ ત્યાં જ્ઞાન પિપાસા જ દેખાય એમાંય ક્યારેક તો એ માટેની તંદુરસ્ત સ્પર્ધા તો ટોચની બની જાય. ગૌરવની વાત એ છે કે પ્રાચીન ભારતના અનેક રાજાઓ પણ આવી જ્ઞાનની ચર્ચાસભાઓ યોજતા.-વિદ્વાનો અને જિજ્ઞાસુઓને એકઠા કરતા. જેમાં જ્ઞાનમાં એક એકથી ચડિયાતા પરસ્પર પ્રશ્નોની ઝડી વરસાવતા અને સમાધાન મેળવતા..ઉપનિષદોમાં આવા અનેક અદભુત સંવાદો જોવા મળે છે.

         મહર્ષિ યાજ્ઞવલ્કય એટલે ટોચના જ્ઞાની.શાસ્ત્રોમાં તો તેમને યોગીશ્વર યાજ્ઞવલ્કય તરીકે નવાજવામાં આવ્યા છે. બૃહદારણ્યક ઉપનિષદમાં બીજા અને ત્રીજા અધ્યાયમાં મહર્ષિ યાજ્ઞવલ્કયની વિદ્વતા પૂર્ણ ચર્ચા ઉત્કૃષ્ટ છે.

          વિદેહરાજ જનકએ એક બહુ દક્ષિણાવાળા યજ્ઞનું આયોજન કર્યું.અનેક વિદ્વાનો એકઠા થયા.રાજાને એ જાણવાની ઈચ્છા થઈ કે 'આ વિદ્વાનોમાં સર્વ શ્રેષ્ઠ કોણ છે ?'   जनकस्य वैदेहस्य विजिज्ञासा बभूव कः स्विदेषां ब्राह्मणानामनूचानतम इति । એ માટે પોતાની ગૌશાળાની એક હજાર ગાયો સોનાના શીંગડે મઢીને તૈયાર રાખી.અને વિદ્વાનોને સંબોધીને કહ્યું ,तान्होवाच ब्राह्मणा भगवन्तो यो वो ब्रह्मिष्ठः स एता गा उदजतामिति ।  આપ સહુમાંથી જે સૌથી વધારે  બ્રહ્મનિષ્ઠ હોય તે આ ગાયો લઇ જાય.' યાજ્ઞવલ્કયજીએ તરત જ પોતાના શિષ્ય સોમશ્રવાને ગાયો હાંકી જવા કહ્યું .અન્ય વિદ્વાન બ્રાહ્મણો ક્રોધે ભરાયા ' કોઈ પોતાને જાતે સર્વશ્રેષ્ઠ કેમ માની લે ?' રાજાના હોતા અશ્વલએ યાજ્ઞવલ્કયજીને પ્રશ્ન કર્યો ,' આપ બ્રહ્મનિષ્ઠ છો?' તેમણે આદર સાથે સહુને પ્રણામ કરીને   જણાવ્યું ,'અમારે તો માત્ર ગાયોની ઈચ્છા છે.'

         પણ અશ્વલએ તો દૃઢપણે ,નિયમાનુસાર ઋષિને કઠિન પ્રશ્ન કર્યો. याज्ञवल्क्येति होवाच यदिद सर्वं मृत्युनाऽऽप्त, सर्वं मृत्युनाऽभिपन्नं केन यजमानो मृत्योराप्तिमतिमुच्यत इति । સમસ્ત વિશ્વ જયારે મૃત્યુથી  સંવ્યાપ્ત અને આધીન છે ત્યારે યજમાન તેના બંધનનું અતિક્રમણ કેવી રીતે કરી શકે ?' ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યાજ્ઞવલ્કયજીએ ઉત્તર વાળ્યો, होत्रर्त्विजाऽइना वाचा वाग्वै यज्ञस्य होता । तद्येयं वाक् सोऽयमग्निः

स होता सा मुक्तिः साऽतिमुक्तिः ॥ 'હોતા અને અગ્નિ ( વાંકશક્તિ અને અગ્નિ ) દ્વારા મૃત્યુને પાર કરી શકે.એ જ મુક્તિ છે. અશ્વલએ તો ઉપસ્થિત વિદ્વાનોના સંતોષ ખાતર યાજ્ઞવલ્કયજીને  ધડાધડ પ્રશ્નો પૂછવા માંડ્યા.' યજમાનની દિવસ રાત્રિમાંથી મુક્તિ કેમ ? શુક્લ અને કૃષ્ણ પક્ષમાંથી મુક્તિ કેમ ? આધાર વગરના અંતરિક્ષમાં સ્વર્ગારોહણ કેમ થાય ? ' વગેરે મહર્ષિ એ તમામના ઉત્તર સ્વસ્થતાથી અને વિસ્તૃત રીતે આપ્યા यज्ञस्याध्वर्युस्तद्यदिदं चक्षुः सोऽसावादित्यः सोऽध्वर्युः सा मुक्तिः साऽतिमुक्तिः ॥ 'નેત્ર અને સૂર્યના માધ્યમથી દિવસ રાત્રિમાંથી, तद्योऽयं प्राणः स वायुः स उद्गाता सा मुक्तिःसाऽतिमुक्तिः ॥ વાયુ  અને પ્રાણથી શુક્લ-કૃષ્ણ પક્ષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. ઋત્વિજ, तद्यदिदं मनः सोऽसौ चन्द्रः स ब्रह्मा सा मुक्तिः सातिमुक्तिरित्यतिमोक्षा अथ सम्पदः ॥ બ્રહ્મા અને ચંદ્રમાના માધ્યમથી સ્વર્ગારોહણ કરીશકે.' યજ્ઞ વિષયક અનેક પ્રશ્નોના ઉત્તર પણ આપી અશ્વલને સંતોષ કરાવ્યો.

         આ તો પરમજ્ઞાની રાજા જનકજીની સભા હતી. ત્યારબાદ અન્ય ઋષિગણ જારત્કારવ,ભુજ્યુ લાહયાયની ,ચક્રપુત્ર ઉપસ્ત, કૌશીતકય કોહલ,વાચક્રવી ગાર્ગી ,આરુણિ ઉદ્દાલક વગેરે એ યાજ્ઞવલ્કયજીને ધારદાર પ્રશ્નોની ઝડી વરસાવી.મહર્ષિએ તમામને ખુબ વિસ્તૃત અને ગળે ઉતરે તેવી ઉત્તમ છણાવટ કરીને, ઉત્તર આપ્યા. સહુ મૌન થઇ ગયા.ત્યારબાદ અંતિમ દાવ તરીકે વાચકનવી ગાર્ગીએ કહ્યું, अथ ह वाचक्नव्युवाच ब्राह्मणा भगवन्तो हन्ताहमिमं द्वौ प्रश्नौ प्रक्ष्यामि तौ चेन्मे वक्ष्यति न वै जातु युष्माकमिमं कश्चिद्ब्रह्मोद्यं जेतेति । पृच्छ गार्गीति હે પૂજ્ય બ્રાહ્મણો ,હવે હું એમને બે પ્રશ્નો પૂછું છું .જો તેઓ બંનેના ઉચિત ઉત્તર આપી શકશે તો એ સુનિશ્ચિત થઇ જશે. તેઓ અજેય છે.' બ્રાહ્મણોએ સૂચક સંમતિ આપી.

         ગાર્ગીએ પૂછ્યું  सा होवाच यदूर्ध्वं याज्ञवल्क्य दिवो यदवाक्पृथिव्या यदन्तरा द्यावापृथिवी इमे यद्भूतं च भवच्च भविष्यच्चेत्याचक्षते कस्मिꣳस्तदोतं प्रोतं चेति ' જે દ્યુલોકથી નીચે અને પૃથ્વીલોકથી ઉપર છે તથા દ્યો અને પૃથ્વીની વચ્ચે રહેલ છે. જે સ્વતઃ દ્યુ અને પૃથ્વીલોક છે તથા જે સ્વયં ભૂત ,ભવિષ્ય અને વર્તમાન છે ,એ શામાં ઓતપ્રોત છે ?' યાજ્ઞવલ્કયજીએ ત્વરિત ઉત્તર પાઠવ્યો स होवाच यदूर्ध्वं गार्गि दिवो यदवाक्पृथिव्या यदन्तरा द्यावापृथिवी इमे यद्भूतं च भवच्च भविष्यच्चेत्याचक्षत आकाशे तदोतं च प्रोतं चेति ॥ ' હે ગાર્ગી, જે દ્યુલોકથી નીચે અને પૃથ્વીલોકથી ઉપર છે તથા દ્યો અને પૃથ્વીની વચ્ચે રહેલ છે. જે સ્વતઃ દ્યુ અને પૃથ્વીલોક છે તથા જે સ્વયં ભૂત ,ભવિષ્ય અને વર્તમાન છે ,એ આકાશમાં ઓતપ્રોત છે.'

