યાત્રા -13 - આખરે ફળ્યું
સોનેરી શમણું
યાત્રા જો તપસ્યા અને કઠીનતા સાથે હોય તો તેનું ફળ પણ અદભુત હોય જ. અમારી
યાત્રા પણ થોડા વિશેષ સંઘર્ષો સાથે આગળ વધતી હતી.પણ સમજણથી સ્વીકારેલી-ઉપાડેલી.
સંકેતો થતા હતા કે આ યાત્રા હવે કોઈ ઉત્તમ ફલશ્રુતિ તરફ જાય છે કે ??
કોઈ દૂરનું ઊંચું ભવ્ય શિખર થોડીવાર દેખાય ને
પછી માર્ગ બદલાય ને પાછું અલપઝલપ થઇ જાય.એવું જ કૈક અમારી યાત્રામાં બનેલું. ખુબ
લાંબા સમય પહેલાં દેખાયેલાં પેલાં ઉત્તુંગ શિખરની ટોચ શું ફરી દેખાશે કે ? આશાનું સોનેરી કિરણ
અમારી બારીમાં પ્રવેશવા જઈ રહ્યું હતું.
એટલે કે અગાઉ થયેલા શ્રી મહેશભાઈ ત્રિવેદીના
સંપર્કની વાત છે. ( યાત્રા-12 ) 1989-89 માં છૂટેલો સાંધો
જોડવાનું યાદ આવ્યું,.,, ને એક દિવસ F/ 8, કુંદન
એપાર્ટમેંન્ટ ,વાસણા ના બારણાંની કોલબેલ દબાવી..જૂની વાતો વાગોળી.,તાજી કરી. મહેશભાઈ બોલ્યા, “ જુઓ હું હવે
અમદાવાદ કચેરીમાં જ આવી ગયો છું.તમારી લાયકાતો એટલી પૂર્ણ છે કે ચોક્કસ પ્રયત્ન
કરતા રહીશું."- સાંજે અમારા ઘર મંદિરમાં થોડું ઘી વિશેષ ઉમેરીને દીવો
પ્રગટ્યો..
મહેશભાઈ ત્રિવેદી એટલે પ્રામાણિકતા અને ધર્મ પરાયણતા અને પરગજુપણા નો ત્રિવેણી
સંગમ..જિલ્લા કચેરીના મુખ્ય અધિકારીશ્રી એ પણ એમની આ પારાશીશી
અનુસાર જ ટેબલ સોંપેલું. નવા વર્ગ કે જગ્યા
માટે લેવાના NOC લેવાની કાર્યવાહી.
એક દિવસ મહેશભાઈ પાસે અમદાવાદના એક ખમતીધર ટ્રસ્ટ્રી આવ્યા.વહીવટી કાર્યો
પતાવ્યા પછી ,જતાં જતાં સહેજે બોલ્યા,'કઈ કામકાજ હોય તો કહેજો.' મહેશભાઈની નજર
સામે અમારી
બાર -તેર વર્ષની સંઘર્ષની કથા આવી ગઈ. તેઓ બોલ્યા ," મારા એક મિત્રને સંજોગો અનુસાર કચ્છમાંથી અહીં સેટ થવું છે.પુષ્કળ લાયકાતો છે
.જરા જોજો." ટ્રસ્ટીએ પણ સહજભાવે
ઉત્તર આપ્યો ," મોકલજો મારી પાસે."
બે-ચાર દિવસે જિલ્લા કચેરીમાં ગયો.મહેશભાઈને મળ્યો.તેમને હાથમાં એક કાગળમાં લખી
આપ્યું.' શ્રી પ્રેમજીભાઈ પટેલ,સૌરભ હાઈસ્કૂલ,નવા વાડજ.' મળી આવજો.
બીજા દિવસે ત્રણેક મોટી ફાઇલોમાં લાયકાત ,અનુભવને વિશેષ લાયકાતના પ્રમાણપત્રો લઈને ગયો કોણ
જાણે કેમ ,પણ પ્રવેશ વખતે કોઈ
વિશેષ શુભ સંકેત વર્તાતો હતો..ચેમ્બરમાં પ્રવેશ્યો.બધી ફાઈલો સામે મૂકીને
મેં કહ્યું,' શ્રી મહેશભાઈ ત્રિવેદીએ આપને મળવા મોકલ્યો.છે.' શ્રી પ્રેમજીભાઈએ
સમય કાઢીને બારીકારીથી બધી ફાઈલો જોઈ.' ખુબ લાયકાત અનુભવ છે..ફાજલ તો ઘણા છે પણ આચાર્ય તરીકે કાર્ય કરી શકશો ? '- મારો જવાબ તો 'હા' જ હોય. “મારી શાળાઓમાં આચાર્યની
ખાલી જગ્યાઓની જાહેરાત આવે ત્યારે અરજી કરજો.ત્યાં પણ બધી લાયકાતના પ્રમાણપત્રો તો
જોડજો જ..' પહેલી વખત કોઈ
ટ્રસ્ટીશ્રીએ આટલી મોટી ધરપત આપી. થોડા દિવસ પછી તેમના સંકલિત ટ્રસ્ટની ત્રણ
શાળાઓના આચાર્યની ખાલી જગ્યાઓની વિજ્ઞાપન આવી.ત્રણેયમાં અરજી કરી.થોડા સમય પછી
ત્રણ ઇન્ટરવ્યૂ..
નિયત તારીખે ( જૂન-જુલાઈ 1997 ), નિયત,સ્થળે પહોંચ્યો.અનેક ઉમેદવારો.પણ. આ વખતે આશાકિરણ થોડું વધારે ઝબકતું હતું. છતાં ઇન્ટરવ્યૂ હતો.શિક્ષણ પ્રતિનિધિ ,બોર્ડ પ્રતિનિધિ અને
સંચાલકશ્રી.આખી પસંદગી સમિતિનો નિર્ણય જ આખરી ગણાય.,.મારો વારો આવ્યો.શૈક્ષણિક અને વહીવટી અનેક પ્રશ્નો સામે આવ્યા.શક્ય તેટલા
સંતોષકારક ઉત્તર અપાયા.અંતે ટ્રસ્ટશ્રીએ
સવાલ કર્યો ',હિન્દી માધ્યમની શાળામાં
ફરજ બજાવી શકશો ? ' ક્ષણનો ય વિલંબ કર્યા વગર
ઉત્તર આપ્યો.' ચોક્કસ ' ત્રણેય
ઇન્ટરવ્યૂ.પુરા થયા.પરિણામની રાહ જોવાની હતી.જિલ્લા કચેરીની બહાલી પ્રક્રિયા સમય
લેતી હોય છે ,તે ખબર હતી.ભાવિના ગર્ભની
ખબર કેવળ ઈશ્વરને જ હોય છે.દિવસો વીતતા ગયા. ના
રોજની જેમ 31 મી જુલાઈ 1997 શાળામાં ગયો સંલગ્ન .હોસ્ટેલના રેકટર બહેન દોડતાં આવ્યાં ,'ગઈકાલે તમારા માટે અમદાવાદથી ફોન હતો.અત્યારે ફરી કરશે ' -અમદાવાદથી ,મારા માટે શાળામાં ફોન ? ગૂંચવાતા મને સમય પસાર કરતાં, ફોનની રાહ જોતો રહ્યો.
બેઠો હતો શિક્ષક ખંડ ને કાન
હતા આચાર્ય ખંડમાં. ઘંટડી રણકી ને થોડીવાર માં સેવક આવ્યો..' તમારો ફોન છે.'-લગભગ દોડતો ગયો.
ને ફોન હાથમાં લીધો..સામેથી અજાણ્યો અવાજ , " હું દીપકભાઈ બોલું છું. આપે અમદાવાદમાં
અમારી શાળા માટે આચાર્યનો ઇન્ટરવ્યૂ આપેલ .પસંદગી સમિતિએ આપને ‘લાયોનેશ કર્ણાવતી
એમ.એચ.હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળા’ના આચાર્ય તરીકે પસંદ
કર્યા છે.ગઈકાલે તેની જિલ્લા કચેરીની બહાલી આવી ગયેલ છે.નિમણુંક હુકમ આપના અમદાવાદ
સરનામે મોકલ્યો છે.સમય બચે એટલે શાળાનો નંબર મેળવી ને ફોન કર્યો છે.બને તેટલા જલદી
હાજર થશો.આભાર ."
ખુશી કોની પાસે વ્યક્ત કરું ?
બે ઘડી મગજ થંભી ગયું.ઇષ્ટદેવ ,માં ગાયત્રી અને
વડીલો ,શુભેચ્છકોને મનોમન પ્રણામ કર્યા .શાળા આચાર્યા વસંતબેન મારી સામે જોઈ રહયાં
.હિમ્મત કરીને હું બોલ્યો,' હું અહીંથી રાજીનામુ આપું છું.અમદાવાદ મારી આચાર્ય તરીકે
નિમણુંકનો ફોન હતો'- તેઓ મારી વાતથી તો આશ્ચર્યમાં મુકાયાં. માનવા જ તૈયાર ન થાય.’એક ફોન થી સીધું રાજીનામુ ?
‘કાર્યવાહી શરુ..ટ્રસ્ટીને જાણ
કરી બોલાવ્યા.નિયમાનુસાર જિલ્લા કચેરી ભુજમાં અધિકારીશ્રી રૂબરૂ રાજીનામુ મંજુર
કરાવવાની દોડધામ તો સાંજે પુરી થઇ..રાત્રી બસમાં અમદાવાદ
તરફ. માર્ગમાં મન
વિચારતું રહ્યું..ઈશ્વરની ઉપસ્થિતિ અને સાથ માટે પુરાવા શોધવા ન
જવાનું હોય.શ્રી પ્રેમજીભાઈ પટેલ અને શ્રી મહેશભાઈ ત્રિવેદી સાથેનો કોઈ
ઋણાનુબંધ કોણે જોડી આપ્યો ?
દિનેશ માંકડ ( મોં. 9427960979 )
અન્ય લેખ વાંચવા બ્લોગ
ક્લિક કરો. mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment