Readers

Friday, November 3, 2023

ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક - 23 - મહાજ્ઞાની -પરમ શિષ્ય જનક



 ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -23

 

23.      મહા જ્ઞાની -પરમ શિષ્ય –જનક

              ઉત્તમ શાસક હોવું એ શ્રેષ્ઠ વાત છે પણ ઉત્તમ શાસક બનવા માટે જો ઉત્તમ વિચાર અને ઉત્તમ જ્ઞાન આવશ્યક છે અને તો જ તે ઉત્તમ શાસક બની શકે.શાસનને માર્ગદર્શન આપવા ઋષિમંડળ હોય એ કેટલી અદભુત વાત છે! ભારતીય સંસ્કૃતિ પાસે એવાં અનેક ઉદાહરણ છે.રાજા હોય પણ તે ઋષિતુલ્ય હોય.વિશ્વમાં 'રાજર્ષિ ' શબ્દ એકલાં ભારતમાં જ હોઈ શકે.વિદેહરાજ જનક એમાં મોખરાનું નામ છે. જનકરાજાનો દરબાર હંમેશ વિદ્વાનો અને ઋષિઓથી શોભતો હોય. બૃહદારણ્યક ઉપનિષદ અને શતપથ બ્રાહ્મણ અનુસાર જનકની સભામાં  યાજ્ઞવલ્કયઋષિ , સોમશ્રવા, અશ્વલ, જરાત્કારુપુત્ર આર્તભાગ, ભુજ્યુ,ઉષસ્તિ ચાક્રાયણ , ક્હોડ, આરુણિપુત્ર ઉદ્દાલક, શાકલ્ય અને ગાર્ગીવાચક્નવી જેવાં જ્ઞાનીઓની સતત આવન જાવન રહેતી..શાસ્ત્રોકત ચર્ચાઓથી સદાય દરબાર ગુંજતો રહે.સંસારમાં કોઈપણ જ્ઞાની કે જિજ્ઞાસુએ પોતાની જ્ઞાન પિપાસા પૂર્ણ કરવી હોય તો અંતિમ ગંતવ્ય રાજા જનકનો દરબાર જ હોય.અનેક શાસ્ત્રોમાં જનક રાજાની વિદ્વતાપૂર્ણ વાતો છે જ. આવા મહાન રાજર્ષિ વિષે લખતાં સહજમાં અનેક શિક્ષણ વિભાવનાઓ પ્રગટ થઇ જાય.

          ઉપનિષદમાં પણ અનેક સ્થળે જનકરાજાના  અનેક વિદ્વાનો-ઋષિઓ સાથેના જ્ઞાનપૂર્ણ સંવાદ છે.બૃહદારણ્યક ઉપનિષદમાં વિશેષ છે. ઉપનિષદના ચોથા અધ્યાયમાં એ વિશેષ રુચિકર છે.રાજા જનક, મૂળે મહર્ષિ યાજ્ઞવલ્કયના શિષ્ય..વિદેહરાજ જનક સિંહાસન પર વિરાજમાન છે.મહર્ષિ પધાર્યા. જનકજીનો સવાલ  ॐ जनको ह वैदेह आसां चक्रेऽथ ह याज्ञवल्क्य आवव्राज । तहोवाच याज्ञवल्क्य किमर्थमचारीः पशूनिच्छन्नण्वन्तानित्युभयमेव

सम्राड् इति होवाच ॥ આપની ઉપસ્થિતિ પશુ  ઈચ્છા (ગુરુકુળ માટે સંપત્તિ ) માટેની છે કે સૂક્ષ્મ પ્રશ્નોની ઈચ્છા માટે ?’યાજ્ઞવલ્કયજીનો હક્કપૂર્ણ ઉત્તર છે,-' બંને માટે ' અને પછી વિદ્વત ચર્ચા શરુ થાય છે.  જનકજીએ મહર્ષિ સામે પોતાની જીજ્ઞાસાની શરૂઆત કરી. जित्वा शैलिनिर्वाग्वैब्रह्मेति । ' શિલીંનના પુત્ર શૈલીનીએ- જિત્વાએ-વાક્બ્રહ્મ છે.-એમ કહ્યું છે.' યાજ્ઞવલ્કયજીએ ઉત્તર વાળ્યો. वागेवा यतनमाकाशः प्रतिष्ठा  प्रज्ञेत्येनदुपासीत । ' વાણી જ બ્રહ્મનું શરીર છે. અને આકાશ તેની પ્રતિષ્ઠા છે.' તેની પ્રજ્ઞા સમજીને ઉપાસના કરવી જોઈએ.' का प्रज्ञता याज्ञवल्क्य । એવા જનકજીના પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિએ ખુબ વિસ્તૃત રીતે સમજાવ્યું. वागेव सम्राड्इति होवाच वाचा वै सम्राड् बन्धुः प्रज्ञायत ऋग्वेदो यजुर्वेदःसामवेदोऽथर्वाङ्गिरस इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाःसूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानीष्टꣳहुतमाशितंपायितमयंचलोकः परश्च लोकः सर्वाणि च भूतानि वाचैव सर्वाणि च भूतानिवाचा एव सम्राट् प्रज्ञायन्ते वाग्वै सम्राट् परमं ब्रह्म नैनंवाग्जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति यएवं विद्वानेतदुपास्ते । हस्त्यृषभꣳसहस्रंददामीतिहोवाचजनको वैदेहः । स होवाच याज्ञवल्क्यः पिता मेऽमन्यत नाननुशिष्यहरेतेति ॥   વાંકશક્તિથી જ બંધુ જ્ઞાન પ્રાપ્ત થાય.ઋગ્વેદ,યજુર્વેદ ,સામવેદ અને અથર્વવેદનું જ્ઞાન થાય.છે.એ વાંકના માધ્યમથી ઇતિહાસ ,પુરાણથી માંડીને યજ્ઞ,કર્મ,વ્યાખ્યાન વગેરે ઉપરાંત આ લોક,પરલોકનું જ્ઞાન થાય છે. હે સમ્રાટ, વાંક જ બ્રહ્મ છે.'

             જનકને પ્રારંભિક તૃપ્તિ થતાં તેમણે એક હજાર ગાયો આપવાની વાત કરી हस्त्यृषभꣳसहस्रंददामीतिहोवाचजनकोवैदेहः।  પરંતુ યાજ્ઞવલ્કય તેનો ઇન્કાર કરીને જણાવે છે કે મારા પિતા માનતા કે શિષ્ય-જિજ્ઞાસુને પૂર્ણ જ્ઞાન આપ્યા વગર દક્ષિણા સ્વીકારાય જ નહિ.होवाच याज्ञवल्क्यः पिता मेऽमन्यत नाननुशिष्य हरेतेति ॥  શિક્ષણની આ ઉચ્ચ વિભાવના કેટલી મહાન છે .પૂર્ણ શિક્ષણ -જ્ઞાન નહિ તો દક્ષિણા સ્વીકાર નહિ.

          મહર્ષિ જાણતા હતા કે સામે બેઠેલા જિજ્ઞાસુ-પિપાસુની પાત્રતા કેટલી ઉચ્ચ છે.તેમણે જનકજીને સામેથી પ્રશ્ન કર્યો.  यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मेबर्कुर्वार्ष्णश्चक्षुर्वै ब्रह्मेति । 'અત્યાર સુધી તમને અન્ય વિદ્વાનોએ બ્રહ્મ વિષે જે જણાવ્યું હોય તે કહો..ઉત્તરમાં જનકજીએ શુલ્બ પુત્ર ઉદકે બ્રહ્મ પર સમજાવેલ વાત કરીને કહ્યું કે,’ પ્રાણ જ બ્રહ્મ છે.યાજ્ઞવલ્કયજીએ તેમને અટકાવતાં કહયું કે,‘ આટલું પૂરતું નથી.આ તો અપૂર્ણ શિક્ષણ છે. હકીકતમાં પ્રાણનું શરીર પ્રાણ જ છે,આકાશ તેની પ્રતિષ્ઠા છે.પ્રાણની કામનાથી -પ્રિયતાથી જ યજન ન કરવા યોગ્યથી યજ્ઞ કરાવવામાં આવે છે.દાન ન લેવા યોગ્યથી દાન  મેળવાય છે. प्राण एव सम्राड् इति होवाच प्राणस्यवै सम्राट् कामायायाज्यं याजयत्यप्रतिगृह्यस्य प्रतिगृह्णात्यपितत्र वधाशङ्कं भवति यां दिशमेति प्राणस्यैव सम्राट् कामायप्राणो वै सम्राट् परमं ब्रह्म । नैनं प्राणो जहाति सर्वाण्येनंभूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति य एवं विद्वानेतदुपास्ते । હે રાજન ,.આ બધું પ્રાણ માટે જ થાય છે.પ્રાણ જ બ્રહ્મ છે , એવું સમજીને કાર્ય કરનારનો પ્રાણ કદી પરિત્યાગ કરતો નથી.સમસ્ત ભૂત એને ઉપહાર પ્રદાન કરે છે.એ વ્યક્તિ દેવતા બની તેમની વચ્ચે બેસે છે..જનકજીએ ફરી ગાયોની દક્ષિણા આપવાની ઈચ્છા વ્યક્ત કરી પણ અપૂર્ણ આપ્યાની અનુભૂતિમાં મહર્ષિએ ફરી ઇન્કાર કર્યો.

           અને જનકજીને ફરી પ્રશ્ન કર્યો કે' હજુ કોઈ આચાર્ય પાસેથી પ્રાપ્ત કરેલ જ્ઞાનની વાત કરો' જનકજીએ ઉત્તર વાળ્યો .' મને બર્ક વાર્ષણિએ સમજાવ્યું કે-यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मेबर्कुर्वार्ष्णश्चक्षुर्वै ब्रह्मेति ।  ચક્ષુ એ જ બ્રહ્મ છે ' ફરી યાજ્ઞવલ્કયથી ન રહેવાયું.' એના વિના કશું જોઈ શકાતું નથી એટલે ચક્ષુ બ્રહ્મ છે તે યોગ્ય છે પણ આટલું જ જાણવું અપૂરતું જ છે..चक्षुरेवाऽऽयतनमाकाशः प्रतिष्ठा सत्यमित्येतदुपासीत । कासत्यता याज्ञवल्क्य । चक्षुरेव सम्राड् इति होवाच चक्षुषा वैसम्राट् पश्यन्तमाहुरद्राक्षीरिति । स आहाद्राक्षमिति तत्सत्यं भवतिचक्षुर्वै सम्राट् परमं ब्रह्म नैनं चक्षुर्जहाति सर्वाण्येनंभूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति य एवं विद्वानेतदुपास्ते । 'ચક્ષુનું આયતન ચક્ષુ જ છે.ચક્ષુને સ્વયં સત્ય છે એમ સમજીને જ તેની ઉપાસના કરવી જોઈએ  કારણકે એ જે ( દૃશ્ય ) જુએ છે તે જ હોય છે -ચક્ષુ તેનો ( સ્થૂળ અને સૂક્ષ્મ દૃષ્ટિ ) ક્યારેય પરિત્યાગ કરતા નથી.સમસ્ત પ્રાણી પણ તેને અનુગત રહે તો દેવલોકને પામે છે.

           શિષ્યની વધુ પ્રાપ્તિની ઈચ્છા અને ગુરુની વિશેષ આપવાની ઝંખના જયારે ટોચ પર હોય ત્યારે મા સરસ્વતીના કોઠે અસંખ્ય દીવડા પ્રગટે.મહર્ષિ યાજ્ઞવલ્ક્યના પ્રશ્નો અને રાજા જનકના ઉત્તરો અવિરત ચાલતા રહ્યા.જનકજીને ભારદ્વાજ ગોત્રીય ગર્દભીએ શ્રોત્ર જ બ્રહ્મ છે..એમ બતાવ્યુ.यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे गर्दभीविपीतोभारद्वाजः श्रोत्रं वै ब्रह्मेति, સત્યકામ જાબાલાએ મનને બ્રહ્મ તરીકે વર્ણવ્યુંयदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे सत्यकामो जाबालोमनो वै ब्रह्मेति.  વિદગ્ધ શાકલ્યે હૃદયને બ્રહ્મ તરીકે સ્થાપિત કર્યું..यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे विदग्धः शाकल्योहृदयं वै ब्रह्मेति યાજ્ઞવલ્કયજી જનકજી દ્વારા પ્રાપ્ત અપૂર્ણ જ્ઞાનની પૂર્તિ કરતાં તેમને સમજાવ્યું કે,‘ શ્રોત્ર,મન કે હૃદય દરેક અવયવ પોતે સ્વયં તેનું જ શરીર છે .આકાશ એની પ્રતિષ્ઠા છે. શ્રોત્રને અનંતરૂપ માનીને ઉપાસના કરવી જોઈએ કારણકે,   दिश एव सम्राड् इति होवाच तस्माद्वैसम्राड् अपि यां काञ्च दिशं गच्छति नैवास्या अन्तं गच्छत्यनन्ताहि दिशो दिशो वै सम्राट् श्रोत्रꣳश्रोत्रं वै सम्राट् परमंब्रह्म । नैनꣳश्रोत्रंजहातिसर्वाण्येनंभूतान्यभिक्षरन्ति।દિશાઓ અનંત છે.મન ને આનંદરૂપ સ્વીકારી ઉપાસના કરવી જોઈએ   मन एव सम्राड् इति होवाच मनसा वै सम्राट् स्त्रियमभिहार्यते तस्यांप्रतिरूपः पुत्रो जायते स आनन्दो । मनो वै सम्राट् परमं ब्रह्म नैनंमनो जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । મન જ બધા આનંદનું કારણરૂપ છે.હૃદયહીન માણસ કશું કરી શકતો જ નથી हृदयमेव सम्राड् इति होवाच हृदयं वैसम्राट् सर्वेषां भूतानामायतनꣳहृदयंवैसम्राट्, सर्वेषांभूतानां प्रतिष्ठा हृदये ह्येव सम्राट् सर्वाणि भूतानि प्रतिष्ठितानिभवन्ति हृदयं वै सम्राट् परमं ब्रह्म नैनꣳहृदयंजहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति ।તેથી હૃદયને જ બ્રહ્મ માનીતેની ઉપાસના કરવી જોઈએ.

