Readers

Friday, January 10, 2025

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ -11

                                                     યોગીની આનંદ લહરી - માજીબા



          મનુષ્ય જન્મ માટેના ઈશ્વરે નિર્મિત કરેલા કેટલાક સિદ્ધાંતો છે.કોઈ સંચિત કર્મો ના નિમિત્તે  જન્મે તો કોઈ અધૂરાં કાર્યો પૂર્ણ કરવા તો કોઈ ઋણાનુબંધ નિભાવવા જન્મે .પણ કેટલાક ને પ્રભુ જાગતિક જરૂરિયાત { Universal  Necessity } માટે પૃથ્વી પર મોકલે.સમાજના કોઈ મોટા વર્ગને જીવન માટેના દિશા દર્શન માટે પ્રેરે. અનેક સંતો,, મહાપુરુષોના ઉદાહરણ આપણી સામે છે.પૂજ્ય માજીબાનું જન્મ નિમિત્ત પણ કૈક એવું જ હોઈ શકે. ભારતનો અંતરિયાળ વિસ્તાર કચ્છ ,અંગ્રેજોનું ગુલામીકરણ ,અલ્પ શિક્ષણ સુવિધા અને એવાં અનેક વિધ પરિબળો વચ્ચે ઉત્તમ ગુરુ માર્ગદર્શન,વિશિષ્ઠ સાધના જ્ઞાન અને દૃઢ સંકલ્પ થી જીવન દર્શન અને દૂર ગામડાંના લોકોની જીવન દૃષ્ટિ વિકસાવવી અને સામાન્યજન માટે અતિ કપરી યોગ સાધનાને  જરાય આડંબર વગર સહજ રીતે જનસામાન્ય સુધી વહેંચવી એ અકલ્પ્ય જ ઘટના છે.છતાં હકીકત છે.એટલું જ નહિ તેમના દેહ શાંત થયાને સિત્તેર થી વધુ વર્ષ થઇ ગયા છતાં તેમના ભાવિકો અને સાધકોની ત્રીજી ચોથી પેઢી પણ આજે તેમને નમન કરે છે તેમને ગુરુપૂર્ણિમા ના દિવસે યાદ કરે છે.આ વાત નાનીસૂની નથી. આજે પ્રચાર -પ્રસાર ના સાધનોને અનેક  સાચા  તો  કેટલાક ભ્રામક વ્યકિતત્ત્વો સામે આવે છે. લોકો સુધી પહોંચે છે.તેવે સમયે આવાં ઓછાં પ્રચલિત પણ નિસ્વાર્થ અને સહજ રીતે પહોંચેલા ચરિત્રોની સુવાસ અને અમીદૃષ્ટિ આજે પણ એટલી જ પ્રબળ હોય છે.આ અનુભૂતિનો વિષય છે.

સંકલન  કર્તા - દિનેશ લ. માંકડ

ચલિત દુરભાષ -9427960979

વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com 

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ - 10

                                                        યોગીની આનંદ લહરી - માજીબા 



          માજીબાનો શબ્દ દેહ -સાહિત્ય - અનેક આધ્યાત્મિક પુસ્તકોના અભ્યાસ ,વ્યાખ્યાન અને પછી તેમાંથી આર્ધ અર્ક રૂપે કેટલીક નાની પુસ્તિકા પણ પ્રકાશિત કરેલ.ચુડાલા આખ્યાન  અને ગીતાસાર મુખ્ય છે.તેમણે રચેલાં કેટલાંક ભજનો  તો બહેનોને કંઠસ્થ પણ રહેતાં.. માજીબાના ભાવિક અને સાધકો બધા જ સમુદાયમાંથી આવતા. સામાન્ય જન પણ સાધના અને જીવનના ઉચ્ચ આદર્શ સમજીને અપનાવી શકે તેવી ભાષામાં તેમનું સાહિત્ય છે.' શરીરના મુખ્ય છ ચક્રો ની યોગ સાધનાની સરળ સમજણ માટે ષટચક્ર દર્શન' માટેની પદ્યાત્મક રચનામાં થોડામાં ઘણું ખુબ સરળ રીતે મૂકયું છે.જોઈએ એક બે પંક્તિ – મૂલાંધારના ગણપતિ દેવ ,ચાર પાંખડીને પૂજી કરો સેવ.' ' સ્વાદિસ્થાન ષટ દળ વાલું ,તેના દેવ છે બ્રહ્મા છે  રૂપાળું .' વિશેષ સંદેશ આપતા તેમના રચેલા ગરબા અને ભજનો તો અનેક ભાવિકો કંઠસ્થ રહેતાં.આજે પણ એવા કેટલાય ભાવિક પરિવારોની બીજી ત્રીજી ચોથી પેઢી તેને સાચવે છે -ઝીલે છે.

