Readers

Thursday, July 30, 2020

નવી શિક્ષણ નીતિ --અભ્યાસક્રમ સંરચના -- દિનેશ લ.માંકડ {9427960979 }


         નવી શિક્ષણ નીતિ --અભ્યાસક્રમ સંરચના       -- દિનેશ લ.માંકડ  {9427960979 }
         દેશ આઝાદ થયા  પછી અનેક શિક્ષણ વિદ્દો એ અલગ અલગ સમયે શિક્ષણ નીતિઓ     બનાવવા માં પોતાનું યોગદાન આપ્યું છે.  એમાંની મોટાભાગની નીતિઓ નો અમલ થવાની પ્રક્રિયા અને પ્રયત્ન થયા છે. આમ છતાં એક વાત સ્વીકારવી જ પડે કે વધતા જતા જ્ઞાન વિસ્ફોટ અને ટેક્નોલોજી ના પરિપેક્ષમાં એક તરફ દેશની આગવી સંસ્કૃતિ -અસ્મિતા સાચવવી અને બીજી તરફ નવી પેઢીને  વિશ્વ ફલક પર સ્પર્ધામાં ટકી રહેવા  અને સ્વયં કૌશલ્ય ને વિકસાવવાની તક આપવી એ એક પડકાર છે. નવી શિક્ષણ નીતિ ૨૦૧૯ નો મુસદ્દો     આ દિશા માં લઇ જતો હોય તેમ દેખાય છે.
        નવી શિક્ષણ નીતિ ના મુસદ્દાનો દૃષ્ટિકોણ { વિઝન } જ સૂચવે છે  "રાષ્ટ્રીય  શિક્ષણ નીતિ ૨૦૧૯  કલ્પના કરે છે,  એક ભારત કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થા  જે પ્રત્યક્ષ રીતે આપણા દેશ ને ઉચ્ચ કક્ષાનું  શિક્ષણ આપીને કાયમી ધોરણે એક ન્યાયસંગત  અને ગતિશીલ જ્ઞાન સમાજ માં પરિવર્તિત કરે."- મતલબ કે  ભારત કેન્દ્રીય શિક્ષણ  વ્યવસ્થાની ગમ સાથે અભ્યાસક્રમ સંરચનાને પ્રસ્તુત કરવા માં આવી છે .
         નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમ સંરચનાની વાત ના પ્રારંભમાં જ જણાવે છે કે   “અભ્યાસક્રમ અને અધ્યાપન માંથી ગોખણિયા પણું ઘટાડવા માટે અને તેને બદલે  સાફલ્યવાદી વિકાસ અને ક્રાંતિકારી  વિચારસરણી ,રચનાત્મકતા,વૈજ્ઞાનિક અભિગમ સંચાર સહયોગ બહુભાષીવાદ ,નીતિશાસ્ત્ર ,સામાજિક જવાબદારીનું શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતા જેવા ૨૧ મી સદીના કૌશલ્યો ને પ્રોત્સાહિત કરવા રૂપાંતરિત કરવા આવે છે.”
          અભ્યાસક્રમ એ શિક્ષણ નું પાયાનું અંગ છે .એમાંય અભ્યાસક્રમ ની સંરચના માટે ની સ્પષ્ટ નીતિ ખુબ જ અગત્ય ની છે.નવી શિક્ષણ નીતિ એ  અભ્યાસક્રમ સંરચના ની મૂળભૂત સંકલ્પના માં ન નવો દૃષ્ટિકોણ લાવી દીધો છે.ખાસ કરીને વર્તમાન સમય માં  બાળકોની વધતી જતી તર્કશક્તિ અને ગ્રહણશક્તિ  ને ધ્યાન માં લઈને બિલકુલ નૂતન અભિ                 

          ખાસ નોંધવા જેવી  વાત એ છે કે પ્રથમ જ વખત ,અહીં ત્રણ વર્ષ થી વય ના બાળક  થી માંડી ને  રાષ્ટ્રીય નીતિના અભ્યાસક્રમ  માં વિચારાયો છે.અને એમાંય ૩ થી ૮ વર્ષ ના વય જૂથને સંકલિત રાખીને પ્રારંભિક શિક્ષણ ના મજબૂત પાયાની રચના કરી છે .
*શાળા શિક્ષણ ના અભ્યાસક્રમ માળખાને ૫+૩+૩+૪  વર્ષમાં મુકવાની હિમાયત થઇ છે.
*સ્થાપનાત્મક તબક્કો {૩ થી ૮  વર્ષ  વય જૂથ }-ઝડપી મગજ વિકાસ,રમત અને સક્રિય શોધ પર આધારિત શિક્ષણ .
*પ્રારંભિક તબક્કો { ૮ થી ૧૧ વર્ષ  વય જૂથ }  -રમત અને શોધ પર નિર્માણ .માળખાકીય અભ્યાસ ની શરૂઆત .
*મધ્ય તબક્કો  {૧૧ થી ૧૪ વર્ષ વય જૂથ }- વિષયોના મુદ્દા શીખવા નો પ્રારંભ.કિશોરાવસ્થા  શરૂઆત .
*માધ્યમિક તબક્કો  { ૧૪ થી ૧૮ વર્ષ વય જૂથ } આજીવિકા અને ઉચ્ચ શિક્ષણ માટેની તૈયારી.યુવાન,પુખ્તતા માં સંક્રમણ .
         અત્યાર સુધી છ વર્ષની વય થી પ્રાથમિક શિક્ષણ સરકારની જવાબદારીમાં આવતું હતું. સમયની માંગ  અને  વાલીની ઉત્સુકતા માં પ્લે ગ્રુપ,નર્સરી ,જુનિયર,સિનિયર કેજી  આવ્યાં.પણ સરકાર નો સીધો હસ્તક્ષેપ તેમાં સાવ અલ્પ રહ્યો.પરિણામે મનફાવે તેવા અભ્યાસક્રમ ,બિનતાલિમી શિક્ષકો આડેધડ ફી વડે  આ વય જૂથ વાલી ની ઘેલછા માં શિક્ષણ નું વ્યાપાર કેન્દ્ર બનતું ચાલ્યું.અલબત્ત સરકારે આંગણવાડી પ્રયોગ કર્યો છે ,પણ તેની અસરકારકતા મર્યાદિત વિસ્તારો સુધી જ રહે છે.
      શિક્ષણ નીતિ એ સ્થાપનાત્મક તબક્કા માં ૩ થી ૮ વર્ષ ના વય જૂથની પસંદગી કરી એટલે પહેલો ફાયદો એ કે ત્રણ વર્ષ ના બાળક થી જ  શિક્ષણ  સરકાર હસ્તક રહેશે.ઉપર વર્ણવેલી મર્યાદાઓ દૂર થશે .બીજો સૌથી મહત્વ નો ફાયદો એ કે બાલમંદિર અને પહેલા,બીજા ધોરણ વચ્ચે નું સળંગ સંકલન રહેશે ,જે અત્યારે નથી.જેને કારણે બાલમંદિર અને પ્રાથમિક શિક્ષણ વચ્ચે પડી જતી ખાઈ દૂર થશે.
          આ તબક્કા ના અભાસક્રમ માળખાને ઝડપી મગજ વિકાસ ,રમત અને સક્રિય શોધ  આધારિત શિક્ષણ ને પ્રાધાન્ય અપાયું છે.બૌદ્ધિકતા અને મૌલિકતા ના પાસાં ને વિશેષ મહત્ત્વ અપાયું છે.જે વર્તમાન સમય ની તાતી માંગ પણ છે .
          બીજા પ્રારંભિક તબક્કા માં અભ્યાસક્રમ માળખામાં રમત અને શોધ ના નિર્માણ ને ચાલુ જ રખાયું છે.કેમકે વય અને બુદ્ધિનો સંક્રમણ ગાળો છે .સાથે સાથે માળખાગત અભ્યાસ નો અહીંથી પ્રારંભ પણ થાય છે. અહીં  અભ્યાસ ની -શિક્ષણ ની પાયાની સંકલ્પનાઓ શરુ થાય છે.આ ગાળા માં મૌલિકતા,સર્જનમકતા ની સાથે  તર્કશક્તિ પણ ઉમેરાય છે.૮ વર્ષ થી ૧૧ વર્ષ નો આ ગાળોઆ ત્રણેય પરિબળો ના વિકાસ  માટે  ખુબ જરૂરી છે.
          મધ્ય તબક્કો એ હવે સ્વયં વિકાસ નો તબક્કો છે.સ્વતંત્ર વિચાર શક્તિ ની ખીલવણી અહીં થાય છે.વિષયોના મુદ્દાઓ નો વિસ્તૃત અભ્યાસ અહીં થી સ્થિર બને છે.વિચારશક્તિ ,ઉકેલશક્તિ અને સમજણ શક્તિ પોતાની ચરમ સીમા પર છે. આ તબક્કો  તેના પોતાના માં રહેલ શક્તિઓને પૂર્ણ કક્ષા એ લઇ જવા સક્ષમ છે.
        ચોથો માધ્યમિક નો તબક્કો ચાર વર્ષનો છે .વિષય મુદ્દા ના વિસ્તારથી અભ્યાસ બાદ અહીં તેની દિશા નક્કી થવાની છે.આજીવિકા ભણી જવા નો વિચાર કરવાનો છે. ઉચ્ચ શિક્ષણ ની પૂર્વ તૈયારી છે.આ સમય ગાળો વિષય અને શાખા પસંદગી માટે નો છે.રુચિ પ્રમાણે ઉચ્ચ શિક્ષણ નો નિર્ણય કરવાનો છે.અને એટલે જ ચાર વર્ષ અહીં આપ્યા છે.હવે યુવાન થવાની -પુખ્તતા સ્વીકારવાની અને જવબદારી પૂર્વક નિર્ણય કરવાનો ગાળો છે.
           અભ્યાસક્રમ ના સંદર્ભ માં ઉડીને આંખે વળગે એવી કેટલીક વાતો ખાસ ધ્યાન ખેંચે એવી છે. 'આ નીતિ પ્રારંભિક ભાષા અને ગણિત ના સંદર્ભ માં અભ્યાસ  તીવ્ર કટોકટીને માન્ય રાખે  છે.અને તેને ઉચ્ચ અગ્રતા આપે છે. " સાથે સાથે તમામ ભારતીય ભાષાઓને વિવશેષ પ્રાધાન્ય આપવાની વાત ભાર પૂર્વક કરી છે ,છતાં.ધોરણ ૫ સુધી અને શક્ય હોય તો ધોરણ ૮ સુધી માતૃભાષા કે સ્થાનિક ભાષા માં શિક્ષણ નો વિચાર મુકેલો છે.નીતિ મુસદ્દો ઘડનારા માટે મૌલિકતા અને વિચારશક્તિ ની પૂર્ણ ખીલવણી આ તબક્કા જ વિશેષ હોય છે.. ભારત થી પરિચિત થાય વર્તમાન સમસ્યાઓ જાણે .વિશ્વ ફલક થી જ્ઞાત થાય .
         આ નીતિમાં મગજ વિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતો ના આધારે શાળા શિક્ષણ નો  અભ્યાસ ક્રમ માટે નો નૂતન અભિગમ દ્વારા શિક્ષણ શાસ્ત્રીય માળખું ૫+૩+૩+૪ આલેખન પર આધારિત છે.વિજ્ઞાન,કલા ,ભાષાઓ ,સમાજવિજ્ઞાન રમતો ,ગણિત ના તમામ વિષયો પર સમાન ભાર મુકવા માં આવશે .શાળા માં વ્યવસાયિક અને શૈક્ષણિક ધોરણોને એકીકરણ કરવાનો પ્રયાસ થશે.
         નવી શિક્ષણ નીતિના નવા શિક્ષણ દૃષ્ટિકોણ માં પ્રારંભિક શિક્ષણ થી માંડી ને ઉચ્ચ શિક્ષણ માં ઊંડાણ પૂર્વક ભાર.વ્યવસાયિક શિક્ષણ ના ફલકને વધારવાની વાત ,આવકારદાયક છે .  શિક્ષકોના વિસ્તુત જ્ઞાન અને ગુણવતા પર ખુબ ભાર મુકાયો છે .રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન સંસ્થા ની સ્થાપના અને બહુ ભાષા જ્ઞાન જેવા વિશેષ મુદ્દા પણ મુકાયા

         આ બધી વાત માંથી અલગ તરી આવતી વાત 'નીતિશાસ્ત્ર 'ના સમાવેશ છે. વર્તમાન સમય માં સંસ્કૃતિ ની સામે થતા હુમલા અને પરિવાર -સમાજમાં ઉભી થતી સમસ્યાઓ નું સમાધાન નીતિ સમજણ થી જ આવશે ,એવું કહેવાનું અહીં અભિપ્રેત છે.
