Readers

Thursday, November 2, 2023

ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -19- શબ્દનો સુઘોષ -સામગાન



 ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -19

 

19.  શબ્દનો સુઘોષ -સામગાન

            જીવન સંગીત છે.એમાં જેટલા  સૂર હૃદયંગમ નીકળે એટલું જીવન આનંદમય..એમાંય જો આ સંગીત યોગ્ય સૂરમય હોય -પદ્ધતિસર હોય અને તેની સાધના પણ અંતઃકરણથી હોય તો તો સાક્ષાત પરબ્રહ્મ સુધી પહોંચી જવાય. પ્રાચીન ભારત પાસે આ હતું અને  આજે પણ છે.વેદકાલીન 'સામગાન ' તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ઋગ્વેદમાં સંયોજાયેલું સંયોજન એટલે સામગાન.સામગાનનો મૂળ હેતુ સામવેદના ગાનનો છે.પણ એની રચનામાં એટલું તો આધ્યાત્મિક પ્રભુત્વ છે જે વિશ્વ સંગીતને પ્રભાવિત કરે છે.

            મહર્ષિ પતંજલિના મતેતો સામની હજારો શાખાઓ છે  सहस्रवर्त्म समवेदः જે પાઠકને આધ્યાત્મિકતાને ચરમસીમાએ પહોંચાડે છે.પણ વિદ્વાનોના મતે કાલાન્તરે  હવે માત્ર ત્રણ શાખાઓ પ્રચલિત છે. 1. Rān#aneeya राणानीय 2. Kouthumeeya कौथ्हुमीय 3. Jaimineeya जैमिनीय. આપણે સહુ જાણીએ જ છીએ  કે સંગીતનો  મૂળ સ્ત્રોત જ સામગાન છે.કેટલાક કહેવાતા લોકોની ભ્રાંત માન્યતા છે કે ભારતીય સંગીતને સ્વરલિપિ હતી જ નહિ.અને તે પશ્ચિમના સંગીત પરથી આવી છે .હકીકતમાં હજારો વર્ષ પૂર્વ વૈદિક સામગાનની પોતાની વિશિષ્ટ સ્વરલિપિ હતી જ.જે વિશ્વની સૌથી પ્રાચીન સ્વરલિપિ છે. સામવેદના સસ્વર પાઠ માટે ઉદાત્ત,અનુદાત્ત અને સ્વરિત માટે વિશેષ ચિન્હોનો પ્રયોગ છે પરંતુ ઋષિગણ દ્વારા તો એટલે સામગાન માટે પુરી સ્વરલિપિ જ તૈયાર કરી છે.

           સામ ઉપાસના એ શ્રષ્ઠ છે એમ છાંદોગ્ય ઉપનિષદ આ મંત્રમાં કહે છે..समस्तस्य खलु साम्न उपासनꣳसाधुयत्खलुसाधुतत्सामेत्याचक्षते यदसाधु तदसामेति ॥ ' સંસારમાં જે કઈ શ્રેષ્ઠ છે એ સામ છે.' અહીં  શ્ર્રેષ્ઠ એટલે સાધુ  ભાવ એવો અર્થ ઉપનિષદે તારવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદ  સામનું ઉચ્ચ મૂલ્ય દર્શાવવા માટે બીજા અધ્યાયના પ્રારંભમાં દર્શાવેલા મંત્રો જ કહી જાય છે.  तदुताप्याहुः साम्नैनमुपागादिति साधुनैनमुपागादित्येव

तदाहुरसाम्नैनमुपागादित्यसाधुनैनमुपगादित्येवतदाहुः ॥ ' જે કોઈ એમ કહે કે -હું ' સામ ' દ્વારા રાજા પાસે ગયો હતો - તો એનું તાત્પર્ય એ કે તે રાજા પાસે સાધુ  ભાવથી ગયો હતો.' अथोताप्याहुः साम नो बतेति यत्साधु भवति साधु बतेत्येवतदाहुरसाम नो बतेति यदसाधु भवत्यसाधु बतेत्येवतदाहुः ॥ ' અમોને સામ પ્રાપ્ત થાવ '- એવું કોઈ કહે તો એનું તાત્પર્ય અત્યંત શુભ ફળની પ્રાપ્તિ માટે કહેવામાં આવે છે.' પછીના મંત્રમાં ઉપનિષદ સ્પષ્ટ કહે છે,‘.આ રીતે જે ' શ્રષ્ઠ ' જાણીને સામની ઉપાસના કરે છે એને શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ જલદી થાય છે.અને ધાર્મિક સિદ્ધાંત એના પ્રત્યે અવનત ( તુરત ધારણ કરવા યોગ્ય )  થાય છે.