            વિદેહરાજ જનક અને મહર્ષિ યાજ્ઞવલ્કય -બંનેને હવે જ્ઞાનની પરિતૃપ્તિના ઓડકારની અનુભૂતિ થતી હતી. રાજા જનક પોતાના આસનથી ઉઠીને   जनको ह वैदेहः कूर्चादुपावसर्पन्नुवाच नमस्तेऽस्तु याज्ञवल्क्यानुमा शाधीति । નતમસ્તક પ્રણામ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.પાત્રતાની કદર સમજનારા મહર્ષિ પણ કહે છે,' હે રાજન,દૂરની યાત્રા કરવા માટે જેમ વહાણ કે રથનો આશરો લેવો પડે તેમ તમે પણ ઉપનિષદોના અધ્યયનથી -વિદ્વાનોના સંવાદોથી સમાહિત આત્મા બની ગયાછો.  स होवाच यथा वै सम्राण् महान्तमध्वानमेष्यन्रथंवा नावं वा समाददीतैवमेवैताभिरुपनिषद्भिः समाहितात्माऽस्यसिएवं वृन्दारक आढ्यः सन्नधीतवेद उक्तोपनिषत्क इतो विमुच्यमानःक्व गमिष्यसीति । नाहं तद् भगवन् वेद यत्र गमिष्यामीत्यथ वैतेऽहं तद्वक्ष्यामि यत्र गमिष्यसीति । ब्रवीतु भगवानिति ॥ આટલું કહીને યાજ્ઞવલ્કય તેમને દૂરંદેશીતા વિષે માર્ગદર્શન કરે છે.

           આ દિવ્ય સંવાદનો ઉપસંહાર પણ કેટલો દિવ્ય છે! જયારે યાજ્ઞવલ્કયએ કહ્યુકે ,’ આપ અવશ્ય અભય જ થઇ ગયા છો.’-તેના પ્રત્યુત્તરમાં જનકજીએ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી. अभयं वै जनक प्राप्तोऽसीतिहोवाच याज्ञवल्क्यः । स होवाच जनको वैदेहोऽभयं त्वा गच्छताद्याज्ञवल्क्य यो नो भगवन्न् अभयं वेदयसे नमस्तेऽस्त्विमे विदेहा  अयमहमस्मि ॥હે યાજ્ઞવલ્કયજી,આપે જ અભય બ્રહ્મજ્ઞાન કરાવ્યું છે.તેથી આપ પણ અભય બનો.આ વિદેહદેશ અને હું ( જનક ) આપના અનુગામી છીએ.'

         મહર્ષિ યાજ્ઞવલ્કય અને વિદેહરાજ  જનકનો આ અમૃત સંવાદ તો  રત્નાકરમાંથી કરેલાં એકાદ આચમન જેટલો જ છે.બૃહદારણ્યક ઉપનિષદ ઉપરાંત અન્ય ઉપનિષદોમાં રાજર્ષિ એવા જનકના યાજ્ઞવલ્કયજી અને બીજા અનેક વિદ્વાનો અને જિજ્ઞાસુ સાથેના અમૂલ્ય ચર્ચા- સંવાદના અમૂલ્ય  ખજાના ભર્યા છે.પરમોચ્ચ ગુરુ -શિષ્યનું આવી  અજોડ જોડી ભાગ્યેજ જોવા મળે તેમ છે.

