Readers

Thursday, January 9, 2025

યોગીની આનંદલહરી – માજીબા પ્રકરણ- 1


યોગીની આનંદલહરી – માજીબા   


પ્રાસ્તાવિક

          કચ્છના મહાન સાધક અને સંત પૂજ્ય યોગીની  આનંદલહરી - માજીબા વિષે તેમના જ ભાણેજ સ્વ..મુરબ્બી જાદવરાય ભાઈ ધોળકિયા એ 1986 માં ખુબ વિસ્તૃત રીતે માહિતી એકઠી કરીને,સ્વાનુભવ તથા વડીલો પાસે સાંભળેલ વિગતોના આધારે પુસ્તક તૈયાર કરીને પ્રકાશિત કરેલ છે  માજીબાના ચાહકો -સાધકોના પરિવારોની માગણીથી એમના સુપુત્ર શ્રી રત્નાકરભાઈ ધોળકિયાએ તે પુસ્તકની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરી છે. અહીં તે પુસ્તક પરથી થોડા શબ્દોમાં સંકલન જ છે.જેમાં પૂજ્ય માજીબાના શક્ય તેટલા આધ્યાત્મિક પ્રસંગો સમાવવાનો પ્રયત્ન છે. વર્તમાન ટેક્નોલોજી ના સમયમાં નાના મોટા સહુને પુસ્તક કરતાં મોબાઈલ કે કમ્પ્યુટરમાં વાંચવું ગમે છે .એટલે આ ડિજિટલ ફોર્મમાં મુકવાનો પ્રયત્ન છે..ખાસ કરીને નવી પેઢી પણ જાણે કે કચ્છ જેવા પ્રદેશમાં અને તે પણ આટલી ઉચ્ચ કક્ષાની સાધના સુધી પહોંચેલ એક  મહાન વિરલ વ્યક્તિત્ત્વ હતું.જે કોઈને પ્રેરણારૂપ બની શકે.મુ.જાદવરાય ભાઈ પરિવાર નો ખાસ આભારી છું.શ્રી જ્યોતિર્ધર ભાઈ ધોળકિયાએ પૂજ્ય માજીબનો ખુબ સુંદર ફોટો મેળવી આપ્યો તેમનો પણ આભાર . મારા પિતાશ્રી લક્ષ્મીલાલભાઈ માંકડ   પૂજ્ય માજીબા ના ભત્રીજા થાય .એ રીતે મારુ નાનકડું કાર્ય મને ઋણ અદા કરવાની તક આપે છે.અસ્તુ.

 દિનેશ લ. માંકડ    ચલિત દુરભાષ 9427960979

યોગીની આનંદલહરી – માજીબા      પ્રકરણ- 1

        વિશ્વગુરુ ભારતવર્ષ એવી ભૂમિ છે જ્યાં સ્વયં ઈશ્વરે દસ દસ વખત અવતાર ધારણ કર્યા છે.આ દિવ્ય ભૂમિ પર અનેક આધ્યાત્મિક ગુરુઓ ,સંતો એ જન્મ લઈને ભૂમિને સદા પવિત્ર રાખી છે.- રાખી રહ્યા છે.આવા સંતો, ગુરુઓ એ ભારતવાસીઓને હંમેશ ઉત્તમ માનવ બનવાની સતત પ્રેરણા આપી છે અને આપતા રહે છે. આવા કેટલાય મહાન વ્યક્તિત્ત્વો પ્રચલિત અને નામાંકિત થયાં તો કેટલાક કાળસંદૂકમાં રહયાં અલબત્ત તેમને આદરપાત્ર ગણનારા કે  અનુયાયીઓ  માટે તે હંમેશ આદર્શ બની રહેતા હોય છે.

         કચ્છ ભુજમાં થઇ ગયેલા યોગીની આનંદલહરી { માજીબા } પણ એવાં જ એક આધ્યાત્મિક ગુરુ હતાં .આજે પણ તેમના પ્રત્યે અતિ આદર ધરાવતાં લોકો અને તેમના સ્મૃતિ ચિન્હો નું અસ્તિત્વ છે.  વર્તમાન સમયમાં થતો યોગ શબ્દનો અર્થ સંકોચ થયો છે.શરીર અને મનને સ્વસ્થ રાખવા જે કરાય છે તે એટલે યોગ એમ સ્વીકારાયું છે.અંશતઃ ખોટું પણ નથી.પરંતુ હકીકતમાં  યોગ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ- ધાતુ युज्, પરથી આવ્યો છે.  युज्,એટલે જોડવું- પરબ્રહ્મ સાથેના જોડાણની સળંગ પ્રક્રિયાને યોગ કહેવાય.અને આવો યોગ આત્મસાત કરનારા ઋષિઓ તો હતા જ પણ કેટલેક અંશ ગણાગાંઠ્યા સિદ્ધયોગી આજે પણ છે જ .પૂજ્ય યોગીની આનંદલહરી આવાં જ યોગી હતાં. .આવો એમના દિવ્ય જીવન વિષે થોડું જાણીએ.અને પ્રેરણા મેળવીએ.{ પૂજ્ય માજીબાના ભાણેજ મુ.જાદવરાયભાઈ ધોળકિયાએ તેમના જીવન પ્રસંગો પર એક પુસ્તક  1986 માં  પ્રકાશિત કર્યું છે તેમનામાંથી કેટલુંક સંકલિત કરી અહીં મૂક્યું છે.}

             કચ્છી સંવત 1932  { ઈ.સ.1876} ભાદરવા સુદ 9 ના દિવસે લાલજી માધવજી માંકડ ના ઘેર કચ્છ અંજારમાં તેમનો જન્મ.માતા  ભવાનીબેન અને પિતા બંને ખુબ ધાર્મિક વૃત્તિના.એટલે પુત્રી જયાલક્ષ્મી { મજિબાનું પૂર્વાશ્રમ નામ } પર ઉતરે જ...દાદા માધવજીભાઈ માં આશાપુરાના પરમ ભક્ત હતા. કહેવાય છે કે માતાજી તેમને સાક્ષાત દર્શન આપતાં . ઘરમાં અતિશય  ધાર્મિક વાતાવરણ હોઈ , બાળપણ થી જ માજીબા કલાકો સુધી પૂજામાં બેસી રહેતાં અને જપ કર્યા  કરતાં.ઘાથી નજીક આવેલાં માધવરાયના મંદિરમાં એક  પગ પર ઉભીને શ્રી કૃષ્ણના નામજપ કરતાં. બાળપણથી ઈશ્વરને સાક્ષાત જોવાની તાલાવેલી રહેતી.તેઓ આઠ વર્ષના થયાં ત્યારે ઘરમાં તેમનાથી છ વર્ષ નાનો ભાઈ ગુજરી ગયો. બાળમન વિચલિત થયું. માતુશ્રીને પ્રશ્ન પૂછે,-' મૃત્યુને કેમ જીતાય ?' માતા જવાબ આપે ,- ' નામ જપ થી.'.ફરી તેમના નામ જપ વધે. .અડોશ -પાડોશ ,જ્યાં મન ,જ્યાં જપ,કીર્તન કરવા મંડી પડે.

સંકલન કર્તા- દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979

વિસ્તૃત જાણવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment