યાત્રા -16 --શાલીનની શાલીનતા
" હવે આપણે આવા વિધર્મી વિસ્તારમાં રહેવા કરતાં પોતાનું મકાન
લઈએ તો કેમ ? "-ત્રણેય જણ વિચારતાં રહયાં.અમદાવાદમાં મકાન લેવું કેટલું અઘરું ?
પાર્થની દીવાન બલ્લુભાઈ શાળા મણિનગરમાં. એક તરફ
ભુજમાં અગાઉ 1984 માં લીધેલા
નાનકડાં મકાનના વેચાણના પ્રયત્નો તો બીજી તરફ બજેટ અને વિસ્તારને અનુલક્ષીને
શોધખોળ .ખબર હતી કે સમય માંગે તેવું કાર્ય હતું. એટલી ખબર હતી કે ભૂમિ પોતે જ
પોતાના રહેવાસીને બોલાવે છે..
નવી સ્કીમ જોવાની ને વર્તમાનપત્રની વિજ્ઞાપનો જોવાની પ્રક્રિયા ચાલુ..એક વિજ્ઞાપનની વિગત ગમી." શાલીન એપાર્ટમન્ટ ,જવાહર ચોક ,મણિનગર."
માલિકને ફોન કરતાં પહેલાં કચ્છી સમાજની જૂની ડિરેક્ટરીમાં જવાહર ચોકના સરનામાં
શોધ્યાં.'બીના મેડિકલ સ્ટોર,
જવાહર ચોક '. લ્યુના ઉપાડ્યું.
સ્થળે જઈ,સ્વપરિચય આપી,પૂછ્યું,' શાલીન ક્યાં
આવ્યું ? "' મૂળ કચ્છના રાયણના હરખચંદભાઈ શાહના જયેશભાઇ એ જવાબ આપ્યો. અમારી દુકાન પાછળ .અમે
પણ એમાં જ રહીએ છીએ." રહેવાસીઓ વિષે પ્રાથમિક વાતો કરી.
ઘેર આવી મલિક શ્રી ઉપેન્દ્રભાઈ દેસાઈને ફોન કર્યો.સાથે આવ્યા .જોયું ,ગમ્યું. બાના કરાર થયો.હવે ભુજનું નાનું મકાન વેચવાની તજવીજ
ચાલુ.. મકાન લેવા કરતા ,વેચવું
અઘરું.ધાર્યા ભાવ ન સ્વીકારાય.નાણાં આપવાની અનુકૂળતા -પ્રતિકૂળતા વગેરે.પણ
આખરે વેચાયું.અગાઉ આવકવેરામાંથી બચવા લીધેલી ફિક્સ ડિપોઝિટ્સ વગેરે મળી એ જોગવાઈ
થઇ.
પહેલી ઓગસ્ટ 1998 થી અમારું
સરનામું એ/ 1 શાલીન એપાર્ટમેન્ટ થયું. .ગાયત્રી યજ્ઞમાં પૂજ્ય ભાઈ ( કુમુદભાઈ ), કુંતાબેન , મૃદુલભાઈ,મુકેશભાઈ પરિવાર વગેરે હાજર હતાં.સમાન હેરફેરની વિચારણા ચાલતી
હતી .ત્યાં તો મૃદુલભાઈ અને
પાનો ચડાવ્યો.બે ટેમ્પા આવ્યા.દોડંદોડી .,હેરફેર કરતાં
સાંજે પાંચ વાગ્યા.આગલા દિવસે અગાઉના ઘેર લાડુ તો બની ગયા હતા.સવારનું જમવાનું, સાંજે પાંચ વાગ્યે સાથે જમ્યાં !
