Readers

Monday, May 31, 2021

યાત્રા -21- ચરણે ચરણે કાશી

 


  યાત્રા -21-   ચરણે ચરણે કાશી        

          અંજારમાં લીધેલું  TFR લ્યુના GJ 12 3607, થોડો સમય તો વાપર્યું પણ રોજ ના વીસ -પચીસ કી.મી.માં તે હાંફી જતું.એટલે મારા માટે 100 સી.સી.નું ગિયરલેશ SPRIDE આવ્યું.પાર્થના LML વેસ્પા સ્ક્ટર ને વિદાય આપી ને  YAMAHA –GJ 1-4613  , બાઈક આવ્યું.તેની બોપલ કોલેજ મણિનગરથી આશરે 25 કી.મી.દૂર હતી  

          પાર્થનો અભ્યાસ રસપ્રદ રીતે ચાલતો રહ્યો.કોઈપણ અભ્યાસની સાથે વ્યવહારલક્ષી પણું હોય તો  વિશેષ પ્રભાવી બને. આ વાત પાર્થના મનમાં પાકી બેસી ગયેલી.એટલે જ હોમિયોપથી ના બીજા વર્ષ થી તેની કોલેજના મુલાકાતી લેક્ચરર ડોક્ટર શ્રી સમીરભાઈ ઠક્કર ના ક્લિનિકમાં કોલેજ સમય સિવાય જાય. સમીરભાઈ દર્દી નો કેસ લે તેને જુએ,સમજે,નિદાન સમજે.સાડા ચાર વર્ષ તો આમ નીકળી ગયાં .

        ઇન્ટર્નશિપ ચાલુ હતી પણ ડોક્ટર પાર્થને પોતાના દર્દી તપાસવાની ખુબ તાલાવેલી હતી." મમ્મી ,હું ને મારો મિત્ર યતીન સાથે મળીને ક્લિનિક શરુ કરીએ તો ?"- ઓચિંતો આવેલો સવાલ કાંઈક નવી દિશા ખોલી ગયો.  જગ્યા શોધવાની શરૂઆત થઇ.અમદાવાદના પ્રાઈમ લોકેશન નહેરુબ્રિજના કોર્નર પર આવેલા "જનપથ કોમ્પ્લેક્સ" ના બીજા માળે એક ઓફિસને બોર્ડ લાગ્યું." હોમિયોપેથીક ક્લિનિક ,ડો.પાર્થ માંકડ .ડો.યતીન શાહ .નાનું મોટું ફર્નિચર ખરીદાયું.પૂજ્ય ભાઈ ( કુમુદભાઈ ) વગેરે હાજર રહ્યા.ભુજથી પરિવાર પ્રતિનિધિ  તરીકે મૌલેશ પણ આવ્યા.ગાયત્રીયજ્ઞ થયો. વિઝિટિંગ છપાયાં .પરિવારમાં બે વાત નવી હતી.ડોકટર થયાની ને બીજી પોતાના  જ વ્યવસાય નો પરિવારનો આ પ્રથમ અનુભવ હતો.દર્દી આવતા થયા. મિત્ર યતીન દૂર રહેતા હોઈ સમય ન ફાળવી શકે એટલે હવે તો માત્ર ડો.પાર્થનું ક્લિનિક.ઇન્ટર્ન .પૂરું થયું એટલે તો હવે પાકા ડોક્ટર..

           રંજનાની માંડવીની અધૂરી શાસ્ત્રીય સંગીત તાલીમ માટે મણિનગરમાં જ ખુબ જ જાણકાર શ્રી દિવ્યાંગભાઇ ઠાકોર મળી ગયા.તાલીમ શરુ થઇ. એ.જી ઓફિસ બહુમાળી ભવન ,લાલ દરવાજાથી પોતાના જ મકાન 'ઓડિટ ભવન'માં  ગઈ.હવે ઈશ્વરભુવન ,કોમર્સ છ રસ્તા જવાનું શરુ. કચેરીમાં રંજનાના સેક્શન બદલાતાં ને નવું કામ સામે આવતું ને તે નિષ્ઠા પૂર્વક તેને ન્યાય આપે..તેમની 1979 થી સાથે જોડાયેલી સખીઓ નું વૃંદ પર રોજે રોજ રીશેષના અવનવા નાસ્તા માણતું.એ.જી. ઓફિસ નું  'વેલ્ફેર સેક્શન'  ખુબ સક્રિય હતું. વર્ષમાં વિશેષ કાર્યક્રમો થતા .સુમધુર કંઠ અને શુદ્ધ ઉચ્ચારને  લીધે ,કાર્યક્રમ કોઈપણ હોય તેનો પ્રારંભ તો રંજનાની પ્રાર્થનાથી જ થાય.. કોઈ વખત રંગોળીના રંગે તો કોઈવાર ગીતના સુરે એ એ જી. ઓફિસને શોભાવે.

          'હિન્દી  પખવાડિયું ' એ રંજનાને ગમતો કાર્યક્રમ હતો કારણકે તેમાં વૈવિધ્ય ખુબ રહેતું.-કાવ્ય પઠન ,સુલેખન,નિબંધ ,કવીઝ જેવી અનેક સ્પર્ધામાં અનેક વખત પ્રથમ,દ્વિતીય કે તૃતીય ક્રમાંક અને પ્રમાણપત્ર ,પુરસ્કાર મળતાં .

            અમદાવાદના મંગલદાસ ટાઉનહોલમાં યોજાયેલ વાર્ષિક મહોત્સવ માં બકુલ ત્રિપાઠી લિખિત નાટક 'રાજાને ગમી તે રાણી ' ભજવાયું.રંજનાએ આનાકાની  પછી મુખ્ય પાત્ર "તરલિકા" નો રોલ લીધો અને ખુબ સરસ રીતે નિભાવ્યો. તેણે વાસ્તવિક ઉમર કરતાં અડધાથી ઓછી ઉંમરની તરુણીના રોલમાં પરિવેશ અને સંવાદો બોલવાની.  લાક્ષણિકતાએ  પૂરાં નાટક દરમિયાન પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા.

.          .ફરી પાર્થનો નવો સવાલ ," હું M.D. કરું તો ? "- પ્રવેશ પરીક્ષાની તૈયારી શરુ.ગુજરાતની કોલેજોમાં ખુબ મર્યાદિત સીટ.મહેનત ફળી.આણંદ પ્રતિષ્ઠિત રામકૃષ્ણ કોલેજમાં પ્રવેશ મળ્યો.મણિનગર -આણંદ અપડાઉન શરુ. પણ સાથે એક સવાલ તો ઉભો રહ્યો .'ક્લિનિક નું શું ?'- ઉકેલ પાર્થે જ આપ્યો.'દરરોજ સાંજે પાંચ વાગ્યે ટ્રેનમાંથી ઉતરી ઘેર આવી,હળવો નાસ્તો કરીને સાંજે 6 થી 9 ક્લિનિક ખોલવાનું .એમાં એક નવો ફણગો ફૂટ્યો..બે કલાક ક્લિનિક ખુલે ને મહિને રૂપિયા પાંચ હજાર ભાડું ચૂકવીએ તે કરતાં પોતાનું લઈને બેન્ક હપ્તો ચૂકવવો શું ખોટો ?

           ફરી આદરી તપાસ .ઈશ્વર કૃપા હંમેશની જેમ સાથે જ હતી.એલિસબ્રિજ પાસે 'નંદનવન કોમ્પ્લેક્ષ'માં બીજા માળે પસંદગી ઉતરી. બેન્ક ઓફ ઇન્ડિયાની લોન થઇ.રૂપિયા 5500/- નો માસિક હપ્તો આવ્યો.અમદાવાદમાં પાર્થની માલિકીનું પોતાનું ક્લિનિક! વણકલ્પેલુ સાકારિત સપનું ! એલિસબ્રિજથી ગુજરાત કોલેજ જતાં,તરત જ  ડાબી બાજુ  મોટું બોર્ડ. " ડો. પાર્થ માંકડ."   મહેનતુ અને જિજ્ઞાસુ વૃત્તિએ પાર્થને ખુબ સક્રિય રાખ્યો.ક્લિનિક તો સરસ રીતે ગોઠવાઈ ગયું. મુંબઈના સિનિયર હોમિયોપેથ ડોક્ટર્સ સાથે સતત સંપર્ક.વચ્ચે થોડો સમય તો ડો. દિનેશભાઈ ચૌહાણ પાસે પ્રત્યક્ષ તાલીમ લેવા મુંબઈ પણ રોકાયો.

           પાર્થના મુખેથી એક નવો સવાલ આવ્યો.આપણે  ત્રણેય ને સાથે ક્યાંય જવું હોય તો બે વાહન લેવાં પડે છે..સેકન્ડસ માં કાર મળી જાય તો ? " અને ' સેન્ટરો' ઘરમાં આવી.પરિવારમાં પ્રથમ કાર

                યાત્રાના ચરણે ચરણે કાશી સાથે ,સમયદેવતા પણ ચાલતા જ રહ્યા..ચાલતા જ રહ્યા.

દિનેશ લ.માંકડ  ( મોબાઈલ-9427960979 )

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com


Saturday, May 29, 2021

યાત્રા-20 કઠોર હૈયે કપરાં કામ



 યાત્રા-20   કઠોર હૈયે કપરાં કામ

            પરિવારમાં પણ જયારે કોઈ મર્યાદા ઓળંગે ત્યારે જવાબદાર એ પગલાં લેવાં જ પડે..પલ્લવીના પરિવારમાં પણ જાણે અજાણે કોઈએ કરેલી ભૂલની સજા કરવી જ પડે.સામાન્ય હોય તો તો ઠપકાથી ચાલે પણ મોટી ભૂલ હોય તો -- જેવી ભૂલ તેવી સજા.

        થોડા પૈસાની લાલચમાં જુનિયર ક્લાર્કે , બે રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્ર તેમને ઘેર જઈ ને ભર્યાં. .ફી ઉઘરાવી.ફોર્મ અને ફી શાળામાં જમા પણ ન કરાવ્યા કે ન શાળામાં જાણ કરી.પરીક્ષા સમયે તેમની રસીદ ન આવી..વાત આગળ વધી .ભંડો ફૂટ્યો. -હલ્લો શાળા પર .કહેવાતા કાર્યકરો અને પત્રકારો વાલીની પડખે ચડી ગયા.મામલો આગળ વધ્યો.મારા અને શાળાના સદ્નસીબે તેમણે ફી ફોર્મ વિદ્યાર્થીને ઘેર ભરેલાં .શાળામાં નહિ.ફરિયાદો થઇ ,કાર્યવાહી થઇ.સજા રૂપે તેમને થોડા સમય માટે ફરજ મોકૂફ કર્યા. એકાદ ઇજાફો બંધ કર્યો.'માફીપત્ર અને ભવિષ્યમાં ભૂલ  ન કરવા' ની શરતે પાછા ફરજે લીધા.

         બીજી કપરી ફરજ એક સેવક માટે..કેટલીક વાર પરિસ્થિતિ માણસને કેટલી હદે મજબુર કરી શકે ,તેનું આ ઉદાહરણ હતું..ગામડે રહેતા તેમના ધર્મપત્ની મંદબુદ્ધિના હતાં. ગામના કોઈ અસામાજિક તત્વ એ તેમને વારંવાર હેરાન કરવાનું ચાલુ રાખ્યું..શાળા સેવકનો પિત્તો ગયો ને ગામડે જઈ ,અપકૃત્ય કરી નાખ્યું..શાળાએ આવે નહિ.ફોન તો સંભવ નહિ.પત્રોને નોટીશના જવાબ નહિ.દોઢેક વર્ષનો સમય વીત્યો.મામલો અદાલતે ગયો.છેવટે ઓચિંતા એ સેવક ભાઈ શાળાએ આવ્યા.. સ્થિતિ -પરિસ્થિતિ જાણી ને ટ્રસ્ટીશ્રીને સાથે રાખી વ્યવહારુ નિર્ણય લઇ તેની બધી ગેરહાજરીને ,વગર પગારી રાજા ગણી ને તેની નોકરી બચાવી.

           ત્રીજું કપરું કામ તો બહુ જ કઠોર રીતે કરવું પડ્યું.નિયમાનુસાર દર પાંચ વર્ષે દરેક કર્મચારીની પ્રમાણપત્ર ખરાઈ કરવાની હોય.પલ્લવી વિદ્યાલયમાં સહુને અસલ પ્રમાણપત્રો લાવવાની સૂચના આપી.એક બહેન સિવાયના તમામ લાવ્યા ,ચકાસ્યા ને પરત કર્યાં .નહિ લાવનાર બહેને 'પિયેરમાં પડયા છે'- કહી મુદત માંગી ને આપી.થોડા દિવસ પછી યાદ કરાવ્યું.બહાના નંબર બે -'પાસપોર્ટ કચેરીમાં જમા કરાવ્યા છે.' પછી તો શંકા ઉપજી. બે ચાર વખત લેખિત આપ્યું પણ ન આવ્યા તે ન જ આવ્યા.શાળા રેકોર્ડ અનુસાર તેમણે  બી.એ.,ગુજરાત યુનિવર્સીટી માંથી અને બી.એડ.પરપ્રાંતની યુનિવર્સીટીમાંથી કરેલું. પરપ્રાંતની.યુનિવર્સીટીને ગુણપત્રકની નકલ જોડીને 'ખરાઈ' કરી આપવા લખ્યું..વળતા ઉત્તરમાં યુનિવર્સીટીએ જણાવ્યું કે ' આ ગુણ પત્રક બનાવટી  છે.'  UGC માં પણ લખેલું ,તો તેઓ એ પણ જણાવ્યું કે 'આ યુનિવર્સીટી તો ક્યારની અન્યમાં મર્જ થઇ છે બહેનનું ગુણપત્રક તો પછીના વર્ષ નું  હતું.!

        બહેન પાસે વારંવાર સ્પષ્ટતા માંગી કોઈ આધારભૂત કે સંતોષકારકે ઉત્તર નહિ.હવે તો શાળા હીતમાં પગલાં લેવાં જ પડે.શરૂમાં તો  ટ્રસ્ટીશ્રીને સાથે રાખી, તેમને સમજાવીને ઉકેલ લાવવા પ્રયત્ન કર્યો .પણ તેમના પતિશ્રી તો કહે 'ફાઇટ ટુ ફિનિશ '.  છેવટે વિધિવત કાર્યવાહી કરીને તેમને નોકરીમાંથી બરતરફ કરવાં જ પડયાં .અનીતિ લાંબો સમય ટકે જ નહિ.અને અનીતિને ટેકો આપવો પણ અહિતકારક જ .એટલે જે કર્યું તે યોગ્ય જ કર્યું.ફરજના ભાગરૂપે જ કર્યું. 

દિનેશ લ. માંકડ  ( મોબાઈલ-9427960979 )                                                    

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com


Wednesday, May 26, 2021

યાત્રા -19- પોતીકો પલ્લવી પરિવાર


 યાત્રા -19- પોતીકો પલ્લવી પરિવાર.

         મે 1998 થી મે 2011 પલ્લવી વિદ્યાલય પરિવાર સાથે  ગાળ્યાં.ટ્રસ્ટી માનનીય શ્રી પ્રેમજીભાઈ ની સાથે દીપકભાઈ,અને સૌરભભાઈ ના માર્ગદર્શન અને હૂંફ તો આખા પરિવારને પરિવારની જેમ જ સતત ને સતત મળતાં જ રહેતાં. પલ્લ્વીનો આશરે ચાળીસેકનો મોટો પરિવાર.બધાં જ વર્ષો તેમની સાથે અવિસ્મરણીય રીતે પસાર કર્યા.. જવાબદારીને કારણે ક્યારેક કોઈને ગમતું -અણગમતું થઇ જાય,પણ છતાં સહુને સાથે રાખી કશુંક કર્યા નો ને કરાવ્યાનો સંતોષ જરૂર મળ્યો.

      શરૂમાં જ ચોખવટ કરી લઉં કે પ્રેમાળ પરિવારમાં કોઈ વહાલું કે દવલું લગભગ ન જ હોય એટલે કોઈના નામ કે અલગ કાર્યનો ખાસ ઉલ્લેખ નહિ કરું કારણકે જેમ શરીરના બધાં અંગો પરસ્પર પૂરક હોય તેમ શાળાની શોભામાં પણ સમગ્ર પરિવાર હોય.ખાસ તો અભ્યાસમાં અતિશય નબળા પાયાવાળા બાળકોને શીખવવામાં તેઓને પડતા શ્રમનો હું સાક્ષી બનતો ધોરણ આઠમા ના વિદ્યાર્થીને ગુજરાતીમાં કક્કો અને પાંચ વત્તા પાંચ શીખવવામાં  જ તેમના વર્ષો જતાં  ભલભલા નિષ્ણાતો આવે તો પણ તેમની ધીરજ ખૂટે તેવા વાતાવરણ માં તેમણે પોતાની નિષ્ઠા સાચવવાની હતી.રોજના અધૂરાં ગૃહકાર્ય , ગેરહાજરી અને અલ્પ શિક્ષિત વાલીઓ સાથેની તેમની રોજની માથાફોડ તો કલ્પના બહારની હોય.શિસ્તના પ્રશ્નોની તો ઝાડી જ વરસતી હોય.શરૂમાં તો રીશેષ પછી ગેરહાજર  શોધવા સેવક ,સામેની ટોકીઝ માં જઈને પકડી લાવે !

        વાતાવરણમાં પરિવર્તન લાવતાં તેમનો ઉત્સાહ પણ વધતો ચાલ્યો.સારી પ્રાર્થના,સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ,અને શિસ્તના સકારાત્મક નિર્ણયોથી ધીમેધીમે ઠીકઠાક થતું ચાલ્યું.--" જેમનામાં જે સારું હોય તેનો શ્રેષ્ઠ ઉપયોગ  કરીએ તો એકંદરે ફાયદો થાય "--એવું સાંભળેલું .અહીં તેનો અમલ કરવાની શરૂઆત કરી.દર માસના અંતે કોઈ શિક્ષકના 'નમૂનાનો તાસ ' એમાં હું પણ ખરો.અન્ય તમામે પાછળ બેસી નિરીક્ષણ કરવાનું.આવું સતત ચાલ્યું.તેના પરિણામ દેખાય.ગણિત વિજ્ઞાનના ઉત્સાહી શિક્ષકોએ પાયાના જ્ઞાનને અને પ્રયોગશાળા ને જીવંત કરવાનું ચાલુ રાખ્યું તો ભાષા શિક્ષકો નિબંધ ,વક્તૃત્ત્વ ,જેવી સ્પર્ધાને ઉત્તેજન આપી વિદ્યાર્થીઓની મૌલિકતા વધારવા યત્નશીલ રહ્યા.  કલા શિક્ષકો એ બાળકોની કલા સૂઝ શોધવાનો પ્રયત્ન કર્યો અને વ્યાયામ શિક્ષકોએ સામાન્ય વ્યાયામ સાથે યોગ પ્રાણાયામને  મહત્વ  આપ્યું ને સાતત્ય જાળવ્યું.મેડિકલ ચેકઅપ થી કેટલાય બાળકોના ગંભીર રોગોથી વાલી ઓને સમયસર સચેત કરી શકાયા.શાળા બેન્ડ અને શિક્ષક વિદ્યાર્થી મેચની સક્રિયતા તો વિસ્તારમાં આગવી છાપ ઉભી કરતાં 

          નિયમિત વ્યવસાયી માર્ગદર્શન અને કારકિર્દી માર્ગદર્શન સપ્તાહની વારંવાર ઉજવણી ને લીધે વિદ્યાર્થીઓમાં ભાવિ વિષે વિચારવાની ટેવ ચોક્કસ વિકસી જ હશે સહુના સહકારથી બચત બેન્ક અને રીશેષમાં શાળામાં જ નાસ્તા કેન્દ્ર શરુ થયાં .ફાજલ શિક્ષકો ને આ બધી જ પ્રવૃત્તિમાં વિશેષ આનંદ આવતો કારણકે તેમને પોતાની ક્રિયાશીલતા નો ઉપયોગ યોગ્ય રીતે કરવાની તક મળતી.

            બિન શૈક્ષણિક સ્ટાફમાં ક્લાર્ક મિત્રોની દફતર વ્યવસ્થિત રાખવાની કાળજીથી ખુબ હળવાશ રહેતી સિનિયર કલાર્કની વફાદારી તો અજોડ હતી.ચોક્સાઈભર્યા નાણાકીય હિસાબો અને તમામ પડતર કામો પોતા પર લઈને પૂરાં કરવાની તેમની ટેવને લેધે કાર્યાલય સુવ્યવસ્થિત જ રહેતું..અન્ય ક્લાર્ક મિત્રો પણ પોતાના ફાળે આવતાં કાર્યોમાં માર્ગદર્શન લે, પણ પૂરું તો કરે જ. એમાંય આટલા મોટા સ્ટાફના નવાં ફીક્શેશન,આવકવેરા ગણતરી,શાળા ના અનેક ઓડિટ,ઇન્સ્પેક્શન અને સ્ટાફના વ્યક્તિગત પ્રશ્નોને ભારે જહેમતથી પૂર્ણ કરવાની,તેમની નિષ્ઠાને તો ચોક્કસ યાદ રાખવી પડે. એવાં

          ચારેય સેવક મિત્રોની વફાદારી પણ જરૂર યાદ રાખવાનું મન થાય.વયમાં મારાથી મોટાં એવાં સેવક બેન ત્રણેક કી.મી દૂર રહે તોય શાળા સમયસર ખુલે ને ઓફિસ,કાર્યાલય ચોખ્ખા થઇ જાય તેની કાળજી લે. શિસ્તના સાથી એવા એક સેવક તો કોઈપણ મુલાકાતી આવે એટલે સતર્ક રહે. ગમે તેવાં અઘરા કામ સોંપો તો કરી આવે પણ એક સેવક મળેલા.ને અન્ય એક સેવક તો છેક વીસેક કિલોમીટર દૂરથી આવે પણ શાળામાં જે જગ્યાએ અધૂરું કાર્ય દેખાય ત્યાં કહ્યા વગર પહોંચી ને કામ પૂરું કરે. ( મારી નિવૃત્તિ પછી તેઓ નિવૃત્ત થયા ત્યારે જ્યાં સેવા આપતા હતા તે સ્ટાફે તો તેમની કદર રૂપે તેમનો ભવ્ય વિદાય સમારંભ ગોઠવ્યો.)

.  મારાં મનમાં શાળા અને વિદ્યાર્થી હિત માં કશુંક નવું કરવાનો વિચાર આવે તો દરેક વખતે સહર્ષ વધાવે ને વગર વિરોધે સાથે રહે.

         માનવ શરીરમાં જીવવા માટે હૃદય ધબકવું અનિવાર્ય છે પણ સાથે સાથે શરીરના બાકી અંગો નો સાથ હોય તો જ તે બરોબર ધબકે.પલ્લવી પરિવારના ટિમ વર્કથી જ  મારાં એ શાળાના બાર-તેર વર્ષ સુખરૂપ અને સરળતાથી પસાર થયાં.

દિનેશ લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ ક્લિક કરો

mankaddinesh.blogspot.com


Sunday, May 23, 2021

યાત્રા -18 વિદ્યા સંગે વિદ્યાર્થી

 


યાત્રા -18  વિદ્યા સંગે વિદ્યાર્થી

         પલ્લવી વિદ્યાલયમાં સેવા ખરેખર ભગવાનનું કાર્ય હતું. વિવિધ સ્તરના-પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ, બાળક ઉઠે તે પહેલાં જ શાકભાજીની લારી લઈને નીકળી જતાં બંને માતા પિતા,છેક રાત્રે ઘેર પાછા આવે ત્યારે બાળક ભર ઊંઘમાં હોય.પરપ્રાંતીય કલરકામ કે અન્ય શ્રમ સાથે જોડાયેલા વાલીના બાળકને ને ગુજરાતી ભાષામાં ભણાવવાનું.. મોડી રાત સુધી પોટલી વેચવા માબાપની સાથે રહેલું બાળક, શાળાએ સવારે સમયસર કેમ આવી શકે ? એ બધાની વચ્ચે રામનું ખિસકોલી કાર્ય કરવાનો સતત આનંદ રહેતો.

         નાનપણથી મધુપ્રમહના ઇન્સ્યુલિન લેતો સાવ ફિક્કો દિપક દસમા માં અંગ્રેજી ( વૈકલ્પિક હોવા છતાં )  રાખવા જીદ્દ પકડે ને સારા ગુણ થી પાસ થાય.સવારે 90 થી વધારે વર્તમાનપત્રો વહેંચી આવતો સંદીપ રોજ શાળા એ મોડો પંહોચે..મંદભુદ્ધિ નો આંશિક શિકારી તેજસ  કાં તો કોઈના શર્ટ પર લીટા પાડે ને કાં તો બ્લેડ વડે કાપા પડે.બોલવા -સાંભળવામાં મંદ બે જોડિયા બહેનોએ તો બોર્ડ પરીક્ષામાં પ્રથમ વર્ગ લાવી કમાલ કરી. મોટી હોસ્પિટલના  સફાઈ કામદારનો પુત્ર બિપિન, અહીંનો અભ્યાસ પૂર્ણ થયા પછી અંગ્રેજી માધ્યમમાં વાણિજ્ય સ્નાતક થઇ IAS  તૈયારી કરતો હતો.ધોરણ ત્રણ થી બુટ પોલીસ કરતો જીતેન્દ્ર ,પાછળથી અનુસ્નાતક થયો ને IIM અમદાવાદમાં તેનું એક વ્યાખ્યાન પણ ગોઠવાયું. આવાં તો અનેક ઉદાહરણ બનતા જ રહયાં..

       સર્વાંગીણ  શિક્ષણનું એક વિશેષ અંગ તે સાંસ્કૃતિક વિકાસ.કલા વિકાસ સાથે આત્મવિશ્વાસ સાધવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો પડે.ઘરની બહારની જરાય દુનિયા ન જોઈ હોય એવા બાળકોને મંચપર સેંકડો લોકો સામે લઇ જવા એ કપરું કામ હતું.  શિક્ષકો માટે આ પ્રથમ જ વખતનો અનુભવ હતો.પણ માથે લીધું. કાર્યક્રમ  રૂપરેખા બની.

.પ્રાર્થના,ગીતો ,નાટક નૃત્ય વગેરે .સ્મરણિકા તૈયાર થઇ.શિક્ષકોના સહકારથી અને શુભેચ્છકો પાસે વિજ્ઞાપનો લઇ,નાણાકીય ગોઠવણી થઇ. પ્રેકટીશ શરુ.વેશભૂષા પ્રાપ્ત થયા.અસારવાના ખંડુભાઇ દેસાઈ હોલમાં એક હજારથી વધારે પ્રેક્ષકો વચ્ચે સુંદર કાર્યક્રમ થયો. વિસ્તાર-સમાજમાં શાળાનું એક પીંછું ઉમેરાયું.

          કોઈ એક વર્ષ રાજ્યના શિક્ષકો લાંબી હડતાલ પર ગયા. શાળાના શિક્ષકો પણ તેમાં જોડાયા. પરંતુ અંગત મતે 'આપણે તો વિદ્યાર્થીના આદર્શ' કહેવાઈએ. ટર્સ્ટીશ્રીની -શાળા ચાલુ રાખવા-અનુમતિ મળી.ધોરણ દસના વીસેક ચુનંદા વિદ્યાર્થીઓને બોલાવ્યા.પસંગીના વિષય પૂછ્યા.જે તે શિક્ષકોના સમય પત્રક આપી દીધાં.ખાનગી પ્રકાશકોના આવેલાં સંદર્ભ પુસ્તકો વહેંચી દીધા .એક પણ શિક્ષક વગર પુરા પંદર દિવસ પૂરો સમય તેર વર્ગોની શાળા ચલાવી.અંદરથી એક આનંદ થયો.કેટલાક કહેવાતા શિક્ષકોથી સહન થયું ને થોડી અગવડો ઉભી કરવા માંડી.સલામતી માટે ઘેરથી શાળામાં રિક્ષામાં જવાનો સમય પણ આવ્યો.સરવાળે તો શાળા ચાલી.સારો ચીલો બેઠો.

          2002 ના ફેબ્રુઆરી માસમાં કારસેવકો પર થયેલા હુમલા પછી અમદાવાદમાં વિવિધ સ્થળોએ કોમી તોફાનો થયાં .વાતાવરણ તંગ રહેતું ..વાર્ષિક પરીક્ષાની તારીખો અનિશ્ચિત થતી હતી.ચારેક વિદ્યાર્થીઓ શાળા અને વિસ્તાર બદલવા માંગતા હતા.તેમની ખાસ કિસ્સામાં પરીક્ષા લઇ,તેની અનુકૂળતા વાળા વિસ્તારના થોડા આચાર્ય ને ફોન કરી તેમનો ત્યાં પ્રવેશ નિશ્ચિત કરીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપ્યું.કશુંક વિશેષ કર્યા નો સંતોષ થયો.

 દિનેશ લ. માંકડ  મોબાઈલ.-9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh.blogspot.com