          સંતોષપ્રદ ગાર્ગીએ મહર્ષિને પ્રણામ કરીને બીજા પ્રશ્ન માટે અનુમતિ માંગી અને પહેલા પ્રશ્નના સંદર્ભમાં જ બીજો પ્રશ્ન પૂછ્યો., कस्मिन्नु खल्वाकाश ओतश्च प्रोतश्चेति ॥ ' જો એ બધાં આકાશમાં ઓતપ્રોત હોય તો પછી આકાશ શામાં ઓતપ્રોત છે? ' પૂર્ણ જ્ઞાની એવા મહર્ષિ યાજ્ઞવલ્કય ઉત્તર માટે તત્પર જ હતા.ખુબ વિસ્તૃત ઉત્તર પાઠવ્યો. स होवाचैतद्वै तदक्षरऽ गार्गि ब्राह्मणा अभिवदन्त्यस्थूलमनण्वह्रस्वमदीर्घमलोहितमस्नेहमच्छायमतमो-

ऽवाय्वनाकाशमसङ्गं अचक्षुष्कमश्रोत्रमवाग् अमनोऽतेजस्कमप्राणममुखममात्रं अनन्तरमबाह्यं न तदश्नाति

किं चन न तदश्नाति कश्चन ॥. 'હે ગાર્ગી, એ તત્ત્વને  બ્રહ્મવેત્તા 'અક્ષર ' એમ કહે છે.એ ન તો સ્થૂળ છે ન સૂક્ષ્મ, ન નાનો કે લાંબો ,નથી લાલ,સ્નેહિલ ,છાયા ,અંધકાર ,વાયુ ,આકાશ.જે સંગ અને રસહીન છે.તેને નથી નેત્ર,કાન ,વાક .મન મુખ,પ્રાણ માપ વગેરે પણ નથી. ન કોઈ એને ભક્ષણ કરી શકે ન એ કોઈનું ભક્ષણ કરી શકે.'         

         યાજ્ઞવલ્કયજીએ આ અક્ષર બ્રહ્મનું સમય અને પ્રકૃત્તિ સાથેનું અનુસંધાન एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि

निमेषा मुहूर्ता अहोरात्राण्यर्धमासा मासा ऋतवः संवत्सरा इति विधृतास्तिष्ठन्त्येतस्य वा अक्षरस्य प्रशासने गार्गि प्राच्योऽन्या  नद्यः स्यन्दन्ते श्वेतेभ्यः पर्वतेभ्यः प्रतीच्योऽन्या यां यां च दिशमन्वेतस्य वा अक्षरस्य प्रशासने गार्गि ददतो मनुष्याः ગાર્ગીને સમજાવ્યું  'અક્ષર 'અનુશાસનનું મૂલ્ય પ્રદર્શિત કરે છે. અને એને ન અનુસરનારા વિષે પણ एतदक्षरं गार्ग्यविदित्वाऽस्माल्लोकात्प्रैति स कृपणोऽथ य ધ્યાન દોરી .તારણ બતાવે છે .હે ગાર્ગી આ અક્ષર જ બ્રહ્મમાં જ એ આકાશતત્ત્વ ઓતપ્રોત છે. खल्वक्षरे गार्ग्याकाश ओतश्च प्रोतश्चेति ॥ વિદુષી ગાર્ગીની કસોટી માંથી યાજ્ઞવલ્કય પાર ઉતર્યા એમ તો ન કહેવાય પણ એ નિમિત્તથી બધા વિદ્વાનોને તેમના વિશેષ જ્ઞાનનો પરિપાક મળ્યો.આખરે ગાર્ગીએ સ્વીકાર્યું ,' હે વિદ્વાનો ,આ વાર્તાલાપને સમજજો ' भगवन्तस्तदेव बहु मन्येध्वं આટલું કહી મહર્ષિ યાજ્ઞવલ્કયજીને નમન કરીને સ્વીકાર કર્યો કેबहु मन्येध्वं यदस्मान्नमस्कारेण

मुच्येध्वं न वै जातु युष्माकमिमं कश्चिद्ब्रह्मोद्यं जेतेति ततो ह वाचक्नव्युपरराम ॥ ' આપણામાંથી કોઈપણ બ્રહ્મજ્ઞાની માટે એમને જીતવા સંભવ નથી ' આટલું બોલી તે મૌન થઇ ગયાં .

        પછી પણ વિદગ્ધ શાકલ્યથી ન રહેવાયું. તેમણે દેવગણ ,વસુ વગેરે વિષે અનેક પ્રશ્નો પૂછ્યા.મહર્ષિએ ધૈર્ય રાખીને તેમને પણ જ્ઞાનવર્ધીત કર્યા. યાજ્ઞવલ્કયજીએ વિદ્વાનોને એક વળતો પ્રશ્ન કર્યો,' વૃક્ષ અને માનવમાં લગભગ સમાન આવિર્ભાવ છે यत्समूलमावृहेयुर्वृक्षं न पुनराभवेत् । मर्त्यः स्विन्मृत्युना वृक्णः कस्मान्मूलात्प्ररोहति ॥ છતાં વૃક્ષને ઉપરથી કાપીએ ફરી ઉગે  પણ  માનવમાં એવું કેમ નથી થતું ?' ઉપસ્થિત કોઈ વિદ્વાન તેનો પ્રત્યુત્તર આપી ન શક્યા .યાજ્ઞવલ્કયજીએ શ્રુતિનો સંદર્ભ ટાંકીને કહ્યું जात एव न जायते को न्वेनं जनयेत्पुनः विज्ञानमानन्दं ब्रह्म रातिर्दातुः परायणं तिष्ठमानस्य तद्विद इति ॥. ' બ્રહ્મ વિજ્ઞાનમય અને આનંદરૂપ છે. બ્રહ્મનિષ્ઠ પુરુષોનો આશ્રય પણ એ બ્રહ્મ જ છે

           મહર્ષિ યાજ્ઞવલ્કયજીના અનેક સંવાદોમાંથી એક ઉત્કૃષ્ટ સંવાદ ઉડીને આંખે વળગે તેવો છે.એ સંવાદ એટલે યાજ્ઞવલ્કય -મૈત્રેયી સંવાદ.ભારતીય સંસ્કૃતિની ચાર વર્ણાશ્રમ-બ્રહ્મચર્યાશ્રમ ,ગૃહસ્થાશ્રમ ,વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમની વ્યવસ્થા અદભુત છે.મહર્ષિ યાજ્ઞવલ્કય, ગૃહસ્થાશ્રમ પૂર્ણ કરી વાનપ્રસ્થાશ્રમની તૈયારીમાં સંપત્તિ વિતરણનો વિચાર કરે છે ત્યારે તેમના પરમ વિદુષી પત્ની મૈત્રેયી એમને જ તર્ક સંગત પ્રશ્ન કરે છે .  सर्वा पृथिवी वित्तेन पूर्णा स्यात् स्यां न्वहं तेनामृताऽऽहो ' હે ભગવન ,શું ધન ધાન્યથી ભરપૂર આ સંપૂર્ણ ધરતીની હું માલિકણ થઇ જાઉં તો શું હું અમરપદ મેળવી શકીશ? ' શબ્દોમાં સરળ લાગતા તેમના પ્રશ્નની ઉંચાઈ તો જુઓ.બે ચાર શબ્દોમાં ભૌતિકતાની નશ્વરતા બતાવી દીધી છે ! સ્પષ્ટ વક્તા યાજ્ઞવલ્કયજી ઉત્તર પાઠવે છે, ’ જી ના, અન્ય સંપન્ન લોકો જેવું જીવન મળશે પણ यथैवोपकरणवतां जीवितं तथैव ते जीवित स्यादमृतत्वस्य तु नाऽऽशाऽस्ति वित्तेनेति ॥ ધન દ્વારા અમૃતત્વની આશા ન કરવી જોઈએ.'

          ઉપનિષદ વિચારની મજા અહીં છે.નિસ્વાર્થ અને વન્યજીવન વ્યતીત કરતા ઋષિગણના સંપત્તિ વિતરણ અને મૈત્રેયીનો અમરપદ પ્રાપ્તિનો પ્રશ્ન,તો સમગ્ર માનવજાત માટે જીવનલક્ષી વાસ્તવિકતા બતાવીને ઉચ્ચ વિચારો મુકવા માટેનું માધ્યમ માત્ર જ છે. મનુષ્ય જન્મ માટેના ઉચ્ચ દૃષ્ટિકોણ બતાવવા માટે જ  આ સંવાદ પ્રયોજવામાં આવ્યા હોય એમ ખબર પડે .