 


Thursday, November 2, 2023

ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક - 21 -પ્રત્યક્ષ પરમેશ્વર - વૈશ્વાનરં



 ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -21. 

             પ્રત્યક્ષ પરમેશ્વર -  વૈશ્વાનરં

            " તમે ઈશ્વરને જોયા છે ?" એવો કોઈ આપણને પ્રશ્ન કરે તો બે ઘડી તો આપણે  અનુત્તર જ હોઈએ.માંડુક્ય ઉપનિષદે તેનો સરળ ઉત્તર આપી દીધો છે.सर्वꣳह्येतद्ब्रह्मायमात्माब्रह्मसोऽयमात्माचतुष्पात्॥ ' આ સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ જ છે. આ આત્મા પણ બ્રહ્નરૃપ જ છે.એ ચાર ચરણવાળા સ્થૂળ અથવા પ્રત્યક્ષ,સૂક્ષ્મકારણ અને અવ્યક્ત રૂપમાં પ્રભાવી છે.' જિજ્ઞાસુ તો સીધો જ સવાલ કરે કે આ સ્થૂળ રૂપ તે કયું રૂપ ? એનો ઉત્તર પણ આ જ ઉપનિષદઆપે છે. जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखःस्थूलभुग्वैश्वानरः प्रथमः पादः ॥ ' પ્રથમ ચરણ સ્થૂળ -વૈશ્વાનર ( પ્રગટ વિશ્વનો સંચાલક) છે.જે સમગ્ર સ્થાનમાં રહેનારો ,સાત અંગો અને ઓગણીસ મુખો ( દસ ઇન્દ્રિય ,પાંચ પ્રાણ અને અંતકરણ ચતુષ્ટ ) વાળા તથા સ્થૂલના ભોક્તા છે.'સ્થૂળ રૂપ આ વૈશ્વાનરનો પ્રભાવ વર્ણવતા આગળના એક મંત્રમાં જણાવે છે કે  जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्गएकोनविंशतिमुखःस्थूलभुग्वैश्वानरः प्रथमः पादः ॥ ' જાગૃત સ્થાનવાળો વૈશ્વાનર વ્યાપ્ત અને આદિતત્ત્વ હોવાને કારણે ૐ કારનું આ પ્રથમ ચરણ છે.આ પ્રકારનું જ્ઞાન રાખનારો જ્ઞાની,સંપૂર્ણ કામનાઓ ને પ્રાપ્ત કરશે.બધાંમાં વરિષ્ઠતા મેળવે છે.'

        માનવ શરીરને ટકાવવાનો સૌ પ્રથમ આધાર અન્ન છે .અને એટલે જ આપણાં પ્રત્યક્ષ શરીરને અન્નમયકોશ  સાથે સૌથી પહેલાં જોડાય છે.પણ પછી જો અન્નમયકોશ ઢીલો પડે તો શરીરમાં બખડજંતર શરુ થાય.બીજી તરફ આધ્યાત્મિક વિકાસની દિશામાં જવા માટે અન્નમયકોશથી આગળ પ્રાણમયકોશને મજબૂત કરવાની દિશામાં જવાની ગતિ-દિશા શરુ થાય.એટલે જે અન્ન લેવાય તે તો સાત્ત્વિક હોય જ એ અન્નની સાથે પ્રાણને શુદ્ધ કરવાની પ્રક્રિયા જ પ્રબળ હોવી જોઈએ. અને એ વખતે પરબ્રહ્મ-પરમાત્માનું વૈશ્વાનર રૂપ મદદમાં  આવે.. શરીર વિજ્ઞાનીઓ ભલે તેને જઠરાગ્નિ કહે પણ હકીકતમાં તે પ્રત્યક્ષ દેવ જ છે.

          છાંદોગ્ય ઉપનિષદમાં વૈશ્વાનરના વિરાટ સ્વરૂપના અને તેને રીઝવવા તેની ઉપાસના પદ્ધતિની વાત ખુબ જ વિસ્તૃત રીતે થયેલી છે.ઉપમન્યુ પુત્ર ઔપમન્યવ ( પ્રાચીનશીલ ),પુલુશ પુત્ર પૌલુષિ ( સત્યયજ્ઞ ) ભલ્લ્વીના પુત્રો ( ઇન્દ્ધ્રુમ ),શર્કરાક્ષનો પુત્ર જનશર્કરાક્ષ ,અશ્વતરાશ્વનો પુત્ર બુડીલ-પાંચેય શાસ્ત્ર અને અધ્યયનમાં નિપુણ વિમર્શ કરતાં પરસ્પર પૂછવા લાગ્યા ,' અમારો આત્મા કોણ છે ? અને બ્રહ્મ શું છે?' ,प्राचीनशाल औपमन्यवः सत्ययज्ञःपौलुषिरिन्द्रद्युम्नो भाल्लवेयो जनः शार्कराक्ष्योबुडिल आश्वतराश्विस्ते हैते महाशाला महाश्रोत्रियाः

समेत्य मीमाꣳसांचक्रुःको न आत्मा किं ब्रह्मेति ॥ ચર્ચા પછી પણ નિષ્કર્ષ પર નઆવ્યા એટલે આ વૈશ્વાનર વિદ્યાના જ્ઞાની એવા  આરુણિ પુત્ર ઉદ્દાલક પાસે ગયા.એમણે પોતાની અપૂર્ણતા જાહેર કરીને કૈકેય પુત્ર અશ્વપતિ પાસે મોકલ્યા અને સાથે પોતે પણ ગયા.

        જ્ઞાની રાજા અશ્વપતિએ સહુનો સત્કાર કરી વૈશ્વાનર- વિજ્ઞાનથી યુક્ત વિદ્યા સમજાવી.  तान्होवाच प्रातर्वः प्रतिवक्तास्मीति ते ह समित्पाणयःपूर्वाह्णे प्रतिचक्रमिरे तान्हानुपनीयैवैतदुवाच ॥ પ્રારંભમાં દરેક જિજ્ઞાસુને વ્યક્તિગત પૂછ્યું કે,‘ તેઓ  પોતે કેવી રીતે ઉપાસના કરે છે. દરેકને તેઓ જે ઉપાસના કરે છે, તેનું કેટલું ઉત્તમ  પરિણામ પ્રાપ્ત થાય તે પણ કહી બતાવ્યું. अथ होवाच सत्ययज्ञं पौलुषिं प्राचीनयोग्य कंत्वमात्मानमुपास्स इत्यादित्यमेव भगवो राजन्नितिहोवाचैष वै विश्वरूप आत्मा वैश्वानरो यंत्वमात्मानमुपास्से तस्मात्तव बहु विश्वरूपं कुलेदृश्यते ॥  સાથે સાથે એ પણ  જણાવ્યું કે, 'તે ઉપાસનાની આપૂર્તિ આવશ્યક જ હતી અને તેઓ આવ્યા એ પણ યોગ્ય કર્યું ' એમ કહીને રાજા અશ્વપતિએ વૈશ્વાનરના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું.तस्य ह वा एतस्यात्मनो वैश्वानरस्य मूर्धैवसुतेजाश्चक्षुर्विश्वरूपः प्राणः पृथग्वर्त्मात्मा संदेहोबहुलो बस्तिरेव रयिः पृथिव्येव पादावुर एव वेदिर्लोमानिबर्हिर्हृदयं गार्हपत्यो मनोऽन्वाहार्यपचन आस्यमाहवनीयः ' આ વૈશ્વાનરનું મસ્તક જ દ્યુલોક છે.નેત્ર જ સૂર્ય છે.પ્રાણ જ વાયુ છે.શરીરનો મધ્ય ભાગ આકાશ છે.બસ્તિ જ જળ છે.મોં અહવનીય અગ્નિ સમાન છે કારણકે તેમાં જ હવન થાય છે.'

          ઉપનિષદો દ્વારા ગુરુ શિષ્ય સંવાદના માધ્યમથી માનવજીવનને ઉત્કૃષ્ટ  બનાવવાનો અવસર મળે છે. આપણે સહુ નિયમિત અન્ન આહાર કરીએ છીએ.એ પોતે શરીરમાં રહેલા પરમાત્માની પૂજા છે -યજ્ઞ છે .એટલે જ પ્રારંભમાં ભોજન શરુ કરતાં પહેલાં કેટલાક આહુતિ શ્લોક થોડા જાણકાર મિત્રો બોલે પણ છે ખરા. ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, ॐ समानाय स्वाहा"  પણ એ પ્રત્યેક મંત્રનો ભાવાર્થ અને તેની ફલશ્રુતિ જાણીએ તો સાચા અર્થમાં તે યથાર્થ થાય.

