Readers

Sunday, April 25, 2021

યાત્રા-14 અનેરો સૂર્યોદય

 

            યાત્રા-14    અનેરો સૂર્યોદય         દિનેશ .લ. માંકડ

             હવેની ખુશીની અનુભૂતિ માટે શબ્દો તો સાવ ઓછા જ પડશે.દિવસો સુધીના ઘનઘોર વાદળો ને ડિબાંગ રાત્રી પછી ઓચિંતો જ સવારે  સ્વચ્છ આકાશમાં અનેરો સૂર્યોદય દેખાય ને અવાક થઇ જવાય એમ.

             ગઇરાત્રે ( 31 મી.જુલાઈ '97 ) વરસાદી માહોલ વચ્ચે બસમાં બેઠો. વહેલી સવારે બસ, અમદાવાદના બસ સ્ટેશનમાં પ્રવેશી. મનમાં એક વિશેષ લહેરખી પસાર થઇ. ધોધમાર વરસાદ વચ્ચે પલળતો પલળતો પહોંચ્યો.158, હાઊસીંગ બોર્ડ ,શાહઆલમનો -ઘરનો દરવાજો ખખડાવ્યો." તમે ? શનિ-રવિ સિવાય આજે ? " મારા ચહેરાની ખુશીને મા -દીકરો -બંને ઓળખી ગયાં." શું ઓર્ડર આવી ગયો ? ક્યાંનો છે ?'  પ્રશ્નોની ઝડી વરસતી રહી.રંજનાએ ઘર મંદિરમાં પાંચ વાટ નો દીવો કર્યો.અંદરોઅંદર હરખાતાં અમારો અસીમ અમે રોકી નહોતાં  શકતાં.

           દિવસ ચઢ્યો ને  તેઓ બંને શાળા ,ઓફિસ તરફ ને હું એ.એમ ટી.એસ ની 72 નંબરની બસમાં નવા વાડજ. ઉતરીને રીક્ષા કરી નિર્દિષ્ટ સરનામે પહોંચ્યો." લાયોનેશ કર્ણાવતી એમ.એચ .હિન્દી ઉચ્ચત્તર માધ્યમિક શાળા "- ઈશ્વર સ્મરણ સાથે પ્રથમ પગ શાળા પ્રાંગણમાં મુક્યો." દીપકભાઈ પટેલ ક્યાં મળશે ? "- મારો સવાલ પૂરો થા તે પહેલાં જ દીપકભાઈ સામેથી આવ્યા..ઇન્ટરવ્યૂ વખતે જોયેલા મારા ચહેરા પરથી તેઓ ઓળખી ગયા. " આવો સાહેબ,આટલા ભર વરસાદ વચ્ચે પણ આવી ગયા તે સારું કર્યું ." હાજર રિપોર્ટ લખાયો. " હું દિનેશ માંકડ ,આજરોજ તારીખ 010/08 1997 ના રોજ મારી આચાર્યની ફરજ પર હાજર થયો છું."- સ્ટાફ હાજરી પત્રક માં નામ લખ્યું.દીપકભાઈ બોલ્યા ," આવો સાહેબ,સ્ટાફ પરિચય અને મિટિંગ લઈએ." સાંજે પરત ઘેર આવીને ત્રણેય હરખાતાં કેટલાય વખત પછી બેઠાં .રાત્રે મહેશભાઈને ઘેર જઈ ,તેમનો આભાર કેમ ભુલાય.? નવી ખુરશી આવીને ચેમ્બર પણ નવી તૈયાર થઇ.ખુરશીમાં પહેલાં ગણપતિજીને બેસાડ્યા ને પછી હું  બેઠો.

           એક પછી એક વિશેષ અનુભવ થતા ગયા.મારા અગાઉના આચાર્યશ્રીઓનો મિત્ર સંપર્ક , પિતાશ્રી પાસેથી વારસામાં મળેલો વહીવટી અનુભવ ,કાયમ નવું શીખવાની વૃત્તિ અને ટ્રસ્ટીશ્રી નો ભરપૂર સહકારે ખુબ સાથ આપ્યો..શાળામાં શું શું નવું કરી-વિચારી શકાય તે શિક્ષક વખતે ખુબ ખુબ વિચારી રાખેલ.પણ આચાર્ય તરીકે અમલ કરવાની તક મળે એથી રૂડું શું ? 

