Readers

Saturday, May 8, 2021

યાત્રા -15 -માતા પલ્લવીના પાલવડે



 

યાત્રા -15 -માતા પલ્લવીના પાલવડે

          ( એક વિશેષ નોંધ વચ્ચેથી.--યાત્રા વર્ણન તો યાત્રા પૂર્ણ થયા પછી અનુકૂળ રીતે લખી રહ્યો છું.પણ વર્ણન  લખતી વેળા ,યાત્રાનો કોઈ પૂર્વ પરિચિત વટેમાર્ગુ  ઓચિંતી વિદાય લે તે કાઠું છે.યોગાનુયોગ  અત્યારે જે તીર્થનું વર્ણન ચાલે છે તેના મુખ્ય પથદર્શક શ્રી પ્રેમજીભાઈ પટેલ તારીખ 30 મી એપ્રિલ 2021 ના રોજ વિદાય લઇ ગયા. યાત્રાની હવે પછીની સુખદ પળો ના એ  નિમિત્ત ને શાશ્વત શાંતિની અભયર્થના ) 

         અગાઉ  ઓપચારિક રીતે કરેલી અરજીનો ઇન્ટરવ્યૂ ગોઠવાયો.શરુ થાય તે પહેલાં શ્રી પ્રેમજીભાઈની ચેમ્બરમાં  કેટલાક મિત્રો બેઠા હતા. એમાં હું પણ. ન્યુ ગણેશ વિદ્યાલયના આચાર્યશ્રી ઉમેશભાઈ એ પૂછ્યું,' પલ્લવી વિદ્યાલયમાં કોને માટે પસંદગીને અગ્રતા આપવા વિચારો છો ?' શ્રી પ્રેમજીભાઈ બોલ્યા,' દિનેશભાઇએ અહીં એમ.એચ.માં સરસ કાર્ય કર્યું છે એટલે પહેલી પસંદગી તો તેમની જ થાય,.છતાં ઇન્ટરવ્યૂ થાય ત્યારે જોઈશું.' હું ચોંક્યો.પછી  તેમણે જ વાત સમજાવી ' તેર વર્ગોની ગુજરાતી માધ્યમની શાળા તમારે માટે યોગ્ય થશે..આચાર્ય દોશી સાહેબ હમણાં જ નિવૃત્ત થયા  એટલે સક્ષમ વ્યક્તિને શાળા સોંપાય તે જરૂરી છે '

          ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પુરી થઇ.પસંદગી સમિતિના ગુણાંકમાં મારો જ ક્રમ પ્રથમ આવ્યો.બહાલી ,નિમણુંક પ્રક્રિયા થઇ..એમ.એચ માંથી રાજીનામુ આપવા ગયો..જીલા અધિકારીએ કારણ પૂછ્યું.મેં ઉત્તર આપ્યો,'પલ્લવી વિદ્યાલયમાં આચાર્યની નિમણુંક થઇ છે ' જીલા અધિકારી તરત બોલ્યા ," તમને ભગવાનનું કાર્ય મળ્યું છે.નિષ્ઠાથી બજાવજો."- પછી ખબર પડી કે પલ્લવી વિદ્યાલય ,અસારવા માં આવી જ્યાં વધારે દેવીપૂજકો અને વાલ્મિકી સમાજ ના બાળકો હતાં..

         તારીખ 19 મી મે 1998 સવારે અસારવા વિસ્તારમાં પહેલી વાર પગ મુક્યો.13 વર્ગો .600 થી વધારે બાળકો અને આશરે ચાલીસેક જેટલા શિક્ષકમિત્રો અને બિન શક્ષણિક પરિવાર ધરાવતી પલ્લવી વિદ્યાલયના પગથારે પગ મુક્યો  શ્રી. દીપકભાઈ પરિચય માટે સાથે..ઇન્ચાર્જ આચાર્ય શ્રી હરગોવનભાઈ દેસાઈ પાસેથી ચાર્જ લીધો.સંલગ્ન સોના પ્રાથમિક શાળાના વડીલ આચાર્ય મૂળશંકર ભાઈ વ્યાસ અને 24 કલાકના ચોકીદાર ઘનસ્યામ મહારાજ થી પરિચય કર્યો.

         સ્ટાફ લિસ્ટમાં બે મિત્રોની અટક 'દેસાઈ' અને વિદ્યાર્થી હાજરી પત્રકોમાં દેસાઈ,પટ્ટણી ,રાણા અટકો જોઈને " નાગર " જીવ અંદરથી ઉત્સાહમાં આવ્યો.ઊંડી તપાસના અંતે માલુમ પડ્યું કે અન્ય જ્ઞાતિઓ જ પ્રચલિત આ અટકો વાળા જ  સહુ હતા. છતાં શરૂમાં તો ક્યારેક ,કોઈને બોલાવતી વખતે વગર મૂછે ,મૂછમાં હસી ને આનંદ લઇ લેતો.

