Readers

Monday, May 31, 2021

યાત્રા -21- ચરણે ચરણે કાશી

 


  યાત્રા -21-   ચરણે ચરણે કાશી        

          અંજારમાં લીધેલું  TFR લ્યુના GJ 12 3607, થોડો સમય તો વાપર્યું પણ રોજ ના વીસ -પચીસ કી.મી.માં તે હાંફી જતું.એટલે મારા માટે 100 સી.સી.નું ગિયરલેશ SPRIDE આવ્યું.પાર્થના LML વેસ્પા સ્ક્ટર ને વિદાય આપી ને  YAMAHA –GJ 1-4613  , બાઈક આવ્યું.તેની બોપલ કોલેજ મણિનગરથી આશરે 25 કી.મી.દૂર હતી  

          પાર્થનો અભ્યાસ રસપ્રદ રીતે ચાલતો રહ્યો.કોઈપણ અભ્યાસની સાથે વ્યવહારલક્ષી પણું હોય તો  વિશેષ પ્રભાવી બને. આ વાત પાર્થના મનમાં પાકી બેસી ગયેલી.એટલે જ હોમિયોપથી ના બીજા વર્ષ થી તેની કોલેજના મુલાકાતી લેક્ચરર ડોક્ટર શ્રી સમીરભાઈ ઠક્કર ના ક્લિનિકમાં કોલેજ સમય સિવાય જાય. સમીરભાઈ દર્દી નો કેસ લે તેને જુએ,સમજે,નિદાન સમજે.સાડા ચાર વર્ષ તો આમ નીકળી ગયાં .

        ઇન્ટર્નશિપ ચાલુ હતી પણ ડોક્ટર પાર્થને પોતાના દર્દી તપાસવાની ખુબ તાલાવેલી હતી." મમ્મી ,હું ને મારો મિત્ર યતીન સાથે મળીને ક્લિનિક શરુ કરીએ તો ?"- ઓચિંતો આવેલો સવાલ કાંઈક નવી દિશા ખોલી ગયો.  જગ્યા શોધવાની શરૂઆત થઇ.અમદાવાદના પ્રાઈમ લોકેશન નહેરુબ્રિજના કોર્નર પર આવેલા "જનપથ કોમ્પ્લેક્સ" ના બીજા માળે એક ઓફિસને બોર્ડ લાગ્યું." હોમિયોપેથીક ક્લિનિક ,ડો.પાર્થ માંકડ .ડો.યતીન શાહ .નાનું મોટું ફર્નિચર ખરીદાયું.પૂજ્ય ભાઈ ( કુમુદભાઈ ) વગેરે હાજર રહ્યા.ભુજથી પરિવાર પ્રતિનિધિ  તરીકે મૌલેશ પણ આવ્યા.ગાયત્રીયજ્ઞ થયો. વિઝિટિંગ છપાયાં .પરિવારમાં બે વાત નવી હતી.ડોકટર થયાની ને બીજી પોતાના  જ વ્યવસાય નો પરિવારનો આ પ્રથમ અનુભવ હતો.દર્દી આવતા થયા. મિત્ર યતીન દૂર રહેતા હોઈ સમય ન ફાળવી શકે એટલે હવે તો માત્ર ડો.પાર્થનું ક્લિનિક.ઇન્ટર્ન .પૂરું થયું એટલે તો હવે પાકા ડોક્ટર..

           રંજનાની માંડવીની અધૂરી શાસ્ત્રીય સંગીત તાલીમ માટે મણિનગરમાં જ ખુબ જ જાણકાર શ્રી દિવ્યાંગભાઇ ઠાકોર મળી ગયા.તાલીમ શરુ થઇ. એ.જી ઓફિસ બહુમાળી ભવન ,લાલ દરવાજાથી પોતાના જ મકાન 'ઓડિટ ભવન'માં  ગઈ.હવે ઈશ્વરભુવન ,કોમર્સ છ રસ્તા જવાનું શરુ. કચેરીમાં રંજનાના સેક્શન બદલાતાં ને નવું કામ સામે આવતું ને તે નિષ્ઠા પૂર્વક તેને ન્યાય આપે..તેમની 1979 થી સાથે જોડાયેલી સખીઓ નું વૃંદ પર રોજે રોજ રીશેષના અવનવા નાસ્તા માણતું.એ.જી. ઓફિસ નું  'વેલ્ફેર સેક્શન'  ખુબ સક્રિય હતું. વર્ષમાં વિશેષ કાર્યક્રમો થતા .સુમધુર કંઠ અને શુદ્ધ ઉચ્ચારને  લીધે ,કાર્યક્રમ કોઈપણ હોય તેનો પ્રારંભ તો રંજનાની પ્રાર્થનાથી જ થાય.. કોઈ વખત રંગોળીના રંગે તો કોઈવાર ગીતના સુરે એ એ જી. ઓફિસને શોભાવે.