           ભગિની સંસ્થા ગણેશ કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી ડાહીબહેન ,દીપકભાઈ અને નિષ્ઠાવાન સ્ટાફના અદભુત સાથથી નવી ફરજ નો સુંદર રીતે પ્રારંભ થયો,એનો સંતોષ હતો.  અસરકારક સમયપત્રક માવજત પૂર્વકની લેશનડાયરી થી માંડીને વિવિધ ઉત્સવોની ઉજવણી,,સહઅભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન વાલી મિલન સુંદર રીતે ગોઠવાતું ગયું..

           માંડવીથી લ્યુના TFR આવી ગયું. .દરરોજ ( 12*12 કી.મી.ની) અમદાવાદના ટ્રાફિકમાં સવારી શરુ.. સરકારી નિયમ મુજબ અગાઉની નોકરી સળંગ ગણાતી હોઈ સેવાપોથી વગેરે ની કાર્યવાહી ચાલી અને પુરી થઇ.જોતજોતાં માં તો વાર્ષિક પરીક્ષા,વર્ષાન્તે કરવાના કાર્યો પણ સંપન્ન થયાં. દર માસે પ્રકાશિત ' સંપર્ક' પત્રિકા માં શાળાકીય પ્રવૃત્તિઓ ,શિક્ષક-વિદ્યાર્થી અભિવ્યક્તિનું ઉત્તમ સંકલન, નિયમિત અભિભાવક -વાલી સુધી પહોંચતું.

          વચ્ચેથી શાળા સિવાયનો એક હળવો અનુભવ કહેવાનું  રોકી શકતો નથી.હિન્દી માધ્યમની શાળા આચાર્ય હોવાના નાતે સ્વેચ્છાએ એક છોગુ ઉમેરવાનું મન થયું.ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત સ્નાતક  સમકક્ષ 'હિન્દી વિનીત ' પરીક્ષાનું આવેદન પત્ર ભર્યું.તૈયારી કરી..અન્ય કોઈ શાળામાં નંબર આવ્યો.આજુબાજુ વીસ -પચીસ વર્ષના લબર મુછિયા વચ્ચે ચાલીસનો હું...વર્ગ આખો પરસ્પર પુછાપૂછ કરી,સામુહિક ચોરી કરે.મારા માટે અસહ્ય ઘટના હતી.ચાલુ પરીક્ષાએ ઉઠીને સ્થળ સંચાલક પાસે ગયો ને ફરિયાદ કરી.સ્થળ સંચાલકે હસતા હસતા ઉત્તર આપ્યો..શિક્ષક વગેરેના ઇન્ટરવ્યૂમાં આ લાયકાતના બે ગુણ ઉમેરાય છે એટલે એમના હિતમાં અમે આંખ આડા કાન કરીએ છીએ.તમને વિક્ષેપ થતો હોય તો બીજા પેપરમાં તમને અલગ ખંડ વ્યવસ્થા કરી આપીશું ! "

        .વેકેશન એટલે શિક્ષક માટે વેકેશન .આચાર્ય એ તો નવા વર્ષના આયોજન વિચારવાના.પછીના વર્ષનું વાર્ષિક કેલેન્ડર અને અનેકવિધ આયોજનમાં વીતાવવના.. વેકેશન જ આવતા વર્ષનું સુયોગ્ય આયોજન કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

         " આપણી અન્ય શાળાઓમાં આચાર્યની કોઈ જગ્યાઓ માટે જાહેરાત આવી છે.ઔપચારિક અરજી તમારે પણ કરવાની છે "- શ્રી  દીપકભાઈ અને શ્રી પ્રેમજીભાઈનો સંદેશ આવ્યો.અરજી કરી નાખી.

      પછી   ...?  એ વાત તો યાત્રાના એક વધુ રસપ્રદ પડાવમાં .

દિનેશ લ.માંકડ  ( મોં.9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ ક્લિક કરો.

mankaddinesh.blogspot.com


Friday, April 23, 2021

યાત્રા -13 - આખરે ફળ્યું સોનેરી શમણું


 

       યાત્રા -13 - આખરે ફળ્યું સોનેરી શમણું

          યાત્રા જો તપસ્યા અને કઠીનતા સાથે હોય તો તેનું ફળ પણ અદભુત હોય જ. અમારી યાત્રા પણ થોડા વિશેષ સંઘર્ષો સાથે આગળ વધતી હતી.પણ સમજણથી સ્વીકારેલી-ઉપાડેલી. સંકેતો થતા હતા કે આ યાત્રા હવે કોઈ ઉત્તમ ફલશ્રુતિ તરફ જાય છે કે ??