         પ્રાથમિક દિવસોમાં જ અંદાજ આવી ગયો કે અહીં ઘણું કરવાનું બાકી છે..ટ્રસ્ટીશ્રીનો પૂરો સાથ હતો એટલે કાર્ય સરળ રહેવાનું હતું.વર્ગવાર બોલાતી બેસૂર પ્રાર્થના ઈશ્વર સુધી સમૂહ લયબદ્ધ પહોંચાડવા માટે તમામ વર્ગોમાં સ્પીકર અને આવશ્યક એમ્પ્લીફાયર આવી ગયા.સોમ થી શનિની  નિશ્ચિત વૈવિધ્ય સભર પ્રાર્થનાઓની પસંદગી થઇ.સુવિચાર ,સમાચાર પ્રસંગકથા વગેરેનો શાળામાં પ્રથમ વખત શરુ થયા. વિદ્યાર્થી,શિક્ષકો નો ઉત્સાહ પણ વધ્યો. કાર્યાલય અને આચાર્ય ખંડ વચ્ચેના કબાટ કાઢી નવી ચેમ્બર બની ગઈ.મારી ખુરશી પાછળ  દીવાલ પર વચ્ચે ચાણક્ય ને આજુબાજુ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સ્વામી વિવેકાનંદની તસવીરો મુકાઈ શાળા પાસે નાનો બેન્ડ સેટ હતો તે રીપેર થયો.લેઝીમ,ડંબેલ્સ ના થોડા  નવા સેટ આવ્યા.        .ભાગ્યે જ ખુલતી પ્રયોગશાળા નિયમિત ખોલવાની શરૂઆત થઇ.જરૂરી સાધનો  આવી ગયાં .વિજ્ઞાનીઓના જીવન સાથેના ફોટા દીવાલો પર લટક્યા. નવા પુસ્તકો આવ્યાં ને વર્ગવાર પુસ્તકાલય શરુ થયાં .દર માસે થતી શિક્ષકસભા માં વિશેષ ચર્ચા થતી.

         મહાનગર પાલિકાની શાળાના બાળકો આવતાં. તેમાંના મોટાભાગના ના વાલીઓ અલ્પ શિક્ષિત અને શ્રમજીવી હતા. સાવ કાચા પાયા વાળા બાળકો  ધોરણ આઠમા પ્રવેશ મેળવે.અક્ષરજ્ઞાન અને સરવાળા જ ઓછાં બાળકોને આવડે.પરિણામે ધોરણ દસ નું પરિણામ ખુબ ઓછું આવે. મંથન ચાલ્યું.આઠને બદલે નવ તાસ .જેમાં પ્રથમ ઝીરો તાસમાં પાયાનું શિક્ષણ.' વિદ્યાર્થી દત્તક યોજના 'માં દરેક શિક્ષકને ધોરણ દસના પાંચેક બાળકો દત્તક આપ્યા.અવારનવાર ઘેર જાય,સ્થિતિ જાણે. માર્ગદર્શન  કરે..કેટલાક મિત્રોએ તો સ્વપ્રેરણાથી પુસ્તકો વગેરે પણ આપ્યા. આ પ્રક્રિયા તો દર વર્ષે ચાલુ જ રાખવાનું વિચારાયું. અગાઉ બંધ થયેલા વર્ગોના ફાજલ શિક્ષકો પાસે વર્ગકાર્ય નહોતું એટલે એમનો તો આ પ્રકલ્પ અને શાળાની અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં તો વિશેષ રસ રહેતો.જેનામાં જે વિશેષ ક્ષમતા હોય તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવાનો કીમિયો અહીં સફળ થતો એનો આનંદ  આવતો.

          વિસ્તાર અને વાલી સંપર્ક વધે તે હેતુથી શૈક્ષણિક પ્રદર્શન ગોઠવાયું.પુસ્તકો ,બાળકો અને શિક્ષકોની કલાકૃતિ અને સંગ્રહ, ચિત્રો ,શાળા સંસાધનો વગેરે ગોઠવાયાં.શાળામાં પ્રથમ કમ્પ્યુટર નું વિમોચન ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું.સ્વામિનારાયણ સંતોએ વિદ્યાર્થીઓ  અને  વાલીઓ પાસે  વ્યસનમુક્તિના વચનપત્રો લીધાં

.     અનેક નાનાં મોટાં તીર્થ ધરાવતાં આ મોટાં તીર્થની પરિક્કમાંનો તો પ્રારંભ હતો.અનેક વૈવિધ્ય વાળા વર્ણન માટે તો રાહ જોવી જ પડે ને ?

દિનેશ લ.માંકડ   ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment