13. હું પંચમહાભૂત-પરમેશ્વર
આપણે સહુ-વિશ્વ અને ભારત
દેશ, આજે હવે પ્રકૃત્તિ અને પર્યાવરણની સલામતી અને
સાચવણી માટે ચિંતા કરતા રહ્યા છીએ. શાળામાં પર્યાવરણ શિક્ષણ આપવું પડે છે.'જળ એ જ જીવન'ના સૂત્ર યાદ કરાવવાં પડે છે.પણ હજારો વર્ષ પહેલાં ઉપનિષદોના
માધ્યમથી ઋષિઓએ આજ વાત આપણી સમક્ષ મુકેલી છે.ભૌતિકવાદ ,જીવનશૈલી અને ક્યાંક આવશ્યકતાના નામે આપણે એટલા તો નઠારા થઇ
ગયા છીએ કે વગર વિચારે, દોડે જ જઈએ
છીએ.અને પછી જાતે જ ઉભી કરેલી અને આવનારી સમસ્યાઓની ચિંતા કરીએ છીએ અને ઉકેલોની
દિશામાં ફાંફાં મારીએ છીએ.,જેના ઉકેલ હજારો વર્ષ પહેલાંથી ઉપનિષદો અને અન્ય ભારતીય શાસ્ત્રોમાં મોજુદ છે
. આપણે પોતે પાંચ મહાભૂત પૃથ્વી,જળ,વાયુ,આકાશ અને ધરતી તત્ત્વના
જ બનેલા છીએ અને વિલીન પણ એમાં જ થવાના છીએ..તો આ પ્રકૃત્તિ તત્ત્વોને સાચવવાં અને શુદ્ધ રાખવાં એ આપણું-માનવજાતનું
પ્રથમ કર્તવ્ય છે. એ જ રીતે આપણી આસપાસની તમામ જૈવિક સૃષ્ટિ પણ આપણી પૂરક
છે.પક્ષી-પ્રાણી ,વનસ્પતિ પણ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલાં છે.એટલે સમગ્ર
પર્યાવરણનું જતન એ પહેલી માનવીય ફરજ બને.અને એટલે જ આપણાં વેદ ઉપનિષદોએ તેને બ્રહ્મ સાથે જોડી દીધાં છે-પરમતત્ત્વ
સાથે જોડી દીધાં છે. પ્રકૃત્તિદેવીનું પૂજન
કરવાનું ને ધરતીમાતાને ઉઠીને નત મસ્તક કરી પગે લાગવાનું સૂચવ્યું છે.
વેદ ઉપનિષદમાં સૂર્ય,વરુણ,વાયુ,અગ્નિને દેવ માન્યા છે.જીવ-પ્રાણ કોને વહાલો ન હોય ? પ્રશ્નોપનિષદ કહે છે, एषोऽग्निस्तपत्येष
सूर्यएष पर्जन्यो मघवानेष वायुःएष पृथिवी रयिर्देवःसदसच्चामृतं च यत् ॥ ‘આ પ્રાણ અગ્નિ સ્વરૂપે તપે છે.એ જ સૂર્ય છે.એ જ મેઘ ,ઇન્દ્ર,વાયુ,પૃથ્વી પણ એ જ છે.’ માણસમાત્ર આસ્થા સાથે જોડાયેલો છે.એને પોતાના
આસ્થાસ્થાનમાં શ્રદ્ધા છે.એટલે જ મુણ્ડકોપનિષદ પ્રકૃત્તિત્ત્તવોને પરમેશ્વર સાથે
જોડે છે.अग्नीर्मूर्धा चक्षुषी चन्द्रसूर्यौदिशः श्रोत्रे वाग् विवृताश्च
वेदाः ।वायुः प्राणो हृदयं विश्वमस्य पद्भ्यांपृथिवी ह्येष सर्वभूतान्तरात्मा|‘ આ પરમેશ્વરનું અગ્નિ મસ્તક છે,ચંદ્ર સૂર્ય બંને નેત્રો છે.સઘળી દિશાઓ બંને કાન છે .ને
પ્રગટ વેદ વાણી છે.તથા વાયુ પ્રાણ છે.જગત હૃદય છે. બંને પગોમાંથી પૃથ્વી ઉત્પન્ન છે .એ જ પ્રાણીમાત્રના
અંતરાત્મા છે.’ અને એ હકીકત છે કે જયારે
આસ્થાસ્થાન જોડાય એટલે વ્યક્તિનો પૂજનીય ભાવ જોડાય અને તેના પ્રત્યે આદરભાવ જોડાય.