        કોઈ દૂરનું ઊંચું ભવ્ય શિખર થોડીવાર દેખાય ને પછી માર્ગ બદલાય ને પાછું અલપઝલપ થઇ જાય.એવું જ કૈક અમારી યાત્રામાં બનેલું. ખુબ લાંબા સમય પહેલાં દેખાયેલાં પેલાં ઉત્તુંગ શિખરની ટોચ શું ફરી દેખાશે કે ?  આશાનું સોનેરી કિરણ અમારી બારીમાં પ્રવેશવા જઈ રહ્યું હતું.

       એટલે કે અગાઉ થયેલા શ્રી મહેશભાઈ ત્રિવેદીના સંપર્કની વાત છે. ( યાત્રા-12 ) 1989-89 માં છૂટેલો  સાંધો જોડવાનું યાદ આવ્યું,.,, ને એક દિવસ  F/ 8, કુંદન એપાર્ટમેંન્ટ ,વાસણા ના બારણાંની કોલબેલ દબાવી..જૂની વાતો વાગોળી.,તાજી કરી. મહેશભાઈ બોલ્યા, “ જુઓ હું હવે અમદાવાદ કચેરીમાં જ આવી ગયો છું.તમારી લાયકાતો એટલી પૂર્ણ છે કે ચોક્કસ પ્રયત્ન કરતા રહીશું."- સાંજે અમારા ઘર મંદિરમાં થોડું ઘી વિશેષ ઉમેરીને દીવો પ્રગટ્યો..

             મહેશભાઈ ત્રિવેદી એટલે પ્રામાણિકતા અને ધર્મ પરાયણતા અને પરગજુપણા નો ત્રિવેણી સંગમ..જિલ્લા કચેરીના મુખ્ય અધિકારીશ્રી એ પણ એમની આ પારાશીશી અનુસાર જ ટેબલ સોંપેલું. નવા વર્ગ કે જગ્યા  માટે લેવાના NOC  લેવાની કાર્યવાહી.

            એક દિવસ મહેશભાઈ પાસે અમદાવાદના એક ખમતીધર ટ્રસ્ટ્રી આવ્યા.વહીવટી કાર્યો પતાવ્યા પછી ,જતાં જતાં સહેજે બોલ્યા,'કઈ કામકાજ હોય તો કહેજો.'  મહેશભાઈની નજર સામે  અમારી બાર -તેર વર્ષની સંઘર્ષની કથા આવી ગઈ. તેઓ બોલ્યા ," મારા એક મિત્રને સંજોગો અનુસાર કચ્છમાંથી અહીં સેટ થવું છે.પુષ્કળ લાયકાતો છે .જરા જોજો."  ટ્રસ્ટીએ પણ સહજભાવે ઉત્તર આપ્યો ," મોકલજો મારી પાસે." બે-ચાર દિવસે જિલ્લા કચેરીમાં ગયો.મહેશભાઈને મળ્યો.તેમને હાથમાં એક કાગળમાં લખી આપ્યું.' શ્રી પ્રેમજીભાઈ પટેલ,સૌરભ હાઈસ્કૂલ,નવા વાડજ.' મળી આવજો.

             બીજા દિવસે ત્રણેક મોટી ફાઇલોમાં લાયકાત ,અનુભવને વિશેષ લાયકાતના પ્રમાણપત્રો લઈને ગયો કોણ જાણે કેમ ,પણ પ્રવેશ વખતે કોઈ  વિશેષ શુભ સંકેત વર્તાતો હતો..ચેમ્બરમાં પ્રવેશ્યો.બધી ફાઈલો સામે મૂકીને મેં કહ્યું,' શ્રી મહેશભાઈ ત્રિવેદીએ આપને મળવા મોકલ્યો.છે.' શ્રી પ્રેમજીભાઈએ સમય કાઢીને બારીકારીથી બધી ફાઈલો જોઈ.' ખુબ લાયકાત અનુભવ છે..ફાજલ તો ઘણા છે પણ આચાર્ય તરીકે કાર્ય કરી શકશો ? '- મારો જવાબ તો 'હા' જ હોય.  મારી શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓની જાહેરાત આવે ત્યારે અરજી કરજો.ત્યાં પણ બધી લાયકાતના પ્રમાણપત્રો તો જોડજો જ..'  પહેલી વખત કોઈ ટ્રસ્ટીશ્રીએ આટલી મોટી ધરપત આપી. થોડા દિવસ પછી તેમના સંકલિત ટ્રસ્ટની ત્રણ શાળાઓના આચાર્યની ખાલી જગ્યાઓની વિજ્ઞાપન આવી.ત્રણેયમાં અરજી કરી.થોડા સમય પછી ત્રણ ઇન્ટરવ્યૂ..