          તેમની એક વિશેષ રચના એટલે ' પદ્યાત્મક ગીતાસાર 'શ્રીમદ ભગવદગીતાના દરેક અધ્યાયમાંથી સારતત્ત્વ વાળા  શ્લોકોના છંદ બંધારણમાં જ ગુજરાતીમાં અદભુત ભાવાનુવાદ છે.એ વાંચ્યા પછી કોઈપણ વ્યક્તિ એમ ન કહી શકે કે ગીતા સમજવી સામાન્યજન માટે અઘરી છે.. ,એમાંથી પણ થોડું શબ્દ આચમન કરીએ. કૃષ્ણ કહે અર્જુનને ,ક્ષાત્ર ધર્મ સંભાળ ,યુદ્ધ ક્ષાત્ર નો ધર્મ ,યુદ્ધે  ચડો તત્કાળ .{ અ .1 } સ્થિત પ્રજ્ઞ તે જાણીએ ઉર ઉદ્વેગ ન હોય ,ક્રોધ ,રાગ,ભય ટાળીને અંતર આત્મા જોય .{ અ .2 } વધે કામથી ક્રોધ બહુ ,ક્રોધથી મોહ પમાય ,મોહ થકી સ્મૃતિ નો સમૂળો નાશ થઇ જાય.સ્મૃતિના નાશથી બુદ્ધિ પણ લોપાય,જયારે બુદ્ધિ જાય છે ,તે પોતે અફળાય { અ 2 } મોહ માન ના ત્યાગથી ઈચ્છા કરી નિવૃત્ત દ્વન્દવઃ ભહવના ત્યાગથી થાવું કૃતકૃત્ય  {અ 15 }  .

સંકલન કર્તા - દિનેશ લ. માંકડ  ચલિત દુરભાષ  9427960979

વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ - 9

                                                       યોગીની આનંદ લહરી - માજીબા 




         માજીબનો સાધક વર્ગ - કચ્છ ,ગુજરાત ઉપરાંત મુંબઈ ,નાસિક પણ માજીબનો બહોળો સાધક વર્ગ હતો.ભુજ ખાતે તો દરરોજ મજિબાના ઘેર અને આશ્રમમાં નિયમિત જતો વર્ગ ખુબ મોટો હતો.સૌરાષ્ટ્ર,નાસિક,મુંબઈ ,કરાચી ધનબાદ,રાંચી,કલકત્તા ,ઝરીયા વગેરેમાં પણ તેમને વિશેષ કરીને ભાવિકો બોલાવતા.અને ધ્યાન શિબિર ગોઠવતા.કચ્છ ,અને સૌરાષ્ટ્રના અનેક રાજવી પરિવારો પણ તેમના યોગ,સાધના અને જ્ઞાન માટે ખુબ આદર ધરાવતાં..તેમના બહોળા સાધક વર્ગમાંથી આજે પણ થોડાં વિશેષ  નામો ઉપલબ્ધ બન્યાં છે ,જેમની બીજી, ત્રીજી કે ચોથી પેઢી  આજે પણ પોતાના વડીલ, માજીબાના સાધક હતા તેમ જાણી ગૌરવ અનુભવે છે અને માજીબાને પ્રણિપાત કરે છે.- સત્સંગ  કરે છે..

