યાત્રા-14 અનેરો સૂર્યોદય દિનેશ .લ. માંકડ
હવેની ખુશીની
અનુભૂતિ માટે શબ્દો તો સાવ ઓછા જ પડશે.દિવસો સુધીના ઘનઘોર વાદળો ને ડિબાંગ રાત્રી
પછી ઓચિંતો જ સવારે સ્વચ્છ આકાશમાં અનેરો
સૂર્યોદય દેખાય ને અવાક થઇ જવાય એમ.
ગઇરાત્રે ( 31 મી.જુલાઈ '97 ) વરસાદી માહોલ વચ્ચે બસમાં બેઠો. વહેલી સવારે બસ, અમદાવાદના બસ સ્ટેશનમાં
પ્રવેશી. મનમાં એક વિશેષ લહેરખી પસાર
થઇ. ધોધમાર વરસાદ વચ્ચે પલળતો પલળતો પહોંચ્યો.158, હાઊસીંગ બોર્ડ ,શાહઆલમનો -ઘરનો દરવાજો ખખડાવ્યો." તમે ? શનિ-રવિ સિવાય આજે ?
" મારા ચહેરાની ખુશીને મા
-દીકરો -બંને ઓળખી ગયાં." શું ઓર્ડર આવી ગયો ? ક્યાંનો છે ?' પ્રશ્નોની ઝડી
વરસતી રહી.રંજનાએ ઘર મંદિરમાં પાંચ વાટ નો દીવો કર્યો.અંદરોઅંદર હરખાતાં અમારો
અસીમ અમે રોકી નહોતાં શકતાં.
દિવસ ચઢ્યો ને તેઓ બંને શાળા ,ઓફિસ તરફ ને હું એ.એમ ટી.એસ ની 72 નંબરની બસમાં નવા વાડજ.
ઉતરીને રીક્ષા કરી નિર્દિષ્ટ સરનામે પહોંચ્યો." લાયોનેશ કર્ણાવતી એમ.એચ
.હિન્દી ઉચ્ચત્તર માધ્યમિક શાળા "- ઈશ્વર સ્મરણ સાથે પ્રથમ પગ શાળા
પ્રાંગણમાં મુક્યો." દીપકભાઈ પટેલ ક્યાં મળશે ? "- મારો સવાલ પૂરો થા તે
પહેલાં જ દીપકભાઈ સામેથી આવ્યા..ઇન્ટરવ્યૂ વખતે જોયેલા મારા ચહેરા પરથી તેઓ ઓળખી
ગયા. " આવો સાહેબ,આટલા ભર વરસાદ વચ્ચે પણ
આવી ગયા તે સારું કર્યું ." હાજર રિપોર્ટ લખાયો. " હું દિનેશ માંકડ ,આજરોજ તારીખ 010/08 1997 ના રોજ મારી આચાર્યની ફરજ પર હાજર
થયો છું."- સ્ટાફ હાજરી પત્રક માં નામ લખ્યું.દીપકભાઈ બોલ્યા ," આવો સાહેબ,સ્ટાફ પરિચય અને
મિટિંગ લઈએ." સાંજે પરત ઘેર આવીને ત્રણેય હરખાતાં કેટલાય વખત પછી બેઠાં
.રાત્રે મહેશભાઈને ઘેર જઈ ,તેમનો આભાર કેમ ભુલાય.? નવી ખુરશી આવીને ચેમ્બર પણ નવી તૈયાર થઇ.ખુરશીમાં પહેલાં ગણપતિજીને બેસાડ્યા
ને પછી હું બેઠો.
એક પછી એક વિશેષ અનુભવ થતા ગયા.મારા અગાઉના આચાર્યશ્રીઓનો
મિત્ર સંપર્ક , પિતાશ્રી પાસેથી વારસામાં મળેલો વહીવટી અનુભવ ,કાયમ નવું શીખવાની વૃત્તિ અને ટ્રસ્ટીશ્રી નો ભરપૂર સહકારે ખુબ
સાથ આપ્યો..શાળામાં શું શું નવું કરી-વિચારી શકાય તે શિક્ષક વખતે ખુબ ખુબ વિચારી
રાખેલ.પણ આચાર્ય તરીકે અમલ કરવાની તક મળે એથી રૂડું શું ?
