Readers

Saturday, June 19, 2021

યાત્રા-24- યાત્રામાં- યાત્રાઓ અનેક


 

યાત્રા-24-  યાત્રામાં- યાત્રાઓ અનેક 

        સદ્ નસીબે ભારત અને વિદેશના અનેક સ્થળોનો પ્રવાસ શક્ય બન્યો છે. આમ તો યાત્રા અને પ્રવાસને દરેક વખતે છુટા પાડી ન શકાય.કોઈવાર બંને સાથે હોય તો કોઈવાર નહિ..સરવાળે તો પરમેશ્વર કે પ્રકૃત્તિ નું દર્શન તે  યાત્રા.

          માંડવી હતાં ત્યારે પૂજ્ય રામશર્માજીના શાંતિકુંજ હરદ્વારથી સારી શરૂઆત ગણાય. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાજીએ સમજાવ્યું છે કે તીર્થયાત્રા એટલે ભગવાનને મળવા જવું.અને ભગવાનને મળવા જવા માટે પહેલાં ભગવાનના દીકરાઓને નિસ્વાર્થ ભાવે મળવા જવું.આશરે ઈ.સ. 1990 માં પૂજ્ય દાદાજીને 75 વર્ષ પૂરાં થયાં .રાજકોટ માં ભક્તિફેરી કરીને ગયા.120 સ્ટેજ પર એક સરખો કાર્યક્રમ .રંજનાએ પણ તેમાં ભાગ લીધો .દાદાજીના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ પુષ્કર ,રાજસ્થાન હતો.છ દિવસ ખારીઓછી ગામમાં રહ્યા,ને પછી પુષ્કર ગયા.પુષ્કરમાં બ્રહ્મા જી મંદિર વિશેષ છે.

        સરકારી નિયમ મુજબ છેલ્લા વર્ષે LTC લેવાનું હોય.અમદાવાદ -દિલ્હી શતાબ્દી ટ્રેનની મુસાફરી માણવા ની બાકી હતી( 2010 ) .દિલ્હી દર્શન અને અક્ષરધામ મંદિરની પસંદગી ઉતારી.શતાબ્દીમાં એસીકોચની સાથે બે સમય ભોજન અને નાસ્તાની સુવિધા હોય .દિલ્હીમાં લાલ બહાદુર શાસ્ત્રીજીનું સાદગીભર્યું ઘર ,રાજઘાટ લોટસ ટેમ્પલ   લાલકિલ્લો ,કુતુબ મિનાર , વગેરે જોયા.મેટ્રો ટ્રેનમાં બેઠા.અક્ષરધામમાં ખુબ સુંદર જીવંત પ્રદર્શન અને શો થી ભારતીય સંસ્કૃતિ નો પરિચય કરાવે છે..

       શ્રી અજયભાઇ મોદી ( સખીવૃંદના મીનાબહેન ) સાથે નિકટ પરિચય હોવાથી વૈષ્ણવીદેવી તો એકથી વધારે વાર જવાયું.અજયભાઈની ઉત્તમ વ્યવસ્થામાં ખુબ સારી હોટેલ્સ અને શ્રેષ્ઠ ભોજનને લીધે આનન્દ કરાવતી.ખાસ તો જાન્યુઆરીમાં થતા આ પ્રવાસમાં પટનીટોપમાં બરફ માણવા ની મજા અનેરી હોય.શિવખોડી ગુફાના દર્શન પણ કપરા છતાં અનન્ય હોય.તેઓ  દર વર્ષે એક વખત યાત્રા સંઘમાં બહોળી સંખ્યામાં નફાનુકસાન વગર લઇ જાય .એકવાર એ રીતે પણ ગયાં.પાર્થના મિત્ર અર્પિત ના પિતાના ડોક્ટર્સ ગ્રુપમાં કુલુ મનાલી વગેરે જવાયું.રોહતાંગ નું બરફ સ્કીઈંગ કદી ન ભુલાય તેવું રહ્યું.

          દક્ષિણ પ્રવાસ બાકી હતો શ્રી ભરતભાઈ ( ગ્રીવાના પિતાશ્રી ) ને દરખાસ્ત મૂકી તેઓ સંમત થયા.બે પરિવાર.રામેશ્વર,મદુરાઈ ,વિવેકાનંદ રોકનો ઉત્તમ પ્રવાસ થયો. દક્ષિણના મંદિરોની એક વિશેષતા એ કે મોટાભાગના મંદિરોના ગર્ભગૃહોમાં વીજળીનો પ્રકાશ જ ન હોય.દીવાના અજવાળે મૂર્તિ જોઈ દર્શન કરવાના.ઈશ્વર સુધી પહોંચવા માટે આખો નું તેજ તીવ્ર કરવું પડે .મદુરાઈનું મીનાક્ષી મંદિર તેના સ્થાપત્ય માટે પ્રચલિત છે .તો રામેશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા પ્રભુ શ્રી રામચન્દ્રજીએ કરેલી. સેતુબંધ ની દૂરથી ભૂમિકા સમજવી પડે છે..ત્રણ મહાસાગર નો સંગમ અને તેમાં વિવેકાનંદજી ની પ્રતિમા  જોઈને જરૂર વિચાર આવી જાય કે ભારત તો વિશ્વગુરુ જ હોવું ઘટે.અને તિરિવલ્લુવરની પ્રતિમા પણ દેદીપ્યમાન છે. આ કદાચ અમારો પ્રથમ વિમાની પ્રવાસ હતો.

         જીવનની અવિસ્મરણીય યાત્રાઓમાંની એક એટલે ' ચારધામ યાત્રા.' અમુક યાત્રા તો શુભ સંકેત અને નસીબ હોય તો જ થાય.'રાધેશ્યામ ટ્રાવેલ્સ ' માં અમારું ચાર જણ નું બુકીંગ થયું. શરૂમાં ટ્રેન અને પછી બસ. રાત્રી રોકાણ ખુબ સારી હોટેલ્સમાં રહેતા..રાધેશ્યામ ટ્રાવેલ્સવાળા પોતે ઉત્તરાખંડના હોઈ. બે સ્થળે તો સફરજનના ઝાડોના સાનિધ્યમાં 'ટેન્ટ હાઉસ' નું રાત્રી રોકાણ રમ્ય રહ્યું.

        .હિમાલયની ગોદમાં જવાનું હતું  જ્યોતિર્મઠથી મુખ્ય યાત્રા પ્રારંભ થાય.જગદ્ગુરુ શંકરાચાર્ય એ સ્થાપેલો આ મઠ માટે કોઈ કારણથી રોકાણ ન થઇ શક્યું.હવે ઉપર ચઢાણ. કેટલાય કી.મી. એક તરફ ખુબ ઊંડી ખીણ ને બીજી તરફ ઊંચા પહાડ.આમ તો સ્લોટ અનુસાર જ એક તરફી વાહનો ચાલે પણ કોઈ કોઈ વાહન ઓચિંતા સામે આવે ત્યારે આસપાસ જોઈને જ  હાજા ગગડી જાય

        .ગંગોત્રી અને યમનોત્રી આશરે અગિયાર હજાર ફૂટ ઉપર .હવે બસ આગળ જઈ શકવાની ન હોઈ, પાર્થ ,ગ્રીવાએ તો ખડકાળ પર્વત ચડવાની હિમ્મત બતાવી.અમે ડોલી કરી.બદ્રીનાથ ભવ્ય મંદિર..અહીં બ્રહ્મકુંડમાં પિતૃતર્પણનું વિશેષ મહત્ત્વ છે. વિધિ કરાવનાર જે મળ્યા તે સદ્નસીબે અમદાવાદની કોઈ એક હિન્દી શાળાના આચાર્ય નીકળ્યા! વેકેશનમાં અહીં આવીને પોતાનો પરિવાર વારસો જાળવી જાય.એમની વિધિ કરાવવાની ઉત્તમ રીત અને અમારી શ્રદ્ધા એ એવું લાગ્યું કે સાચ્ચે જ પિતૃઓ તર્પણ  સ્વીકારવા આવ્યા હોય! . 

.      હવે કેપાદારનાથ આશરે સત્તર હજાર ફૂટ ઉપર જવાનું હતું. ભર ઉનાળે દિવસનું તાપમાન નવ દસ ડિગ્રી લાગે .અમે એટલા ભાગ્યશાળી હતા કે કેદારનાથના મંદિરને અડીને હોટેલ -ગેસ્ટહાઉસમાં રાત્રી રોકાણ મળ્યું! રાત્રે શૂન્ય ડિગ્રી તાપમાન..સુવામા બ્લેન્કેટ ધાબળાં તો ઓછા પડે જ પણ ભૂલથી ઊંઘના દીવાલને હાથ અડી જાય તો પણ બરફને અડ્યા જેવો ઝાટકો વાગ્યે.અહીં રોકાણ તો નસીબદારને જ મળે કારણકે સવારે વહેલા ઉઠી ને ઉકળતા ઠંડા પાણીથી સ્નાન કરી કેદારનાથજીના નિજ મંદિરમાં શિવલિંગ પાસે બેસી પૂજા કરવાનો દુર્લભ લહાવો મળ્યો.જો શિવ કૃપા હોય તો જ એ અગવડ વગર શક્ય બને.પ્રકૃતિની ગોદ અને ઈશ્વરની સન્નિદય જોડાય એ તો જીવનની શ્રેષ્ઠ ક્ષણો જ ગણાય.અને એ માણી. ભુજ જઈ ,પરિવાર સાથે ગંગા પૂજન કરી ને યાત્રાની પુર્ણાહુતી કરી.

હજુ યાત્રાઓ અવિરત છે જ.વિદેશની વણજાર સાથે અન્ય આવતા અંકે.....

દિનેશ.લ. માંકડ  -9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com

 

No comments:

Post a Comment