          મુંબઈના ખ્યાતનામ ડોક્ટર કેદારનાથ પાઠક તો પ્રથમ જ વખતમાં એવી અનુભૂતિ લઇ ગયા કે પોતાની વ્યસ્તતા વચ્ચે પણ માજીબા પાસે આવી જતા. માજીબાના એક સંનિષ્ઠ સાધક ઉજમબેન ઉપાધ્યાય તો પ્રાણાયામની પરમ સ્થિતિ એ અધ્ધર થઇ જતાં અને એક રૂમમાંથી બીજા રૂમમાં ફરતાં  કમળાબેન ઉપાધ્યાય,પ્રભાવતીબેન ઓઝા શાંતિબેન ,કંકુબેન ,પુષ્પાબેન,કાંતાબેન જેવાં અનેક બહેનો માજીબાની સાથે સાધનામાં જોડાઈને ઉચ્ચ સાધના કરતાં.. માણેકબેન પણ એક ઉચ્ચ યોગ સાધક હતાં. તેમણે માજીબની પ્રેરણાથી ' યોગાનુભવ ' પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. . દેવકીબેનને પણ આસ્થા એટલી કે તેમણે માજીબાના લખેલ ભજનો  છપાવીને પ્રસિદ્ધ કરેલ.કુકમા ગામના ગંગાબેનએ તો પોતાના ગામમાં આનંદઆશ્રમ બનાવેલો અને ત્યાં સત્સંગ કરાવતાં. રાજકોટના આદિલતા બહેન પણ માજીબની રાજકોટ મુલાકાત વખતે પ્રભાવિત થઇ ને માજીબાને ગુરુપદે સ્થાપેલાં.અને તેમના માર્ગદર્શનમાં ઉચ્ચ સાધના પ્રાપ્ત કરેલ.રાજકોટના પારસીબહેન ડોલી બહેનએ  આદિલતાના જીવનકવન વિષે 'આદિમાં ' પુસ્તક પણ લખેલ છે.રાજકોટમાં ' માજી કન્યાશાળા ' પણ છે. નેત્ર કચ્છના લાડકાબેન પણ પરમ ભાવિક હતાં પણ તેઓ મુંબઈ રહેતાં..માજીબાના લિન થવાના બોતેર કલાક પહેલાં માજીબાએ પહેલી જાણ  લાડકાબબેનને કરેલી અને તેઓ મુંબઈથી મારતે  ઘોડે આવી પહોચેલાં..અહીં ૐ કાર જપ શરુ થઇ ગયેલા..

            માજીબાના પૂર્વાશ્રમના  સગાં બહેન કાશીબહેન,ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં માજીબા પ્રેરિત સાધનામાં જોડાતાં અને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરેલી. તેઓ આ સંકલનના મૂળ પુસ્તકના લેખક શ્રી જાદવરાયભાઈ ધોળકિયાના માતુશ્રી થાય લેખકશ્રી જાદવરાયભાઈ પણ માતુશ્રી સાથે અવારનવાર માજીબાના દર્શનાર્થે જતા આ પુસ્તકના સંકલનકારના દાદા વૈજનાથભાઈ { માજીબાના ભાઈ } ,પિતા લક્ષ્મીલાલભાઈ { માજીબાના ભત્રીજા } અને અન્ય પરિવારજનો પણ અવારનવાર માજીબાના આશ્રમે જતા અને પ્રેરણા -આશીર્વાદ લેતાં     

          કોઈ સમયે માજીબાને ,તેમના થોડા સાધક ભાવિકોને પોતાની સિદ્ધિનો અહંકાર આવતો દેખાયો.માજીબાએ તેમને અહંકાર ન રાખવાની સલાહ આપવાને બદલે- 'પોતાને 21 દિવસની સમાધિની જરૂર છે '- કહીને ,માજીબા  બંધ રૂમમાં બેસી ગયાં.બરોબર 21  દિવસ પછી તેઓ બહાર આવ્યાં.તેમના તેજસ્વી સ્વરૂપને જોઈને બાકીના નો અહંકાર ઓગળી ગયો. . કચ્છ  રાજયની કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ  શ્રી છોટુભાઈ નારાયણભાઈ દેસાઈ ,માજીબાના ગુરુભાઈ હતા.તેઓ ખુબ અભ્યાસુ હતા.તેઓ દર શુક્રવારે માજીબાના આશ્રમમાં આવી વિશેષ ચિંતન આપતા .કચ્છના જ્યુડિશિયલ કમિશ્નર શ્રી જનાર્દનભાઈ બક્ષી ,નીલમબેન બક્ષી,જામબગરના રામભાઈ ધોળકિયા ,અમદાવાદના ધીરુભાઈ ભચેચ વગેરે પણ ભુજ દર્શનાર્થે આવીને સત્સંગમાં જોડાતા.ઉપરાંત સ્વામી માધવતીર્થજી ,સ્વામી અદ્વૈતાનંદજી ,સ્વની કૃષણતીર્થજી ,સ્વામી ક્રુશાનંદજી,જેવા ,કેટલાક સંત મહાત્માઓ પણ  માજીબાના આશ્રમે આવતા અને બ્રહ્મ વિચાર વગેરે પર વિસ્તૃત ચર્ચા,છણાવટ યોજાતા.માજીબાના  કેટલાક સાધકો સાથેના વિશેષ પ્રશ્નોના કેટલાક સંવાદો, તેમજ માજીબાએ બતાવેલ સરળ ધ્યાનની રીત પણ મૂળ પુસ્તકમાં ઉપલબ્ધ છે.

સંકલન કર્તા - દિનેશ લ. માંકડ  ચલિત દુરભાષ  9427960979
વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 
mankaddinesh.blogspot.com 

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ -8

                                                           યોગીની આનંદ લહરી - માજીબા 


            માજીબાના ગુરુ શ્રીમન્ન ન્રુસિન્હચાર્ય - ગુરુ કરાતા નથી હોતા ,તે થઇ જાય છે. માજીબાના ગુરુ  વિષે પણ યોગ જુઓ. પોતે અંજારના .અને ત્રણથી વધારે પેઢીથી પૂર્ણ આસ્થાવાળા .લગ્ન પછી અમદાવાદ..ખુબ જ ધર્મનિષ્ઠ પતિ હાથીરામ .સરકારી કામે પ્રાંતિજ જાય .ત્યાં શ્રી  ન્રુસિન્હચાર્ય સાથે મિલન..સાથો સાથ માજીબાનું પણ શ્રી ન્રુસિન્હચાર્ય સાથે મિલન. હાથીરામ અને માજીબાના પણ ઉત્તમ ગુરુ તરીકે  પૂર્ણ મનોસંકેત અને પછી વડોદરા જઈને મંત્રદીક્ષા . આવાં ધર્મનિષ્ઠ દંપતીના ગુરુ પણ એવા જ હોય ને 19 મી સદી  ભારત દેશની આધ્યાત્મિક સદી બની રહી.1824 માં મહર્ષિ દયાનંદ સરસ્વતી ,1834 માં રામકૃષ્ણ પરમહંસ 1872 માં  મહર્ષિ અરવિંદ. એ જ સદીમાં રમણ મહર્ષિ પણ.અને એ જ ગૌરવગાથામાં 1824 માં ગુજરાતના સુરત જિલ્લામાં ના નાનકડાં ગામ કડાદમાં તેમનો જન્મ..પુત્રના લક્ષણ પારણામાંથી .તીવ્ર સ્મરણ શક્તિ.12 માં વર્ષે શ્રી મધુસુદન શાસ્ત્રીજી  પાસે મંત્રદીક્ષા લઇ 40 દિવસનું અનુષ્ઠાન કરીને મંત્રદેવતાનો સાક્ષાત્કાર કર્યો. યજુર્વેદ અને અનેક શાસ્ત્રોનું ઊંડાણથી અધ્યયન.અને પછી સમાજના ગૃહસ્થોને પ્રવચનો દ્વારા ઉત્તમ સંસાર દ્વારા ઈશ્વર પ્રાપ્તિની દિશામાં સાધના વિષે સમજાવતા.ઈ.સ. 1822 માં વડોદરામાં શ્રેય સાધક અધિકારી વર્ગની સ્થાપના.અનેક વિદ્વાનો ,ચિંતકો અને રાજવીઓ  તેમની પાસે આવી વિશદ ચર્ચામાં જોડાતા. ગૃહસ્થાશ્રમને શુદ્ધ કરી,સંયમશીલ બનાવી નવી પ્રેરણા આપી શ્રેયસાધના કરીને નવી ચેતના આપવામાં તેમનો ગુજરાતમાં ખુબ મોટો ફાળો છે.

           શ્રી ચુનીલાલ ભાઈ ઓઝાએ તેમના જીવન પર પુસ્તક લખેલ છે જેમાં શ્રી ન્રુસિન્હઆચાર્યજીના શિષ્યોએ અનુભવેલા કેટલાક વિશેષ પ્રસંગોનો પણ ઉલ્લેખ છે.જેવા કે માજીબા અને પતિ હાથીરામભાઇ એક વખત અમદાવાથી વડોદરા તેમના આશ્રમે ગયેલાં.અને બાપજી { ગુરુજી }ને અમદાવાદ ઘેર આવી પ્રસાદ લેવા નિમંત્રણ આપ્યું.ગુરુજીએ તરત જ ઉત્તર વાળ્યો ,આજે રાત્રે નવ વાગ્યે અચૂક આવું છું.'માજીબા તો વળતી બસમાં તરત અમદાવાદ આવી ગયાં. વડોદરા  અમદાવાદનું ખાસું અંતર અને તે સમયની અલ્પ વાહન સુવિધા છતાં - ' આજે જ આવશે' -  તેવું સાંભળી ને આશ્ચર્ય તો થયું છતાં ગુરુજી પરની અતૂટ શ્રદ્ધા અને નિષ્ઠા હોવાથી ,તેઓએ પૂર્ણ તૈયારી કરી. આસન પાથરી ,ગુરુજીનો ફોટો મૂકીને રાહ જોતાં હતાં.એક ચિત્તે પ્રભુ સ્મરણ ચાલુ હતું.આપેલો સમય વીતી ચુક્યો હતો..કોઈ અણસાર નહોતો.બંને ગદગદિત થઇ પ્રાર્થના વધારતાં ગયા .અચાનક આખો રૂમ તેજથી ભરાઈ ગયો.એક પછી એક દેવી દેવતાઓ હાજર થતાં ગયા.માજીબા ને હાથીરામભાઈ પહોળી આંખોએ દર્શન કરતાં ગયા અને પ્રણિપાત કરતાં ગયા. પ્રકાશ ગયો.સહુ દેવી દેવતા અલોપ થયાં ફરી તેજસ્વી પ્રકાશ સાથે આસન પર મુકેલો ગુરુજીનો ફોટો મોટા અવાજ સાથે ફાટ્યો અને ગુરુજી સદેહે પ્રગટ થયા.પોતાને વિલંબ થવા બદલ સહજ સસ્મિત સાથે પૂછયું .ભાવપ્રસાદ લઈને લિન થઇ અદૃશ્ય થઇ ગયા.માજીબા જયારે આવા પ્રસંગો કહેતાં ત્યારે ગદ ગદ  થઇ જતાં.અને કહેતાં કે 'બાપજી{ ગુરુજી } ના કહેવા પ્રમાણે તો શિષ્યોના ભાવનો આ અવિર્ભાવ જ છે.'. .  આજે પણ વડોદરા ખાતે શ્રેયસાધક મંડળ -આશ્રમ શ્રી ન્રુસિન્હઆચાર્યજીના યોગ સાધનાના વિચારોનો પ્રસાર કરે છે

સંકલન કર્તા - દિનેશ લ. માંકડ  ચલિત દુરભાષ  9427960979

વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com 

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ -7

                                       

                                                            યોગીની આનંદ લહરી - માજીબા
 


         અંજારના એક શિષ્યાએ યુવાની વયમાં ,ભુજમાં માજીબાના આશ્રમ નજીક મઢી બનાવી રહેતાં જે માત્ર ફળાહાર પર જ રહેતાં.પાછળથી ત્યાગવૃત્તિ વધી જતાં તેમણે માજીબા પાસે મંત્ર દીક્ષા લઇ, ભગવાં વસ્ત્ર સ્વીકારીને , યોગીની રત્નાગીરી નામ ધારણ કર્યું અને અંજાર ખાતે રહેવાં ગયા ત્યાં માજીબાના નામ પરથી 'આનંદ આશ્રમ 'બનાવેલો જેમાં માજીબાની પાદુકા રાખેલી.તેમની ઉપસ્થિતિમાં જ્ઞાનયજ્ઞ પણ કરાવેલ. અને ત્યાં નિવાસ કરતાં.-સહુને યોગ ધ્યાન અને સાધના કરાવતાં.એ પછી રત્નાગીરીજીનું શરીર શાંત થતાં માજીબાની હાજરીમાં માંડવી તાલુકાના મસ્કા ગામમાં રત્નાગિરિજીની પાદુકા મૂકી દેરી બનાવેલી.

        માજીબાના ભક્તજનોની અપાર શ્રદ્ધાથી તેઓએ ભુજ તાલુકાના કુકમા, અંજાર, મોરબીમાં આશ્રમ બનાવેલ. ભુજ ખાતે હાટકેશ્વર મંદિરમાં શિવાનંદગિરી પાઠશાળામાં  વિશાળ 'યોગીની આનાંદલહારી ખંડ બનાવેલ. .રાજકોટમાં 'માજી  કન્યાશાળા'તેમની સ્મૃતિમાં છે.ભુજ ખાતે તેમના જુના આશ્રમથી નજીક ભૂતનાથ મહાદેવ પરિસરમાં પણ તાજેતરમાં માજીબાના શિષ્યા સ્વ.કંકુબેન ડાહ્યાભાઈ સોલંકી તથા સ્વ.પુષ્પાબેન પુરુષોત્તમભાઈ સોલંકીના પુણ્ય સ્મરણાર્થે સ્વ.પુરુષોત્તમ ડાહ્યાભાઈ સોલંકી પરિવાર તરફથી " યોગીની આનંદ લહરી { માજીબા } ધ્યાનખંડ બનાવેલ છે.જેમાં નિયમિત સત્સંગ થાય છે.  આ બધી જગ્યાએ માજીબાની પ્રતિમા મૂકી ગુરુપૂર્ણિમાના રોજ પૂજન વગેરેએ થાય છે તેમના આશીર્વાદ લેવાય છે. એક વખત માજીબા નાસિક ગયાં .લાંબો પ્રવાસ હોઈ  સાત આઠ માસ જેટલો સમય વીત્યો..આ દરમિયાન પોતાની જમીનની રખેવાળી કરવા  ભાવિક ભરવાડને સોંપી ગયાં હતાં.અચાનક ભરવાડનું અવસાન થયું.માજીબા આવી ગયા પછી એક શ્વાન નિયમિત સત્સંગમાં બેસતો.માજીબા તેને બેસવા પણ દેતાં. કોઈએ માજીબાને પૂછયું તો કહે ,'કદાચ પૂર્વજન્મનું અધુરૂં પૂર્ણ કરવા ભરવાડ જ આવે છે.' એટલે સુધી કે જયારે માજીબાનો દેહ શાંત થયો ત્યારે તે મોટેથી ખુબ રડ્યો. બધાની સાથે સ્મશાને ગયો  બધાની સાથે તેણે પણ પ્રદક્ષિણા કરી.બીજા દિવસથી કદી એ શ્વાન ક્યાંય આશ્રમ આસપાસ ન દેખાયો.

           એક વખત માજીબા દ્વારિકા ગયેલાં સાથે કેટલાંક બહેનો પણ હતાં .ગોમતી સ્નાન કરી આવીને પોતાના ઉતારામાં શાંત ચિત્તે બેઠાં હતાં .અચાનક જ તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઇ.એમણે પોતાની સાથે આવેલ બહેનોને વાત કરી.ઘર સરનામા અને વ્યક્તિઓના નામ પણ આપ્યા.સહુએ ત્યાં જઈ તપાસ કરી તો બધું જ સત્ય જ નીકળ્યું .એટલું જ નહિ ત્યાં ગુજરી ગયેલા લોકો વિષે પણ માજીબાએ પૂછા કરી.

          સિત્તેર વર્ષે પણ યોગનિષ્ઠ માજીબા બાહ્ય રીતે તો સુદૃઢ હતાં પણ કાળદેવતા પાસે સહુ લાચાર હોય.શરીર અસ્વસ્થ  થયું. તે વખતે ભારતના મોટા આધ્યાત્મિક સંત રમણ મહર્ષિના ભાવિક એક ડોક્ટર ગુજરાત અનાયસે  માજીબાના દર્શને આવ્યા હતા.રમણજીના શરીર શાંત થયા પછી દેશના સંતોના દર્શને નીકળ્યા હતા. એ વિદ્વાન ડોકટરે પણ માજીબાના રોગને પારખીને દવાનું સૂચન કર્યું.પણ માજીબાએ સ્પષ્ટ ના પાડતાં કહયું કે ,જયારે શરીરનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે દવા કરવી નિરર્થક છે. .દવા કરશો તો પણ પ્રારબ્ધ પૂરું થશે ત્યારે તો દવા પણ તેને બદલી નહિ શકે.' પછી તો સહુ સ્વજનો એ પણ આગ્રહ છોડી દીધો.રમણ આશ્રમના ડોકટરે પણ કહ્યું કે આવા સમયે સંતોની ભૂમિકા જુદી જ હોય છે. ૐ કારણ જાપ શરુ થઇ ગયા.ભક્તજનોએ મંત્રજાપ શરુ કર્યા.આવનાર ભાવિકોની સંખ્યા પણ વધતી અને સહુ મંત્રજાપ માં જોડાતાં ગયા.ત્રણ દિવસ પહેલાં માજીબાએ એક ભક્ત ને કહી દીધું.,' સૂચન થઇ ગયું છે..72 કલાક બાકી છે.' -જે ભક્તજનો આવે તેને આશીર્વાદ આપતા રહયાં.તેઓનું શરીર શાંત થવાની આખી રાત ભજનો ગવાતાં રહયાં.માજીબાએ મહાપ્રયાણની તૈયારી કરી લીધી હતી.સંવત 2010 ના પ્રથમ વૈશાખ -પુરુષોત્તમ માસ એટલે તારીખ  16 મી એપ્રિલ 1953 ના રોજ સવારે 4.30 વાગ્યે તેઓ બોલ્યાં,' ૐ કાર જપ પૂરો થયો છે  ૐ કાર ની છાપ છપાઈ ગઈ છે.' અને તેમનો પ્રાણ આત્મજ્યોતિમાં વિલીન થતો હોય તેવી દશા દોઢ કલાક રહી.સવારે છ વાગ્યે તેમનું શરીર શાંત થયું. સૂર્યોદયના બાળ કિરણમાં આત્મ જ્યોતિ ભળી ગઈ