           આગળના મંત્રમાં મૈત્રેયી સ્પષ્ટપણે પોતાનો મત મૂકે છે.' જો એમ જ હોય તો એને ગ્રહણ કરીને હું શું કરીશ ? सा होवाच मैत्रेयी येनाहं नामृता स्यां किमहं तेन कुर्याम् । यदेव भगवान्वेद तदेव मे ब्रूहीति ॥હે ભગવન ,જો આપ  અમૃતત્વ પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય જાણતા હો તો મને જણાવવાનો અનુગ્રહ કરો'  સુપાત્ર એવાં મૈત્રેયીને યાજ્ઞવલ્કય સહર્ષ જણાવે છે.  भवत्येतद् व्याख्यास्यामि ते व्याचक्षाणस्य तु मे निदिध्यासस्वेति ॥ ' ખુશીથી હું તમને અમૃતત્વ પ્રાપ્ત કરવાનો ઉપદેશ પ્રદાન કરું છું.તેનું નિદિધ્યાસન ( એનું  પાલન ) કરજો.'

         યાજ્ઞવલ્કયજી સમજાવે છે, ' સામાન્ય રીતે કોઈપણ આકાંક્ષાપૂર્તિનું પ્રયોજન કેવળ પોતા માટે જ હોય છે ,નહી કે સાધન માટે न वा अरे भूतानां कामाय भूतानि प्रियाणि भवन्त्यात्मनस्तु कामाय भूतानि प्रियाणि भवन्ति ।.પતિ ,પત્ની ,ધન,જ્ઞાન,શક્તિ,પ્રાણી વગેરેના પ્રયોજન પોતાના હિત માટે જ હોય છે. માટે હે મૈત્રેયી ,આ આત્મા જ દર્શન કરવા યોગ્ય ,શ્રવણ કરવા યોગ્ય મનન કરવા યોગ્ય અને નિદિધ્યાસન કરવા યોગ્ય છે. न वा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवत्यात्मनस्तु कामाय सर्वं प्रियं भवत्यात्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यो मैत्रेय्यात्मनि खल्वरे दृष्टे श्रुते मते विज्ञात इद सर्वं विदितम् આ આત્માનું દર્શન, શ્રવણ, મનન ,અને જ્ઞાનથી પણ બધાનું જ્ઞાન થઇ જાય છે. ' કોઈ પણ સાધન કે સાધ્યના આત્માના જોડાણ સિવાય કશું જ નથી.

            स यथा दुन्दुभेर्हन्यमानस्य न बाह्याञ्छब्दाञ्छक्नुयाद् ग्रहणाय दुन्दुभेस्तु ग्रहणेन दुन्दुभ्याघातस्य वा शब्दो गृहीतः ॥ ' જે રીતે વાગી રહેલ દુદુમ્ભીની બહાર નીકળતા શબ્દોને ગ્રહણ કરવા કોઈ સમર્થ નથી.એને દુદુંભિ કે વાદક જ ગ્રહણ કરી શકે તવી રીતે આત્મા અથવા સંચાલક દ્વારા જ આત્માને ગ્રહણ કરી શકાય છે.'

          આગળ એક સચોટ ઉદાહરણ વડે સૃષ્ટિ સંચાલકની મહત્તા દર્શાવે છે. ' જે રીતે ભીના ઇંધણથી ઉત્પન્ન અગ્નિ માંથી ધુમાડો નીકળે એવી રીતે  स यथाऽऽर्द्रैधाग्नेरभ्याहितस्य पृथग्धूमा विनिश्चरन्त्येवं वा अरेऽस्य महतो भूतस्य निःश्वसितमेतद्यदृग्वेदो यजुर्वेदःसामवेदोऽथर्वाङ्गिरस इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाः

सूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानि इष्ट हुतमाशितं पायितमयं  च लोकः परश्च लोकः सर्वाणि च भूतान्यस्यैवैतानि सर्वाणि निःश्वसितानि ॥  सामवेदसथर्वाङ्गिरससितिहासस्पुराणं विद्यासुपनिषदस्श्लोकास्सूत्राणि अनुव्याख्यानानि व्याख्याननि दत्तं   ' હે મૈત્રેયી,ઋગ્વેદ ,યજુર્વેદ ,સામવેદ ,અથર્વવેદ ,ઇતિહાસ, પુરાણ ,ઉપનિષદ ,સૂત્ર,શ્લોક,વ્યાખ્યાન,ઇષ્ટ( યજ્ઞ),હત,આશિત ,પાચિત,આલોક,પરલોક અને સમસ્ત પ્રાણીએ મહાન સત્તાનો નિઃશ્વાસ જ છે.'