અમદાવાદમાં પોતાનું ઘર ! નવો પાડોશ,નવો વિસ્તાર.એ
બ્લોકનું ગ્રાઉન્ડ ફ્લોરનો અમારો ફ્લેટ,એટલે ચડતાં ઉતારતાં સહુ
ને જય શ્રી .કૃષ્ણ કહેવાની પ્રથામાં દિવસમાં એકાદ માળા થઇ જાય. અનેક પ્રગતિનું
સાક્ષી બનવાનું સ્થળ એટલે શાલીન. ઘર થી ખુબ
નજીક સ્વાધ્યાયનું વિડીયો કેન્દ્ર 'હીરાભાઈ કન્યાવિદ્યાલય ' હતું.નવો પરિવાર મળતો થયો.ભાવફેરી ને થોડીક ભક્તિફેરી પણ શરુ થઇ .
પાર્થનું દસમાંનું પરિણામ 90 ટકા ઉપર આવ્યું.દીવાન બલ્લુભાઈ માં વિજ્ઞાન
પ્રવાહ .બારમા નું પણ એટલું જ.ઊંચું આવ્યું.પ્રવેશ પ્રક્રિયા માં સમય જવાનો હોઈ,સલામતીના ભાગ રૂપે વલ્લભ વિદ્યાનગર બી.એસસી (બાયોટેકમાં ) પ્રવેશ લીધો.મણિનગર
રેલવે સ્ટેશનથી તેનું રોજ અપડાઉન શરુ.પછી તો હોમિયોપથીમાં અમદાવાદ કોલેજ,બોપલ માં પ્રવેશ મળ્યો. તેની નવી દિશાના દ્વાર ખૂલ્યાં .
કાંકરિયા તળાવ એટલે અમદાવાદનું નજરાણું.અને ઘરથી ફક્ત દોઢ બે કિલોમીટર
દૂર.અનુકૂળ હોય તે દિવસે સવારે કાંકરિયા તળાવનો આશરે પોણા ત્રણ કિલોમીટરનો રાઉન્ડ
મારી લેવાની તક તો વર્ષો સુધી લીધી.પછી થી તો કાંકરિયા વિકસીને એક પર્યટક સ્થળ પણ
બન્યું. ઘર પાસેનું રાધાવલ્લભ
મંદિર,ઉપરાંત સ્વામિનારાયણ,,અંબાજી ,સૂર્યનગર મહાદેવ દર્શન સ્થળો રહેતાં મણિનગરની ઓળખ સમું મણીકરણેશ્વર મહાદેવનું
મંદિરનો પણ પાર્થનો નિત્ય ક્રમ હતો.
ઉત્તરાયણ આમેય અમદાવાદની ઓળખ છે.તે દિવસે તો સવારથી રાત સુધી આખું શાલીન અગાસી
-ધાબે જ હોય.સૌથી વડીલ છતાં જુવાનિયા શરમાવે તેવા પ્રોફેસર અશોકભાઈ શેઠ ની
રાહબરીમાં ,અમે ,દિલીપભાઈ ,વર્ષા બહેન ,મુકુંદભાઈ પંકજભાઈ ગાંધીના પરિવારો પતંગ ચગાવીએ.રાત્રે ધાબે જ તાપણું
થાય.સહુના ઘરના નાસ્તા આવે.તારીખ 15 મી એ વાસી ઉત્તરાયણ પણ એવી જ રંગે ચંગે જાય.
તારીખ 16 મી એ મુકુંદભાઈનો જન્મદિવસ એટલે 15 મી એ રાત્રે 12 વાગ્યે તેમના તરફથી
આઈસ્ક્રીમ ખવાય.આ ક્રમ પણ વર્ષો સુધી જ.
ને પછી તો અનેક સુખ પ્રસંગે શાલીનની શાલીનતા સ્પર્શતી જ રહી.સ્પર્શતી જ રહી.
2001 ની એ ગુજરાત ,અમદાવાદ કચ્છને
અલબલાવનાર એ ઘટના વખતેય શાલીન ને શાલીનતા જ બક્ષી એની વાત આગળ ઉપર
દિનેશ લ. માંકડ ( 9427960979 )
અન્ય લેખ વાંચવા બ્લોગ પર
ક્લિક કરો
mankaddinesh .blogspot.com
આત્મીયતા જતાવતી રસપ્રદ માહિતી
ReplyDelete