Readers

Saturday, October 3, 2020

ક્રાંતિ નો સુરજ -શ્યામજી કૃષ્ણ વર્મા

 

                      ક્રાંતિ નો સુરજ -શ્યામજી કૃષ્ણ વર્મા               દિનેશ માંકડ

          ચારસો વર્ષના પરદેશી શાસનનો અંત લાવવામાં કઈ કેટલા નું  મહા યોગદાન છે.કેટલાય યાદ રખાયા છે ,તો કેટલાક અલ્પ સ્મરણીય છે.આવા એકાદ પ્રાતઃ સ્મરણીય ને  ક્યારેક યાદ કરીએ તોય જીવન ધન્ય બની જાય .ચોથી ઓક્ટોબર ના જન્મેલા  પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા -આવા એક સપૂત ને આજે યાદ કરીએ . 

         ૧૮૫૭ ની સાલ .દેશમાં અંગ્રેજો સામે વિપ્લવ છેડાયો હતો.દેશવાસીઓના રગેરગમાં અંગ્રેજો સામે રોષ ફાટી નીકળ્યો હતો.ત્યારે ચોથી ઓક્ટોબરે ભારતના છેક પશ્ચિમ છેડે કચ્છના માંડવી શહેરમાં ભૂલા ભણશાલી (કરસન ) ને ત્યાં પુત્ર જન્મ થયો.નામ રખાયું શામજી. ભૂલો તો મુંબઈ મજૂરી કરે .શામજી માતા અને દાદી પાસે મોટો થાય .પાંચમા વર્ષે શાળા માં દાખલ .બાળ શામજીને ભણવા માં પહેલે થી જ રસ .ઘરના દિવા માં તેલ ન હોય તો મ્યુનિસિપલ ફાનસ ના અજવાળે પણ અભ્યાસ તો ચાલુ જ..દસમા વર્ષે માતા એ આંખ મીંચી લીધી.ઘરડા દાદી ને હવાલે શામજી.એક દિવસ એક સન્યાસીની  શહેર માં આવ્યા ,"શું શીખવું છે ?' બાલ શામ નો જવાબ -" સંસ્કૃત " સન્યાસિનીએ વિષ્ણુ સહસ્ર નામ નો ગુટકો આપ્યો .પહેલો પાઠ શરુ થયો.થોડી મદદ મળી  તેજસ્વીતા  ને સાથ મળતો ગયો .ભુજ ને પછી મુંબઈ . વિલસન અને એલ્ફિસ્ટન શાળા માં અંગ્રેજી નો અભ્યાસ તો શાસ્ત્રી વિશ્વનાથ ની પાઠશાળા માં સંસ્કૃત નો અભ્યાસ .-તરુણાવસ્થા માં જ પાણિની વ્યાકરણ થી માંડી ને શંકરાચાર્ય ના ભાસ્ય સુધી આ યુવાન પહોંચી ગયો.સ્વામી દયાનંદ નો ભેટો થયો." બેટા,સંસ્કૃત ભણ  ને પશ્ચિમ માં જઈ આપણી  સંસ્કૃતિ નું ભાન કરાવ" પંડિત ની પદવી પામી ચૂકેલા શ્યામજી ને અચાનક ઓક્ષ્ફર્ડ યુનિવર્સીટીના પ્રાધ્યાપક મૉનિયેર વિલિયમ્સ નો ભેટો થઇ ગયો.શ્યામજીની વિધ્વતા થી પ્રભાવિત  થયા ને લંડન માં તેના સહાયક તરીકે રાખવા સંમત થયા.

         પણ લંડન જવાના પૈસા એકઠા કરવા માં વિલંબ થયો.મોડા મોડા પણ લંડન પહોંચ્યા  તો  વિલિયમ્સ પાણીમાં બેઠા .અજાણી ધરતી પર આ સપૂત હાર્યો નહિ.તેમણે વિલિયમ્સ ને ખુબ સમજાવ્યા તો માંડ પીગળી ને નજીવા વેતને રાખવા તૈયાર થયા .ભૂરિયાઓ ને સંસ્કૃત શીખવતા શ્યામજી એ પોતે ઓક્ષ્ફર્ડ માં જ કાયદા નો અભ્યાસ શરુ કરી "બેરિસ્ટર "ની પદવી પ્રાપ્ત કરી લીધી.સ્વદેશ પાછા ફર્યા .એક-બે રજવાડા ના દીવાન પણ બન્યા .નાના રજવાડા ઓ માં ગુલામ ભારત નું ચિત્ર જોયું.દેશ માં અંગ્રેજ વિરોધી અનેક ચળવળો  ચાલતી હતી.ને શ્યામજી નો એક દિવસ બાલ ગંગાધર તિલક સાથે ભેટો થયો..બે દેશભક્તો નો આ મિલાપ હતો." શું કરવું જોઈએ " નો લોકમાન્ય એ ઉત્તર આપ્યો , "પરદેશ જઈ ને પણ ,દેશ ની આ સ્થિતિ સામે લડવા ની જરૂર છે. શ્યામજીના મન માં આ વાત જચી ગઈ .