સંકલન કર્તા - દિનેશ લ. માંકડ  ચલિત દુરભાષ  9427960979

વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com

Thursday, January 9, 2025

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ-6

                                                           યોગીની આનંદ લહરી - માજીબા






           થોડી ખ્યાતિ વધતાં માજીબાને વિવિધ સ્થળોના નિમંત્રણ મળતાં અને તેઓ જતાં પણ ખરાં. કચ્છના સ્થળો ઉપરાંત જામનગર,રાજકોટ,અમદાવાદ ખાસ કરીને મુંબઈ,નાસિક,રાયપુર કોલકત્તા,ધનબાદ, રાંચી ઝરીયા અલાહાબાદ { હાલનું પ્રયાગરાજ } વગેરે સ્થળો એ તેઓ જતાં.સંવત 19935 માં મુંબઈમાં માધવબાગ તેઓએ 32 દિવસ સુધી યોગ અને વેદાંત પર વ્યાખ્યાનો આપેલાં.યોગ વશિષ્ઠ અને ગીતાજી પર તેમનો ઊંડો અભ્યાસ હતો.ઈ.સ. 1919 માં જયારે અંગ્રેજો સામે અસહકાર આંદોલનની ચળવળ ચાલતી હતી ત્યારે એક વખત માજીબા કરાચી હતાં. એ વખતે સ્વાતંત્ર સેનાની મહિલા શ્રી સરોજિની નાયડુ પણ કરાંચીમાં હતાં.આયોજકોએ સરોજિની નાયડુની સભામાં ઉપસ્થિત રહીને માજીબાને ,કશુંક બોલવા કહયું.એમણે ખુબ આનાકની પણ કરી છેવટે નમતું જોખ્યું અને પોતાના વક્તત્વયમાં કહયું કે ,’ દરિદ્ર નારાયણને ઈશ્વરીય રૂપ સમજી  સેવા કરવી એ પણ સાધના જ છે.' -આગળ ઉપર આત્મ સ્વરૂપની સર્વત્ર વ્યાપકતા સમજાવવા વેદાંતના વિષય પર ખુબ સરળ ભાષામાં એક કલાક વ્યાખ્યાન આપયું. બીજા દિવસે ત્યાંના વર્તમાનપત્રોએ તેની વિશેષ નોંધ પણ લીધી. બ્રિટિશ સરકારે એમને ક્રાંતિકારી સમજી તેમની પાછળ સી.આઈ ડી .પણ ગોઠવી.કરાચીથી માંડવી પરત આવતી વેળા તેમની તલાસી લેવા શુધ્ધાં નું પગલું અંગ્રેજ સરકારે લીધું પણ આખરે તો તપાસ અધિકારીઓ એ માફી માગવી પડી.

          માજીબા દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી જ્ઞાનયજ્ઞ કરતાં.તેમાં ભુજ આસપાસથી અને દેશ પરદેશથી પણ સંખ્યાબંધ ભાવિકો આવતાં.અહીં અગ્નિમાં આહુતિ આપવાની નહિ પણ નાની પ્રજ્ઞાકુંડી બનાવી ને તેમાં દરેકને આપેલ પુષ્પ સમર્પણ કરવાનું હોય સાથે સાથે પોતે જે ગુણ ગ્રહણ કરવાનો હોય તે બોલવાનો-સંકલ્પ લેવાનો.પછી માજીબા પ્રવચન આપતાં.આવા જ્ઞાનયજ્ઞ વર્ષો સુધી ચાલ્યા.માજીબા તરફથી આ પ્રસંગે ફળાહાર અપાતો.એક વખત ભાવિકોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી વધી ગઈ .આયોજનમાં સાથ આપનારા ખુબ મૂંઝાયા. માજીબા  કહે,' ચિંતા ન કરશો  શુદ્ધ સાત્વિક ભાવથી અને અનાસક્ત  અને નિસ્વાર્થ ભાવે જે થાય ત્યાં ઈશ્વર સમયસર મદદ કરે જ છે.'- બરોબર તે જ વખતે ગાડાં ભરીને ખજૂર,શીંગદાણા  કેળા પપૈયાં આવ્યાં.તપાસ કરતાં ખબર પડી કે આગલા જ દિવસે નજીકના સિનોગ્રા ગામના એક ભાવિક પરિવારે બીજે દિવસે જાણ વગર જ ફળ અને જરૂરી સામગ્રી સાથે ગાડાં લઈને આવવાનો નિર્ણય કરેલો..

સંકલન કર્તા- દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979 

 વિસ્તૃત વાંચવા બ્લોગ ના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogpost.com