Readers

Friday, April 16, 2021

યાત્રા 11-- મધુર મધ્યાન્તર મોસાળે


 

યાત્રા 11-- મધુર મધ્યાન્તર મોસાળે

         સંઘર્ષ યાત્રા વચ્ચે એ.જી. ઓફિસ માં એક સંદેશ આવ્યો 1990 માં રાજ્ય સરકારના એક નિગમમાં,અંજાર-કચ્છની કચેરીમાં બે વર્ષ માટે ડિવિઝન એકાઉન્ટન્ટ,  ડેપ્યુટેશન પર મોકલવાના છે.અંજાર મારુ તો મોસાળનું ગામ અને માંડવીથી 90 કી.મી.દૂર.એટલે તરત એણે ડેપ્યુટેશન સ્વીકાર્યું.ગમે તેમ યાત્રા આગળ ચલાવવાની હતી.જો કે  રાજ્ય સરકારની માનસિકતા વાળા નિગમ સાથે કાર્ય થોડું કઠિન પણ સ્વીકાર્યું. ઘર ભાડે રાખી લીધું.

            સવાલ આવ્યો મારો.માંડવી 90 કી.મી. દૂર,અને સવારે 6.55 શાળાનો સમય. .શું કરીશું ? મારુ અપડાઉન ચાલુ.સવારે 3.30 વાગ્યે દ્વારકા -માંડવી બસ આવે ,જે 6.45 વાગ્યે માંડવી પહોંચાડે.સીધા શાળાએ ! તે દિવસે રાત્રી રોકાણ માંડવી જ.બીજે દિવસે શાળા છૂટે એટલે સીધા બસમાં.સાંજે ચાર વાગ્યે અંજાર.રાત્રે પાછું વહેલા સુવાનું કારણકે સવારે 3 વાગ્યે ઉઠવાનું.આ તો યાત્રા હતી એટલે લક્ષ્ય હોય ત્યારે અને ઈશ્વર સાથે હોય ત્યારે કોઈપણ સંઘર્ષ ,સંઘર્ષ ન લાગે.

           થોડો સમય સેટ થયા.સુખદ સ્થિતિમાં ક્યારેક સુખદ વિચાર પણ આવે .એક રાત્રે  'બાળ નગરી '-મારી સુમન પ્રકાશને બહાર પડેલી, સ્ટેજ બાળનાટકોની પુસ્તિકા હાથમાં આવી..વિચાર આવ્યો અહીં કશુંક નવું થઇ શકે?  'સ્ટેજ શો'  કરીએ તો ? બાળકો શોધ્યાં. થોડાં પાર્થના શાળા મિત્રો તો થોડાં પરિચિત.પુસ્તકમાંથી ચારિત્ર્ય ઘડતર વાળા ત્રણ નાટકો પસન્દ કર્યાં દરરોજ ઘેર પ્રેકટીશ ચાલુ. સાંજ પડે ને ટાબરિયાં ભેગાં થાય,.દિવસભરનો બંનેનો થાક ઉતરી જાય.એક બાળક યશના પિતા રોટરી કલબ સાથે જોડાયેલા. તેમને આ વાત ખુબ ગમી.તેમણે ત્યાંના સભ્ય મિત્રોને વાત કરી. હોલ અને ધ્વનિ પ્રસારણનો ખર્ચ રોટરી કલબ ઉઠાવવા તૈયાર થઇ.અમારો ઉત્સાહ બેવડાયો.આખરે દિવસ પણ નક્કી થયો." પાર્થ પ્રેઝન્ટ્સ " દ્વારા બપોરથી શાળાના બાળકો માટે અલગ અલગ 'શો' અને રાત્રે મહેમાનો માટે.રોટરી કલબના ડીસ્ટ્રીકટ ગવર્નર શ્રી મોહનભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા.આખો પ્રકલ્પ ખુબ ખુબ સફળ રહ્યો.

          કસોટીમાં એક નવી કસોટીને પણ યાદ કરવી પડે. 1991 -92 માં કચ્છમાં ખુબ ઓછો વરસાદ પડ્યો.એટલે નિગમની કચેરીઓને  જવાબદારીઓ સોંપાઈ .આ કચેરીને નખત્રાણાનું અછત નિવારણ કાર્યસોંપાયું.નવી ઘોડી નવો દાવ. પણ સૂઝ-બુઝ થી જે તે સમયે સોંપાયેલ કાર્ય એણે જવાબદારી પૂર્વક પાર પાડયાં 

         સમયદેવતા દોડવા લાગ્યા. સુખ દુઃખના સથવારે પૂરાં બે વર્ષ વીતી ગયાં . વડી કચેરીએથી ડેપ્યુટેશન લંબાવવાનો વિકલ્પ સ્વીકારવાની સૂચના આવી..પણ રાજ્ય નિગમની એ કચેરીની કાર્ય કરવાની પદ્ધતિ વધારે સમય સ્વીકારવી હિતાવહ નહોતી. અગવડ અને નીતિમત્તાની લડાઈ હતી .અગવડ સ્વીકારાય પણ નીતિમતામાં બાંધછોડ ન થાય.એટલે મળેલું ડેપ્યુટેશન ન લંબાવીને ફરી અમદાવાદ.વહી રફ્તાર .અમારું અમદાવાદ -માંડવી  અપડાઉન ચાલુ.પાર્થના અભ્યાસ ધોરણ આગળ વધે એટલે વધુ માંડવી .વિકટ યાત્રાના ફરી  પથ.. ચાલતો રહેજે ...ચાલતો રહેજે.....

દિનેશ.લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com

 

No comments:

Post a Comment