ઉપનિષદ એ પણ સમજાવે છે કે માણસના અસ્તિત્વ અને તેને ટકાવી
રાખવા માટે પણ પ્રકૃત્તિ જ છે .तस्मादग्निः समिधो यस्य सूर्यःसोमात्
पर्जन्य ओषधयः पृथिव्याम् ।पुमान् रेतः सिञ्चति योषितायांबह्वीः प्रजाः पुरुषात्
सम्प्रसूताः ॥अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात्स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः ‘ એનાથી અગ્નિ
પ્રગટયા જેમની સમિધા સૂર્ય છે. એ અગ્નિથી સોમ
થયા.સોમથી મેઘ ,મેઘથી વરસાદ દ્વારા
પૃથ્વીમાં અનેક જાતની ઔષધિઓ થઇ.તેના પોષણથી અનેક પ્રકારના જીવો નિયમ મુજબ જન્મ્યા. એનાથી સમસ્ત સમુદ્રો અને પર્વતો થાય છે.એમનાથી પ્રગટ થઈને
અનેક રૂપોવાળી નદીઓ વહે છે.’.
આજે જયારે આપણે
ઓઝોન પડ તૂટવાને કારણે થનારા પર્યાવરણ અસંતુલનની ચિંતા વેઠીએ છીએ ત્યારે
મુણ્ડકોપનિષદ યાદ દેવરાવે છે કે ‘પરમેશ્વર દિવ્ય
આકાશરૂપ બ્રહ્મલીકમાં સ્વરૂપથી સ્થિત છે..’दिव्ये
ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः ॥
આપણે પંચમહાભૂત છીએ એના પ્રમાણ માટે ઐતરેય ઉપનિષદ તેના
મૂળની વાત આ મંત્રમાં કહે છે, अग्निर्वाग्भूत्वा मुखं प्राविशद्वायुः प्राणो भूत्वा
नासिकेप्राविशदादित्यश्चक्षुर्भूत्वाऽक्षिणी प्राविशाद्दिशःश्रोत्रं भूत्वा कर्णौ
प्राविशन्नोषधिवनस्पतयो लोमानि भूत्वात्वचंप्राविशंश्चन्द्रमा मनो भूत्वा हृदयं
प्राविशन्मृत्युरपानोभूत्वा नाभिं प्राविशदापो रेतो भूत्वा शिश्नं प्राविशन् ॥
‘ જયારે બધા દેવતાઓ સંસાર સાગરમાં આવી ગયા ત્યારે તેમને ઈશ્વરને પૂછ્યું કે અમે ક્યાં વસીએ? અને પછી એ બધા
મનુષ્યના શરીરમાં આ રીતે વસ્યા.અગ્નિ વાંક ઇન્દ્રિય બની. મુખમાં ,વાયુ પ્રાણ થઇ નાસિકમાં ,સૂર્ય નેત્રમાં
દિશાઓ કાનમાં ઔષધિ અને વનસ્પતિના દેવતા રૂંવાડાં અને ત્વચામાં ,ચંદ્ર મનમાં વાયુ નાભિમાં, જળ વીર્યમાં
પ્રવેશ્યા.’
પર્યાવરણ સાચવણી માટે જો માણસ જાગૃત રહે તો તે શું પામે છે, તે પ્રતિપાદન શ્વેતાશ્વતરોપનિષદ આપે છે .पृथिव्यप्तेजोऽनिलखे समुत्थिते पञ्चात्मके
योगगुणे प्रवृत्ते ।न तस्य रोगो न जरा न मृत्युःप्राप्तस्य योगाग्निमयं शरीरम् ॥“ પૃથ્વી ,જળ ,તેજ,વાયુ તથા આકાશ આ
પાંચ મહાભુતોનું સમ્યક રીતે ઉત્થાન થતાં તેમની સાથે સંબંધ રાખનારાં અને પાંચ પ્રકારના
યોગની સિદ્ધિ થતાં યોગ અગ્નિમય શરીરને પ્રાપ્ત કરનારા સાધકને નથી રહેતો રોગ,નથી આવતું વાર્ધક્ય કે નથી થતું તેનું મૃત્યુ.’એનાથી વધારે શી ખાતરી જોઈએ ?
