Readers

Friday, June 13, 2025

બાપને રાખો સાથે { હળવી શૈલીનો લેખ }

                                           

       બાપને રાખો સાથે  { હળવી શૈલીનો લેખ }                   દિનેશ લ. માંકડ

             લેખનું મથાળું વાંચીને લેખ વિષે ખોટો મત તો નથી બાંધ્યો ને ? કુટુંબ પ્રથાને  શ્રેષ્ઠ માનતા ભારતદેશમાં 99 % કુટુંબોમાં 'બાપ સાથે જ રહે છે !'- { કદાચ કોઈને પાઘડી બંધ બેસતી આવે તો પહેરી લેવાની છૂટ } પણ અહીં વાત જુદા દૃષ્ટિકોણ થી કરી છે

          .લ્યો વાંચો આગળ.ઘણા વર્ષ પહેલાની સત્ય ઘટના - એક દિનેશભાઇની  દીકરીના લગ્ન પ્રસંગમાં ગયો હતો. જાન હમણાં જ આવી હતી .અંદરથી કોઈએ બમ મારી, '.દિનેશભાઇને મોકલો.'.બિચારા કન્યાના બાપ દિનેશભાઇ હાંફળા ફાંફળા દોડ્યા તો બમ પાડનારો કહે, તમે નહિ દિનેશભાઇ માંકડને મોકલો ' એટલે હું તો દોડ્યો પણ મારી સાથે બીજા બે પણ દોડયા. તેઓ તો જાનમાં આવેલા એટલે થોડા અપરિચિત પણ. ત્રણેય અંદર પહોંચ્યા. મેં કહ્યું ,' બોલો શું કામ છે ? તમે દિનેશ માંકડને બોલાવ્યા છે.ને ? ' ત્યાં તો બાકીના બે  વારાફરતી  બોલ્યા .' હું પણ દિનેશ માંકડ ,જામનગરથી આવ્યો છું.' બે બીજા બોલ્યા ,હું ય દિનેશ માંકડ ,વડોદરાથી આવ્યો છું! ' મિત્રો ઘણા વર્ષોથી નામ લખવામાં ને બોલવામાં  આપણી કંજુસાઈ વધી ગઈ.. આપણે ક્યાંય બાપનું નામ જોડતા નથી.પરિણામે વારંવાર ગડબડ ગોટાળા થાય અને તેને સુધારવા પડે.

        ઘણી જ્ઞાતિઓમાં એક સરખા નામ અને અટક ખુબ જોવા મળે એટલે તો ખુબ અનર્થ થાય. સારું છે કે મરણનોંધ અને બેસણાની વિગતમાં વિસ્તૃત ઓળખ અપાય ને ફોટા છપાય છે , નહીંતર આવા  કેટલા મોટા અનર્થ થઇ જાય.કેટલીક વાર તો ખુબ મોટા રાજકીય નેતાઓના સરખા નામ વાળી મરણનોંધ વાંચે દુઃખદ આશ્ચર્ય થાય.એક વખત વોટ્સએપમાં અધૂરી આવેલી નોંધ વાંચીને  મેં તે પરિવાર સભ્યને ફોન જોડ્યો ,' આપણા માતુશ્રી...' બોલીને પ્રતિભાવની રાહ જોતો હતો ત્યાં સામેથી ઉત્તર આવ્યો ,બસ માં તો મજામાં છે .હમણાં તો સંગાથ મળ્યો તે ચારધામ જઈ આવ્યા .સારું કર્યું તમે ફોન કર્યો તમને હમણાં જ યાદ કરતા હતા .લ્યો માં ને ફોન આપું છું !'- મેં મનોમન તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરીને તેમની સાથે હસતે મોઢે વાત કરી.

           કચ્છ માંડવીમાં મહેતા અટકધારી મોટા રાજદ્વારી વ્યક્તિ હતા.મારા એક સહકાર્યકર ને મોટા માથા સાથે પરિચય કેળવવાની ભારે હોશ .યોગાનુયોગ મારા પાડોશમાં  એજ નામ અને અટકધારી  મેલેરિયા ઇન્સ્પેક્ટર રહે.મને મન થયું ટીખળ કરવાનું.મારા સહકાર્યકરને મેં તેમની સાથે નામ અટક લઇ પરિચય કરાવ્યો.પહેલીવાર મળતા હોઈ સહકાર્યકર તો તેના પર ઓળગોળ થઇ ગયા.સામે વાળા ભાઈ મનમાં હસ્યા કરે ને  સાંભળ્યા કરે.થોડીવાર પછી મેં ભંડો ફોડીને સહકાર્યકારને ભોંઠા પાડયા.

         અગાઉ જો છોકરો એકલું પોતાનું નામ બોલે તો વડીલ કે શિક્ષક પૂછે ,' તું કોનો દીકરો ? '- ભુજમાં ત્રણ પેઢીના ફેમિલી ડોકટર  ભાણજીભાઇ તો દર્દી એકલું પોતાનું નામ બોલે એટલે ડોક્ટર સાહેબ તેના બાપનું નામ પોતે બોલી ને ખાતરી કરી લે.{ દર્દીનું અડધું દર્દ ત્યાં જ મટી જાય / આવા ડોક્ટર કુટુંબ આખાની તાસીર જાણી ને દવા આપે } ઉચ્ચ હોદ્દા પર એક વડીલને કાયમ પોતાની ઓળખ આ રીતે ટેવ  હતી.- " આઈ એમ એસ.એમ .બુચ ,સન ઓફ એમ.એમ બુચ .' કોઈએ આગળ પૂછવું જ  ન પડે.

           હવે તો બાપનું નામ ન જ લખવાની ફેશન કે ટેવ પડી છે.પરિણામે કેટલા અનર્થ સર્જાતા હશે ?  એના કરતા બાપને સાથે રાખતા હો તો ?  દક્ષિણ ભારતમાં મોટેભાગે અટકને પ્રાધાન્ય ઓછું છે એને બદલે બાપના નામનો પ્રથમ અક્ષર પોતાના નામની આગળ લગાડાય છે.દા.ત.એસ .રાજન .પણ આપણને તો બાપનું લખવામાં જોર પડે છે .આખું ન લખો તો પ્રથમ અક્ષર તો લખો . એમાં આપણે ક્યાં નાના થઇ જવાના છીએ ?  બલ્કે બાપનું નામ કે બાપના નામનો એકાક્ષર ઉમેરવાથી સમાજ અને સહુ વચ્ચે આપણી અલગ ઓળખ થશે.અને જો આદર ને શ્રદ્ધામાં માનતા હો તો સદાય બાપ સાથે હોય તો બધા કામ સહેલાઈથી પાર પડે.સમસ્યાઓ જલદી હલ થાય.

            એ તો સારું છે કે આધારકાર્ડ  ને પાન કાર્ડમાં ફરજીયાત છે નહીંતર પશ્ચિમી પ્રવાહ અને sunday father ની ભાગદોડ વાળી જિંદગીમાં પોતાના બાપનું નામ કોકને પૂછવું પડશે.એના કરતા શરુ કરી દો ને બાપને સાથે રાખવાનું .-નામમાં તો નામમાં ને હા લખ્યા પછી પિતૃદેવો ભવ અને માતૃદેવો ભવ રોજ બોલશો તો તો જીવનમાં બેડોપાર સમજવો જ.આ ભગવાન ની ગેરંટી છે !.અસ્તુ .

No comments:

Post a Comment