એ હકીકત છે કે છેલા દસેક વર્ષમાં જ્ઞાન-માહિતી અને ટેક્નોલોજી  નો પ્રસાર એટલી તો ઝડપી ગતિ થી આગળ જાય છે કે આગલી મિનિટ ની વાત અત્યારે 'આઉટ ઓફ ડેઈટ ' ગણાય જાય !  ગણિત ,વિજ્ઞાન ના સંશોધન ની હરણફાળ  નહિ પણ અવકાશયાન ફાળ છે.ઇતિહાસ ના તથ્યો ના મૂલ્ય ,માપદંડ ખુબ બદલાયા છે .વિશ્વના  ભૌગોલિક અને રાજકીય નકશા માં અનેક પરિવર્તન આવી ગયા છે.અરે ,પ્રકૃતિએ પણ પોતાનું ચક્ર બદલવા માંડ્યું છે.ભાષાને તેની ભવ્યતા વધારવામાં ટેક્નોલોજીએ  અનેક ઘણો સાથ આપ્યો છે .આ બધું બદલાય ત્યારે યુગ બદલાયા જેવું છે .તો આવતીકાલે જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે તે ભારત વર્ષ ની રાષ્ટ્ર અને રાષ્ટ્ર ની આવતીકાલ નો  માર્ગ રથ તે શિક્ષણ નક્કી કરનાર શિક્ષણ નીતિ પણ બદલાય તે આવશ્યક છે.રાષ્ટ્રને અનુરૂપ નવી શિક્ષણ નીતિ  આવે તે પણ તેટલી જ આવશ્યકતા છે.
                માનવજાતિ ના દરેક યુગ માં જ્ઞાન એ બધી પાછલી પેઢી  દ્વારા બનાવેલી વસ્તુનું પ્રતિનિધિત્વ કરે છે.જેમાં વર્તમાન પેઢી તેનું ઉમેરે છે. એવું કહીને ઉપસંહારિત કરતી નવી નીતિ થી આગોતરા વાકેફ થઇએ- આવકારવા સજ્જ  થઈએ .
દિનેશ લ.માંકડ 
નિવૃત્ત આચાર્ય ,
F /૪૦૨ ,ઇસ્કોન પ્લેટિનમ ,બોપલ ચાર રસ્તા પાસે ,
બોપલ,અમદાવાદ ૩૮૦૦૫૮
મોબાઈલ : ૯૪૨૭૯૬૦૯૭૯               
.

Saturday, July 25, 2020

ઓનલાઇન શિક્ષણ અને ફી -સરળ નિરાકરણ


                                ઓનલાઇન શિક્ષણ અને ફી -સાવ સરળ નિરાકરણ
            ગુજરાતી ભાષાની બે  કહેવત -"પાડાને વાંકે પખાલીને ડામ "-" બે આંખલા વચ્ચે ઝાડની ખો " .સરકારે ફી ન લેવાનો હુકમ કર્યો ને શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું .એક તરફ શાળાઓ ની રજૂઆત છે કે ખર્ચ થાય તો ફી લેવી પડે અને સરકાર વર્તમાન સંજોગોમાં વાલીઓના જન હિતને ધ્યાનમાં રાખી ફી ન લેવાનો આગ્રહ રાખે છે  .પ્રત્યક્ષ રીતે બંને પક્ષ ખોટા નથી  હકીકતમાં તો નિરાકરણ { કરવું હોય તો } સાવ સરળ જ છે . જે ધાર્યું હોત તો એપ્રિલ કે મેંમાં પણ થઇ શક્યું હોત સ્વનિર્ભર શાળાઓ ,બે દિવસમાં પોતાનું ખરેખર થનારા ખર્ચના ચોક્કસ અંદાજ  જિલ્લા અધિકારીને આપે  .જવાબદાર હિસાબી અધિકારીઓની ટિમ તેને ચકાસે અને કેટલા ટકા ફીનો ઘટાડો કરવો તેનો આદેશ વ્યક્તિગત શાળાઓ ને આપે  .શાળા તેને અનુસરે ને શિક્ષણ ચાલુ થાય .                                                                      સ્વનિર્ભર શાળાઓ ના સંદર્ભમાં. અનુભવી શુભચિંતકોના  મતે અંદાજિત 'નહિ થનાર ખર્ચ અને થનાર વધારાના ખર્ચને ધ્યાનમાં લેતાં ત્રીસેક ટકા ફી તો ઘટાડી જ  શકાય { ઘટાડવા નો ઈરાદો હોય તો }.ગ્રાન્ટેડ શાળાઓ ને સરકાર પુરી ગ્રાન્ટ આપે છે એટલે તેમણે તો શિક્ષણ બંધ ન જ કરવું  જોઈએ  .અને પ્રામાણિક શાળાઓએ તે ચાલુ રાખ્યું જ છે
        શિક્ષણ એ સેવા છે, ધંધો નથી .એટલે જે સંચાલકો તેને ધંધો સમજી બેઠા છે તે તદ્દન અયોગ્ય છે  સામાન્ય સંજોગોમાં  સંસ્થા સારી ચલાવવા ,ગુણવત્તા ઉત્તમ રાખવા માટે વાજબી ખર્ચ થાય અને તે પ્રમાણે ફી લેવાય તેનો  કોઈને વાંધો ન હોઈ શકે  અને વાલીઓ સ્વેચ્છાએ  ભરે  પણ છે .પણ વિકટ સંજોગોમાં સંસ્થાઓએ સામેથી ફી ઘટાડવાની પહેલ કરવી જ જોઈએ કારણકે તેમનો ઘણો પ્રત્યક્ષ ખર્ચ ઘટ્યો જ છે . સ્વનિર્ભર શાળાઓ એ ભૂલી જાય છે  કે તેમની શાળા વિદ્યાર્થીઓથી ચાલે છે અને વાલીઓ ફી ભરે છે તેથી જ શાળા નભે છે  .જે માનવતા વાલીઓ સામાન્ય સંજોગો માં ફી ભરી દાખવે છે ,તેવી જ માનવતા શાળાએ વિકટ સંજોગોમાં બતાવવી જ જોઈએ  .         કેટલાક સવાલ બધી જ સ્વનિર્ભર શાળાઓને કરવા છે  .{1} તમામ શિક્ષકોને સરકારી ધારાધોરણ અનુસાર જ પૂરો પગાર અને સવલતો  ખરેખર આપો છો ? {2}  નિયમાનુસાર શાળામાં પુરા શિક્ષકો છે ? {3} જેટલી ઈત્તર ફી લેવાય છે  તેનું સો ટકા વળતર વિદ્યાર્થીઓને અપાય છે ?  {4} વર્ષોથી એક જ જગ્યાએથી કે શાળામાંથી ગણવેશ ,પુસ્તકો અને અન્ય ખરીદી કરવા વાલીઓને ફરજ પડાય છે ,તો શાળા તેને વાલીઓને ડિસ્કાઉન્ટ આપવા ફરજ ન પાડી શકે?  { કે પછી શાળાની તેની સાથે સાંઠગાંઠ છે ? } 
         દરેક ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના હિસાબના ઓડિટ  દર વર્ષે એક થી વધુ વખત થાય છે .આપણે સહુએ એવું સ્વીકારી લેવું પડે જ કે બધી શાળાઓ પુરી દુધે ધોયેલી છે -શુદ્ધ સંચાલન કરે છે !
          તગડી ફી ભરનાર વાલી નિસહાય બને તે કેટલી વિડંબના છે ! હે પ્રભુ ,તું બધા કામ પડતાં મૂકીને સંચાલકોને અને સરકારને સદબુદ્ધિ આપવાનું કર અને નિર્દોષ ભાવિ પેઢીનું અહિત થતું અટકાવ  .
   **ખાસ નોંધ ':બંધ બેસતી પાઘડી ' જેને લાગુ પડતું હોય તેણે જ પહેરવી .સાચા અર્થમાં શિક્ષણ સેવા કરતી 'તીર્થભૂમિ'ને પ્રણામ 
દિનેશ લ માંકડ - 9427960979
અન્ય લેખો વાંચવા બ્લોગ લિંક પર ક્લિક કરો –   mankaddinesh.blogspot.com

Friday, July 24, 2020

ઇતિહાસ વગરની આવતીકાલ


                                            ઇતિહાસ વગરની આવતીકાલ
         મહાભારત કાળમાં ટેલિવિઝન હતું . સંજયે રણક્ષેત્રનું કુરુક્ષેત્રથી હસ્તિનાપુર જીવંત વર્ણન કર્યું હતું . રામાયણ કાળમાં પુષ્પક વિમાન હતું . દેવોએ મોકલેલ પુષ્પક માં બેસી અયોધ્યા પરત આવ્યા હતા ભારત દેશ પાસે ભવ્ય ભૂતકાળ  છે . કા તો એમાંથી કેટલોક સાચવી નથી શક્યા અથવા તો વિદેશીઓ દ્વારા નષ્ટ થયો કે ચોરી થયો હશે   હવે તમને સવાલ કરવો છે - તમારી પાસે તમારાં સંતાનનું ત્રણ વર્ષ પહેલાનું પરિણામ પત્રક છે ખરું ?  આપણી જીવન શૈલીમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણી ગઈકાલ ભૂલી તો રહયા નથી ને ?
         શાળામાં બારમી -પંદરમી સદી ભણાવાય છે પણ ગઈકાલની ઘરની વાત ,ઘરના કોઈ સભ્યને ખબર ન હોય એવું બને .આશરે દસ થી ત્રીસેક વર્ષના કિશોર કે યુવાનને દાદાનું નામ તો કદાચ આવડતું હશે પણ પરદાદા -પ્રપિતામહની તો ખબર નહિ જ હોય .સમયની સાથે સહુ ને રોકેટ ગતિએ દોડવાનું થાય છે ,પરિણામે ઘણું બધું પાછળ છૂટી જાય છે તો કેટલુંક પછી મેળવી લેશું ની ધારણામાં રહી જાય છે  મોબાઈલ માં 'રિમાઇન્ડર ' નું સૂચનખાનું માણસને 'કાલે તમારો જન્મદિવસ છે 'એમ યાદ અપાવે તે કેવું ?.એક સમયે ઘરમાં ફોટા દીવાલ પર રહેતા ,પછી આવ્યા આલબમ્બ અને હવે મોબાઈલ  .મોબાઈલ બદલાય એટલે ફોટા? -અદલ બદલ માં આવ્યા તો ઠીક નહીંતર ....?  ડ્રાઈવમાં ગયા તો ગયા ,ગુગલભાઈ એ એમાંય મર્યાદા રાખી છે ને આમેય મોબાઈલ કેમેરાની ક્લિક સહેલી ને મફત છે એટલે પડે અઢળક ફોટા એટલે મૂલ્ય થયું ઓછું . સાચવવાની અગ્રતા પણ ઘટી જાય .   બાપાના બેસણામાં મુકવાનો ફોટો માંડ મળે !
         એવું જ ઘટનાઓનું છે . અગાઉના સમયમાં પરિવારમાં, પરસ્પર ખુબ સંવાદ થતો રહેતો . એટલે ઘરની બધી પેઢીને ભૂતકાળ અને વર્તમાનકાળના સુખદ અને દુઃખદની જાણકારી રહેતી અને હવે મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો ઘરમાં પ્રવેશ્યા ,સોશિયલ મીડિયા ,ગેઇમસ અને ઈતર શોખોમાં લાગેલા પરિવારના સભ્યો પાસે બેઠા હોય તો ય દૂર જેવા જ હોય . કોઈને કોઈની કશીજ ખબર ન હોય એવું ય બને !  જૂની પેઢી પાસે ચોક્કસ પ્રકારના સંઘર્ષ ને અનુભવોની વાતો છે તો નવી પેઢી પાસે પણ આજના સમયમાં ઉભી થતી અનેક સમસ્યાઓ પણ છે જ પણ પરસ્પર અભિવ્યક્ત નથી  .એટલે કોઈ કોઈનું જાણતું નથી-વહેંચાતું નથી  .
 .         કહેવાય છે કે ઇતિહાસમાંથી માણસ -સમાજ શીખે ,પણ આજના માણસ પાસે શું આવતીકાલે ઇતિહાસ રહેશે ખરો ? જે સંઘર્ષ જૂની પેઢીએ કર્યો છે ને તેમાંથી શીખી છે તે અનુભવ આવતીકાલની પેઢી પાસે હશે ખરો?  આગલી પેઢીનો પરસ્પર  વિશ્વાસ ,સૂઝ,બચત અને માનવીય સંબંધોનું મૂલ્ય આવતીકાલની પેઢીને ક્યાં ખબર છે ? જે ગતિએ સમય દોડે છે અને તેની સાથે માણસ પણ દોડે છે ,તેણે પણ સમયસર ઇતિહાસ જાણવા -સાચવવાની ટેવ પાડવી જ પડશે  .આંખો ખોલીને વિચારવું પડશે કે ભલે બધું જરૂર 'ડિજિટલ ' થતું પણ મન અને મગજની ભાવનાઓને  કેવળને કેવળ યંત્ર સાથે ન જોડતાં માનવીય પણ રાખજો  .આપણે માણસ છીએ ,રોબોટ નહિ એટલું જરૂર યાદ રાખજો  .
દિનેશ લ.માંકડ   મોં  .9427960979 
અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો – mankaddinesh.blogspot.com

Wednesday, July 1, 2020

ઘુંટો એકડો ,થશે સેંકડો


                                                     ઘુંટો એક્ડો ---થશે સેંકડો
               સત્ય પ્રસંગ -1 -ચાર વર્ષની પૌત્રી રમકડાંની દુકાનમાં એનાપપ્પા સાથે ગઈ.એને ખુબ ગમતી 'બાર્બી ' પસંદ કરી.દુકાનદારને એણે જ પૂછ્યું ,' આ બાર્બી ભારતમાં બનેલી છે ?' દુકાનદારે નિરાશ વદને ઉત્તર આપ્યો,' ના બેટા ,બધી જ બાર્બી તો ચીનમાં જ બને છે.' એણે  ખુબ ગમતી બાર્બી લેવાનું માંડી જ વળ્યું અને 'જ્યુસર ' પસંદ કર્યું  ચીન ની બનાવટ નું 130 રૂપિયા નું ,તો ભારતીય બનાવટ નું 700 રૂપિયા નું..એણે  પપ્પા સામે જોઈને કહ્યું ,' મોંઘુ તો છે પણ લેવું તો ભારત નું છે '-- અને એને ; Made in India ‘ –' જ્યુસર ' ઘેર લઇ આવ્યા નો આનંદ  સમાતો નહોતો।   
             સત્ય પ્રસંગ -2 -ચીની બનાવટની એપ્લિકેશન પર ના પ્રતિબંધ ના બીજા જ દિવસે વહેલી સવારે  વોટ્સએપ પર એક મિત્રનો સંદેશ આવ્યો 'કેમ સ્કેનર ' ને બદલે વાપરી શકાય તેવી ભારતીય બનાવટ ની એપ્લિકેશન ની લિંક તેમાં હતી  .
            29 મી જૂન 2020 , રાત્રે ચીન ની બનાવેલી 59  એપ્લિકેશન પર સરકારે પ્રતિબંધ મુક્યો કેટલાય ના મન માં કેટલાય વિધવિધ સવાલો ઉભા થયા  .ખાસ તો એ કહેવું છે કે ચોક્કસ પણે અનેક અનેક  આઈ ટી .ઇજનેરો ના મન માં તો  ચોક્કસ લાડુ ફૂટવા જ જોઈએ  . જાણીતું વિધાન -'આવશ્યકતા જ શોધ ની જનની છે ' . વિશ્વની મોટાભોગ ની શોધો અગવડ કે આવશ્યકતા માંથી જ ઉભી થઇ છે  .આમેય ભારતીય તો બુદ્ધિશાળી તો છે જ અને જો સંકલ્પ શક્તિ તેમાં ઉમેરાય તો પછી સફળતા સાવ નજીક જ હોય છે
              દરેક યુવાન જાણે જ છે કે બદલાતા સમયમાં માણસ ટેકનોલોજી થી પરિચિત થતો જ જાય છે અને અપનાવતો પણ જાય છે ઉ..  પ્રત્યેક વેપારીને જરૂરી એવું નામું એક સમયે ચોપડા ભરી ને લખાતું હતું ,હવે તેનું સ્થાન કમ્પ્યુટરે લઇ લીધું  . નાની નાની જરૂરિયાત થી માંડી ને ખુબ મોટી આવશ્યકતાઓ માં ટેક્નોલોજી એ માણસ નું કાર્ય સરળ અને ઝડપી બનાવી દીધું છે  .સામાન્ય માણસ પણ પોતાના રોજ બરોજ ના વ્યવહારમાં ટેક્નોલોજી થી પ્રભાવિત થયો છે જ 
           વિશાળ વસતી ધરાવતા અને ઈચ્છા શક્તિ નો ધોધ ધરાવતા ભારતીય નાગરિક ની જરૂરિયાત તો અમર્યાદિત જ રહેવાની જ  તો પછી જેને કરવું જ છે એને ખુબ જ જલદી તક ઉપાડી લેવી જોઈએ ,એમ નથી લાગતું ? આ તો હકીકત એવી છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં  ધોવા  જવા નો તાલ છે  .હાથણી કળશ ઢોળવા આવે ત્યારે કુંવર ઘર માં ભરાઈ રહે ,તો કુંવર નું આખરે શું થાય ? ઘણા ને ક્યારેક વિચાર પણ આવતો હશે કે ચીન કે અન્ય દેશો કરતા આપણે ઘણી બાબતોમાં પાછળ કેમ ? આર્થિક અને પરિબળો જરૂર હશે જ પણ ક્યાંક ને ક્યાંક આપણો ઘણો મોટો યુવા વર્ગ સાહસિકતા થી થોડો ભાગે છે અને બીજી વાત  ગુણવત્તા ની બાબત માં આપણે ઘણીયે વાર પાછળ પડી જઈએ છીએ   .આપણી આ નબળાઈ કે કલંક તો આપણે પોતે જ દૂર કરી શકીએ   .
           ઘડીભર વિચારો કે જેને કરવું છે તેને માટે શું અશક્ય છે ?  ધોળકા તાલુકા ના નાનકડા ગામ જલાલપુર માં લગભગ દરેક ઘરે હીરા ઘસવાની ઘંટી છે  ઘરની જે વ્યક્તિ પાસે થોડીક પણ નવરાશ મળે કે બે-ચાર હીરા ઘસી નાખે  આવા તો  અનેક ગૃહ ઉદ્યોગ દેશના પ્રત્યેક ગામમાં ચાલે છે ,એમની કાચો માલ ,વીજળી બજાર જેવા અનેક સમસ્યાઓ આવતી જ  હશે , છતાં સમય અને શક્તિ વાપરી કશુંક કરે છે ,એટલે ફરી  એક વાત-- જેને કરવું છે એને બધું જ મળી રહેવાનું . બારમા માં કે બીકોમ માં બેતાલીસ ટકા વાળો પણ ઘણું કરી શકે .બાકી ચાર રસ્તે  બેસી મોમાં ડૂચો ભરી બેસનારા ઢાંઢા { અનુચિત શબ્દ પ્રયોગ માટે ક્ષમા -આકોશ થી લખાયો છે } માટે ટિક્ટોક જાય તો  ધિકઢોલ જ હોય  અલબત્ત આ સમય એમને માટે પણ કશુંક નક્કર કરવા ની ઉત્તમ તક છે જ -પોતાનું હીર બતાવવાનો અવસર છે. કરવા ધારે તો આના જેવો ઉત્તમ સમય, એકેય નથી પ્રબળ ઈચ્છા શક્તિ ,કરવા -શોધવાની ને દોડવા ની રોકેટ ગતિ અને સ્વયં માં રહેલી અડગ આત્મશક્તિ રૂપી ઈશ શક્તિ હોય તો ધાર્યું જ થાય થાય ને થાય જ  . એક વખત એકડો માંડશો તો એની સાથે જોડાતા જતાં મીંડાં ને વધતા વાર નહીં જ  લાગે   .તો કોની  વાટ જુઓ છો ? કરો પ્રારંભ એકડો ઘૂંટવાનો પછી તો મીંડા તો  ઉમેરાતા જ  જશે  કિંમત અને હિંમત  શરૂઆત કરવાની છે અને તમે કરશો જ  . શુભકામના
દિનેશ લ માંકડ-  9427960979
અન્ય લેખો વાંચવા બ્લોગ લિંક ને ક્લિક કરો 
mankaddinesh.blogspot.com