સૂર્ય છે તો જ આપણું અસ્તિત્વ છે એ વાત સર્વ સ્વીકૃત છે જ, પણ સૂર્ય એ અગનગોળો જ છે એમ નહિ પણ આપણા પ્રત્યક્ષ જોઈ શકાય તેવા દેવ જ છે..કઠોપનિષદકહે છે, यतश्चोदेति सूर्योऽस्तं यत्र च गच्छति ।तं देवाः सर्वेऽर्पितास्तदु
नात्येति कश्चन । एतद्वै तत् ॥‘ જ્યાં સૂર્ય ઉગે છે અને અસ્ત પામે છે ,બધા દેવો એમાં સમર્પિત થાય છે.’ તો પ્રશ્નોપનિષદનો ઉદ્ઘોષ છે अथादित्य
उदयन्यत्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान्रश्मिषु सन्निधत्ते ।
यद्दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधोयदूर्ध्वं यदन्तरा दिशो यत् सर्वं
प्रकाशयति तेन सर्वान् प्राणान्रश्मिषु सन्निधत्ते ॥‘રાત્રી પછી ઉદય
પામતો સૂર્ય પ્રત્યેક દિશામાં જઈને સર્વને પ્રકાશિત કરે છે અને જગતના પ્રાણોને
પોતાના કિરણોમાં ધારણ કરે છે.’
ચોવીસે કલાક આપણે જેના આધારે રહીએ છીએ અને જે આપણો જઠરાગ્નિ
તૃપ્ત કરે છે એ ધરતી પ્રત્યે આપણી કૃતજ્ઞતા છે, તે આપણે ક્યારેય વિચારીએ છીએ ખરા ? એ જ રીતે જળ ,અને પ્રાણીમાત્ર માટેની આપણી નૈતિક જવાબદારી પણ કેટલી? ઉપનિષદ સ્પષ્ટ છે. गोकामा एव वयꣳस्मइति।तꣳहततएवप्रष्टुंदध्रेहोताऽश्वलः| ગાય તણી કામના અમારે મન બ્રહ્મનિષ્ઠ. કેરળના ડો.પી.એસ શ્રીવિદ્યા 'અનંતા ' નામના સંશોધનપત્રમાં તો કૌશિતકી ઉપનિષદનો સંદર્ભ ટાંકીને
જણાવે છે કે અગ્નિહોત્ર દ્વારા ગાયના દૂધ પર યોગ્યપ્રક્રિયા ( શુદ્ધિકરણ ) કર્યા
બાદ જ તે વપરાતું.એટલું જ નહિ તે
વખતે અગ્નિહોત્ર દ્વારા પંચગવ્યથી હવા-પર્યાવરણ શુદ્ધિ માટેના પ્રયોગો પણ
થતા.
બિલ્વ ઉપનિષદ અનુસાર બિલ્વ ઝાડએ માત્ર ઝાડ નહિ પણ સાક્ષાત
શિવ છે. मधु वाता ऋतायते मधुक्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः । બૃહદારણ્યક ઉપનિષદના આ મંત્ર માટે તત્ત્વચિંતક ડો.ગુણવંત
શાહ તો કહે છે,’આપણને ખરી જરૂર સ્વચ્છ પાણી,સ્વચ્છ વાતાવરણ
અને પૂરતા આહારની છે ઉપનિષદનો આ મંત્ર
મધુર પવન ( मधु वाता ऋतायते ), મધુર સરિતા જળ (मधुक्षरन्ति सिन्धवः ।) અને મધુર વનસ્પતિ
( माध्वीर्नः सन्त्वोषधीः) નો સંદેશ, એ દવામુક્ત ઇલાજના હિમાયતી ડો.હેગડેના વિચાર
સાથે આબાદ વણાઈ જાય છે.’
છાંદોગ્ય ઉપનિષદમાં નારદે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન સ્વયં કહે છે કે ,'અન્નની અપેક્ષાએ જળ વધુ શ્રેષ્ઠ છે કારણકે જયારે વરસાદ ઓછો પડે ત્યારે પ્રાણ વ્યથિત થાય છે પણ પુષ્કળ વરસાદ થયેથી અન્ન વધુ પાકે પ્રાણ પ્રસન્ન થાય.आपो वावान्नाद्भूयस्तस्माद्यदा सुवृष्टिर्न भवतिव्याधीयन्ते प्राणा अन्नं कनीयो भविष्यतीत्यथयदासुवृष्टिर्भवत्यानन्दिनः प्राणा भवन्त्यन्नं बहुभविष्यतीत्याप एवेमा मूर्ता એટલું જ નહિ પૃથ્વી,અંતરિક્ષ અને બધું જ મૂર્તિમાન જળ સ્વરૂપ જ છે એટલે જળની જ ઉપાસના કરો. एवेमा मूर्ता अप उपास्स्वेति ॥ તૈત્તરિય ઉપનિષદ અનુસાર પાણીમાં શૌચ ન કરવું ,કોગળા ન કરવા વગર કપડે સ્નાન ન કરવું તેવો આદેશ છે.
સૂર્યની જેમ અગ્નિ પણ સાક્ષાત દેવ છે. ઋષિઓએ આપેલાં વ્રત,તહેવારોનું વિજ્ઞાનદર્શન આપણને શોધવાની ઓછી ટેવ છે.પરંપરાગત ઉજવાતી શીતળા સાતમ
અને અગ્નિ પૂજા તેનાં પ્રતીક છે. त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धिं
त्रिकर्मकृत्तरति जन्ममृत्यू ।ब्रह्मजज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमाँ
शान्तिमत्यन्तमेति ॥ શાસ્ત્રોક્ત રીતે
અગ્નિનું ત્રણવાર અનુષ્ઠાન
કરનાર મનુષ્ય જન્મ મૃત્યુને ઓળંગી જાય છે. એમ કઠોપનિષદ વિશ્વાસ અપાવે છે
પ્રકૃત્તિ અને પર્યાવરણ માટેની ઉત્તમ મંગળ મનોકામના પણ કેવી અદભુત છે.મૂળ ઋગ્વેદ મંત્ર અને પ્રશ્નોપનિષદ,મુણ્ડકોપનિષદ જેવાં ઉપનિષદનો શાંતિમંત્ર भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम
देवहितं यदायुः ॥ જેવી ભાવના લઈને આવે છે. ' અમે અમારા કાનો વડે કલ્યાણ વચન
સાંભળીએ આંખો વડે કલ્યાણ દૃશ્યો જોઈએ નિરોગી ઇન્દ્રિયો અને સ્વસ્થ દેહના માધ્યમથી
આપની સ્તુતિ કરીએ.અને આપે
અમારા માટે નિર્ધારિત કરેલ દીર્ઘાયુ પ્રાપ્ત કરીએ.' પ્રત્યેક
ઉપનિષદના શાંતિપાઠમાં અચૂક આવતો મંત્ર ॐ
शान्ति: शान्ति: शान्ति: ॥ માં પણ 'શાંતિ' શબ્દનો પ્રયોગ ચોક્કસ હેતુસર જ
ત્રણ વખત કરવામાં આવ્યો છે કારણકે આપણી બધા જ પ્રકારની એટલે કે આધિભૌતિક ,આધિદૈવિક અને આધ્યાત્મિક
શાંતિ માટેની પ્રાર્થના છે
ગર્વ અને ગૌરવ સાથે કહી શકીએ કે સમગ્ર વિશ્વમાં પ્રકૃત્તિ અને પર્યાવરણ માટેની આટલી ઉચ્ચતમ ભાવના ક્યાંય જોવા નહીં જ મળે.એટલે તો પ્રકૃત્તિને પરમ ગુરુ -પરબ્રહ્મ માનીને તેનું રક્ષણ, તેનો આદર કરીએ.એ જ આપણું સાચું કર્તવ્ય અને એ જ આપણી સાચી પૂજા.
__________________________________________________________________________________
No comments:
Post a Comment