Readers

Friday, January 10, 2025

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ -7

                                       

                                                            યોગીની આનંદ લહરી - માજીબા
 


         અંજારના એક શિષ્યાએ યુવાની વયમાં ,ભુજમાં માજીબાના આશ્રમ નજીક મઢી બનાવી રહેતાં જે માત્ર ફળાહાર પર જ રહેતાં.પાછળથી ત્યાગવૃત્તિ વધી જતાં તેમણે માજીબા પાસે મંત્ર દીક્ષા લઇ, ભગવાં વસ્ત્ર સ્વીકારીને , યોગીની રત્નાગીરી નામ ધારણ કર્યું અને અંજાર ખાતે રહેવાં ગયા ત્યાં માજીબાના નામ પરથી 'આનંદ આશ્રમ 'બનાવેલો જેમાં માજીબાની પાદુકા રાખેલી.તેમની ઉપસ્થિતિમાં જ્ઞાનયજ્ઞ પણ કરાવેલ. અને ત્યાં નિવાસ કરતાં.-સહુને યોગ ધ્યાન અને સાધના કરાવતાં.એ પછી રત્નાગીરીજીનું શરીર શાંત થતાં માજીબાની હાજરીમાં માંડવી તાલુકાના મસ્કા ગામમાં રત્નાગિરિજીની પાદુકા મૂકી દેરી બનાવેલી.

        માજીબાના ભક્તજનોની અપાર શ્રદ્ધાથી તેઓએ ભુજ તાલુકાના કુકમા, અંજાર, મોરબીમાં આશ્રમ બનાવેલ. ભુજ ખાતે હાટકેશ્વર મંદિરમાં શિવાનંદગિરી પાઠશાળામાં  વિશાળ 'યોગીની આનાંદલહારી ખંડ બનાવેલ. .રાજકોટમાં 'માજી  કન્યાશાળા'તેમની સ્મૃતિમાં છે.ભુજ ખાતે તેમના જુના આશ્રમથી નજીક ભૂતનાથ મહાદેવ પરિસરમાં પણ તાજેતરમાં માજીબાના શિષ્યા સ્વ.કંકુબેન ડાહ્યાભાઈ સોલંકી તથા સ્વ.પુષ્પાબેન પુરુષોત્તમભાઈ સોલંકીના પુણ્ય સ્મરણાર્થે સ્વ.પુરુષોત્તમ ડાહ્યાભાઈ સોલંકી પરિવાર તરફથી " યોગીની આનંદ લહરી { માજીબા } ધ્યાનખંડ બનાવેલ છે.જેમાં નિયમિત સત્સંગ થાય છે.  આ બધી જગ્યાએ માજીબાની પ્રતિમા મૂકી ગુરુપૂર્ણિમાના રોજ પૂજન વગેરેએ થાય છે તેમના આશીર્વાદ લેવાય છે. એક વખત માજીબા નાસિક ગયાં .લાંબો પ્રવાસ હોઈ  સાત આઠ માસ જેટલો સમય વીત્યો..આ દરમિયાન પોતાની જમીનની રખેવાળી કરવા  ભાવિક ભરવાડને સોંપી ગયાં હતાં.અચાનક ભરવાડનું અવસાન થયું.માજીબા આવી ગયા પછી એક શ્વાન નિયમિત સત્સંગમાં બેસતો.માજીબા તેને બેસવા પણ દેતાં. કોઈએ માજીબાને પૂછયું તો કહે ,'કદાચ પૂર્વજન્મનું અધુરૂં પૂર્ણ કરવા ભરવાડ જ આવે છે.' એટલે સુધી કે જયારે માજીબાનો દેહ શાંત થયો ત્યારે તે મોટેથી ખુબ રડ્યો. બધાની સાથે સ્મશાને ગયો  બધાની સાથે તેણે પણ પ્રદક્ષિણા કરી.બીજા દિવસથી કદી એ શ્વાન ક્યાંય આશ્રમ આસપાસ ન દેખાયો.

           એક વખત માજીબા દ્વારિકા ગયેલાં સાથે કેટલાંક બહેનો પણ હતાં .ગોમતી સ્નાન કરી આવીને પોતાના ઉતારામાં શાંત ચિત્તે બેઠાં હતાં .અચાનક જ તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઇ.એમણે પોતાની સાથે આવેલ બહેનોને વાત કરી.ઘર સરનામા અને વ્યક્તિઓના નામ પણ આપ્યા.સહુએ ત્યાં જઈ તપાસ કરી તો બધું જ સત્ય જ નીકળ્યું .એટલું જ નહિ ત્યાં ગુજરી ગયેલા લોકો વિષે પણ માજીબાએ પૂછા કરી.

          સિત્તેર વર્ષે પણ યોગનિષ્ઠ માજીબા બાહ્ય રીતે તો સુદૃઢ હતાં પણ કાળદેવતા પાસે સહુ લાચાર હોય.શરીર અસ્વસ્થ  થયું. તે વખતે ભારતના મોટા આધ્યાત્મિક સંત રમણ મહર્ષિના ભાવિક એક ડોક્ટર ગુજરાત અનાયસે  માજીબાના દર્શને આવ્યા હતા.રમણજીના શરીર શાંત થયા પછી દેશના સંતોના દર્શને નીકળ્યા હતા. એ વિદ્વાન ડોકટરે પણ માજીબાના રોગને પારખીને દવાનું સૂચન કર્યું.પણ માજીબાએ સ્પષ્ટ ના પાડતાં કહયું કે ,જયારે શરીરનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે દવા કરવી નિરર્થક છે. .દવા કરશો તો પણ પ્રારબ્ધ પૂરું થશે ત્યારે તો દવા પણ તેને બદલી નહિ શકે.' પછી તો સહુ સ્વજનો એ પણ આગ્રહ છોડી દીધો.રમણ આશ્રમના ડોકટરે પણ કહ્યું કે આવા સમયે સંતોની ભૂમિકા જુદી જ હોય છે. ૐ કારણ જાપ શરુ થઇ ગયા.ભક્તજનોએ મંત્રજાપ શરુ કર્યા.આવનાર ભાવિકોની સંખ્યા પણ વધતી અને સહુ મંત્રજાપ માં જોડાતાં ગયા.ત્રણ દિવસ પહેલાં માજીબાએ એક ભક્ત ને કહી દીધું.,' સૂચન થઇ ગયું છે..72 કલાક બાકી છે.' -જે ભક્તજનો આવે તેને આશીર્વાદ આપતા રહયાં.તેઓનું શરીર શાંત થવાની આખી રાત ભજનો ગવાતાં રહયાં.માજીબાએ મહાપ્રયાણની તૈયારી કરી લીધી હતી.સંવત 2010 ના પ્રથમ વૈશાખ -પુરુષોત્તમ માસ એટલે તારીખ  16 મી એપ્રિલ 1953 ના રોજ સવારે 4.30 વાગ્યે તેઓ બોલ્યાં,' ૐ કાર જપ પૂરો થયો છે  ૐ કાર ની છાપ છપાઈ ગઈ છે.' અને તેમનો પ્રાણ આત્મજ્યોતિમાં વિલીન થતો હોય તેવી દશા દોઢ કલાક રહી.સવારે છ વાગ્યે તેમનું શરીર શાંત થયું. સૂર્યોદયના બાળ કિરણમાં આત્મ જ્યોતિ ભળી ગઈ

સંકલન કર્તા - દિનેશ લ. માંકડ  ચલિત દુરભાષ  9427960979

વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment