Readers

Saturday, December 12, 2020

યાત્રા -6 માસ્તર થવાના મારગડે




 

યાત્રા -6    માસ્તર થવાના મારગડે

       બી.એડ માં પ્રવેશ તો લીધો પણ રહેવાનું ક્યાં ?  પિતાશ્રીએ માર્ગ કાઢ્યો .વીસેક કી.મી.દુર પત્રી ગામમાં સર્વોદય સમાજ નામની સામાજિક સંસ્થાને મેનેજરની જરૂર હતી .પિતાશ્રીએ તક ઝડપી લીધી.મારે દરરોજ સવારે  ટિફિન લઈને બસમાં , મુન્દ્રા જવાનું .હાટકેશ્વર મંદિરમાં મિત્ર અનિરુદ્ધભાઈ છાયાએ ભાડે રૂમ રાખેલો.ત્યાં જવાનું .એ જાતે રસોઈ બનાવે .બંને સાથે જમીએ ને પછી કોલેજ જઈએ .

          સ્નાતક થવાની કોલેજ અને બી.એડ કોલેજ વચ્ચે એ વખતે એક વિશેષ ભેદ રહેતો.અહી બાવીસ વર્ષના યુવાનથી માંડી બેતાલીસ વર્ષ વાળા ને શાળાએ મોકલેલા પણ હોય. વયનું વૈવિધ્ય હતું એટલે એક વિશેષ યોગ થયેલો.જેની પાસે બીજા ધોરણમાં ભણેલો તે શ્રી વસંતબેન તન્ના  પણ મારા સહાધ્યાયી..પ્રાથમિક ને માધ્યમિકમાં જેની સાથે ભણ્યો તે અનિરુદ્ધભાઈ છાયા ,કિશોરભાઈદવે ,ચંદ્રકાન્તભાઈ પરમાર જેવા પણ સહાધ્યાયી. . એક દંપતી તો બંને બી.એડ.કરે ને એક વર્ષના બાળકને ક્યારેક સાથે લાવે પ્રિન્સિપાલ રમુજ કરી  લેતા 'તમારું બાળક અત્યારે બી.એડ કરશે ને પછી ઉતારતા ક્રમમાં બાકીનો અભ્યાસ પૂરો કરશે.'  જેણે મને નવમાં ધોરણમાં ગણિત શીખવ્યું તે ઇન્દ્રવદભાઈ અંતાણી પણ અહીં ગણિતના અધ્યાપક ! ,.

          સવાલ આવ્યો વિષય-મેથડ પસંદ કરવાનો.વાણિજ્યના વિષય તો મેથડમાં હતા નહિ .ભાષા ,સમાજશાસ્ત્રની માંગ ઓછી. કર્યા ગણિત-વિજ્ઞાન પસંદ.આચાર્ય શ્રી ઠક્કરસાહેબે તો અસંમત થયા .પણ ઇન્દ્રવદનભાઈ અને પરશુરામભાઇ વહારે આવ્યા .'અમે કરાવશું એટલે રાખવા દો’-.નવું ગણિત અભ્યાસક્રમમાં..શાળામાં તો જૂનું ગણિત ભણેલો .છેડો પકડ્યો ઇન્દ્રવદનભાઈનો .રોજ એમને ઘેર ધામા

         બી.એડ. શિક્ષણ  વિશેષ પ્રાયોગિક હોઈ બિનઅનુભવી માટે ઘણીવાર કઠિન બની જાય.પણ.મારો પ્રાથમિક શાળાનો અનુભવ એટલે નવા નિશાળિયા પાસે અનુભવનો વટ પડાવવાનો.. કોઈ તો પાંત્રીસ મિનિટ ની તૈયારી સાથે વર્ગમાં ગયા હોય ને પંદર મિનિટમાં દુકાન બંધ થઇ જાય

          તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન ને શિક્ષણના યક્ષ પ્રશ્નોના વિષય એ વખતે નીરસ લગતા .અમારી 'ચંચળ ચોક્ડી ( નામ નહિ બતાવું !)  ને વર્ગમાં કશુંક કૌતુક સુઝ્યા કરે .એક ને મોઢું ખોલ્યા વગર ,વિચિત્ર અવાજ કાઢવાની ટેવ..ખુબ જ વયસ્ક અતિ સરળ અને પ્રતિભાશાળી અધ્યાપકશ્રીથી આ સહન થયું.અમને અંગત બોલાવ્યા ને કહ્યું, " તમે બેધ્યાન થાવ છો તે મારી કચાશ છે .મારા પચાસ વર્ષના શિક્ષણકાર્યમાં મારી શીખવવામાં અધુરાશ રહી લાગે છે. "- અમારાં મોં સિવાયા .બીજા દિવસથી બધું  બંધ !

          'બ્લોક ટીચિંગ 'અને ;ઓફ કેમ્પસ' માં કોલેજ બહાર અન્ય શહેરની શાળામાં .જૂથમાં સાથે રહેવાનું ને શિક્ષણ આપવાનું. .અમાર 'ઓફ કેમ્પસ ' ભચાઉ ની એક શાળામાં.ઉત્સાહી પ્રાધ્યાપક ( કવિ ) સબૂર અબ્બાસીસાહેબ સાથે હતા.શાળામાં યાદ રહી જાય, તેવી સહાભ્યાસિક પ્રવૃત્તિનો વિચાર થયો.'મોક કોર્ટ ' કરીએ ‘-.-સીતાનો રામ પર આક્ષેપ ,ધોબીની વાતથી થયેલો અન્યાય.- આખી રાત સાથે મળીને સ્ક્રિપ્ટ લખવાનો આનંદ. સાચી કોર્ટના અનુભવી ,જે  બી.એડ કરવા આવેલા તે ચમનભાઈ કંસારા બન્યા ન્યાયમૂર્તિ ,અબ્બાસીસાહેબ ,સીતાના વકીલ ને મારી ભૂમિકા ધોબીના વકીલની ! ખુબ જીવંત રહેલો યાદગાર પ્રસંગ.

         કોલેજની આંતરિક પરીક્ષાની તારીખ સંદર્ભે કોલેજ અને વિદ્યાર્થીઓ વચ્ચે રક્ઝક થઇ.વિદ્યાર્થીઓ હડતાળ પર,.પણ એક સિદ્ધાંતવાદી વિદ્યાર્થી આગ્રહી .કોલેજમાં જઈ કહે,'મને પ્રશ્નપત્ર આપો જ." -કોલેજનું ધર્મસંકટ .સીલ ખોલે તો બધાં પ્રશ્નપત્ર બગડે. પણ હવે બાજી પ્રિન્સિપાલ શ્રી ના હાથમાં હતી .એકલ વિદ્યાર્થીને બપોર સુધી ધીરજ ધરવા કહ્યું ને બાકીના ને ' બપોરથી પરીક્ષા લેવાની '  ધમકી.આપી. આખરે બપોરથી પરીક્ષા ગોઠવાઈ.   

        એટલું ચોક્કસ છે કે બી.એડ કોલેજે ખુબ ઘણું આપ્યું. જેને સાચા અર્થમાં શિક્ષક થવું હોય તે ઘણું મેળવી શકે જ .શિક્ષણ આપવાની વિશિષ્ટ પદ્ધતિઓ, વિદ્યાર્થીને ઓળખવાની સૂઝ, સાથે સાથે અનેક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વિકસાવવાની કુનેહ .બધું જ એક જ વર્ષમાં ને એક જ કોલેજમાં .સંશોધન દૃષ્ટિ પણ કેળવાય તે વધારામાં  .જે પોતે અહીં વિકસે તે ભવિષ્યમાં બીજાને વિકસાવી શકે.

Tuesday, December 8, 2020

યાત્રા -5 યુવાનીમાં યુયુત્સુ

 

યાત્રા -5  યુવાનીમાં યુયુત્સુ

              'યુયુત્સુ તો મહાન યોદ્ધા હતા એટલે તેમનું નામ તો માત્ર પ્રાસ મેળવવા જ વાપર્યું છે .પણ યુયુત્સુવૃતિ એટલે જ યુવાન સંઘર્ષ આવે ને લડે તે યુવાન.

        કોલેજકાળ આવે એટલે માંડવી જ આવવું પડે.બે ભાઈઓ કોલેજમાં એટલે આખું ઘર જ માંડવી ગોઠવાયું. મારો  શોખ લખવાનો ,પણ આર્ટસ વિભાગમાં જઈએ તો નોકરી મેળવવી મુશ્કેલ .એટલે વાણિજ્ય વિભાગની પસંદગી. અઢાર વર્ષ પૂરાં થઇ ચૂકેલાં .મતદારયાદીના ચેકરની કામચલાઉ નોકરી મળી .આઠ-નવ ગામડામાં જઈ ને  શિક્ષકોએ તૈયાર કરેલ યાદી ચેક કરવાની ( એ વખતે પિતાશ્રી પણ નાના ભાડિયામાં ખાનગી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપતા હતા .એટલે એમણે તૈયાર કરેલી યાદી પણ મારે ચેક કરવાની આવી ! ) બે મહિના પછી યાદીઓ આવી પ્રેસમાં .કામ મળ્યું પ્રુફ રીડરનું ! પ્રેસ તો દિવસ ને રાત ચાલે .સવારની સાત વાગ્યાની કોલેજ તો જવાનું જ. બીજા બે માસ એ ચાલ્યું.પાછા નવરા

        .ડિસેમ્બર ( 1971 ) ઘેર ઓચિંતી સરકારી ટપાલ--' પ્રાથમિક શિક્ષકનો હુકમ - રોજગાર કચેરીમાંથી મળેલ યાદી અનુસાર તમારી અજાપર તા.માંડવીમાં તારીખ 28/4/72 સુધી પ્રાથમિક શિક્ષક તરીકે કામચલાઉ નિમણુંક કરવામાં આવે છે '  પિતાશ્રીનું વાક્ય ,' સરકારી નોકરી એટલે હાથીનો પગ.હાજર થવાનું જ હોય ' અજાપર તો માંડવીથી 35 કિમિ દૂર ,બસ તો જાય જ નહિ .નહિ શાળાનું મકાન ,કોઈ દેવસ્થાનમાં શાળા બેસે.દસ વિદ્યાર્થી ને બે શિક્ષક ! રજૂઆત કરી તો ઉકેલ મળ્યો ,'નજીકની મોટાં ગામની શાળામાં, લુડવામાં ફરજ બજાવવી.' એક યોગાનુયોગ  સર્જાયો-ભુજપુરમાં મારાં પહેલાં ધોરણ  વખતે જે શિક્ષક હતા તે શ્રી રસિકભાઈ ઓઝા ,અહીં આચાર્ય !                                                           કો લેજમાં  ગાપચી ચાલુ.પ્રાધ્યાપકોને પટાવીને હાજરી ને ઇન્ટરનલ પુરા કરવાના .એપ્રિલનો કામચલાઉ હુકમ પૂરો ને જૂનમાં પાછો નવો કાયમી હુકમ ,પણ એ જ ગામ અજાપર ! કોલેજના આગળના વર્ષના તો થોડા માસ હોઈ,ચલાવ્યું પણ હવે આખું વર્ષ કેમ ચાલે ?  પ્રિન્સિપાલ ને ઘેર સમજાવવા ગયો તો ફટાક દેતા કહે ,'Either service or the college.' મોટો પહાડ સામે આવી ઉભો.

           જીલાની કચેરીમાં પણ ખુબ વિનંતી કરી.એ વખતે શિક્ષણ સમિતિના પ્રમુખનું જ ચાલે .શુભેચ્છક શ્રી અરુણભાઈ અંજારિયા મદદે આવ્યા ને પ્રમુખ પાસે બોલાવ્યું,'થશે તો કરીશ.' માંડવીથી માત્ર બે કી મી દૂર મસ્કા પ્રાથમિક શાળાનો હુકમ થયો.સવારે કોલેજ ને 11 થી 5 શાળાનો ક્રમ ગોઠવાઈ ગયો.  

