Readers

Wednesday, November 23, 2022

સહયાત્રીઓ 3 શ્વસુર સંઘ નો સથવારો


 

                                સહયાત્રીઓ 3 શ્વસુર સંઘ નો સથવારો

          કેટલાક સહયાત્રીઓ વચ્ચેથી જોડાય પણ લાગે એવું કે જાણે તેઓ પહેલેથી નિમિત્ત ન હોય! પૂજ્ય ભાઈના દૂરના ભાણેજ સુલોચનાબેન વોરા સહેજે માંડવી આવેલાં એટલે મામા ( પિતાશ્રી ) ને મળવા આવ્યાં.વાત કરી .' ગાંધીનગરમાં કુમુદભાઈ શુક્લની દીકરી રંજના છે.ભણેલીને સારી નોકરીવાળી છે.એ લોકો કચ્છનો સારો છોકરો શોધે છે.' સરનામું લેવાઈ ગયું.અને હવે..નવા સહયાત્રીઓ પણ યાત્રા જોડાયા.અમારા બંનેના સંવાદમાં એક વસ્તુ પહેલા દિવસથી જ આવી અને તે એ ,' આપણા બંનેના માં બાપ અતિ શ્રદ્ધાળુ સંસ્કાર પ્રિય અને ધાર્મિક છે.'-

       કચ્છમાંથી અમદવાદ અને ગાંધીનગર સચિવાલયમાં સેવા આપતા કુમુદભાઈએ શરૂમાં અમદાવાદમાં લાલમીલ કોલોનીના સાંકડાં ઘરમાં રહી રોજની 15 થી વધારે કિ મિ સાયકલ ચલાવી સમયસર સચિવાલય પહોંચવાની નિષ્ઠા તો છેક ગાંધીનગર નાયબ સચિવના હોદ્દા પર પહોંચ્યાં પછી નિવૃત્ત થયા ત્યાં સુધી નિભાવી.કડક નિયમ પાલન છતાં માનવતા અને કોમળ હૃદયના એવા કુમુદભાઈનું શિસ્ત ઘરમાં કે કચેરીમાં રહેતું. પરિવારમાં કોઈની પણ ગમે તેવી સમસ્યાનો સ્વસ્થ અને ધીરજપૂર્વકનો  બતાવવાની તેમની સૂઝ ખુબ અદભુત હતી.' પોતાને ઓળખો. તમે કોણ છો તે જાણો .'  એમનું એ વિધાન હિમ્મત અને સ્વગૌરવ અપાવે. સવાર કે સાંજે નાનકડા પાર્થને હિંચકે બેસાડીને શ્લોકો બોલાવવા તેમનો મનગમતો ક્રમ હતો.

         હું પહેલે દિવસે સાસરે ગયો ને મારો સાહિત્ય રસ જોઈને મને 'ગીતાંજલિ' નો કિલાચંદ દ્વારા થયેલો અનુવાદ હાથમાં આપ્યો.ઘરમાં મેઘાણી અને અન્ય પુસ્તકોનો ખજાનો.શરૂથી આગાથા ક્રિસ્ટી અને બીજા ખુબ અંગ્રેજી લેખકોને વાંચતા રહેતા.નાની વાતમાંથી રમૂજ ઉપાડવી.સામેની વ્યક્તિના શોખને અનુલક્ષીને વાત કરવી.એમની ખાસ લાક્ષણિકતા.મુંબઈ અભ્યાસ સમયે ખુબ જુના ચલચિત્રો જોવાનો આકરો શોખ. પછી પણ 1930 અને આસપાસની ફિલ્મોના ગીત કે ચલચિત્ર મળે તો આખી દુનિયા છોડીને બેસી જાય.કચ્છમાંથી આ બધું  ખણખોદ કરી મેળવી આપવાની શ્વસુર સેવાની તક મને મળી ! શાંતારામ તેમના ખુબ પ્રિય કલાકાર.એ પરથી તેમની કલાસૂઝનો ખ્યાલ આવે.

            વતનપ્રેમ તો એમનો જ.વર્ષે બે કચ્છ મુલાકાત તો ખરી જ.પણ અમદાવાદ ,ગાંધીનગર કોઈ કચ્છી મળે તો ખુબ રાજી થાય. એટલે જ નિવૃત્તિ પછી સતત ખેંચાણ ભુજનું જ રાખ્યું.અને છેલ્લા ઘણા વર્ષ ભુજ જ વિતાવ્યાં પરિવાર પ્રેમ અદભુત.નાની બહેન અને ભાણેજોને અને અન્યોને અચૂક રોજ મળવાનું.નાકા બહાર જવાનું એ એમની ખુબ ગમતી પ્રવૃત્તિ યુવાની અને પછી પણ પાવડીનો 'ભજેડી ' ( આશરે પાણીથી ત્રીસેક  ફૂટ ઉપરની અગાસી ) પરથો ભૂસકો જોવા તેના દર્શકો જોવા ઉભા રહી જાય.સ્વચ્છતા અને ચોકસાઇના અતિ આગ્રહી . ખાવાના શોખીન ખરા પણ ભોજન ,ખોરાક પ્રમાણ અને પદ્ધતિસરના જ. સ્વાવલંબનના આગ્રહી.વયસ્ક થયા પછી પણ માંડ લાકડી હાથમાં લીધી .કોઈ હાથ પકડે કે ટેકો આપે ,એ તો જ રાય ન ગમે.છેક સુધી સ્વસ્થ જીવન અને પુરી લીલીવાડી જોઈને વિદાય લીધી. 

            ડોક્ટર પિતાના ચુસ્ત સંસ્કારોનો અમલ કરાવવામાં ચુસ્ત એવાં કુંજલતાબેન ( કુંતાબેન ) સ્વભાવે ખુબ લાગણીવાળા અને અતિ પરિશ્રમી.આરોગ્યના નિયમો પોતે પાલન કરે ને બીજા ને કરાવે.સંતાનોના અભ્યાસ માટે સતત જાગૃત. પાંચેયને નાના ધોરણથી  રખાવી ને સ્નાતક કક્ષાએ ઉચ્ચ ગુણાંક સુધી પહોંચાડવાના તેમનો અથાગ પરિશ્રમ અને સૂઝ . ગાંધીનગરના વાતાવરણમાં બધાં સંતાનોને સ્પધાત્મક પરીક્ષાના તેમના સમય સાચવવા પોતે જાગે-જગાડે. છેક સુધી પૂર્ણ સ્વાવલંબી. ઘરમાં બધાના સમય અને  સગવડ પોતાના શ્રમને ભોગે સાચવે. .એમનો કુટુંબ પ્રેમ પણ અજબનો જે આવે તેનું પૂરેપૂરું સાચવવા જાગૃત રહે  પૂરાં ધાર્મિક સાથે ભજન ગાવાં એમને ખુબ ગમે .પોતાનાં વર્તુળમાં તેમનાં ભજનની માંગ હોય.પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી ના વિચારો ખુબ ગમે એટલે ઘરમાં કોઈની આવજા જય યોગેશ્વરથી શરુ કરાવી.પાર્થ ને ત્રણ વર્ષની વયે વસંતોત્સવમાં મંચ પર ઉભો કર્યો પાર્થના ઉછેરમાં તેમનો  અનન્ય ફાળો ભુલાય તેવી નથી.

         ખુબ સાલસ અને સરળ એવા   સાળા મૃદુલભાઈ ખુબ પરગજુ.હોશિયાર પણ એટલા જ.ફરજનિષ્ઠા એટલી કે અમદાવાદથી ગાંધીનગર આવવા સાંજે 6.10.ની બસ હોય પણ કચેરી સમય 6.15 હતો તો તે બસ જવા દેવાની .તેના પછીની ભલે મોડી હોય. તદ્દન નિખાલસ મૃદુલભાઈને ગાવાનું કહીએ કે તરત નજીક પડેલું ટેબલ કે અન્ય સાધન લઈને મન મૂકીને ગાય.એકાઉંટ એમનો ગમતો વિષય .કચેરી ,શેર બજાર કે દેશના અર્થતંત્ર પર તેમની તાર્કિક વાતો સાંભળવી ગમે.સહુનો શક્ય તેટલો આદર કરવોને સહાયભૂત થવું એ તેમની વિશેષ લાક્ષણિકતા હતી.એસ.ટી.ને એક રૂપિયાનું નુકસાન થતું હોય તો તેઓ તરત નારાજગી વ્યક્ત કરી દે. ક્ષમતા ,નિષ્ઠા અને ગુણવત્તાએ એમને એસ.ટી.માં ડિવિઝન કક્ષાના એકાઉન્ટ્સ ઓફિસરના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડ્યા .બંને પુત્રો સ્નેહલ અને રુચિરને શિક્ષણ અને જીવન સિદ્ધાંતોના પાઠ શીખવવા સતત મગ્ન રહેતા. પરિણામ સ્વરૂપ આજે સ્નેહલ અદાલતમાં ન્યાયમૂર્તિનું અને અને રુચિર અન્ય ન્યાયાલયમાં ઉચ્ચ હોદા પર છે.

         ઘણી વખત ઈશ્વરને કોઈ ભક્ત વધારે વહાલો હોય તો પોતા પાસે  જલ્દી બોલાવે.તેમ મૃદુલભાઈ માત્ર 51 વર્ષની વયે અચાનક જ કોઈ અસાધ્ય બીમારીમાં સપડાયા.તમામ તબીબી સહાય કારગત ન નીવડી અને તેઓ  સહુની સાથેની પોતાની  યાદોને મૂકીને જતા રહયા.-તેમના ગમતાં ગીત ની જેમ.-' ઓ નીલગગનના પંખેરું તું કાં નવ પાછો આવે,મને તારી યાદ સતાવે '

          બીજા સાળા અતુલભાઈ ખરેખર અતુલ્ય જ હતા.લગભગ સરખી ઉંમરના હોઈ મશ્કરી  સમજે અને કરે પણ ખરા.એમનો બૌદ્ધિક માનાંક ખુબ ઊંચો એટલે તેમની હળવી મજાક બધાને ખુબ ગમે.અતુલભાઈ ખુબ શ્રદ્ધાળુ.મન મૂકીને હનુમાન ચાલીસા કે મંગલમૂર્તિ ગાય ત્યારે તેમની લીનતા જોવા જેવી હોય. દરરોજ નો ચંડીપાઠ કરવાનો ક્રમ લગભગ કદી ન ચુકે. પોતાના સમયના ગીતો ,ખાસ કરીને ગાયક મુકેશ અને કલાકાર રાજેશ ખન્નાના ગીતો ગણગણ્યા જ કરે.એમના જેવો ઉત્કટ પારિવારિક પ્રેમ ક્યાંક જ જોવા મળે.દૂર દૂર સુધીના વડીલો, પોતા સરખા અને નાનાને ખુબ લાગણીથી બોલાવે સાચવે.કોઈનો પણ સારો માઠો પ્રસંગ પણ ગમેતેવી અગવડ હોય તો ય સાચવવો એ ધર્મ સમજી અચૂક કરે. અતુલભાઈની ઉદારતા પણ અનેરી જ.એમનો એક હાથ હંમેશ ખિસ્સાંમાં જ હોય.કુટુંબમાં તો પુરેપુરી  જ પણ રસ્તે ચાલતાં કોઈ દેખાય તો તેના પર અતુલભાઈ વરસી પડે.

             સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર અને મર્જિંગ પછી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ગ્રેડ 4 સુધીની અતિ નિષ્ઠાવાન સેવા.એમાંય દ્વારકા મળ્યું ત્યારથી એમની દ્વારિકાધીશ માટેની શ્રદ્ધા અનન્ય બની ગઈ. એમની શ્રદ્ધામાં સોનામાં સુગંધ ભળવાની હોય તેમ માતાપિતા કુમુદભાઈ અને કુંજલતા બેનને પણ ગાંધીનગરથી અહીં સાથે રહેવા માટે લાવ્યા.દ્વારિકાધીશના નિયમિત દર્શન કરવાં અને કરાવવાં એ તેમનો નિત્યક્રમ બની રહ્યો.સાથે સાથે બહોળા પરિવારમાંથી બને તેટલાં ને પુરી સુવિધા સાથે દ્વારકાની યાત્રા તો કરાવતા જ રહ્યા.

          અન્ય સ્થળોએ બદલાયા પછી નિવૃત્તિનો સમય આવ્યો.બંને વડીલોને વતનનું સ્મરણ વધારે રહેતું એટલે પોતે પણ તેમને સાથે રાખીને ભુજ જ સ્થાયી થવાનો નિર્ણય લીધો.વડીલોની શક્ય તેટલી ઈચ્છા,-મળવું,ફરવું - વગેરે પૂર્ણ કરવામાં અતુલભાઈ ક્યારેય કાચા પડે તેવા નહોતા.માતુશ્રી કુંતાબેન પડવાથી કાયમી પથારીવશ થયાં તો કળિયુગના શ્રવણએ એમના દેવ દર્શન અને પરિવાર મિલનને આંચ આવવા જ દીધી.વડીલોની વિદાય પછી પોતાના ગંગાસાગર ,ગોકુળ  વૃંદાવન ,મથુરા,આગરા કાશ્મીર ના ,યાત્રા પ્રવાસ પણ રંગે ચંગે પૂર્ણ  કર્યા.અમારી સાથેનો તેમનો ગોકુળ વૃંદાવન પ્રવાસ અતિ યાદગાર બની રહ્યો. દીકરી ઇશિતા ,જમાઈ ચિરાયુભાઈ સાથે  અંજાર ખાતે અને જીગ્ના ,જમાઈ સુગમભાઇ સાથે અમદાવાદ સરસ રીતે ગોઠવાઈ છે.

      અતુલભાઈ જયારે જયારે અમદાવાદ -ગાંધીનગર આવે સમય થોડો હોય તો પણ ઘેર આવી મળ્યા વગર ન જ જાય.એવી જ રીતે 2021 માં દીકરી જીજ્ઞાને ઘેર આવ્યા. ત્યારે અમારે ઘેર પણ આવ્યા -મોડી  રાત સુધી બેઠા. તેના 36 કલાક પણ નહોતા થયા ને વહેલી સવારે જીજ્ઞાનો ફોન આવ્યો. કોઈ આ વાત સ્વીકારવા તૈયાર નહોતું.સાવ અચાનક ગયા. એવું જીવીને ગયા કે તેમના અંતિમ ગંતવ્ય વખતે સહુના મોં માં એક જ વાક્ય હતું," જીવી ગયા." -મોટી  ખોટ તો સહુને પડી પણ અમે બંનેય નરેન્દ્રભાઈ મોદીના પાક્કા 'ફેન' એટલે જયારે નરેન્દ્રભીઈ ની સિદ્ધિ પ્રગતિની ખુશી વ્યક્ત કરવાની આવે તો મને એમના જેવો બીજો કોઈ  મળતો નથી.

         કુંતાબેનના ત્રીજા પાંડવ તે રંજના.એમના વિષે બીજે લખાઈ ગયું છે એટલે ફરી નહિ,બરોબર ? મુકેશભાઈ ત્રીજા સાળા સદા હસમુખ મુકેશભાઈ,સચિવાલયના કામ ના બોજમાં હોય ત્યારે જ ગંભીર હોય.નાની વયથી જ એક સાથે ઘણી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરીને બીજા વર્ગના અને પ્રથમ વર્ગના અધિકારી ખુબ વહેલા બની ગયેલા તેમની કાર્ય પદ્ધતિ ,નાગરી મુત્સદીગીરી ,પ્રામાણિકતા , ઉત્તમ drafting અને notes ને  લીધે પ્રધાનો તેમને અંગત મદદનીશ  (P. A.) કે અંગત  મંત્રી ( P.S.) તરીકે લેવા પડાપડી કરતા.હળવું સંગીત એમને ખુબ ગમે ઈશ શ્રદ્ધાનો પાક્કો વારસો.સરળ અને પરગજુ પ્રકૃત્તિ તેમની વિશેષ ચાહના નું કારણ હોય.મોટા સાથે મોટા તો નાના સાથે નાના બાળ બની શકે.મશ્કરી સમજે પણ ખરા ને કરે પણ ખરા.   નિવૃત્તિ પછી extention નો મોહ છોડીને પ્રજ્ઞાચક્ષુ બાળકોના સહાયક બનીને તો દિવંગતોના  અંતિમ ગંગા પ્રયાણના નિયમિત સાક્ષી બનીને ઉત્તમ સમય વ્યતીત કરે છે.પુત્રો પરંતપ અને હેરત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને યોગ્ય સ્થાને ગોઠવાયા છે.

           સૌથી નાના સાળી હર્ષાબહેન પહેલેથી ઘરકામના શોખીન એમાંય બાળકો ગમે એટલે નાના પાર્થ માટે બધું જ કર્યા કરે.કુન્તાબહેનને જમણે ખભે રહીને દોડે.સરસ મજાના તારકભાઈ ( મારા સાઢુ ) મળ્યા. દૂરસંચારના નિષ્ઠાવાન અને નીવડેલા નાટ્ય કલાકાર તારકભાઇ દુનિયાની ગમે તે વ્યક્તિ ની મિમિક્રી કરી બતાવે. હર્ષાબહેન  ગાંધીનગર છોડી ભુજ ગયાં તોય પરિવાર અને બહોળા પરિવારમાં ખુબ સહજ ભળી ગયાં.સહુના પ્રિય થઇ ગયા. ઘરમાં વડીલોની સેવા છતાં સંતાન ઉછેર સમાજસેવા અને ગમતી સંગીતની પ્રવ્રત્તિમાં સદા મગ્ન રહે.બંને અભ્યાસ પૂર્ણ દીકરીઓ પોતાના જીવન વ્યવહારમાં સરસ ગોઠવાઈ છે.મોટી ઇરા ગુજરાતી ભાષાની અનુસ્નાતક ભુજ ખાતે અને વાણી અમદાવાદમાં હોમિયોપેથીમાં અનુસ્નાતક પૂર્ણ કરી કોલેજમાં અધ્યાપક.તારકભાઇ અને હર્ષાબહેન ની એક ખાસિયત સહુના જન્મ દિવસ ખાસ યાદ રાખે

દિનેશ .લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979 

અન્ય લેખ વાંચવા mankaddinesh.blogspot.com પર ક્લિક કરો 

4 comments:

  1. Replies
    1. આપનો આભાર .આપણે ઇમેઇલથી મળીએ તો ગમશે.શુભકામના

      Delete
  2. Wah! તાદ્દશ વણૅન...👏🏻👏🏻👏🏻hats off

    ReplyDelete
  3. Enjoyed . Written from the heart .

    ReplyDelete