Readers

Thursday, January 9, 2025

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ - 4

 

                                                        યોગીની આનંદલહરી – માજીબા 




         દિવસોદિવસ માજીબાની ખ્યાતિ બહાર પણ પ્રસરતી ગઈ.કચ્છ ઉપરાંત કાઠિયાવાડ માં લોકો તેમની સિદ્ધિને આદર કરતાં.કેટલાંક રાજવી પરિવારોએ તેમનું આદરપૂર્વક સન્માન પણ કરેલું.કાઠિયાવાડના એક ઠાકોરે તો પ્લાવિની મુદ્રા શીખવા માટે ઊંડો રસ પણ દાખવેલો..ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીના માતુશ્રી ખુબ ભાવ ભક્તિવાળાં હતાં તેમના નિમંત્રણથી મજિબા ત્યાં પણ ગયાં.અને સત્સંગમાં જોડાયાં.એક વખત યોગાનુભવ પરનું તેમનું પ્રવચન ભાવનગરમાં ગોઠવાયું.બહોળી સંખ્યામાં જિજ્ઞાસુ શ્રોતા બનીને આવેલા.એક ભાઈએ પ્રશ્ન કર્યો,' યોગીઓ શરીરને અદૃશ્ય કરી શકે છે ખરા ?'-માજીબાએ આ બાબતમાં એવો ઉત્તર આપ્યો કે ,' સૂક્ષ્મમાં એટલે કે વ્યાપક તત્ત્વમાં સંયમ કરી શરીરને અંતર્ધ્યાન કરી શકાય.'- પણ આ હકીકત એટલી ગહન છે કે સામાન્ય જિજ્ઞાસુઓ સીધી રીતે ન સમજી  શક્યાં તેથી પરિણામે તેના પર પ્રશ્નો ઉપર પ્રશ્નો આવતા રહ્યા.. એટલાં માં જ માજીબાને જ્યાં સભામાં બેઠેલાં ત્યાં કોઈએ જોયાં જ નહિ.તેઓ અંતર્ધ્યાન થઇ ગયા.સભામાં શાંતિ પ્રસરી ગઈ.લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા.અને પાછળથી થોડી જ ક્ષણોમાં તેઓ જ્યાં બેઠાં હતાં ત્યાં જોવા મળ્યાં અને સહજ રીતે ઉત્તરો આપવાનું શરુ કર્યું.

        સમયાંતરે માજીબાની વૈરાગ્ય તરફની વૃત્તિ વધતી ગઈ.ત્યાગ પણ વધતો ગયો.સંસારમાં રહીને જીવવા પ્રત્યેની ઉપેક્ષા વધતી ગઈ.ભુજ શહેરથી ઠીક ઠીક દૂર પીરાણા પીર નજીક  ખારસરા તરીકે ઓળખાતા નિર્જન વિસ્તારમાં પુત્ર મહેશ્વરના નામે ખેતર-જમીન લીધી.આ વિસ્તાર સ્મશાનની તદ્દન નજીક હતો. નાની સરખી મઢુલી બનાવી ત્યાં રહેવાનો નિર્ણય કર્યો. પિતાશ્રી લાલજીભાઈ ,અન્ય .પરિવારજનો અને ભક્તજનોએ  ખુબ વિરોધ કરી ને સમજાવ્યાં પણ ખરાં પણ - વિનવ્યાં પણ ખરાં.. આવી ભયગ્રસ્ત ભૂમિ પર રહેવાના ભયસ્થાનો પણ જણાવ્યાં પણ જેને ર્હદયે એક આત્મભાવ અને ત્યાગભાવના સુદૃઢપણે, અણુ પરમાણુમાં વ્યાપી ગઈ. જેને ગુરુ પર દૃઢ શ્રદ્ધા હોય અને જેને સમગ્ર જગત ઈશ્વરમય લાગતું હોય તેને ભય શાનો? આખરે માજીબા અણનમ અને અડગ નિશ્ચય ને તમામ કુટુંબીજનોએ માન આદર આપ્યા અને માજીબા મઢીમાં રહેલાં લાગયાં. અને અહીં આજીવન લગભગ ચાલીસ વર્ષ રહયાં .

          માજીબા થોડાં વર્ષો સફેદ વસ્ત્રો સાથે મઢીમાં રહયાં પછી તેમને સ્મરણ થયું કે પતિ શ્રી હાથીરામભાઇ આતુર સન્યાસ લઇ, ભગવાં વસ્ત્ર ધારણ કરેલ.આંતરિક આદેશ અનુસાર માજીબાએ પણ એ રીતે સંન્યાસ ધારણ કરવાનો નિશ્ચય જાહેર કર્યો..અત્યાર સુધી સફેદ વસ્ત્રધારી ,સંસારી,વ્યવહારી હતાં પણ તે બધી માયાના બંધનમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવાનું તેમને યોગ્ય લાગ્યું.સહુએ ખુશીથી અનુમતિ પણ આપી.તેઓ કાશી ગયાં વીસ પચીસ દિવસ ત્યાં રોકાયાં ત્યાં જ ભાગવા વસ્ત્રો  પહેરી  લીધાં આ અને સંવત 1971 માં  સંન્યાસ ધારણ કર્યો.અને ભુજ આવી પોતાની મઢીમાં જ નિવાસ કર્યો.અને સન્યાસીની તરીકે યોગીની આનંદલહરી નામ ધારણ કર્યું.પરંતુ  લોકો તો તેમને વ્હાલસોયાં નામ માજીબથી જ બોલાવતાં.. શાસ્ત્ર અનુસાર પાંચ પ્રકારના સન્યાસ છે. વૈરાગ્ય થતાં ,કોઈપણ પ્રકારની વિધિ વગર સ્વીકારેલો આતુર સન્યાસ, સન્યાસ લઈને દેવ મંદિર ,નદી કિનારે કે ગામ બહાર રહે તે કુટીચક સન્યાસ, પછીના સન્યાસ એટલે જળાશયો કે તીર્થ સ્થાનોના પ્રવાસનું  વિચરણ,,ચોથો હંસ એટલે જીવનમુક્તિના આનંદ માટે સિદ્ધિ મેળવવાની દશા. અને તે પછી પરમહંસ એટલે જીવન્મુક્તિ એ છેવટની દશા.માજીબાએ આતુર સન્યાસ તો લીધેલો.હવે કૂટીચક સન્યાસ લીધો અને મઢીમાં રહેવાં લાગ્યા.

સંકલન કર્તા- દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979


વિસ્તૃત વાંચવા બ્લોગ ના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 
mankaddinesh.blogspot.com 








No comments:

Post a Comment