જોઈએ છે કરકસર વાળી કન્યા દિનેશ લ. માંકડ { 9427960979 }
' જોઈએ છે કરકસરવાળી કન્યા, - ઓછા રૂપિયે ઘર ,પરિવારને સંભાળી શકે તેની કરકસરવાળી કન્યા જોઈએ છે.’- ભોગીલાલ ભાઈ દીકરા
માટે માટે ટચુકડી જાહેરખબર આપી આવ્યા.દીકરો બટુક એન્જીનીયર થયો.તેને પાંચ વરસ
થયાં.પણ નોકરીનું ઠેકાણું પડ્યું નહોતું. ઓછા ટકા આવ્યા હતા એટલે કોલેજે ગોઠવેલ પ્લેસમેન્ટમાં તો ઠેકાણું
પડ્યું નહિ.નાની કંપની કે પેઢી સાવ ઓછા પગારમાં આઠ કલાક કામની વાત કરે એટલે
ભાઈસાહેબ હા પાડ્યા વગર પાછા આવે.
આમાં વાંક કોઈનો નહિ .બટુક પંદરથી વધુ સંસ્થામાં વોટ્સએપ એડમીનની સેવા આપે.એટલે મોટાભાગનો સમય એમાં જાય. બે ચાર જન્મ મરણનોંધ અને વીસ પચીસ જન્મ લગ્નની શુભેચ્છા આપવામાં અડધી સવાર વપરાઈ જાય.પાછા ખુબ જવાબદાર એડમીન એટલે ખાતરી ચોકસાઈ તો રાખવી જ પડે. માંડ. નહાવા ધોવાનું પતાવે ત્યાં તો બાબુનો ફોન આવે ,' બટુકભાઈ ,બધા આવી ગયા છે .તમારો સ્પેશિયલ માવો પણ ભેગો બનાવી દઉં ? ભેગા ભેગા કેટલા બનાવવા તે પણ ફોનમાં જ કહી દો પછી તમને આખા દિવસની નિરાંત.'
પિતા ભોગીભાઈએ વિચાર કર્યો કે નોકરી વહેલી કે મોડી ને ઓછા
વત્તા પગારવાળી મળી તો જ જશે .બટુકની ઉમરપણ વધતી જાય છે એટલે નોકરી ભેગી છોકરીની તપાસ પણ કરતા રહીએ.એમાંય
આવા રત્ન માટે વાર તો લાગવાની છે.અગમચેતીમાં જાહેરાતમાં ' કરકસરવાળી' જ લખ્યુ. બીજે દિવસે છાપું આવ્યું ને પોતે આપેલી જાહેરાત વાંચીને મનમાં ને મનમાં
આશાના એવરેસ્ટ ચડવા માંડ્યા .
ઓચિંતાની એમની નજર બાજુમાં આવેલી જાહેરાત પર ગઈ.' 'સ્પધાત્મક પરીક્ષા આપી, સીધા જ કલેક્ટર બનો.'
બમ પાડી ‘ ,બટુક અહીં આવ તો
.' -તેમણે બટુકને
સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત બતાવી.
.બટુકે તરત ઉત્તર વાળ્યો. ' કઈ વળે નહિ આવી પરીક્ષાથી..મનુભાઈનો મોન્ટુ
ચાર વખતથી ચૌદ પરીક્ષા આપી ચુક્યો.કઈ ન વળ્યું .' ભોગીભાઈ એ ઉત્તર વાળ્યો,'પણ શરદભાઈનો સંકેત, આવી પરીક્ષા આપીને નાની
ઉંમરે બેન્કનો ઓફિસર બની ગયો.' બટુકે બચાવની ઢાલ
વાપરી,' એ તો રોજેરોજ દસ પંદર કલાક રૂમમાં ભરાઈને
બેસવું .ટીવી વોટ્સએપ કે મેચ વગર જીવવું એના કરતા બેકાર રહેવું સારું.' ભોગીભાઈ તો તેની
વિચારસરણી જોઈને ડઘાઈ જ ગયા..