          મસ્કા શાળામાં આચાર્યશ્રી વ્રજલાલભાઈ ઓઝા ભલાભોળા અને પ્રેમાળ. શાળામાં બધું સારું કરવાની છૂટ. સહશિક્ષકોમાં જયંતીભાઈ શાહ ,યજ્ઞેશભાઈ ભટ્ટ હરેશભાઇ જોબનપુત્રા જેવા સમવયસ્ક મળ્યા દર વર્ષે વિજ્ઞાનમેળા માં ભાગ લેવાનો,નાની બચતમાં અગ્ર ,સ્કોલરશીપની પરીક્ષામાં વિદ્યાર્થી બેસાડવા  તાસ પદ્ધતિ જેવી અનેકવિધ પ્રવૃત્તિથી શાળા જિલ્લા કક્ષાએ નામ કાઢતી.તે સમયે ગામડાં ની પંચાયતી શાળા માટે  આમા નું ઘણું દુષ્કર હોય.

        શાળામાં એક નવા શિક્ષક બદલીને આવ્યા .કેન્સરનો અંતિમ સ્ટેજ હોઈ શહેર નજીક તેમને ગોઠવાયા. શારીરિક અસ્વસ્થતામાં કેટલીયે વાર તે શાળામાં આવી ન શકે. તેમની રજાઓ તો ન વેડફી દેવાય એટલે હાજરીપત્રકમાં તેમની સહી કરી લેવાનું સત્કાર્ય પણ મારી કલમમાં લખેલું!  સમયના સથવારે બી.કોમ તો પૂરું થયું .હવે ?

          બેન્ક અને અન્ય વિભાગોના એક બે ઇન્ટરવ્યૂ આપેલા ,પણ ગુણવતા અને ભલામણ બંનેમાં પાછળ રહ્યો .બચેલો વિકલ્પ બી.એડ કરી લેવાનો.,પણ બી.એડ.કોલેજ તો  મુન્દ્રા .માંડવીથી પચાસેક કી.મી દૂર..નોકરી તો છોડાય નહિ .શું કરવું ? સરકારી નોકરીમા સળંગ 90 દિવસ ગેરહાજર ન રહેવાય એટલે 89 દિવસની રજા મુકવાની ને 90માં દિવસે મસ્કા હાજર ! ફરી બીજા દિવસથી રજામાં ! કેટલીક અર્ધપગારી તો કેટલીક વગર પગારી વર્ષ પૂરું ને પાછા યથાસ્થાને મસ્કા શાળામાં.


Sunday, December 6, 2020

યાત્રા -4 તરુણવયનો તરખરાટ


 યાત્રા -4         તરુણવયનો તરખરાટ

          પિતાશ્રી નિવૃત્ત થતાં માતા-પિતા મોટાભાઈ ધનસુખભાઇ પાસે ગોધરા (કચ્છ) રહેતાં. અમારું બંને ભાઈઓનું  ભણવાનું સૌથી મોટાભાઈ ચમનભાઈને ઘેર રહીને માંડવી ચાલતું હતું ,પણ શનિ-રવિ ગોધરા ( આશરે 20 કી મી )  જવાનું મન થાય .એક રવિવારે માંડવી પરત નીકળતી વેળા ઓચિંતું મન થયું.. મારે હવે અહીં જ ભણવું છે'  મોટી શાળા અને શહેર છોડીને અહીં આવ્યો .નાની શાળા ,શિક્ષકો સાથે સહજ આત્મીયતા .વર્ગશિક્ષક ચૈતન્યભાઈ વૈદ્યં પાડોશમાં જ.એક વાર કહે 'કઈ ન સમજાય તો આવજે .' બંદાએ તો વાક્ય પકડી લીધું ને બીજે દિવસે સવારે જ ગણિત સાથે તેમને ઘેર .પહેલું જ પ્રકરણ ધરી દીધું ! એમની નિષ્ઠા ને મારી ઈચ્છા -આગળનો કાચો રહી ગયેલો પાયો પાક્કો થયો

     ચૈતન્યભાઇનો વિશેષ ઉલ્લેખ એટલે કરવો પડે કે અર્થશાત્રમાં સ્નાતક થયેલા. ઘેર ગણિત શીખવે તો શાળામાં ગુજરાતી ભાષા .ને તે પણ ખુબ રસપ્રદ રીતે હાઈકુ શીખવે તો સહુ વિદ્યાર્થીને  હાઈકુ લખવા પ્રેરે. તે દિવસે મેં લખવાનું શરુ કર્યું તે વર્ષો પર્યન્ત ચાલુ જ રહ્યું છે. સાચી જોડણીના ખુબ જ આગ્રહી. ઉત્તરપત્ર જોવાની આગવી જ રીત .નિબંધ જેવા વધુ ગુણ ધરાવતા  પ્રશ્નમાં ગુણ વિભાજન કરીને જુએ ને ગુણ આપે ! 'સમાચાર મંત્રી'ના નાતે મારે સમાચાર બોર્ડ લખવાનું આવે  રાત્રે બીબીસી રેડિયો સાંભળવાનો ,સવારે વર્તમાનપત્ર ને પછી ફરી નવ વાગ્યે રેડિયોના સમાચાર સાંભળીને તૈયાર કરવાના. આખું બોર્ડ લખાઈ જાય,ત્યાંતો ચૈતન્યભાઈની તમામ ખોટી જોડણી પર કાતર ફરે ને રોજ બોર્ડ ફરી લખવાનું..મારી અંગત માન્યતા મુજબ તો દર હજારે આવા એકાદ જ સાચા શિક્ષક હોય 

         વક્તૃત્ત્વ સ્પર્ધામાં દિનકરભાઇ ઓઝાસાહેબ ફરજીયાત નામ લખી ગયા.પહેલી વખત ભાગ લીધો .પગ ને હાથ બે ય ધ્રૂજે .વિષય 'માનવીએ કુદરત પર વિજય મેળવ્યો છે ? '- લખાણ જાતે તૈયાર કર્યું .' કૃત્રિમ હૃદય ને કૃત્રિમ વરસાદના દાખલા આપી પુરવાર કર્યું કે માણસે તો કુદરત પર વિજય મેળવી જ લીધો છે  જોકે પ્રથમ નંબર ન આવ્યો કેમકે હરીફ સ્પર્ધકે મૃત્યુની નિશ્ચિતતા ને બીજા દાખલાથી 'કુદરત પર વિજય નથી મેળવ્યો -એમ સચોટ પુરવાર કર્યું !

        શાળા માં ' સ્વયં શિક્ષણ દિન ' ઉજવાયો .તે દિવસે સારો લાગે તેવો શર્ટ ક્યાંથી લાવવો ?  શિક્ષક રાજેન્દ્રભાઇ  માંકડનો શર્ટ બરોબર માપમાં આવ્યો ને વટ પડાવવા તેમનું ઘડિયાળ પણ પહેરવા લઇ લીધું .આઠમા ધોરણ માં અંગ્રેજીનો તાસ આવ્યો .અતિ વિશ્વાસમાં તૈયારી ઓછી કરેલી. વાક્ય આવ્યું 'This is box .It is lits lid.'- lid નો અર્થ આવડે નહિ .સમયસૂચકતાથી વિદ્યાર્થીઓને જ સવાલ કર્યો, 'તમારા માંથી કોને lid નો અર્થ આવડે છે ? ‘-સામેથી ઉત્તર મળી ગયો ને આબરૂ ઢંકાઈ ગઈ!

           આચાર્યશ્રી ડોલરભાઈને આકાશવાણી વાર્તાલાપ આવ્યો.તેમની  તૈયારી કરવામાં, 'પોઝ',આરોહ-અવરોહ,સમયમર્યાદાને ઝીણવટથી જોવા માટે સહાયક બનવાનો આનંદ પણ લીધો .ધોરણ 11 ની ssc બોર્ડની વિષય પસંદગીની વાત આવી.એ વખતે સાત કે આઠ વિષયનો વિકલ્પ હતો હોશિયાર હોય તે સાત જ રાખે ,પણ મારા માટે દરેક શિક્ષકનો આગ્રહ 'મારો વિષય રાખ તો ટકા વધશે ' સૌનું મન રાખવા આઠ વિષય રાખ્યા અને બધાના વિષયમાં 70  ઉપર ( ગણિત સિવાય) ગુણ લાવ્યો.કુલ 62 % લાવ્યો પણ શાળામાં પ્રથમ ! 

        મિત્ર મુલચંદને બોલવામાં થોડી તાલવ્ય તકલીફ અને તેથી તેનો આત્મવિશ્વાસ થોડો ઓછો..તેની સાથે દરરોજ ફરવા જવાનું ને વિષયવાર ચર્ચા કરવાની..ssc માં એની જ મહેનતથી એનો બીજો વર્ગ આવ્યો  'ધર્મપ્રેમી 'તખલ્લુસથી ભાવપૂર્ણ ગીત-કવિતા લખે .અન્ય મિત્રો જ્ઞાનચંદ ,કાંતિલાલ , અર્જુન,અરુણ ગાવન્ડે ,ભવાનજી,શામજી ,હરજી ,લક્ષ્મીચંદ ,નરસંગર ,દિનેશ મહેતા  ( કોઈના નામ પાછળ 'ભાઈ' લખ્યું નથી ) માંથી કેટલાય તો  પચાસ વર્ષે આજે પણ સંપર્ક સાચવી બેઠા છે !

        કોલેજ કરવા તો ગોધરા છોડવું જ પડે .ગોધરા છોડ્યા પછીનો એક ખાસ ઉલ્લેખનીય પ્રસંગ અહીં જ ટાંકવો પડે. નવા સત્રના પ્રારંભમાં  શાળામાં sscમાં પ્રથમ આવવા બદલ મારુ સન્માન યોજાયું  જુલાઈ (1970) માં ભારે વરસાદથી માંડવી -ગોધરા બસ બંધ.ગોધરા કેમ પહોંચવું ? - જેમના હાથે સન્માન કરવાનું હતું તે મામલતદારશ્રી        ,માંડવી પોતાની જીપમાં મને લઇ ગયા ,નહીંતર સન્માન કોનું કરે !  પ્રત્યેક વ્યક્તિના જીવનમાં વળાંક આવતા હોય છે .ગોધરા સમય મારા જીવનના સકારાત્મક વળાંકને ચોક્કસ યાદ રાખવો જ પડે.

Wednesday, December 2, 2020

યાત્રા-3 કિશોર અવસ્થાનો કલશોર

 


યાત્રા-3   કિશોર અવસ્થાનો કલશોર

        પ્રાથમિક શિક્ષણ પૂરું. ભુજમાં એ વખતે ખુબ ઓછી માધ્યમિક શાળાઓ સૌથી જૂની અને નામાંકિત ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રવેશ .શનિવારની સમૂહ પ્રાર્થનામાં વિશાળ પ્રાર્થના ખંડમાં  ઊર્મિલ ભાઈ શુક્લનું ગયેલું 'તોરા મન દર્પણ કહેલાયે'-ગીત આજે પણ કાનમાં ગુંજે છે એન.સી.સી  માં નામ નોંધાવ્યું  પરેડ પણ શરુ થઇ  .રાયફલ શૂટિંગ શીખવાનો દિવસ આવ્યો  .બે કલાક તડકે તપ્યા ને આવ્યા ચક્કર ! હોઠ-નાક છોલાયાં  .સીધા સરકારી દવાખાને .ડ્રેસિંગ  થયાં ને ઘેર એન સીસી માંથી નામ નીકળી ગયું  .સૈનિકસેવા ના ઓરતા અધૂરા રહીગયા !

          આઠમું ધોરણ તો સાવ અદકેરું જ રહ્યું  .પિતાશ્રીની બદલી થઇ ને નલિયા -અબડાસા .પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીની વિચારધારા વાળી શાળા .શિક્ષકોને 'સાહેબ' નહિ પણ 'ભાઈ' તરીકે સંબોધવાના .એ વખતે પૂજ્ય પાંડુરંગ દાદા ને ત્યાંના દરિયાસ્થાન મંદિરમાં સાંભળેલા  .ઇતિ ગુહ્ય પરમ શાસ્ત્ર...'- એક શ્લોક પર એક કલાક બોલી શકાય "- બાર વર્ષની વયે આવું આશ્ચર્ય મનમાં જન્મેલું  દૂર દરિયા કિનારે આવેલા સ્વયંભૂ શિવલિંગ 'પિંગ્લેશ્વર મહાદેવ 'ની યાત્રામાં  વાડીમાં માખણમાં વઘારેલ ગોવાર શાક ને બાજરાના રોટલાનો સ્વાદ ભુલાયો નથી કારણકે એ જ વાડીનો પૂર્ણ સ્વ-વાડી સ્વાદ હતો !

           પિતાશ્રીની બદલીનો દોર હવે માંડવી હતો .શેઠ જી ટી હાઈસ્કૂલની મોટી નામના.આઠમા ધોરણની ત્રીજી શાળા..કેટલાય વિષયના કેટલાય વચ્ચેના પાના તો ખોલવાનો અવસર જ ન આવ્યો શાળામાં.રોજ રજીસ્ટરમાં દરેક વિષયના ગુણ પુરાય ને દર અઠવાડિયે રેન્ક ચડે. ચિત્રશિક્ષક જોશીસાહેબએ મારી ચિત્રપોથી ન હોઈ, શૂન્ય ગુણ  મુક્યા -માઇનસ આપ્યા રેન્ક આવી છેલ્લી..વર્ગશિક્ષક દુઃખી થયા ,બધાં રજીસ્ટર આચાર્યશ્રી માનનીય ભોગેન્દ્રરાયભાઈ વૈદ્યની સહીમાં ગયાં.  આચાર્યશ્રી મારી રેન્ક જોઈ ચોંક્યા. મોનિટરને બોલાવી કારણ પૂછ્યું.  સવાલ ,'નવા આવેલા પાસે શરૂમાં ચિત્રપોથી ન હોય એટલે માઇનસ કેમ અપાય ? ' હુકમ છૂટયા. વર્ગ આખાની રેન્ક ઉભી રહી,.ચિત્રશિક્ષકે માઇનસ રદ કર્યા ને  ફરી રેન્ક ચડી !

       અંગ્રેજીમાં કીર્તિભાઈસાહેબ ડિગ્રી શીખવતા હતા .પાઠ્યપુસ્તકમાં પાતળા ,જાડા ને તેનાથી જાડા માણસના ચિત્રો હતાં બાજુમાં બેઠેલા મિત્ર મહેશે તેને પેનથી અલગ અલગ પહેરવેશ પહેરાવ્યા  કીર્તિભાઇ જોઈ ગયા. .ચોપડી જપ્ત  ખુબ લાંબા સમય પછી માફીપત્ર લખીને ચોપડી પાછી  મળી  .

        એક વર્ષ માંડવીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ  અતિ ઉત્સાહમાં શાળાએ જવા નીકળ્યો નીચાણ વાળા વોકળામાં તો ત્રણ ફૂટથી પણ વધારે પાણી..ગભરાતો આગળ વધતો હતો ત્યાં તો આચાર્યશ્રી ભોગેન્દ્રરાય ભાઈ, ' ચાલ -,શાળા બંધ રહેશે -નું બોર્ડ મૂકી આવીએ '- ભારે પૂર વચ્ચે જીવન જોખમે  સેવા કાર્ય કર્યું ! 

          શાળાના પ્રાતઃ સ્મરણીય શિક્ષકો જગન્નાથસાહેબ,ચમનસાહેબ ,કારાણીસાહેબ ,માનભાઈસાહેબ,બચુભાઈ સાહેબ વ્રજલાલસાહેબ,ત્રિભુવનભાઈ  મગનસાહેબ,કીર્તિભાઇસાહેબ ઇન્દ્રવદનભાઈ જેવા  ભુલાય તેવા નથી. તો શાળાની વિશાળ પ્રયોગશાળામાં અવિરત વ્યસ્ત રહેતા પ્રતાપરાય સાહેબ ,મોથારાઈસાહેબ અને પઠાણવાળા સાહેબ સાચા વિજ્ઞાની જેવા જ લાગતા

દસમું ધોરણ પ્રારંભ થયું  . પિતાશ્રી નિવૃત્ત થયા ,હવે ક્યાં ?