       પત્ની ભાનુમતી સાથે ફરી લંડન  પહોંચ્યા .તે વખતે યુરોપમાં પ્રખર સમાજશાસ્ત્રી  હર્બર્ટ સ્પેન્સર ના વિચારો થી યુવકો આકર્ષાતા ."માણાસ ની સ્વતંત્રતા  એ જ મોટા માં મોટી કુદરતી બક્ષીશ " સ્પેન્સર નો આ વિચાર શ્યામજીના દિલ માં ઠસી ગયો .એક નાના મકાન માં હિન્દુસ્તાન થી આવેલા યુવાનોને એકઠા કરી દેશને ગુલામી માંથી કેમ મુક્ત કરવો તેના વિચારો શરુ થયા.શ્યામજીને વિચાર આવ્યો કે કેવળ શસ્ત્ર કામ નહિ આવે .લોકો ને જગાડવા -વિચારોને ક્રાંતિમાં ફેરવવા અખબાર જ કામ આવે ."ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ " અખબાર શરુ થયું અને પહેલા જ અંક માં લખ્યું,"પહેલા દેશ ની આઝાદી બાકી બધું પછી ".ત્યાં વસતા ભારતીયો તો જાગ્યા પણ તેની નકલો છેક ભારત પહોંચતી થઇ .જુવાળ પેદા કરવા માં આ જ્યોત એ ખુબ કામ કર્યું.અંગ્રેજો પણ ચોંકી ગયા .લંડન માં હવે સૌ  શ્યામજી એ ઉભા કરેલા "ઇન્ડિયા હાઉસ "માં  એકઠા થવા લાગ્યા.વીર સાવરકર ,સરદારસિંહ રાણા ,ને મદનલાલ ધીંગરા જેવા અનેક આવી ને મળતા અભ્યાસ માટે આવનાર ને સ્વતંત્રા નો વિચાર ને જરૂર હોય આર્થિક સહાય પણ મળતી .એક જ લક્ષ્ય -આઝાદ દેશ . "હોમરૂલ "ની સ્થાપના કરી.

         વિશ્વ માં આ ચળવળ વધતી ચાલી .પેરિસ માં મેડમ કામા ,તો અમેરિકા માં લાલા હૃદયાલ  સિંહ. રશિયાના ખ્યાતનામ લેખક મેક્સિમ ગોર્કીએ શ્યામજીને લખ્યું,"જે ભારતીય પ્રજાએ માનવતા ને આત્મા ના ઊંડાણ ની સમાજ આપી છે તેની સ્વતંત્રતા માટે તમે ઝઝૂમી રહયા છો .તમે ભારત ના 'મેઝિની' છો.મારા અભિનંદન " એમાંય ધીંગરા એ કર્ઝન વાયલી ને તેના જ સન્માન સમારંભ માં ગોળીએ દીધો , પછી તો "ઇન્ડિયા હાઉસ " સૌથી મોટું ચર્ચા કેન્દ્ર બની ગયું..

         પેરિસમાં તૈયાર થયેલા સશસ્ત્ર યુવાનોને ભારત પણ મોકલાયા .દેશ ની બહાર  પણ હવે  અંગ્રેજોને દેશ બહાર હાંકી કાઢવા નો રોષ પૂર્ણ પણે ભભૂકી ઉઠ્યો હતો.બ્રિટિશ સરકાર ની નજરે સૌ ચડી ગયા હતા .શ્યામજી પેરિસ ને પછી જીનીવા ગયા  ક્ષણે  ક્ષણ સ્વતંત્રતા માટે દોડેલું શરીર સાથ આપતું નહોતું  આંખો કામ કરતી નહોતી ,આંતરડા નો રોગ લાગુ પડ્યો હતો.સાત દાયકાની સંઘર્ષમય સફર છેલા પગથિયાં તરફ દોરતી હતી.૩૧ મી  માર્ચ ,૧૯૩૧ ના રોજ અનેક ના દિલ માં તેજ પ્રસરાવીને એ ક્રાંતિ નો સુરજ આથમી ગયો.  શત શત નમન આ ક્રાંતિવીર ને....

1 comment:

  1. ખૂબ ખૂબ આભાર આપનો. અતિ સુંદર.

    ReplyDelete