પાછા છાપાંમાં મોઢૂં નાખીને કશુંક વાંચવા લાગ્યા.એવામાં બટુક ફરીને પાછો રૂમમાં દાખલ થયો.' એક વાત તમને કહેવાની રહી ગઈ.હું હવે એમ.બી.એ .કરવા માંગુ છું.' ભોગીભાઈ ચોંક્યા,' અરે બેટા સાડા ચાર વર્ષ ઇજનેરી ભણવામાં ને પછી બીજા ત્રણ વર્ષ નોકરી શોધવામાં ગયા.હવે બીજાં ત્રણ વર્ષ ? અને સ્વનિર્ભર કોલેજની ફી પણ કેટલી વધારે હોય છે ?'- બટુક પાસે એનો તાર્કિક જવાબ તૈયાર હતો,અત્યારે દસ હજાર નોકરી કરવી એના કરતાં બીજા માત્ર ત્રણ જ વર્ષ ભણીને મોટું પેકેજ લેવું શું ખોટું? મારો મિત્ર કપિલ એમ.બી.એ. થયોને વર્ષે પાંચ લાખ નું પેકેજ મેળવે છે .'- ભોગીભાઈ પાસે ઉત્તર હતો જ ,કે 'ત્રણ વર્ષે બીજા લાખો એમ.બી.એ ઉમેરાઈ ગયા હશે એટલે એ વખતે કંપનીઓને તો ઓછા વેતનની મોટી ડીગ્રીવાળા મળી રહેશે.અને આ ત્રણ વર્ષ આવકને બદલે ખર્ચના જશે તેનું નુકસાન કેટલું ?-' પણ ભોગીભાઈએ પ્રગટ ઉત્ત્તર આપવાને બદલે વાતને વળાંક આપ્યો,' અમને તો એમ કે તું ક્યાંક ગોઠવાય તો તારું સારું ઠેકાણું શોધીએ, પણ ઠીક છે. પણ જેવી તારી મરજી.'-
. અને મનમાં મનમાં સ્વગત બબડ્યા ,' આમેય આજે કરકસર વાળી કન્યા શોધવામાં ત્રણેક વર્ષ તો લાગવાના જ છે. કારણકે.મોટાભાગની કન્યાઓ જેટલો યુટ્યુબમાં વાનગી જોવામાં
વિતાવે છે એના કરતાં રસોડાંમાં ઓછો સમય વિતાવે છે.અધૂરામાં પૂરું ઝોમેટો અને સ્વિગી સેવાઓએ તો તેમના હાડકાં જ હરામના કરી નાખ્યા છે.'. બબડતાં બબડતાં પેપરના પ્રોપર્ટીના પાના પર તેમનું ધ્યાન ગયું. મકાનની નવી
સ્કીમમાં લખ્યું હતું,' માત્ર રૂપિયા 40 લાખમાં 2 BH .' એમને એમ કે છાપવાની ભૂલ હશે અને
BHK માં Kitchen નો K ભુલાઈ હશે પણ
જાહેરાતમાં આગળ લખ્યું હતું કે રસોડા અને ચોકડીને
બદલે બે બાળકની.’
એમેઝોન અને ફ્લિપકાર્ટ વગર તો કન્યાઓને જીવન અધૂરું લાગે.ડિલિવરી ચાર્જ બચાવવા
વર્ષ આખા ની ટૂથપેસ્ટ સાથે મંગાવે.ઘરમાં
સ્ટોરરૂમ નાનો પડે..વળી ડિસ્કાઉન્ટની લાહ્યમા એટલી બધી ફ્રીઝ આઈટમ આવે કે દૂધ
રાખવાની જગ્યા પણ ન બચે.સાંજ પડે એટલે
મોલમાં ક્રેડિટકાર્ડ લઈને જાય.એક સાથે બે ફ્રી
સ્કીમ વાળી બધી વસ્તુઓ લઇ આવે .કન્યાઓએ
જ્યારથી સાંભળ્યું છે કે દક્ષીણ એક અભિનેત્રી પાસે એક હજાર સાડી હતી-તે
દિવસથી પોતાનો કપડાંથી ઉભરાતો કબાટ નાનો પાડવા માંડ્યો છે. સારું દેખાવું સહુને ગમે અને બહેનોનો જન્મસિદ્ધ
હક્ક જ છે પણ 22 % GST વાળા કોસ્મેટિક્સનો ખર્ચ તો બે વર્ષના નહાવા ધોવાના સાબુ
કરતાં પણ વધારે હોય.
મોબાઈલ ની રિંગ વાગીને ભોગીભાઈ સફાળા વિચાર માંથી બહાર આવ્યા.' સારું થયું મેં
કરકસર વાળી કન્યાની જાહેરાત આપી છે.લાગે છે કોઈ કન્યાના બાપ નો જ ફોન હશે.'
No comments:
Post a Comment