            નિયત તારીખે ( જૂન-જુલાઈ 1997 ), નિયત,સ્થળે પહોંચ્યો.અનેક ઉમેદવારો.પણ. આ વખતે આશાકિરણ થોડું વધારે ઝબકતું હતું. છતાં ઇન્ટરવ્યૂ હતો.શિક્ષણ પ્રતિનિધિ ,બોર્ડ પ્રતિનિધિ અને સંચાલકશ્રી.આખી પસંદગી સમિતિનો નિર્ણય જ આખરી ગણાય.,.મારો વારો આવ્યો.શૈક્ષણિક અને વહીવટી અનેક પ્રશ્નો સામે આવ્યા.શક્ય તેટલા સંતોષકારક ઉત્તર અપાયા.અંતે ટ્રસ્ટશ્રીએ  સવાલ કર્યો ',હિન્દી માધ્યમની શાળામાં ફરજ બજાવી શકશો ? ' ક્ષણનો ય વિલંબ કર્યા વગર ઉત્તર આપ્યો.' ચોક્કસ '  ત્રણેય ઇન્ટરવ્યૂ.પુરા થયા.પરિણામની રાહ જોવાની હતી.જિલ્લા કચેરીની બહાલી પ્રક્રિયા સમય લેતી હોય છે ,તે ખબર હતી.ભાવિના ગર્ભની ખબર કેવળ ઈશ્વરને જ હોય છે.દિવસો વીતતા ગયા. ના

         રોજની જેમ  31 મી જુલાઈ 1997 શાળામાં ગયો સંલગ્ન .હોસ્ટેલના રેકટર બહેન દોડતાં આવ્યાં ,'ગઈકાલે તમારા માટે અમદાવાદથી ફોન હતો.અત્યારે ફરી કરશે  ' -અમદાવાદથી ,મારા માટે શાળામાં ફોન ? ગૂંચવાતા મને સમય પસાર કરતાં, ફોનની રાહ જોતો રહ્યો. બેઠો હતો  શિક્ષક ખંડ  ને કાન  હતા આચાર્ય ખંડમાં. ઘંટડી રણકી ને થોડીવાર માં સેવક આવ્યો..' તમારો ફોન છે.'-લગભગ દોડતો ગયો. ને ફોન હાથમાં લીધો..સામેથી અજાણ્યો અવાજ , " હું દીપકભાઈ બોલું છું. આપે અમદાવાદમાં અમારી શાળા માટે આચાર્યનો ઇન્ટરવ્યૂ આપેલ .પસંદગી સમિતિએ  આપને  લાયોનેશ કર્ણાવતી એમ.એચ.હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય તરીકે પસંદ કર્યા છે.ગઈકાલે તેની જિલ્લા કચેરીની બહાલી આવી ગયેલ છે.નિમણુંક હુકમ આપના અમદાવાદ સરનામે મોકલ્યો છે.સમય બચે એટલે શાળાનો નંબર મેળવી ને ફોન કર્યો છે.બને તેટલા જલદી હાજર થશો.આભાર ."

            ખુશી કોની પાસે વ્યક્ત કરું ? બે ઘડી મગજ થંભી ગયું.ઇષ્ટદેવ ,માં ગાયત્રી અને વડીલો ,શુભેચ્છકોને મનોમન પ્રણામ કર્યા .શાળા આચાર્યા વસંતબેન મારી સામે જોઈ રહયાં .હિમ્મત કરીને હું બોલ્યો,' હું અહીંથી રાજીનામુ આપું છું.અમદાવાદ મારી આચાર્ય તરીકે નિમણુંકનો ફોન હતો'- તેઓ મારી વાતથી તો  આશ્ચર્યમાં મુકાયાં. માનવા જ તૈયાર ન થાય.એક ફોન થી સીધું રાજીનામુ ? ‘કાર્યવાહી શરુ..ટ્રસ્ટીને જાણ કરી બોલાવ્યા.નિયમાનુસાર જિલ્લા કચેરી ભુજમાં અધિકારીશ્રી રૂબરૂ રાજીનામુ મંજુર કરાવવાની દોડધામ તો સાંજે પુરી થઇ..રાત્રી બસમાં અમદાવાદ તરફ.  માર્ગમાં મન વિચારતું રહ્યું..ઈશ્વરની ઉપસ્થિતિ અને સાથ માટે પુરાવા શોધવા ન જવાનું હોય.શ્રી પ્રેમજીભાઈ પટેલ અને શ્રી મહેશભાઈ ત્રિવેદી સાથેનો કોઈ ઋણાનુબંધ  કોણે  જોડી આપ્યો ?

દિનેશ માંકડ  ( મોં. 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ ક્લિક કરો.  mankaddinesh.blogspot.com

Monday, April 19, 2021

શીંગણા વગરના અસુર ને મુગટ વગરના સુર


 શિંગડાં  વગરના અસુર ને મુગટ વગરના સુર

          પુરાણોમાં-વાર્તાઓમાં અને હવે તો ટેલિવિઝન સિરિયલોમાં દેવ-દાનવી કથાઓ આવે છે.દેવ આવે એટલે સુશોભિત મુગટ અને અલંકારો હોય તો દાનવની વાત આવે એટલે માથે શિંગડાં  અને મોટાં મોટાં આયુધો હોય.. શું આજે પણ ,કળિયુગમાં  દેવ દાનવ છે ખરા ?  જી હા, નજરે જોઈ શકાય ,એવા અનેક અસુર અને સુર જોવા મળે છે. પણ પૌરાણિક અને કળિયુગના દેવ દાનવમાં એક મૂળભૂત ફેર છે.અત્યારના દેવ માથે મુગટ નથી હોતા  તો દાનવ માથે નથી હોતા શિંગડાં 

          કચ્છ માંડવીના ડો.જયંત ખત્રી ( જાણીતા વાર્તાકાર ) યાદ આવે છે. દર્દી આવે તપાસીને દવા તો આપે જ.પણ જો કોઈ દર્દી  આર્થિક નબળો અને કૃશ દેખાય તો ખિસ્સામાં હાથ નાખી રૂપિયાની નોટો કાઢી ને તેના હાથમાં મૂકીને કહે રોજ ફળ ખાવાનું ન ભુલાય.વડનગરના જાણીતા ડોક્ટર વસંત પરીખના દવાખાના બહાર મોટું બોર્ડ લટકતું , " અહીં ફી આપવી ફરજીયાત નથી. " અંગત અનુભવ ટાંકુ.- બંને આંખના મોતિયાનું બિલ ફક્ત રૂપિયા  22145/- ( અમદાવાદમાં ) .ઓપરેશનના પાંચમા દિવસે વીમા કંપનીનો ચેક આવી ગયો. એજન્ટે કહ્યું ,ડો.નવનીતભાઈ પટેલના પ્રિસ્ક્રિપશનમાં એક રૂપિયાની કવેરી ન હોય.કારણકે બધું જ માન્ય હોય.આ ડો.નવનીતભાઈ પટેલ દર વર્ષે આફ્રિકા ના વનવાસીઓ ની  અને બિહાર જેવા પ્રદેશના ખાણીયા ની આંખની કાળજી લેવા અને ઓપરેશન કરવા જાય.એક પણ રૂપિયો લીધા વગર.

           આવા અનેક દેવદૂત કે દેવ જેવા ડોક્ટર્સ ભારતદેશમાં ,આપણા શહેરમાં ચોક્કસ મળી આવે છે.આ એ  પવિત્ર ભૂમિ  છે, જ્યાં ભગવાને અનેક વાર અવતાર લીધા છે. અને કદાચ હજી પણ વારંવાર અવતાર રૂપે નહિ તો ડોક્ટર રૂપે આવીને માનવતાને જીવંત રાખીને ચિંતિત ચહેરાને હસતે મુખે ઘેર મૂકે છે.અનેકને મોતના મુખમાંથી બહાર લાવે છે.

      અને હવે ..... આગળ વાંચો.

