મને મળશે નોબેલ પારિતોષિક દિનેશ લ. માંકડ અમદાવાદ
શીર્ષક વાંચીને ચોંકશો નહિ.બસ થોડી જ વાર છે. તૈયાર થઇ જાવ અભિનંદન આપવા અને સન્માન સમારંભમાં હાજર રહેવા. જો કે એમાં
બોલાવવા માટે થોડી શરતો અને મર્યાદાઓ તો છે જ .આયોજકો હાજર રહેવા પહેલાં કેટલીક
બાહેંધરી લેખિતમાં લેશે જેવી કે ,'
તમે લેખકના દરેક લેખ અચૂક વાંચ્યા જ છે અને હજુ
પણ તેઓ જ્યાં સુધી લખશે ત્યાં સુધી વાંચશો જ..અલબત્ત તમને તો એમાં વાંધો નહિ જ આવે
.
આવો થોડી પૂર્વ
ભૂમિકા બતાવી દઉં. હકીકત એવી છે કે માધ્યમિક શાળામાં દસમા ધોરણમાં આવ્યો ત્યારે
ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં હાઈકુ આવ્યા. વિષય શિક્ષકે સમજાવીને પછી ઘેરથી પાંચ
હાઈકુ બનાવી આપવાનું ગૃહકાર્ય આપ્યું.બધા જ વિદ્યાર્થીઓ લાવેલા.પણ સાહેબને મારાં હાઈકુ
ગમ્યા અને વર્ગમાં વખાણ ચાલુ.અને એક જ રાતમાં હું કવિ બની બેઠો.
જેમ લોભિયા પાસે ધુતારા ભૂખે ન મરે તેમ શ્રોતાઓ સામે કવિ મંચ ન મૂકે. જો કે
મારા કિસ્સામાં એનાથી ઉલ્ટું બનતું.કારણકે કાર્યક્રમમાં હું મારી શેતરંજી ન લઇ જતો
એટલે ખંડમાં એક પણ માણસ ન રહે ત્યાં સુધી
હું બોલતો રહેતો.આપણે ક્યાં શ્રોતા -વાચકની જરૂર હોય? તુલસીદાસજી સ્વાંત સુખાય -માત્ર પોતાના નિજાનંદ માટે મહાન
રામ ચરિત માનસ લખી ગયા. તેમના આદર્શને પકડીને લખવાનું ચાલુ.પછી તો મારા કવિતા
-લેખો માટે વર્તમાનપત્રોમાં પડાપડી થવા માંડી. બે ચાર તંત્રીઓએ તો મારા ઘેર જ ધામા
નાખ્યા.માં જેમ બાળકને મોં માં આંગળાં નાખી ખવરાવે એમ મને બળજબરી થી કલમ પકડાવે ને
લેખ કે કવિતા લીધા વગર ન જ જાય .
એક કવિ પાસે 'મઠારવું '
શબ્દ સાંભળ્યો.પછી તો એક એક કવિતા ને લેખ દસ દસ
વખત મઠારી ને મનમાં ને મનમાં મરક્યા કરતો.સામયિકોમાં કૃતિઓ મોકલવાનું શરુ
કર્યું.તો મારી ટપાલો વધી એટલે પોસ્ટમાસ્તરે ,સ્ટાફ વધારવા તેના મોટા સાહેબને માંગણી પત્ર
લખ્યો.તેમાં બિડાણ મારી દરરોજની ટપાલના આંકડા મુક્યા .જો કે તેની સ્ટાફ વધારાની
માંગણી મંજુર ન થઇ ,તેના કારણમાં જણાવાયું કે
' તમારી શાખામાં રજીસ્ટર વગર ની સાદી ટપાલોમા સરકારની આવક નથી તેથી વધારાનો
સ્ટાફ ફાળવી ન શકાય.’ .બીજા
દિવસ થી પોસ્ટમાસ્તર દિવેલીયા મોથી મારી ટપાલ લેતા થયા.
એક દિવસ એક શુભેચ્છક રસ્તામાં મળી ગયા.'ક્યારે પુસ્તક બહાર પાડો છો?' - સાંભળીને મનમાં
અત્તરના ફુવારા ઉડ્યા.કોઈ બીજી વ્યક્તિને મારા પુસ્તક પ્રકાશનનો વિચાર આવ્યો,એ કઈ નાની સુની
વાત કહેવાય ? જાણીતા પ્રકાશકોને પત્ર લખવાના શરુ કર્યા.કેટલાકે બે નકલમાં
હસ્તપ્રત મોકલવા કહ્યું તો કેટલાકે અમદાવાદ રાજકોટ ,મુંબઈ રૂબરૂ આવી જવા જણાવ્યું.જો કે મોટા ભાગના
એ તો જવાબ નહોતા આપ્યા.
અને એક દિવસ એક શુભ ઘડી આવી..મુંબઈના પ્રકાશનનો પત્ર આવ્યો,' અમે તમારું
પુસ્તક પ્રકાશિત કરીશું. ફૂલની પાંખડી જેટલો પુરસ્કાર આપીશું..નકલ મોકલી આપો.' સુંદર અક્ષરે નકલ
તૈયાર થઇ.આ વખતે પ્રથમ વખત રજીસ્ટર એ.ડી
.થી ટપાલ મોકલી.બીજા દિવસથી છપાયેલાં પુસ્તકની રાહ જોવાનું શરુ થયું. દિવસ ઉગે ને
તીવ્રતા વધતી જાય. ધૂમકેતુના કોચમેન અલીડોસાની જેમ પોસ્ટ ઓફિસ બેસું તો ખરાબ લાગે
.છેવટે ઘરની જે બારીમાંથી શેરીના નાકે જોઈ
શકાય ત્યાં સવાર સાંજ બેઠક જમાવી. દિવસો-મહિનાઓ
વીત્યા.. જયારે ટપાલીનો થેલો દૂરથી વધુ
ભરેલો દેખાય ત્યારે મનમાં આશાવાદના ડુંગર ખડકાય. ને એ જયારે ઘર પાસેથી ખાલી
હાથ નીકળી જાય ત્યારે આ ડુંગરો ભરભર
ભુક્કો થઇ જાય.
આખરે એક દિવસ સૂર્યોદય રોજ કરતાં કૈક વધારે ચમકદાર લાગ્યો.ચોક્કસ જીવનમાં કૈક
ચમત્કાર થવા ના એંધાણ વર્તાવા
લાગ્યા.દૂરથી ટપાલી દેખાયો.તે ખુબ ધીમો ચાલતો હતો.કારણકે આજે એનો થેલો ભારે હતો.ઘર
પાસે આવીને ઉભો.મારા શરીરમાં ખુશીની લહેર પ્રસરી ગઈ.મારા નામ વાળું પારસલ તેણે મને
આપ્યું.જાણે માં સરસ્વતી સાક્ષાત આવીને મને પુરસ્કૃત કરતાં હોય તેવો મનો અહોભાવ
પ્રગટ થતો હતો. પારસલ ખોલ્યું .પુસ્તકનું શીર્ષક જોયીને ફુલાયો. નવજાત શિશુને
જોઈને થાય તેવો આનંદ થયો. દિવસો ને મહિનાઓ સુધી વાગોળયા કર્યું ત્યાં યાદ આવ્યું
કે આ તો પુસ્તકની નકલો આવી પણ ફૂલની પાંખડી ન આવી તેનું શું ? વળી પ્રકાશકને પત્રો લખવાના ચાલુ.સાત આઠ સ્મૃતિ નિવેદનો લખ્યા પછી એક દિવસ મની ઓર્ડર
આવ્યો.અંકે રૂપિયા એકસો એક ! કાપલીમાં લખેલું કે
' વિનામૂલ્યે મોકલેલ નર્કલોમાં છાપેલી કિંમત આ રકમમાં ઉમેરીને ,તમારો પુરસ્કાર
ગણી લેશો.' આઘાત તો ઘણો લાગ્યો પણ પછી વિચાર્યું કે ‘ હાશ,વાપરેલ કાગળ અને ટપાલ ખર્ચ તો નીકળ્યા.’
છેવટે નવું પુસ્તક સ્વખર્ચે પ્રકાશિત
કરવાનું નક્કી કર્યું.વિચાર આવ્યો કે વધુ નકલ છપાવીએ તો વેચવાના વાંધા ને ઓછી નકલ
છપાવીએ તો પડતર વધુ એટલે પુસ્તકની છાપેલી કિંમત વધુ રાખીએ તો વેચાય ઓછી .ઘણા મહિના ગડમથલમાં કાઢી નાખ્યા છેવટે એવરેસ્ટ આરોહણ જેવી
હિમ્મત કરી નાખી. પહેલાં પુસ્તકની અડધી નકલો દસ
વર્ષે વેચાઈ ,બાકીની નકલો ઉંદર અને વાંદા ઓએ માળિયામાં બેસીને વાંચી અને
ખાધી પણ! તો પણ ' નિશાન ચૂક માફ ,ન માફ નીચું નિશાન ' ના આદર્શ ને સામે
રાખી લખ્યે જ રાખ્યું.છૂપાવ્યે જ રાખ્યું.બાળ સાહિત્ય,કાવ્ય ,નવલિકા ,નાટક,શિક્ષણ ,આધ્યાત્મિક કોઈ
વિષયને મારા તરફથી અન્યાય ન જ થવો જોઈએ.. એક નવો વિચાર સ્ફૂર્યો ,'ચાલીસેક જેટલા
વિદ્વાનોને નવા પ્રકાશિત પુસ્તક ની
નમુનાની નલક મૂકીને તેમના અભિપ્રાય મેળવી ને લોકો સમક્ષ મૂકી ને પુસ્તક
વેચાણ કરવું..વિદ્વાનો વ્યસ્ત હશે કે શું પણ હજુ સુધી કોઈનાય અભિપ્રાય આવ્યા જ
નથી.
ગઈ અગિયારસના એકલો ફળાહાર કરી રાત્રે
સૂતો ને એક સાત્ત્વિક સપનું આવ્યું.- જ્યોતીન્દ્રભાઈ દવે અને વિનોદભાઈ ભટ્ટ સાથે
આવ્યા.ને કહે ,' અમારા ગયા પછી હમણાં હમણાં ગુજરાતના લોકોના ચહેરાઓ નંખાઈ ગયેલા કેમ હોય છે ? સાંભળ્યું છે કે હાસ્ય લેખકો ખુબ મોંઘા છે અને ઓછું લખે છે
.જેને કારણે ગુજરાતના લેખકોનો ભારતમાં કે દુનિયામાં જરાય ડંકો વાગતો નથી.અને હા ,ખાસ સાંભળ ,આલ્ફર્ડ નોબેલ
હમણાં અહીં સ્વર્ગમાં અમને મળ્યા હતા અને કહેતા હતા કે હવે હાસ્યનું નોબલ
પારિતોષિક શરુ કરવા, તેમણે કમિટીના સભ્યોને સપનામાં જઈને કહી પણ
દીધું છે.' આટલું કહીને મારા ખભે હાથ મૂકીને કહ્યું કે ,' તમે કાયમ અમારા સાચા ચાહક અને વાચક છો. હજુ સુધી
તમે અમને પૃથ્વી પર અને તમારા મનમાં જીવંત રાખ્યા છે તો પછી અમારી અંદરની ઈચ્છા છે
કે તમે હાસ્ય લેખ લખતા જ રહો.એટલા લખો કે નોબલ પારિતોષિક એમણે અચૂક તમને જ આપવું
પડે..અમારી આટલી અંતઃકરણની ઈચ્છાને ગંભીરતાથી લઈને ઉઠીને , કાલ થી શરુ કરો.અમે સતત વિચાર સ્વરૂપે તમારી રહીશું.'
સવાર પડી .સપનું પૂરું .તે દિવસની ઘડીને આજનો દિવસ .લખવાનું ચાલુ. ને ચાલુ.જ્યાં સુધી નોબેલ ન મળે ત્યાં સુધી..કોઈ વાંચે કે ન વાંચે .કોઈ હસે કે ન હસે હું તો લખવાનો લખવાનો ને લખવાનો જ્યાં સુધી નોબેલ ન મળે ત્યાં સુધી. { અર્ધ સત્ય ઘટનાના આધારે }
No comments:
Post a Comment