Readers

Monday, April 19, 2021

શીંગણા વગરના અસુર ને મુગટ વગરના સુર


 શિંગડાં  વગરના અસુર ને મુગટ વગરના સુર

          પુરાણોમાં-વાર્તાઓમાં અને હવે તો ટેલિવિઝન સિરિયલોમાં દેવ-દાનવી કથાઓ આવે છે.દેવ આવે એટલે સુશોભિત મુગટ અને અલંકારો હોય તો દાનવની વાત આવે એટલે માથે શિંગડાં  અને મોટાં મોટાં આયુધો હોય.. શું આજે પણ ,કળિયુગમાં  દેવ દાનવ છે ખરા ?  જી હા, નજરે જોઈ શકાય ,એવા અનેક અસુર અને સુર જોવા મળે છે. પણ પૌરાણિક અને કળિયુગના દેવ દાનવમાં એક મૂળભૂત ફેર છે.અત્યારના દેવ માથે મુગટ નથી હોતા  તો દાનવ માથે નથી હોતા શિંગડાં 

          કચ્છ માંડવીના ડો.જયંત ખત્રી ( જાણીતા વાર્તાકાર ) યાદ આવે છે. દર્દી આવે તપાસીને દવા તો આપે જ.પણ જો કોઈ દર્દી  આર્થિક નબળો અને કૃશ દેખાય તો ખિસ્સામાં હાથ નાખી રૂપિયાની નોટો કાઢી ને તેના હાથમાં મૂકીને કહે રોજ ફળ ખાવાનું ન ભુલાય.વડનગરના જાણીતા ડોક્ટર વસંત પરીખના દવાખાના બહાર મોટું બોર્ડ લટકતું , " અહીં ફી આપવી ફરજીયાત નથી. " અંગત અનુભવ ટાંકુ.- બંને આંખના મોતિયાનું બિલ ફક્ત રૂપિયા  22145/- ( અમદાવાદમાં ) .ઓપરેશનના પાંચમા દિવસે વીમા કંપનીનો ચેક આવી ગયો. એજન્ટે કહ્યું ,ડો.નવનીતભાઈ પટેલના પ્રિસ્ક્રિપશનમાં એક રૂપિયાની કવેરી ન હોય.કારણકે બધું જ માન્ય હોય.આ ડો.નવનીતભાઈ પટેલ દર વર્ષે આફ્રિકા ના વનવાસીઓ ની  અને બિહાર જેવા પ્રદેશના ખાણીયા ની આંખની કાળજી લેવા અને ઓપરેશન કરવા જાય.એક પણ રૂપિયો લીધા વગર.

           આવા અનેક દેવદૂત કે દેવ જેવા ડોક્ટર્સ ભારતદેશમાં ,આપણા શહેરમાં ચોક્કસ મળી આવે છે.આ એ  પવિત્ર ભૂમિ  છે, જ્યાં ભગવાને અનેક વાર અવતાર લીધા છે. અને કદાચ હજી પણ વારંવાર અવતાર રૂપે નહિ તો ડોક્ટર રૂપે આવીને માનવતાને જીવંત રાખીને ચિંતિત ચહેરાને હસતે મુખે ઘેર મૂકે છે.અનેકને મોતના મુખમાંથી બહાર લાવે છે.

      અને હવે ..... આગળ વાંચો.

          નજરે જોયેલી સત્ય ઘટના યાદ આવે છે -એક નાનકડા શહેરના જાણીતા ડોકટર પાસે,પોતાના ગંભીર બાળકને લાવેલો ગ્રામજન ડોક્ટરને કાકલુદી કરતો હતો," સાહેબ તમારી દવા -ફી ના ચૂકવવાના રૂપિયામાં ફક્ત સો રૂપિયા ખૂટે છે .જે બીજીવાર આવીશ ત્યારે આપી દઈશ.ત્રીસ કી.મી.દૂર ગામથી આવું છું..ખિસ્સામાં તો હવે ગામ પાછા જવાના જ રૂપિયા છે.અહીં મને કોઈ ઓળખતું નથી."- ઉંચા અવાજે ડોક્ટર બોલ્યા ." પૈસા નહોતા તો આવ્યા શુ કામ ? દવા રાખી જાવ. ફીના પૈસા ચૂકવી જાવ "  શું હાલત થઇ હશે એ પિતાની ?

           સેંકડો ને રક્તદાન કરીને જીવ બચાવનાર ને કાયમ હજારો લોકોની પડખે ઉભે તેવા સંનિષ્ઠ સામાજિક કાર્યકરનાં માતુશ્રીની કોરોનામાં અર્ધી રાતે ગંભીર સ્થિતિમાં મુકાયાં .બધે થી ઉત્તર ," બેડ ખાલી નથી. "- ગમે તેમ હાંફળા ફાંફળા અમદાવાદ સિવિલમાં પહોંચ્યા.કોઈ રીતે સારવાર શરુ કરાવી.સવાર પડતાં તો તેમનો મોબાઈલ રણક્યો ," અમારી હોસ્પિટલમાં એક બેડ ખાલી થઇ છે.પેકેજ પાંચ લાખનું છે.રોકડા લેતા આવજો." એવા તો ચાર ફોન સામેથી !

             નવસો રૂપિયાના  ઇન્જકેશન પચાસ હજાર લેતા ડોક્ટર સાહેબને જરાય શરમ ન આવે . પહેલાં ગભરાવે ને પછી લૂંટે .આવા અનેક કિસ્સા તો રોજના થઇ ગયા છે. લાખો રૂપિયાની બિનજરૂરી દવાઓ લખીને,ફાર્મા કંપની ના ખર્ચે દેશ- વિદેશની સફરો  કરવામાંથી , કોઈ બાકાત નહિ રહેતા હોય.પ્રવાસ કેવો મજેદાર બનાવવો એ તો દર્દીના પ્રિસ્ક્રિપશન નક્કી કરે !  ( આ ખુલો આક્ષેપ ,આવી મનોવૃત્તિવાળા માટે છે .બધા માટે નહિ.) હોસ્પિટલમાં દાખલ થાવ તો પહેલો સવાલ " મેડિક્લેઈમ છે ?" - એ ક્યાં હેતુ માટે પુછાય છે ? અનેક ડોક્ટર્સ ના ટેબલ પર પ્રિસ્ક્રિપશન પેડ ની પાસે ' સેટિંગ્સ ડાયરી ' તો હોય જ !

          માન્યું કે ડોકટર થવા માટે અને હોસ્પિટલ બનાવવા,વિકસાવવા માટે  ખુબ મોટા ખર્ચ થયા હોય. અને  દર્દી નો જીવ બચાવવા અથાગ પ્રયત્ન પણ ચોક્કસ આદરપાત્ર છે.અને એ માટે જે કરે તે પણ યોગ્ય છે જ.પણ મજબુરીનો ગેરલાભ લઈને લૂંટવાની વૃત્તિ વાળા તો  પુરાણોના શીંગણા વાળા અસુરોને પણ  સારા  કહેવરાવે છે.

       " માનવતા " શબ્દ 'માનવ' પરથી જ આવ્યો છે.માણસ જ માણસાઈ ભૂલે તો કેવું ? એમાંય જયારે જીવન-મરણ ના ખેલ હોય.પ્રભુ એ આપેલ શરીર તંદુરસ્ત -રોગ રહિત થાય તે માટે પ્રભુના પયગંબર -ડોક્ટર નહિ કરે તો કોણ કરશે?   સહુ ડોક્ટર્સ ને  સદબુદ્ધિ  માટેની પ્રાર્થના સાથે મળીને કરીએ.અને  સાથે સાથે

દિનેશ .લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment