Readers

Saturday, May 29, 2021

યાત્રા-20 કઠોર હૈયે કપરાં કામ



 યાત્રા-20   કઠોર હૈયે કપરાં કામ

            પરિવારમાં પણ જયારે કોઈ મર્યાદા ઓળંગે ત્યારે જવાબદાર એ પગલાં લેવાં જ પડે..પલ્લવીના પરિવારમાં પણ જાણે અજાણે કોઈએ કરેલી ભૂલની સજા કરવી જ પડે.સામાન્ય હોય તો તો ઠપકાથી ચાલે પણ મોટી ભૂલ હોય તો -- જેવી ભૂલ તેવી સજા.

        થોડા પૈસાની લાલચમાં જુનિયર ક્લાર્કે , બે રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્ર તેમને ઘેર જઈ ને ભર્યાં. .ફી ઉઘરાવી.ફોર્મ અને ફી શાળામાં જમા પણ ન કરાવ્યા કે ન શાળામાં જાણ કરી.પરીક્ષા સમયે તેમની રસીદ ન આવી..વાત આગળ વધી .ભંડો ફૂટ્યો. -હલ્લો શાળા પર .કહેવાતા કાર્યકરો અને પત્રકારો વાલીની પડખે ચડી ગયા.મામલો આગળ વધ્યો.મારા અને શાળાના સદ્નસીબે તેમણે ફી ફોર્મ વિદ્યાર્થીને ઘેર ભરેલાં .શાળામાં નહિ.ફરિયાદો થઇ ,કાર્યવાહી થઇ.સજા રૂપે તેમને થોડા સમય માટે ફરજ મોકૂફ કર્યા. એકાદ ઇજાફો બંધ કર્યો.'માફીપત્ર અને ભવિષ્યમાં ભૂલ  ન કરવા' ની શરતે પાછા ફરજે લીધા.

         બીજી કપરી ફરજ એક સેવક માટે..કેટલીક વાર પરિસ્થિતિ માણસને કેટલી હદે મજબુર કરી શકે ,તેનું આ ઉદાહરણ હતું..ગામડે રહેતા તેમના ધર્મપત્ની મંદબુદ્ધિના હતાં. ગામના કોઈ અસામાજિક તત્વ એ તેમને વારંવાર હેરાન કરવાનું ચાલુ રાખ્યું..શાળા સેવકનો પિત્તો ગયો ને ગામડે જઈ ,અપકૃત્ય કરી નાખ્યું..શાળાએ આવે નહિ.ફોન તો સંભવ નહિ.પત્રોને નોટીશના જવાબ નહિ.દોઢેક વર્ષનો સમય વીત્યો.મામલો અદાલતે ગયો.છેવટે ઓચિંતા એ સેવક ભાઈ શાળાએ આવ્યા.. સ્થિતિ -પરિસ્થિતિ જાણી ને ટ્રસ્ટીશ્રીને સાથે રાખી વ્યવહારુ નિર્ણય લઇ તેની બધી ગેરહાજરીને ,વગર પગારી રાજા ગણી ને તેની નોકરી બચાવી.

           ત્રીજું કપરું કામ તો બહુ જ કઠોર રીતે કરવું પડ્યું.નિયમાનુસાર દર પાંચ વર્ષે દરેક કર્મચારીની પ્રમાણપત્ર ખરાઈ કરવાની હોય.પલ્લવી વિદ્યાલયમાં સહુને અસલ પ્રમાણપત્રો લાવવાની સૂચના આપી.એક બહેન સિવાયના તમામ લાવ્યા ,ચકાસ્યા ને પરત કર્યાં .નહિ લાવનાર બહેને 'પિયેરમાં પડયા છે'- કહી મુદત માંગી ને આપી.થોડા દિવસ પછી યાદ કરાવ્યું.બહાના નંબર બે -'પાસપોર્ટ કચેરીમાં જમા કરાવ્યા છે.' પછી તો શંકા ઉપજી. બે ચાર વખત લેખિત આપ્યું પણ ન આવ્યા તે ન જ આવ્યા.શાળા રેકોર્ડ અનુસાર તેમણે  બી.એ.,ગુજરાત યુનિવર્સીટી માંથી અને બી.એડ.પરપ્રાંતની યુનિવર્સીટીમાંથી કરેલું. પરપ્રાંતની.યુનિવર્સીટીને ગુણપત્રકની નકલ જોડીને 'ખરાઈ' કરી આપવા લખ્યું..વળતા ઉત્તરમાં યુનિવર્સીટીએ જણાવ્યું કે ' આ ગુણ પત્રક બનાવટી  છે.'  UGC માં પણ લખેલું ,તો તેઓ એ પણ જણાવ્યું કે 'આ યુનિવર્સીટી તો ક્યારની અન્યમાં મર્જ થઇ છે બહેનનું ગુણપત્રક તો પછીના વર્ષ નું  હતું.!

        બહેન પાસે વારંવાર સ્પષ્ટતા માંગી કોઈ આધારભૂત કે સંતોષકારકે ઉત્તર નહિ.હવે તો શાળા હીતમાં પગલાં લેવાં જ પડે.શરૂમાં તો  ટ્રસ્ટીશ્રીને સાથે રાખી, તેમને સમજાવીને ઉકેલ લાવવા પ્રયત્ન કર્યો .પણ તેમના પતિશ્રી તો કહે 'ફાઇટ ટુ ફિનિશ '.  છેવટે વિધિવત કાર્યવાહી કરીને તેમને નોકરીમાંથી બરતરફ કરવાં જ પડયાં .અનીતિ લાંબો સમય ટકે જ નહિ.અને અનીતિને ટેકો આપવો પણ અહિતકારક જ .એટલે જે કર્યું તે યોગ્ય જ કર્યું.ફરજના ભાગરૂપે જ કર્યું. 

દિનેશ લ. માંકડ  ( મોબાઈલ-9427960979 )                                                    

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com


No comments:

Post a Comment