         જ્ઞાન-વેદની મહત્તા સમજાવવા માટે મહર્ષિ કહે છે,' જળનું આશ્રય સ્થાન સમુદ્ર છે, સ્પર્શોનું ચામડીનું, ગંધોનું નાસિક,રસોનું જીભ,શબ્દોનું શ્રોત્ર ,સંકલ્પોનું મન વગેરે આશ્રયસ્થાનો છે ‘,सर्वेषां वेदानां वागेकायनम् ॥ તેવી રીતે જ્ઞાન -વેદોની આશ્રય સ્થાન વાંકશક્તિ-વાણી છે.' ફરી યાજ્ઞવલ્કયજીએ સચોટ ઉદાહરણ આપીને પ્રતિપાદન કર્યું. स यथा सैन्धवघनोऽनन्तरोऽबाह्यः कृत्स्नो रसघन एवै वं वा अरेऽयमात्मानन्तरोऽबाह्यः कृत्स्नः प्रज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनयष्यतिति प्रज्ञानघनसेव एतेभ्यस्भूतेभ्यस्समुत्थाय तानि एव अनुविनयति न प्रेत्य  सञ्ज्ञाऽस्तीत्यरे ब्रवीमीति होवाच याज्ञवल्क्यः ॥  જે રીતે લવણની ગાંગડી બહાર અને અંદરથી રહિત છે. સંપૂર્ણરૂપે રસધનજ છે ,એવી રીતે હે મૈત્રેયી, આ આત્મા બહાર અને અંદર ( બાહ્યાભ્યન્તર ) ભેદોથી શૂન્ય પ્રજ્ઞાન ઘનજ છે.આ વિજ્ઞાનઘન આત્મા સમસ્ત ભૂતોથી ઊંચે ઉઠીને એમાં જ વિલીન  થઇ જાય છે.'

      મૈત્રેયીએ આ તથ્ય માટે પોતાની અસંજસતા વ્યક્ત કરી કે તરત જ યાજ્ઞવલ્કયજીએ ઉત્તર વાળ્યો  ब्रवीम्यविनाशी वा  अरेऽयमात्माऽनुच्छित्तिधर्मा ॥. ' આ આત્મા નિશ્ચિત્તરૂપે અમર્ત્ય ( અવિનાશી ) છે.અને ઉચ્છેદ નથી.' ઉપસંહાર કરતાં મહર્ષિ જણાવે છે.  सर्वं विजानाति तं केन विजानीयात् स एष नेति नेत्याऽत्मागृह्यो न हि गृह्यतेऽशीर्यो न हि शीर्यते ऽसङ्गो न हि सज्यतेऽसितो न व्यथते न रिष्यति । विज्ञातारमरे केन विजानीयादित्युक्तानुशासनासि मैत्रेय्येतावदरे खल्वमृतत्वमितिहोक्त्वा याज्ञवल्क्यो विजहार ॥ ' જેના દ્વારા બધાને જાણી શકાય છે એને કોના દ્વારા જાણે ?  એ આત્મા અગ્રાહ્ય છે. જેના વિષયમાં 'નેતિ નેતિ' એમ કહેવામાં આવેલું છે.એનો ક્યારે નાશ થતો નથી.એ કોઈથી આશક્ત થતો નથી.એ ક્યારેય બંધાતો નથી.હે મૈત્રેયી ,અમૃતત્વ મેળવવા માટે આટલું જ્ઞાન ઘણું છે.' - એમ કહીને યાજ્ઞવલ્કયજી પરીવ્રજ્યા માટે ચાલ્યા ગયા.

           મહર્ષિની મહાનતાની ટોચ ,આકાશે આંબે તો ય ઓછી પડે..વેદ ઉપનિષદોં ,તેમના જ્ઞાન સંવાદોના કુબેર ભંડાર છે. યાજ્ઞવલ્કયજી વિષે ગમે તેટલું વર્ણવીએ ,ઓછું જ પડે.એકાદ મોજાંની છાલકે જ સાગરસ્નાનનો સંતોષ માન્યે છૂટકો.