Readers

Tuesday, June 24, 2025

જાતિ આધારિત જન ગણના { હલાવી શૈલી નો લેખ }

 


જાતિ આધારિત જન ગણના  { હલાવી શૈલી નો લેખ }         દિનેશ લ. માંકડ

            વાંચતા પહેલાં નક્કી કરી લો કે કોઈએ વ્યક્તિગત કે સામાજિક રીતે બંધ બેસતી પાઘડી કોઈ નહિ પહેરે કારણકે હવે વરઘોડા સિવાય વ્યવહારમાં પાઘડી  પહેરાતી  નથી. તે ય ભાડે લીધેલી કારણકે ભાગ્યેજ કોઈકે ના ઘામાં હશે. .

          એક  સત્યઘટના યાદ આવે છે.એક દાદીમા પોતાના પૌત્ર નું શાળામાં પહેલાં ધોરણમાં નામ લખાવવા આવ્યાં .પ્રવેશ આવેદનપત્ર ભરવાનું શરુ થયું.નામ પછી જાતિ લખવાનું આવ્યું.દાદીમાએ આચાર્યને પૂછ્યું ,' હું લોહાણા છું પણ મેં બ્રાહ્મણમાં લગ્ન કરેલા અને મારા દીકરાએ જૈનમાં લગ્ન કર્યા છે.બોલો કઈ જાતિ લખું ? આચાર્ય હજી મૌન છે.

           જાતિ આધારિત જન ગણનાની વાતો થાય છે .કદાચ દેશ માટે , રાજકીય પક્ષો માટે  હિતકારક હશે પણ સામાજિક ક્ષેત્ર માટે અવનવા પ્રશ્નો ઉભાકરશે.અને એમાંય નવી પેઢીમાં બદલાતા વિચાર પ્રવાહો તો અનેક અનેક સમસ્યાઓ સર્જે છે.એક ચુસ્ત બ્રાહ્મણ પિતા પાસે પુત્રએ પોતાની પટેલ કન્યાની પસંદગીની વાત લાવી લગ્ન ની અનુમતિ માગી.પિતાએ ' આપણે બ્રાહ્મણ છીએ .' -કહી અસહમતી દર્શાવી  ચાલાક પુત્રએ બ્રાહ્મણના ઉત્તમ ગુંણ ,પોતાની પસંદગી ની કન્યા માં છે એવું તાર્કિક રીતે પુરવાર કર્યું.પિતાએ સહમતી આપવી પડી.

         સંતાનો બહાર ભણવા જાય.થોડી આઝાદી  અને થોડી નિકટતા વધે એટલે કોઈપણ રાજ્યના પાત્ર પસંદ થાય .હવે આમાં જતી ક્યાં પૂછવા જવી ? બિહાર અને ઉત્તરપ્રદેશમાં સખા -ડખા  જોઈને  કોઈ  માને  કે વિશ્વ વંદ્યં જગદગુરુ  શ્રી કૃષ્ણ યદુવંશી હતા?

          એક સરખી અટક ઘણી જાતિમાં આવે છે .મહેતા અટક એટલી બધી જાતિમાં છે કે હવે પછીની પેઢી માબાપને પોતાની જ્ઞાતિ પૂછશે ! પરમાર,સોલંકી ,ચૌહાણ વૈષ્ણવ ઝાલા,મારુ,ચાવડા ,મિસ્ત્રી જેવી અનેક અટકવાળા પરિવારો માટે બિચારા શિક્ષકોએ પૂછપરછ માટે સરખા ઉરાંતવું પડશે.

           નાગર જ્ઞાતિના એક આચાર્ય અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિયુક્ત થયા.પહેલે દિવસે શિક્ષક હાજરીપત્રકમાં દેસાઈ અટકવાળા ત્રણ નામ જોયાં ને ખુબ ખુશ થયા. બોલાવીને કહ્યું,' જય હાટકેશ ' ઉત્તર મળ્યો ,' જય ગોગા મહારાજ ' આચાર્ય સમજી ગયા. વિદ્યાર્થી હાજરીપત્રક હાથમાં લીધાં .પટ્ટણી ,રાણા અટકવાળા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ..ફરી આચાર્ય ચમક્યા.તપાસ કરી તો ખબર પડી કે અહીં  દેવીપૂજક અને વાલ્મિક સમાજ વધારે છે.એકવાર કોઈએ ગુજરાતના સિદ્ધહસ્ત લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષીને  'જય હાટકેશ ' સંબોધીને પત્ર લખ્યો.સ્પષ્ટ વક્તા બક્ષી સાહેબે મધુર શબ્દોમાં ઉત્તર આપ્યો.'અકસ્માતે હું જૈન છું.'

           દરેક જ્ઞાતિ પાસે તેના ઉચ્ચ ગુણો છે.અને એટલે જ જ્ઞાતિ લગ્નોને અગ્રતા અપાય અને દરેક જ્ઞાતિની પોતાની ગરિમા અને ગુણવત્તા જળવાય અને આગળ વધે. એટલું જ નહિ પણ ભારતીય સંસ્કૃતિમાં તો દરેક જ્ઞાતિને તેના પૂર્વજ ઋષિનું ગોત્ર પણ છે.એટલું જ નહિ પણ શાસ્ત્ર અને જનીન વિજ્ઞાન અનુસાર આવતીકાલની પેઢી માટે ચોક્કસ પ્રકારના નિયમો અનુસાર જ પાત્ર પસંદગી થાય. અને સમાજને ઉત્તમ મનુષ્યો પ્રાપ્ત થાય .પણ આજકાલ આંતરજ્ઞાતિય લગ્નો વધતાં જાય છે. એટલે આવી બધી વાત પોથીના રીંગણાં ગણાય છે .પણ સાચી છતાં વણકહેવાતી અનેક  સમસ્યાઓ નો પાર નથી.

          ગયા અઠવાડિયે એક લગ્નનું રીશેપ્શ્ર્ન હતું.જોડું આંટાજ્ઞાતિય અને ડિજિટલ કંકોત્રીને લીધે ધાર્યા કરતાં  ત્રણગણા જમવામાં આવી ગયા.કારણકે કોઈ કોઈને ઓળખતું નહોતું એટલે હસ્તે મોઢે યજમાન આગ્રહ કર્યા કરે! પાડોશમાં ધોળકિયા રહેવા આવ્યા તો નાગરબધુંએ ઓળખાણ કાઢવા પ્રયત્ન કર્યો કહે ,હું તો સોની છું.' એજ નાગર બંધુ સાંજે ' નાગર ચવાણા હાઉસ ' માં ચવાણું લેવા ગયા ને પરસેવે નીતરતા ને ધુમ્રપાન કરતા માલિકને જોઈને પૂછ્યા વગર જ નક્કી કરી લીધું કે આ આપણો નાગર નહિ જ હોય.

           ઘણી વખત સરકાર,  પોતે સોંપેલી કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને વિશિષ્ટ રીતે સન્માનિત કરતી હોય છે.જનગણના નું કાર્ય સોંપાયેલ એક નિષ્ઠાવાળા શિક્ષક મિત્રએ વધુ સારું કામ કરવા જાતિઓ શોધવા ગુગલ સર્ચ કર્યું તો માંકડ ,હાથી ,ઘોડા વાઘ જેવી અટકો મળી તો ભાઈ જંગલમાં જનગણના કરવા પહોંચી ગયા.પછી કોઈએ સમજાવ્યા કે આ તો નાગર જ્ઞાતિની અટકો છે..આખરે એમણે બ્રહ્મક્ષત્રિય અટક મચ્છરની જનગણના વખતે ઘામાં વસતા માત્ર  માણસોની જ ગણતરી કરી. 

         જનગણનામાં શિક્ષકમિત્રોની ઉત્તમ સેવા લેવાય છે.કારણકે એમની ચીવટ જગજાહેર છે. અને સોંપાયેલા કાર્યને સંતોષ અને ચોકસાઈ પૂર્વક કરવું એટલું જ આવશ્યક પણ છે.છતાં જો જો જાતિ પૂછવા જતાં બિચારા માર ન ખાય તો સારું.

* અન્ય લેખો વાંચવા તો મારા બ્લોગ પર જવું પડે, ભાઈ

No comments:

Post a Comment