        અહીંથી અશ્વપતિ વૈશ્વાનરની પર્ણ ઉપાસના અને ફલશ્રુતિની વિદ્યા પ્રદાન કરે છે.तद्यद्भक्तं प्रथममागच्छेत्तद्धोमीयꣳसयांप्रथमामाहुतिं जुहुयात्तां जुहुयात्प्राणाय स्वाहेतिप्राणस्तृप्यति ॥ અન્ન -ભોજંન  વખતે જે યજ્ઞ કરાય તેની પ્રથમ આહુતિ જે ' પ્રાણાય સ્વાહા: ' મંત્ર સાથે સમર્પિત કરવામાં આવે છે.એનાથી પ્રાણ તૃપ્ત થાય છે.प्राणे तृप्यति चक्षुस्तृप्यति चक्षुषितृप्यत्यादित्यस्तृप्यत्यादित्ये तृप्यति द्यौस्तृप्यतिदिवि तृप्यन्त्यां यत्किंच द्यौश्चादित्यश्चाधितिष्ठतस्तत्तृप्यतितस्यानुतृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा  ब्रह्मवर्चसेनेति ॥ પ્રાણ તૃપ્ત થતાં જ ચક્ષુ તૃપ્ત થાય છે.ચક્ષુ તૃપ્ત થતાં સૂર્ય તૃપ્ત થાય છે.સૂર્ય તૃપ્ત થતાં દ્યુલોક તૃપ્ત થાય છે.દ્યુલોક તૃપ્ત થતાં જ જે કોઈની ઉપર દ્યુલોક અને આદિત્ય પ્રતિષ્ઠિત છે એ પણ તૃપ્ત થાય છે.એના તૃપ્ત થવાથી સ્વયં ભોજન કરનાર પ્રજા,પશુ વગેરેની સાથે તેજ ( શારીરિક ) ,અને બ્રહ્મતેજ ( જ્ઞાનજન્ય તેજ )  દ્વારા પ્રાપ્ત થાય છે.

        એ પછીથી જે બીજી આહુતિ સમર્પિત કરવામાં આવે છે अथ यां द्वितीयां जुहुयात्तां जुहुयाद्व्यानाय स्वाहेतिव्यानस्तृप्यति ॥ એ સમયે 'વ્યાનાંય સ્વાહા: 'મંત્રનું ઉચ્ચારણ કરવું  જોઈએ. આ રીતે વ્યાનને તૃપ્તિ થાય છે.  व्याने तृप्यति श्रोत्रं तृप्यति श्रोत्रे तृप्यतिचन्द्रमास्तृप्यति चन्द्रमसि तृप्यति दिशस्तृप्यन्तिदिक्षु तृप्यन्तीषु यत्किंच दिशश्च चन्द्रमाश्चाधितिष्ठन्तितत्तृप्यति तस्यानु तृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येनतेजसा ब्रह्मवर्चसेनेति ॥  વ્યાનના તૃપ્ત થતાં કર્ણેન્દ્રિય તૃપ્ત થાય છે .શ્રોત્રતા તૃપ્ત થવાથી ચંદ્રમા તૃપ્ત થાય છે.ચંદ્રમાના તૃપ્ત થવાથી દિશાઓ અને દિશાઓના તૃપ્ત થવાથી જે કોઈની ઉપર ચંદ્રમાઓ અને દિશાઓ સ્વામી ભાવથી રહેલી છે એ અવશ્ય તૃપ્ત થાય છે.એની તૃપ્તિ બાદ ભોક્તા પ્રજા વગેરે તેજ અને બ્રહ્મતેજ પ્રાપ્ત કરે છે.

           ત્યાર પછી ત્રીજી આહુતિ ' અપાનાય સ્વાહા: ' મંત્રની સાથે આપવી જોઈએ. अथ यां तृतीयां जुहुयात्तां जुहुयादपानायस्वाहेत्यपानस्तृप्यति ॥ એનાથી અપાન તૃપ્ત થાય છે.'અપાન'ના તૃપ્ત થતાં અગ્નિને તૃપ્તિ મળે છે.અગ્નિ તૃપ્ત થતાં જ પૃથ્વી તૃપ્તિ મેળવે છે અને પૃથ્વી તૃપ્ત થવાથી જે કોઈની ઉપર પૃથ્વી અને અગ્નિ સ્વામીભાવથી રહેલ છે એ તૃપ્ત થાય છે .ત્યાર બાદ પ્રજા વગેરે પણ તેજ અને બ્રહ્મતેજ દ્વારા તૃપ્તિને પ્રાપ્ત કરે છે .अपाने तृप्यति वाक्तृप्यति वाचि तृप्यन्त्यामग्निस्तृप्यत्यग्नौतृप्यति पृथिवी तृप्यति पृथिव्यां तृप्यन्त्यां यत्किंच

पृथिवी चाग्निश्चाधितिष्ठतस्तत्तृप्यतितस्यानु तृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसाब्रह्मवर्चसेनेति ॥

           ત્યારબાદ ચોથી આહુતિ 'સમાનાય સ્વાહા: ' મંત્રની સાથે આપવી જોઈએ .એનાથી 'સમાન 'તૃપ્ત થાય છે.अथ यां चतुर्थीं जुहुयात्तां जुहुयात्समानाय स्वाहेतिसमानस्तृप्यति ॥ સમાનનના તૃપ્ત થતાં જ મનને તૃપ્તિ મળે છે.મન તૃપ્ત થતાં જ પર્જન્ય તૃપ્ત થાય છે.અને પર્જન્ય તૃપ્ત થવાથી વિદ્યુતને તૃપ્તિ મળે છે.જેની ઉપર પર્જન્ય અને વિદ્યુતનો સ્વામીભાવ છે તે પણ તૃપ્ત થઇ જાય છે.તેની તૃપ્તિ પછી પ્રજા  વગેરે તૃપ્ત થાય છે.समाने तृप्यति मनस्तृप्यति मनसि तृप्यति पर्जन्यस्तृप्यतिपर्जन्ये तृप्यति विद्युत्तृप्यति विद्युति तृप्यन्त्यां यत्किंचविद्युच्च पर्जन्यश्चाधितिष्ठतस्तत्तृप्यति तस्यानु तृप्तिंतृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा ब्रह्मवर्चसेनेति|

           પાંચમી આહુતિ 'ઉદાનાય સ્વાહા:' મંત્રથી આપવી જોઈએ  अथ यां पञ्चमीं जुहुयात्तां जुहुयादुदानायस्वाहेत्युदानस्तृप्यति ॥. ઉદાન તૃપ્ત થવાથી ત્વચા તૃપ્ત થાય છે.ત્વચાના તૃપ્ત  થવાથી વાયુ,વાયુના તૃપ્તથવાથી આકાશ અને વાયુ તથા આકાશના સ્વામીભાવ વાળા સર્વે તૃપ્ત થાય.તેનાથી પ્રજા વગેરે તૃપ્ત થાય.તે -બ્રહ્મતેજ મેળવે. उदाने तृप्यति त्वक्तृप्यति त्वचि तृप्यन्त्यां वायुस्तृप्यतिवायौ तृप्यत्याकाशस्तृप्यत्याकाशे तृप्यति यत्किंचवायुश्चाकाशश्चाधितिष्ठतस्तत्तृप्यति तस्यानु तृप्तिंतृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा ब्रह्मवर्चसेन|

             આ રીતે પાંચ વિશેષ રીતે અપાતી આહુતિની સમજણ આપીને રાજા અશ્વપતિએ તારણરૂપ ખુબ અગત્યની વાત કરી  अथ य एतदेवं विद्वानग्निहोत्रं जुहोति तस्य सर्वेषु लोकेषुसर्वेषु भूतेषु सर्वेष्वात्मसु हुतं भवति ॥ ઉપર્યુક્ત બતાવેલ  ક્રમ મુજબ જે વૈશ્વાનર વિદ્યાને જાણી સમજીને યજ્ઞ કાર્ય સંપન્ન કરે છે એના દ્વારા બધા લોક,સમસ્ત પ્રાણી સમુદાય અને સંપૂર્ણ આત્માઓને માટે યજન કાર્ય પરિપૂર્ણ બની જાય છે.

         ગુજરાતી ભાષાના કવિ હરિહર ભટ્ટએ પોતાના એક કાવ્યમાં સહજ શબ્દોમાં આધ્યાત્મિક વાત કરી છે.' વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી.'-બ્રહ્મ પ્રાપ્તિ માટેની ઝંખના કવિએ નમ્ર ભાવે મૂકી છે. ઉપનિષદોએ જેને પૂર્ણ બ્રહ્મ કહ્યો છે તે વૈશ્વાનરને આત્મસાત કરવાની દિશામાં એક ડગલું તો ચોક્કસ ભરાય.