          નજરે જોયેલી સત્ય ઘટના યાદ આવે છે -એક નાનકડા શહેરના જાણીતા ડોકટર પાસે,પોતાના ગંભીર બાળકને લાવેલો ગ્રામજન ડોક્ટરને કાકલુદી કરતો હતો," સાહેબ તમારી દવા -ફી ના ચૂકવવાના રૂપિયામાં ફક્ત સો રૂપિયા ખૂટે છે .જે બીજીવાર આવીશ ત્યારે આપી દઈશ.ત્રીસ કી.મી.દૂર ગામથી આવું છું..ખિસ્સામાં તો હવે ગામ પાછા જવાના જ રૂપિયા છે.અહીં મને કોઈ ઓળખતું નથી."- ઉંચા અવાજે ડોક્ટર બોલ્યા ." પૈસા નહોતા તો આવ્યા શુ કામ ? દવા રાખી જાવ. ફીના પૈસા ચૂકવી જાવ "  શું હાલત થઇ હશે એ પિતાની ?

           સેંકડો ને રક્તદાન કરીને જીવ બચાવનાર ને કાયમ હજારો લોકોની પડખે ઉભે તેવા સંનિષ્ઠ સામાજિક કાર્યકરનાં માતુશ્રીની કોરોનામાં અર્ધી રાતે ગંભીર સ્થિતિમાં મુકાયાં .બધે થી ઉત્તર ," બેડ ખાલી નથી. "- ગમે તેમ હાંફળા ફાંફળા અમદાવાદ સિવિલમાં પહોંચ્યા.કોઈ રીતે સારવાર શરુ કરાવી.સવાર પડતાં તો તેમનો મોબાઈલ રણક્યો ," અમારી હોસ્પિટલમાં એક બેડ ખાલી થઇ છે.પેકેજ પાંચ લાખનું છે.રોકડા લેતા આવજો." એવા તો ચાર ફોન સામેથી !

             નવસો રૂપિયાના  ઇન્જકેશન પચાસ હજાર લેતા ડોક્ટર સાહેબને જરાય શરમ ન આવે . પહેલાં ગભરાવે ને પછી લૂંટે .આવા અનેક કિસ્સા તો રોજના થઇ ગયા છે. લાખો રૂપિયાની બિનજરૂરી દવાઓ લખીને,ફાર્મા કંપની ના ખર્ચે દેશ- વિદેશની સફરો  કરવામાંથી , કોઈ બાકાત નહિ રહેતા હોય.પ્રવાસ કેવો મજેદાર બનાવવો એ તો દર્દીના પ્રિસ્ક્રિપશન નક્કી કરે !  ( આ ખુલો આક્ષેપ ,આવી મનોવૃત્તિવાળા માટે છે .બધા માટે નહિ.) હોસ્પિટલમાં દાખલ થાવ તો પહેલો સવાલ " મેડિક્લેઈમ છે ?" - એ ક્યાં હેતુ માટે પુછાય છે ? અનેક ડોક્ટર્સ ના ટેબલ પર પ્રિસ્ક્રિપશન પેડ ની પાસે ' સેટિંગ્સ ડાયરી ' તો હોય જ !

          માન્યું કે ડોકટર થવા માટે અને હોસ્પિટલ બનાવવા,વિકસાવવા માટે  ખુબ મોટા ખર્ચ થયા હોય. અને  દર્દી નો જીવ બચાવવા અથાગ પ્રયત્ન પણ ચોક્કસ આદરપાત્ર છે.અને એ માટે જે કરે તે પણ યોગ્ય છે જ.પણ મજબુરીનો ગેરલાભ લઈને લૂંટવાની વૃત્તિ વાળા તો  પુરાણોના શીંગણા વાળા અસુરોને પણ  સારા  કહેવરાવે છે.

       " માનવતા " શબ્દ 'માનવ' પરથી જ આવ્યો છે.માણસ જ માણસાઈ ભૂલે તો કેવું ? એમાંય જયારે જીવન-મરણ ના ખેલ હોય.પ્રભુ એ આપેલ શરીર તંદુરસ્ત -રોગ રહિત થાય તે માટે પ્રભુના પયગંબર -ડોક્ટર નહિ કરે તો કોણ કરશે?   સહુ ડોક્ટર્સ ને  સદબુદ્ધિ  માટેની પ્રાર્થના સાથે મળીને કરીએ.અને  સાથે સાથે

દિનેશ .લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh.blogspot.com

Sunday, April 18, 2021

યાત્રા -12 - ગાઢ રાત્રી ને સંકેત સોનેરી કિરણનો.



 

યાત્રા -12 - ગાઢ રાત્રી ને સંકેત સોનેરી કિરણનો.

          એક તીરથની યાત્રા પૂર્ણ કરીને ,ફરી જૂની કેડીએ શરુ. હવે અમારાં લક્ષ્યમાં પાર્થની આવતીકાલ પણ ઉમેરાઈ હતી માંડવીમાં એક ટ્રસ્ટ દ્વારા ગીતા કંઠસ્થના વર્ગો ચાલતા હતા.નિસ્વાર્થ સેવા આપતા કનુભાઈ  દરરોજ એક શ્લોક કંઠસ્થ કરાવે ને એક સાદા કાગળનું પુંઠું ભેટ આપે.નવો શ્લોક કંઠસ્થ કરે ત્યારે આગળના તો બોલવાના જ.આખો અધ્યાય કંઠસ્થ થાય એટલે રૂપિયા બે ભેટ અપાય.એનો બાળપણનો આ ઉત્સાહ અનેરો હતો.ઉચ્ચાર શુદ્ધિના આગ્રહી કનુભાઈ ને આજે ય વંદન કરવાનું મન થાય. આખાં ગીતાજી લગભગ બે અઢી વર્ષે થયાં  સકારાત્મક અસર રૂપે ,ઉત્તમ ઉચ્ચાર શુદ્ધિ અને મૌલિક વિચારશક્તિ તો કાયમ રહયાં જ છે .એ વિશેષ આનંદ અને સંતોષ છે.

          સંગીત વિશારદ ચીમનભાઈથી મારો જૂનો નાતો..1972-76 માં જયારે હું મસ્કા પ્રા .શાળામાં શિક્ષક હતો ત્યારે  તેમની ત્યાં સંગીત શિક્ષક તરીકે નિમણુંક થયેલી. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા એટલે તેમને હું સાયકલ પર લઇ જતો . રંજનાને પહેલેથી ગાવાનો શોખ. .થયું કે લાવ ને ચીમનભાઈને ઘણા વખતે મળું,.પૂછ્યું કે ; શાસ્ત્રીય કંઠ્ય શીખવશો ? ' એમણે વાત સહર્ષ સ્વીકારી..અબુભાઈ મીર મારફતે હાર્મોનિયમ લીધું. પદ્ધતિસરનો  સરસ પ્રારંભ થયો. થોડા સમય પછી થયું કે પાર્થ તબલાં શીખે તો ?  એણે પણ ચીમનભાઈ પાસે તબલાં શીખવાં શરુ કર્યાં  જૈન નૂતન વિદ્યાલય અને જી.ટી પ્રાથમિકશાળામાં અભ્યાસ વચ્ચે પાર્થને વર્ધા સમિતિની હિન્દીની પરીક્ષામાં ચંદ્રક મળ્યો.આ તેનો જીવનનો પ્રથમ ચંદ્રક હતો.

            અમદાવાદ સ્થિર થવાનું કસોટીભર્યું લક્ષ્ય સામે હતું .મારા અથાગ પ્રયન્ત છોડતો જ નહોતો. હિંમતે મર્દા ... ની કહેવત  અમે બંને એ હૈયે જડી રાખેલી..પાર્થનું સાતમું ધોરણ આવ્યું..એની સહેલીઓ એ અનુભવે જણાવ્યું કે અમદાવાદની સારી શાળામાં તો ફક્ત આઠમામાં પ્રવેશ મળે .વચ્ચેથી નહિ ? અને મારુ અમદાવાદ ગોઠવાવું તો લોઢાના ચણા ચાવવા બરાબર હતું. શ્રધા અને પુરુષાર્થના દીવડા હાથમાં લઈને નીકળી પડ્યાં. ગુજરાત હાઉસિંગ બોર્ડના અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં એ.જી.ઓફિસને ફાળવેલ એક રમ રસોડાંના ક્વાર્ટર માટે અરજી કરી.મંજુર થઇ.દશેરા -દિવાળી અમદાવાદ .

           પછીના મેં વેકેશનમાં તો પાર્થ માટે સારી શાળાની શોધ..બે ઉત્તમ શાળાની પ્રવેશ પરીક્ષા, જબબર તૈયારી સાથે આપી.દીવાન બલ્લુભાઈ શાળા કાંકરિયા,મણિનગર માં 300 માંથી 14 નો ક્રમાંક પાર્થે લીધો.પ્રવેશ મેળવ્યો. જૂન1996 થી અભ્યાસ શરુ.અને .માં-દીકરો હિમ્મતથી રહે. મારુ શનિ-રવિ અમદાવાદ આવવાનું શરુ.ફોન સુવિધા તો નહિ જ.સોસાયટીમાં ઈન્કવાયરીમાં એક ફોન.મોબાઈલની શોધ તો પહોંચવાની વાત જ દૂર.હું દરરોજ એક પોસ્ટકાર્ડ પાર્થને લખું.

          મારા અગાઉની જેમ અરજી -ઇન્ટરવ્યૂ ચાલુ..ક્યારેક હવામાં તીર છોડવાનું..પ્રતિષ્ઠિત શાળા અને સંચાલકોને મળવાનું..ખુબ ઇન્ટરવ્યુઓ આપ્યા.બોર્ડ અને સરકારી પ્રતિનિધિઓને મારાં લાયકાત અનુભવ મોઢે થઇ ગયેલાં .પ્રશ્નો પૂછ્યા વગર ઇન્ટરવ્યૂ પૂરો થાય.

      એક યોગાનુયોગ, .જેનો ઉલ્લેખ અગાઉ કર્યો નથી.પણ અહીં પ્રસ્તુત છે. મારા અગાઉના પ્રયત્નોમાં એક નાનકડો પ્રયત્ન આ પણ હતો. આશરે 88-89 માં એ વખતે માંડવીના ધારાસભ્યશ્રી રાજ્ય સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન હતા.મારી સ્થિતિ મેં વર્ણવીને, સહાયભૂત થવા લખ્યું.સરકારી રાહે એ પત્ર શિક્ષણ વિભાગમાં પહોંચ્યો.ગાંધીનગર કચેરીના વરિષ્ઠ કારકુન શ્રી મહેશભાઈ ત્રિવેદીના  હાથમાં તે આવ્યો.અન્ય પત્રની જેમ ઉપરછલ્લો વાંચવાની શરૂઆત કરી,.પણ સરનામું વાંચીને રોકાઈ ગયા." નવાપુરા ,માંડવી કચ્છ "- તેઓ સ્વગત બોલ્યા હશે ,' અરે આ પત્ર તો મારાં પૈતુક ઘર પાસેથી આવ્યો છે.'- હવે પત્ર ગંભીરતાથી વાંચ્યો. ને માહિતગાર થયા. એક સરનામું તેમના પૈતૃક ઋણ અદા કરવા માટે હશે કે અમારી સમસ્યાના ઉકેલનું નિમિત્ત બનવાનું હશે ? થોડા સમય પછી જોઈ કારણસર તેમનું  માંડવી આવવાનું થયું. પાડોશી નાતે મળ્યા. અચાનક થયેલો પરિચય વિકસ્યો.વિગત સમજ્યા. પણ એ વખતે જૂનું અગિયારમું ધોરણ બંધ થયેલું એટલે ફાજલ શિક્ષકોને સમાવવાની કાર્યવાહી થતી.એકલા અમદાવાદમાં પણ એક હજારથી વધારે મારી લાયકાત વાળા જ ફાજલ શિક્ષકો હતા.તો પણ ગાંધીનગર આવીને  તેમણે એક આદેશ કરાવ્યો -' અમદવાદમાં જગ્યા ખાલી પડેથી શ્રી માંકડ ને સમાવવાની કાર્યવાહી કરવી.'-બંને જીલા કચેરી અને શાળા કાર્યવાહીના આટાપાટામાં અટવાતાં રહ્યાં .ત્યાં જ અચાનક જ અમારું 'મધુર મધ્યાન્તર મોસાળે ' ( યાત્રા -11, 1990-1992 ) .એટલે હવે એ દિશામાં દોડવાનું સ્થગિત રાખ્યું.

         યાત્રામાં કોઈ દૂરનું ઊંચું ભવ્ય શિખર થોડીવાર દેખાય ને પછી માર્ગ બદલાય ને પાછું અલપઝલપ થઇ જાય.એવું જ કૈક અમારી યાત્રમાં બનેલું. ખુબ લાંબા સમય પહેલાં દેખાયેલાં પેલાં ઉત્તુંગ શિખર ની ટોચ શું ફરી દેખાશે કે ?  આશાનું સોનેરી કિરણ અમારી બારીમાં પ્રવેશવા જઈ  રહ્યું હતું..

દિનેશ  .માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ ક્લિક કરો

mankaddinesh.blogspot.com