           સામગાનનો સરળ ભાવાર્થ અને તેની પ્રાથમિક સમજ શ્રી સૌભાગ્યવર્ધન બૃહસ્પતિએ  તેમના પુસ્તક 'ઉત્તર ભારતીય સંગીતકે આર્ષઋષિ બૃહસ્પતિ-એક અધ્યયનમાં જણાવ્યું છે કે ઋચાઓના ગેય સ્વરૂપને સામ કહે છે .'સા' નો અર્થ છે ઋચા અને અમ એટલે સ્વર સમૂહ. ' સામ ' ત્રણ ઋચાઓનું ગેય સંયોજન હોય  કારણકે વૈદિક સામના ઉચ્ચારણ માટે તેના અંગો પ્રસ્તાવ,,ઉદગીથ, પ્રતિહાર,ઉપદ્રવ અને નિધન હોવાં આવશ્યક છે.પ્રસ્તાવ એટલે પ્રારંભ .હિન્કાર ધ્વનિ છે .દરેક પ્રસ્તાવના અક્ષરોની સંખ્યા ભિન્ન હોય છે.ઉદગીથ  એ સામગાનને ઉપાડવાનો ભાગ છે.પ્રતિહાર  એ મંત્રના બે ભાગને જોડવાનું કાર્ય કરે છે.પ્રતિહારના અવશિષ્ટ અંગને પ્રસ્તોતા ઉદઘાતા અને પ્રતિહર્તા સાથે મળીને સમાપન કરે છે .નિધનનો અર્થ સમાપ્ત એવો થાય

       છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણવ્યા અનુસાર ઉર્ધ્વ લોકોમાં પાંચ પ્રકારે સામની ઉપાસના કરવામાં આવે છે. लोकेषु पञ्चविधꣳसामोपासीतपृथिवीहिंकारः।अग्निः प्रस्तावोऽन्तरिक्षमुद्गीथ आदित्यः प्रतिहारो

द्यौर्निधनमित्यूर्ध्वेषु ॥ પૃથ્વી હિકાર છે,અગ્નિ પ્રસ્તાવ છે અંતરિક્ષ ઉદગીથ છે.આદિત્ય પ્રતિહાર છે અને દ્યુલોક નિધન છે.વળી અધોમુખ લોકોમાં પણ અન્ય રીતે પાંચ પ્રકારના સામની ઉપાસના કરવામાં આવે છે. अथावृत्तेषु द्यौर्हिंकार आदित्यःप्रस्तावोऽन्तरिक्षमुद्गीथोऽग्निः प्रतिहारः पृथिवनिधनम् ॥ 'પૃથ્વી હિકાર છે.અગ્નિ પ્રસ્તાવ છે અંતરિક્ષ ઉદગીથ છે.આદિત્ય પ્રતિહાર છે.અને દ્યુલોક નિધન છે.' પ્રથમ  પદ્ધતિમાં પૃથ્વીથી પ્રારંભ કરીને દ્યુલોકનું લક્ષ્ય છે તો દ્વિતીય પદ્ધતિમાં સ્વર્ગથી પૃથ્વીનું લક્ષ્ય છે.પછીના મંત્રમાં બંને પદ્ધતિની ફલશ્રુતિ બતાવી છે. कल्पन्ते हास्मै लोका ऊर्ध्वाश्चावृत्ताश्च य एतदेवंविद्वाꣳल्लोकेषुपञ्चविधंसामोपास्ते॥. 'આ રીતે જાણનારો જે પુરુષ પંચવિધ સામની ઉપાસના કરે છે એના માટે ઉર્ધ્વ,અધોલોકોનો ભોગ સહજ ઉપલબ્ધ થઇ જાય છે.

          સામગાન તો પરબ્રહ્મ સુધી પહોંચવાની પગદંડી છે એટલે પ્રકૃત્તિથી અળગુ ન જ હોઈ શકે.પ્રકૃત્તિના તમામ તત્ત્વો સાથે સામગાન છે.મંત્રદૃષ્ટા હવે વૃષ્ટિમાં પાંચ પ્રકારના સામની ઉપાસના વર્ણવે છે. वृष्टौ पञ्चविधꣳसामोपासीतपुरोवातोहिंकारोमेघो जायते स प्रस्तावो वर्षति स उद्गीथो विद्योततेस्तनयति स प्रतिहार उद्गृह्णाति तन्निधनम् ॥ પૂર્વીય વાયુ હિકાર છે.ઉત્પન્ન થનાર મેઘ પ્રસ્તાવ છે વરસનાર જળ ઉદગીથ છે.જે ચમકે છે તે પ્રતિહાર છે અને જે જળને ગ્રહણ કરે છે નિધન છે. આ પ્રમાણે પંચવિધ સામની ઉપાસના કરે છે એની ઈચ્છારૂપ વર્ષા થાય છે.એને જ વર્ષા કરાવવાનું શ્રેય મળે છે.’  वर्षति हास्मै वर्षयति ह य एतदेवं विद्वान्वृष्टौपञ्चविधꣳसा  એમાંય વૃષ્ટિના આગળના ગતિશીલ પ્રવાહ માટે પણ મંત્ર કહે છે ,'ગાઢ રીતે છવાયેલો  મેઘ હિકાર ,વરસતો પ્રસ્તાવ,પૂર્વ દિશાનો ઉદગીથ,પશ્ચિમનો પ્રતિહાર અને સમુદ્ર નિધન છે.'

      ઋતુની પંચવિધસામની ઉપાસના આ રીતે વર્ણવી છે.ऋतुषु पञ्चविधꣳसामोपासीतवसन्तोहिंकारः ग्रीष्मः  प्रस्तावो वर्षा उद्गीथः शरत्प्रतिहारोहेमन्तो निधनम् ॥ વસંત હિકાર,ગ્રીષ્મ પ્રસ્તાવ,વર્ષા ,શરદ પ્રતિહાર અને હેમંત નિધન છે. સૃષ્ટિના બધાં તત્ત્વોમાં સામ છે એટલે  પ્રાણી સૃષ્ટિ કેમ ભુલાય ? पशुषु पञ्चविधꣳसामोपासीताजा हिंकारोऽवयःप्रस्तावो गाव उद्गीथोऽश्वाः प्रतिहारःपुरुषो निधनम् ॥બકરી હિકાર ,ઘેટાં પ્રસ્તાવ,ગાયો ઉદગીથ,અશ્વ પ્રતિહાર અને પુરુષ નિધન છે. પ્રાણો ( ઇન્દ્રિય ) ના શ્રેષ્ઠતાના ક્રમથી સામની પંચવિધ ઉપાસના સૂચવી છે.प्राणेषु पञ्चविधं परोवरीयः सामोपासीत प्राणोहिंकारो वाक्प्रस्तावश्चक्षुरुद्गीथः श्रोत्रं प्रतिहारोमनो निधनं परोवरीयाꣳसिवाएतानि॥આ પ્રાણ હિકાર ,વાણી પ્રસ્તાવ,ચક્ષુ ઉદગીથ ,શ્રોત્ર પ્રતિહાર અને મન નિધન છે.

       શાળામાં જેમ યોગ્યતા અનુસાર આગળના ધોરણમાં મોકલાય તેમ વિદ્યા પ્રાપ્તિમાં સાધકની ઉચ્ચતા વધે એટલે એના અભ્યાસની ટોચ પણ બદલાય.અત્યાર સુધી પંચ વિધ સામ ઉપાસના થઇ પણ જે સાધકની ગુણવતા -ક્ષમતા ઊંચી થઇ એમને થોડું વિશેષ કે કઠિન.હવે સપ્ત વિધ સામગાન ઉપાસના .अथ सप्तविधस्य वाचि सप्तविध्ꣳसामोपासीतयत्किंच वाचो हुमिति स हिंकारो यत्प्रेति स प्रस्तावोयदेति स आदिः॥ વાણીમાં સપ્તવિધ સામની ઉપાસના કરે છે એ વાણીના સારતત્ત્વને જાણી લે છે -પ્રાપ્ત કરી લે છે.તથા પુષ્કળ પ્રમાણમાં અન્ન અને અન્ન પચાવવાનું સામર્થ્ય પણ મેળવી લે છે.दुग्धेऽस्मै वाग्दोहं यो वाचो दोहोऽन्नवानन्नादो भवतिय एतदेवं विद्वान्वाचि सप्तविधꣳसामोपास्ते॥

 

      આદિત્યની પણ ઉદયકાળથી અસ્ત સુધીના સ્વરૂપની સપ્તવિધ સામ ઉપાસના અહીં વર્ણવી છે.આદિત્યની ઉપાસનાનો પ્રભાવ વર્ણવા માટે તો પ્રત્યેક અક્ષરની ગણતરી સાથે સાંકેતિક  વાત કરી છે. आदिरिति द्व्यक्षरं प्रतिहार इति चतुरक्षरंतत इहैकं तत्समम्  બે અક્ષરના ' આદ' શબ્દમાં ચાર અક્ષરના 'પ્રતિહાર 'એક અક્ષર કાઢીને 'આદિ'માં જોડવાથી તે સરખા થઇ જાય છે.હિકાર,પ્રસ્તાવ,ઉદગીથ,ઉપદ્રવ ,પ્રતિહાર અને નિધન આમ વીસ અક્ષર અને એકવીસમો આદિત્ય  एकविꣳशत्यादित्यमाप्नोत्येकविꣳशोवाइतोऽसावादित्योद्वाविꣳशेनपरमादित्याज्जयतितन्नाकंतद्विशोकम्॥ એ રીતે આદિત્યની સામ ઉપાસનાથી સાધક આદિત્યલોકને પામે છે.य एतदेवं विद्वान्वाचि सप्तविधꣳसामोपास्ते॥

     ગુજરાત વિશ્વકોશમાં જણાવ્યા અનુસાર,’ભારતીય સંગીતશાસ્ત્રમાં ષડ્જ,ઋષભ,ગાંધાર,મધ્યમ,પંચમ,ધૈવત અને નિષાદ – એ સાત સ્વરો છે. એ જ રીતે સામગાનના સ્વરો કૃષ્ટ,પ્રથમ,દ્વિતીય,તૃતીય,ચતુર્થ,મંદ્ર અને અતિસ્વાર્ય – એ સાત સામવિધાન બ્રાહ્મણગ્રંથ મુજબ છે. સામવેદના શિક્ષાગ્રંથ નારદીય શિક્ષામાં તે સામ સ્વરોનો ક્રમ ઉપર જણાવેલા સામવિધાન બ્રાહ્મણગ્રંથના ક્રમથી જુદો છે. તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, મંદ્ર, કૃષ્ટ અને અતિસ્વાર્ય એવો ક્રમ છે. વળી નારદીય શિક્ષા મુજબ સામગાનનો પ્રથમ સ્વર એ વેણુનો મધ્યમ સ્વર છે. સામસ્વરમાંનો દ્વિતીય સ્વર વેણુનો ગાન્ધાર સ્વર છે. સામસ્વરમાંનો તૃતીય સ્વર વેણુનો ઋષભ સ્વર છે. સામસ્વરનો ચતુર્થ સ્વર એ વેણુનો ષડ્જ સ્વર છે. સામસ્વરનો મંદ્ર એટલે પંચમ સ્વર એ વેણુનો ધૈવત સ્વર છે. સામસ્વરનો કૃષ્ટ એટલે છઠ્ઠો સ્વર એ વેણુનો નિષાદ સ્વર છે. સામસ્વરનો અતિસ્વાર્ય એટલે સાતમો સ્વર વેણુનો પંચમ સ્વર છે. પરિણામે જેમ ભારતીય સંગીતનું મૂળ સામસંગીતમાં રહેલું છે તેમ સંગીતના ગાંધર્વસ્વરોનું મૂળ પણ સામસ્વરોમાં રહેલું છે. સંગીતના સાત સ્વરો (સૂર) જુદાં જુદાં વાદ્યો પર વગાડવામાં આવે છે. જ્યારે સામસ્વરો ગાનાર પોતાના હાથની આંગળી પર સ્વરો બતાવે છે તેને ગાત્રવીણા એ નામે ઓળખવામાં આવે છે. વળી જુદા જુદા સામોનાં નામો ઋષિ, દેવતા, છંદ, યજ્ઞ, નિધન, કર્મફલ અથવા ઋચામાં આવતા શબ્દના આધારે આપવામાં આવ્યાં છે.

     અને એક મત મુજબ સામવેદ આધારિત ગ્રંથ નારદીય શિક્ષા દ્વારા સામગાનના વૈદિક સ્વરૂપને લોકભોગ્ય અને જન સામાન્ય સુધી સ્પર્શે તે રીતે પૂનર્વ્યાખ્યાયિત કરીને સારેગમપધની ના વર્તમાન સુપરિચિત સ્વરોમાં મુકાયાં  ઉપનિષદએ જીવન સંગીતને પણ લયબદ્ધ કરીને પરબ્રહ્મ સુધી લઇ જવાનું માધ્યમ પણ છે એવો  સામગાનનો સંદેશ છે.

 

 

 

 

 

 


No comments:

Post a Comment