          'હિન્દી  પખવાડિયું ' એ રંજનાને ગમતો કાર્યક્રમ હતો કારણકે તેમાં વૈવિધ્ય ખુબ રહેતું.-કાવ્ય પઠન ,સુલેખન,નિબંધ ,કવીઝ જેવી અનેક સ્પર્ધામાં અનેક વખત પ્રથમ,દ્વિતીય કે તૃતીય ક્રમાંક અને પ્રમાણપત્ર ,પુરસ્કાર મળતાં .

            અમદાવાદના મંગલદાસ ટાઉનહોલમાં યોજાયેલ વાર્ષિક મહોત્સવ માં બકુલ ત્રિપાઠી લિખિત નાટક 'રાજાને ગમી તે રાણી ' ભજવાયું.રંજનાએ આનાકાની  પછી મુખ્ય પાત્ર "તરલિકા" નો રોલ લીધો અને ખુબ સરસ રીતે નિભાવ્યો. તેણે વાસ્તવિક ઉમર કરતાં અડધાથી ઓછી ઉંમરની તરુણીના રોલમાં પરિવેશ અને સંવાદો બોલવાની.  લાક્ષણિકતાએ  પૂરાં નાટક દરમિયાન પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા.

.          .ફરી પાર્થનો નવો સવાલ ," હું M.D. કરું તો ? "- પ્રવેશ પરીક્ષાની તૈયારી શરુ.ગુજરાતની કોલેજોમાં ખુબ મર્યાદિત સીટ.મહેનત ફળી.આણંદ પ્રતિષ્ઠિત રામકૃષ્ણ કોલેજમાં પ્રવેશ મળ્યો.મણિનગર -આણંદ અપડાઉન શરુ. પણ સાથે એક સવાલ તો ઉભો રહ્યો .'ક્લિનિક નું શું ?'- ઉકેલ પાર્થે જ આપ્યો.'દરરોજ સાંજે પાંચ વાગ્યે ટ્રેનમાંથી ઉતરી ઘેર આવી,હળવો નાસ્તો કરીને સાંજે 6 થી 9 ક્લિનિક ખોલવાનું .એમાં એક નવો ફણગો ફૂટ્યો..બે કલાક ક્લિનિક ખુલે ને મહિને રૂપિયા પાંચ હજાર ભાડું ચૂકવીએ તે કરતાં પોતાનું લઈને બેન્ક હપ્તો ચૂકવવો શું ખોટો ?

           ફરી આદરી તપાસ .ઈશ્વર કૃપા હંમેશની જેમ સાથે જ હતી.એલિસબ્રિજ પાસે 'નંદનવન કોમ્પ્લેક્ષ'માં બીજા માળે પસંદગી ઉતરી. બેન્ક ઓફ ઇન્ડિયાની લોન થઇ.રૂપિયા 5500/- નો માસિક હપ્તો આવ્યો.અમદાવાદમાં પાર્થની માલિકીનું પોતાનું ક્લિનિક! વણકલ્પેલુ સાકારિત સપનું ! એલિસબ્રિજથી ગુજરાત કોલેજ જતાં,તરત જ  ડાબી બાજુ  મોટું બોર્ડ. " ડો. પાર્થ માંકડ."   મહેનતુ અને જિજ્ઞાસુ વૃત્તિએ પાર્થને ખુબ સક્રિય રાખ્યો.ક્લિનિક તો સરસ રીતે ગોઠવાઈ ગયું. મુંબઈના સિનિયર હોમિયોપેથ ડોક્ટર્સ સાથે સતત સંપર્ક.વચ્ચે થોડો સમય તો ડો. દિનેશભાઈ ચૌહાણ પાસે પ્રત્યક્ષ તાલીમ લેવા મુંબઈ પણ રોકાયો.

           પાર્થના મુખેથી એક નવો સવાલ આવ્યો.આપણે  ત્રણેય ને સાથે ક્યાંય જવું હોય તો બે વાહન લેવાં પડે છે..સેકન્ડસ માં કાર મળી જાય તો ? " અને ' સેન્ટરો' ઘરમાં આવી.પરિવારમાં પ્રથમ કાર

                યાત્રાના ચરણે ચરણે કાશી સાથે ,સમયદેવતા પણ ચાલતા જ રહ્યા..ચાલતા જ રહ્યા.

દિનેશ લ.માંકડ  ( મોબાઈલ-9427960979 )

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com


No comments:

Post a Comment