સેલ સેલ ,ખિસ્સા ખાલી
કરવાનો ખેલ દિનેશ લ. માંકડ
લોકેન્દ્ર એ રોજની ટેવ મુજબ ઉઠીને વર્તમાનપત્ર ઉપાડ્યું.પહેલાં જ પાને વાંચ્યું ,' સેલ...સેલ...જીન્સ પેન્ટ 95 % ડિસ્કાઉન્ટ .ઓફર
માત્ર બપોરે એક સુધી .'- 95 % ડિસ્કાઉન્ટ ? લોકેન્દ્રને
નવાઈ તો લાગી પણ મન ડળક્યુ .વગર ચા પીધે
પેન્ટ પહેર્યા વગર { અલબત્ત રાત્રી બરમુડો પહેરેલો
} ભાગ્યો
મોલમાં .જઈને
જોયું તો દુકાન પર લાંબી લાઈન . એને લાગ્યું કે એનો નંબર કદાચ એક વાગ્યા સુધી આવશે
કે કેમ ? પણ છતાં તે લાઈનમાં તો ઉભો જ.95 % ડીકાઉન્ટ કોને કહેવાય !
વગર ચા એ ભૂખ્યો -તરસ્યો કલાકો ઉભો
રહ્યો.સદનસીબે બાર વાગ્યે નંબર લાગ્યો. તેણે એક ગમતું જીન્સ પસંદ કર્યું. કિંમત વાંચી.'રૂ. 1000/ - ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢીને પૈસા
ચૂકવવા કાઉન્ટર પર ગયો.' સાહેબ ,બીજાં બે પેન્ટ ક્યાં?' પ્રશ્ન સાંભળી લોકેન્દ્ર ચોંક્યો ,' કેમ ,મેં તો એક જ
લીધું છે.' કાઉન્ટરનો કાઉન્ટર જવાબ ,' સાહેબ તમે પસંદ કરતી વખતે
સૂચના વાંચી નથી લાગતી - આ ડિસ્કાઉન્ટ તો અલગ અલગ સાઈઝની ત્રણ પેન્ટ લેનાર માટે
છે.સોરી.' - ' પણ ઘરમાં પુરુષ હું એકલો જ છું ને કબાટમાં 10 પેન્ટ તો છે
ને જીન્સ તો ક્યારેક જ પહેરું છું.'
જવાબની રાહ જોયા વગર ને પેન્ટ લીધા વગર, ઓફિસમાં અડધી સી.એલ. ગુમાવી તેનો અફસોસ કરતો
લોકેન્દ્ર ઘેર પહોંચ્યો.
{ વચ્ચેથી વિશેષ નોંધ - લેખ લાંબો છે એટલે આખો વાંચવાની ખાસ સેલ ઑફર લેખની નીચે મૂકી છે .}
બુદ્ધિશાળી બજાર ,બુદ્ધિશાળી કહેવાતા
માણસનું મનનું મનોવિજ્ઞાન સમજી ગયું છે.વેચાણ વધારવું.પોતાની વસ્તુ વેચવી અને એને
માટે વિજ્ઞાપન કરવી એ ખોટું પણ નથી. વેપારનું
સાદુ ગણિત છે કે નાનો કે મોટો કોઈ પણ વેપારી સામાન્ય સંજોગોમાં ખોટ ખાઈને
ધંધો ન કરે.અરે નહિ નફો નુકસાનથી પણ શા માટે વેચે? ધંધો કરવા બેઠો છે તે નફો તો રાખશે જ ને ? તો પછી એ મોટા ડિસ્કાઉન્ટ આપીને પણ નફો કરતો હશે ? કદી શાંતિથી વિચાર કર્યો છે ખરો ?
એક નજીકના સગા, ફરતા સેલ વાળા સ્ટોરમાં નોકરીએ જોડાયા.થોડા અનુભવ પછી તેમને
સેલનું રહસ્ય પૂછયું.તો કહે ,અમે ચાર સારાં
સાથે, આઠ હલકાં નમૂના
મૂકી દઈએ.અને જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકર નો તો ઢગલો અંદર હાજર જ હોય.તો જ
ધંધો પોસાય ને. અને કદાચને ફરિયાદ આવે ત્યાં સુધીમાં તો અમે
તે સ્થળે હોઈએ જ નહિ ને '.ઘણા વખત પહેલાં
ખુબ જાણીતા મોલના ગોડાઉનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો હતો.બે ચાર કારીગર
વ્હાઈનરથી એક્ષપાયર તારીખ અને કિંમત ભૂંસતા હતા ને બીજા કારીગર પ્રિન્ટિંગ મશીનથી
નવી કિંમત છાપતા હતા એકવાર મોલમાં અનાજ વિભાગમાં શીંગતેલ ના પાંચ લિટરના પેકીંગ પર 20 % વળતર
વાંચીને મન લલચાયું.છાપેલી કિંમત રૂ .800/- હતી.મનમાં ગણતરી કરી રૂ.680/-માં પડશે. સાથે આવેલ સજાગ મિત્રએ ધ્યાન
દોર્યું ,' બજારમાં નવું શીંગતેલ આવ્યું છે ને છૂટક વેપારી તો આ જ
બ્રાન્ડનું આ પેકીંગ રૂ.600/- માં વેચે છે.' થયું હાશ બચી ગયો. આવું તો અનેક અનેક બાબતમાં
હોય છે.પણ મૂરખ બનવાની ટેવ વાળા ઊંડા ઉત્તરે તો ને
ઘણા સમય પહેલાં એક ગુજરાતી ચલચિત્રમાં એક કચ્છી ગીત હતું 'એ વલો પ્યારજો પખો, હેકડે { એક } રુપિયેમે વલો
પ્યાર જો પખો ' એક ગ્રાહકે હાથપંખો
ખરીદ્યો .પંખા પર લખેલું 'એક વર્ષની
ગેરંટી.' ગ્રાહક ઘેર લઇ ગયા.બે ચાર વખત ફેરવ્યો ને પખો
તૂટી ગયો..ગ્રાહક ફેરિયા પાસ ગયો.અને
ફરિયાદ કરી.. ફેરિયાએ ગેરંટીની નીચેનું સાવ ઝીણા અક્ષરે લખેલું ,વાંચવા કહ્યું .લખ્યું હતું,' હવા ખાવા માટે,પંખો સ્થિર રાખી ને મોઢું હલાવવું .' આજની મોટાભાગની
ખરીદીમાં પણ ગેરંટી -વોરંટીમાં પણ આવી છદ્મવેશી શરતો હોય છે.
એક હાસ્ય કલાકાર એ કહેલી રમૂજ યાદ આવે
છે. ખુબ વ્યસ્ત પતિએ પોતે બહારગામ હોઈ ,પોતાની 35 વર્ષીય
સહધર્મચારિણીને લગ્નતિથિની
શુભેચ્છા પાઠવવા ફુલવાળાને 25 ફૂલોવાળો
પુષ્પગુચ્છ,પત્નીને ઘેર પહોંચાડવા ઓનલાઇન સૂચના આપી.સાથે
એક શુભેચ્છા સંદેશ પણ મુક્યો,' 25 ફૂલો જોઈ નવાઈ ન
પામીશ .ભલે 35 ની હોય પણ તું જેટલી વયની
દેખાય છે તેટલાં ફૂલો મુક્યા છે.' બન્યું એવું કે ફુલવાળાને ત્યાં એક સાથે એક ફ્રી ની સ્કીમ
ચાલતી હતી! - પછી શું થયું હશે તેની કલ્પના તમારે કરી લેવાની.
સેલ ના નામે ઘરમાં કેટલીય વસ્તુ ઓવર સ્ટોક થતી આવે.જાન્યુઆરીમાં ખરીદેલા બાર
મહિનાના નહાવા સાબુની ડિસેમ્બરમાં શરીર પરની આડઅસરની વાત તો બાજુએ રહી પણ સુગંધ જ
ઉડી ગઈ હોય. બાથરૂમમાં ટુવાલ રાખવાની જગ્યા શોધવી અપડે. સેલના સથવારે ફ્રીઝ
એટલું ભરાય કે દૂધ મુકવાની જગ્યા જ ન હોય
..
એક બિલ્ડરે પોતાની સ્કીમમાં રસોડાં કરતાં સ્ટોર રૂમ મોટો રાખેલો.મેં પૂછ્યું,' આમ કેમ ?' કહે ' લોકોના મનમાં
સેલના ભૂત એટલા સવાર થયેલાં છે કે ઢગલાબંધ ઓવરસ્ટોક અને બિનજરૂરી ખરીદી એટલી વધી છે કે જોવા આવવા ગ્રાહકને સ્ટોરરૂમ નાના લાગે ને કાં
તો મકાન ખરીદ્યા પછી નાના સ્ટોર રૂમ માટે કાયમ અમને વગોવ્યા કરે .એના કરતાં
અગમચેતી સારી. આમેય ગ્રાહકને લલચાવવા માટે એક વાક્ય ' માત્ર અમારી જ
સ્કીમમાં વિશાળ સ્ટોર રૂમ' લખી દેવાય.
ઓનલાઇન વેપાર વધારવા કંપનીઓ ડિસ્કાઉન્ટની ઓફર મૂકે.તકલીફ ત્યારે થાય જયારે ઘરમાં
શાકભાજી વધારે આવે ત્યારે. જમતી વખતે એવું સાંભળવા મળે કે ' તમને ભીંડાનું શાક વધારે ભાવે છે એટલે આજે ડબલ
બનાવ્યું છે.' થોડા દિવસ પહેલાં કેળા ઓનલાઇન મંગાવેલા.'એક બંચ ,સાથે એક ફ્રી 'ની લાલચમાં
પેમેન્ટ વિગતમાં ડિલિવરી ચાર્જ જોવાનો ભુલાઈ ગયો.ચાર કેળા 99 રૂપિયામાં
પડ્યા.બજારમાં છ કેળા 30 રૂપિયામાં મળે છે !
મોટાભાગની સેલવાળા
સ્થેળ -મોલ કે દુકાન પર બંધ આંખોએ વંચાય એમ લખ્યું હોય,' વેચેલો માલ પાછો
નહિ લેવાય.' એકવાર 20 % ડીકાઉન્ટની લાલચે પેકીંગવાળું ખજૂર ઘેર આવીને ખોલ્યું તો જીવાત .બીજા દિવસથી કીડીયારાંમાં
લોટને બદલે ખજૂર શરુ કર્યું.
‘ એક જ ભાવ ' લખેલા બોર્ડવાળી દુકાનમાં ભીડ ચોક્કસ ઓછી હોય પણ છેતરવાનો ભય પ્રમાણમાં ઓછો હોય..એ હકીકત છે .પણ ટોળાશાહીના આ દેશમાં કેટલાને સમજાવવા જવા ?
આમ તો સેલના રોગ એ કોઈ ક્ષેત્ર છોડ્યું નથી.દાંતના ડોકટર પણ દાંત પાડવા માટે 'એક સાથે એક ફ્રી 'ની સ્કીમ આવે તો નવાઈ ન પામતા.આમેય લેબોરેટરી ટેસ્ટ વગેરેમાં તો ક્યારનાય ડિસ્કાઉન્ટ આવી ગયા છે.પછી પરિણામની ગુણવતાનું જોખમ તો આપણે જ ઉઠાવવાનું છે ને ?
આખો લેખ વાંચવા બદલ આભાર .વિશેષ ઓફર--આવા હળવી શૈલી ના અન્ય લેખ ખાસ આપના માટે જ ,મારા બ્લોગ પર !