Readers

Thursday, February 8, 2024

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના--- પુસ્તક પરિચય

 

પુસ્તક પરિચય -

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના



લેખક - દિનેશ લ. માંકડ

પ્રકાશક  અને  પ્રાપ્તિ સ્થાન સંસ્કાર સર્જન ,અમદાવાદ. * મોબાઈલ નંબર   9427960979

મૂલ્ય રૂ.310/-

            કોણ છે નચિકેતા ? કોણ છે સત્યકામ જાબાલા ?' - આજના કોઈ બાળક કે નવયુવાનને આ પ્રશ્ન પૂછી જુઓ. અરે ,મૈત્રેયી અને ગાર્ગી નામ તો અનેક દીકરીઓના પડયાં પણ એ નામની વિદુષીઓ કર્તુત્વ અને અગાધ જ્ઞાનની કેટલાને ખબર છે ? વિશ્વની સહુથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પાસે માનવજીવનને ઉત્થાન માર્ગ પર લઇ જનાર અનેક શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોનો ભંડાર છે .વેદ ઉપનિષદો પુરાણો અને બીજા અનેક ગ્રંથો તો આપણો અમુલખ ખજાનો છે. ભૌતિકતા અને પશ્ચિમી પ્રવાહમાં તણાયેલા આપણે તેના વિષે સાવ અલ્પ જાણીએ છીએ .એ ગ્રંથોના આધારે ભારતીય ઉપખંડની ગુરુકુળ શિક્ષણ પ્રથા ઉત્તમ માનવ તૈયાર કરતી.ઈશ્વર અવતાર શ્રીરામ અને શ્રી કૃષ્ણ એ પણ ઉત્તમ ગુરુઓ પાસે ગુરુકુળ અભ્યાસ કર્યો છે .

             દિનેશ લ. માંકડ નું પુસ્તક " ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના " ગુજરાતી ભાષાનું એવું પ્રથમ પુસ્તક છે જેમાં આપણા સેંકડો ઉપનિષદોમાંથી પસંદ કરેલા મંત્રો તેના ભાવાનુવાદ સાથે મુકવામાં આવ્યા છે. પુસ્તકમાં પરમ ગુરુઓ અને તીવ્ર  જિજ્ઞાસા પિપાસુ શિષ્યોના અદભુત સંવાદો પણ છે તો અનેક દૃષ્ટાંતો દ્વારા  પ્રાચીન ભારતની ઉત્તમ શિક્ષણ પ્રણાલી પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે..વિદ્યા એટલે કેવળ પુસ્તકિયું જ્ઞાન જ નહિ.શિક્ષણ નો હેતુ માત્ર રોટલો મેળવવાનો જ નહિ પણ પરબ્રહ્મ પામવાના શ્રેષ્ઠ માર્ગ તરીકે ઉપનિષદોએ વર્ણવ્યો છે.દીવાલોમાં  શીખવતા  મર્યાદિત  વિષયોથી ખુબ આગળ એવી અનેક વિદ્યાઓના અભ્યાસની વાત આ ગ્રંથમાં ઉલ્લેખનીય છે.

           વિદ્યા પ્રાપ્તિની ઝંખના કેવળ ગુરુકુળ સુધી જ હોય તેવું નહિ .ક્યાંક પિતા-પુત્રની ચર્ચા હોય  તો ક્યાંક રાજર્ષિ જનક અને બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્કયની ભરચક વિદ્યાસભા હોય..મૈત્રેયી અને યાજ્ઞવલ્કય ની વિદ્વતા ભરી દલીલો હોય. મહર્ષિ પિપ્લાદ પાસે તો એક સાથે અનેક જ્ઞાનપિપાસુ પ્રશ્નીની ઝડી વરસાવે અને મહર્ષિ સ્વસ્થ ચિત્તે સહુને સંતુષ્ટ કરે. પ્રસ્તુત પુસ્તક અનેક ઉદાહરણો દ્વારા  તે પ્રદર્શિત કરે છે.

         સો થી પણ વધારે ઉપનિષદોમાં પ્રત્યેક મંત્ર જીવન ઉત્કર્ષનો વિચાર લઈને આવે છે .મુખ્યત્વે કઠોપનિષદ ,પ્રશ્નોપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ,બૃહદારણ્યક ,ઈશાવાશ્યં ઉપનિષદ,માંડુક્ય ઉપનિષદ મુણ્ડકોપનિષદ જેવામાં તો ભરપૂર દૃષ્ટાંતો અને સંવાદો છે જે વાંચતા આપણા દેશની પ્રાચીન  સંસ્કૃતિ પર ખુબ ગૌરવ ઉપજે.-છાતી ગજ ગજ ફૂલે ,એમાં કોઈ શંકા નથી.પ્રસ્તુત ' ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના ' પુસ્તકમમા આમાનું ઘણું ખરું ઓછે વત્તે સમાવવાનો પૂરો પ્રયત્ન થયેલો છે.

         અલગ અલગ શિક્ષણ વિભાવનાઓને કેન્દ્રમાં રાખીને 25 જેટલા લેખોમાં જે તે વિભાવનાઓ માટે તેમજ વિવિધ વિદ્યાઓ અને વિષયો પર ઉપનિષદોના સંદર્ભ લઈને તેના મંત્રો ,ભાવાનુવાદ સાથે મુક્યા છે .તો જ્યાં વિશેષ ગુરુ શિષ્ય સંવાદ કે દૃષ્ટાંત સૂચિત લાગે ત્યાં મૂકીને સંકલ્પનાની વિશેષ મહત્તા અભિવ્યક્ત કરી  છે..ઉપનિષદોનું ઉત્કૃષ્ટ મૂલ્ય દર્શાવવા માટે  દેશ તેમજ વિદેશના અનેક તત્ત્વચિંતકોના વિધાનો -મંતવ્યો તો વ્યક્તિમાત્રની જિજ્ઞાસાને પ્રેરે તેમ છે.

          ગુજરાત ને સંસ્કૃત સાહિત્યના સિત્તેરથી વધુ પુસ્તકો આપનાર અને આ પુસ્તક ની પ્રસ્તાવના લખનાર ડો.પ્રો.રશ્મિકાન્ત મહેતા તો જણાવે છે , ' લેખકે સાંપ્રત શિક્ષણ વિભાવના તારવવાનો પ્રયાસ કર્યો છે .તો સાંપ્રત વિભાવનાઓનો ઉગમ ઉપનિષદોમાં જોવાનો પ્રયત્ન કર્યો છે.ખાતરી સાથે કહી શકાય - તેમના બંને પ્રયત્ન સફળ રહ્યા છે

           રચના પ્રિન્ટરી અમદાવાદના શ્રી મયુરભાઈ ગાલા અને તેમની ટિમ દ્વારા ઉત્તમ છાપકામ અને વિષયને અનુરૂપ મુખપૃષ્ઠ તૈયાર કરીને પુસ્તકને દીપાવ્યું છે તેની વિશેષ નોંધ ચોક્કસ લેવી પડે.

           ગા ગરમાં  સાગર જેવું પુસ્તક " ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના " દરેક શાળા કોલેજ અને શહેરી ગ્રામ્ય પુસ્તકાલયો માં વસાવ્યા તો અભ્યાસુઓ ,વિદ્યાર્થીઓ અને જન સામાન્ય તે વાંચીને  પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી અવગત થશે અને ગૌરવ પણ અનુભવશે.

 

 

No comments:

Post a Comment