ભગિની સંસ્થા ગણેશ કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી ડાહીબહેન ,દીપકભાઈ અને નિષ્ઠાવાન સ્ટાફના અદભુત સાથથી નવી ફરજ નો સુંદર
રીતે પ્રારંભ થયો,એનો સંતોષ હતો. અસરકારક સમયપત્રક
માવજત પૂર્વકની લેશનડાયરી થી માંડીને વિવિધ ઉત્સવોની ઉજવણી,,સહઅભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન વાલી મિલન સુંદર રીતે ગોઠવાતું ગયું..
માંડવીથી લ્યુના TFR આવી ગયું. .દરરોજ ( 12*12 કી.મી.ની) અમદાવાદના
ટ્રાફિકમાં સવારી શરુ.. સરકારી નિયમ
મુજબ અગાઉની નોકરી સળંગ ગણાતી હોઈ સેવાપોથી વગેરે ની કાર્યવાહી ચાલી અને પુરી
થઇ.જોતજોતાં માં તો વાર્ષિક પરીક્ષા,વર્ષાન્તે કરવાના કાર્યો પણ સંપન્ન થયાં. દર માસે પ્રકાશિત ' સંપર્ક' પત્રિકા માં શાળાકીય પ્રવૃત્તિઓ ,શિક્ષક-વિદ્યાર્થી અભિવ્યક્તિનું ઉત્તમ સંકલન, નિયમિત અભિભાવક -વાલી સુધી પહોંચતું.
વચ્ચેથી શાળા સિવાયનો એક હળવો અનુભવ કહેવાનું રોકી શકતો
નથી.હિન્દી માધ્યમની શાળા આચાર્ય હોવાના નાતે સ્વેચ્છાએ એક છોગુ ઉમેરવાનું મન
થયું.ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત સ્નાતક
સમકક્ષ 'હિન્દી વિનીત ' પરીક્ષાનું આવેદન પત્ર
ભર્યું.તૈયારી કરી..અન્ય કોઈ શાળામાં
નંબર આવ્યો.આજુબાજુ વીસ -પચીસ વર્ષના લબર મુછિયા વચ્ચે ચાલીસનો હું...વર્ગ આખો પરસ્પર પુછાપૂછ કરી,સામુહિક ચોરી કરે.મારા માટે અસહ્ય ઘટના હતી.ચાલુ પરીક્ષાએ
ઉઠીને સ્થળ સંચાલક પાસે ગયો ને ફરિયાદ કરી.સ્થળ સંચાલકે હસતા હસતા ઉત્તર આપ્યો.”.શિક્ષક વગેરેના ઇન્ટરવ્યૂમાં આ લાયકાતના બે ગુણ ઉમેરાય છે એટલે એમના હિતમાં અમે આંખ આડા
કાન કરીએ છીએ.તમને વિક્ષેપ થતો હોય તો બીજા પેપરમાં તમને અલગ ખંડ વ્યવસ્થા કરી
આપીશું ! "
.વેકેશન એટલે શિક્ષક માટે વેકેશન .આચાર્ય એ તો નવા વર્ષના આયોજન
વિચારવાના.પછીના વર્ષનું વાર્ષિક કેલેન્ડર અને અનેકવિધ આયોજનમાં વીતાવવના.. વેકેશન
જ આવતા વર્ષનું સુયોગ્ય આયોજન કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે.
" આપણી અન્ય શાળાઓમાં આચાર્યની કોઈ જગ્યાઓ માટે
જાહેરાત આવી છે.ઔપચારિક અરજી તમારે પણ કરવાની છે "- શ્રી દીપકભાઈ અને શ્રી પ્રેમજીભાઈનો સંદેશ
આવ્યો.અરજી કરી નાખી.
પછી ...? એ વાત તો
યાત્રાના એક વધુ રસપ્રદ પડાવમાં .
દિનેશ લ.માંકડ ( મોં.9427960979 )
અન્ય લેખ વાંચવા બ્લોગ
ક્લિક કરો.
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment